102 નોટઆઉટઃ રાજેન્દ્ર ક્રિશ્ન

“આજનું સંગીત તે કંઈ સંગીત છે ? કોઈ કવિતા નહીં, કોઈ મીઠાશ નહીં…” આ ડાયલોગ લગભગ એવા દરેક ઘરમાં
બોલાય છે કે જ્યાં પચાસ કે એથી ઉપરની ઉંમરના માતા-પિતા અને વીસ-બાવીસ-ચોવીસના સંતાનો વસે છે ! જે લોકોએ
હિન્દી ફિલ્મોના જૂના ગીતો સાંભળ્યા છે, કિશોરકુમાર, મોહમ્મદ રફી સાહેબ કે મૂકેશજી, લતાજી કે મદનમોહન, સી. રામચંદ્ર
અને શંકર-જયકિશનના ગીતોના ચાહક જે ઘરમાં વસે છે એ ઘરમાં નવી ફિલ્મો માટે એક વિચિત્ર પ્રકારનું ટેબૂ અથવા પ્રેજ્યુડીસ
જોવા મળે છે. મોટાભાગના માતા-પિતા એવું માને છે કે નવા લેખકો, નવા ગીતો કે નવા સંગીતમાં કંઈ ખાસ દમ નથી ! આવું
એ કદાચ એટલા માટે માને છે, કારણ કે આવું એમણે ‘ધારી લીધું’ છે. એમની આ ધારણાના જોર ઉપર એ નવા ફિલ્મી સંગીતને
સાંભળવાની પણ તસ્દી લેતાં નથી…

આજના નવા લેખકો અને કવિઓને સાંભળીએ તો સમજાય કે એમની ભાવના અને એક્સ્પ્રેશન બંને એક જુદા જ
પ્રકારની ઉંચાઈને સ્પર્શે છે. આજના બધા યુવા સર્જકો મલ્ટી ફેસેડ અથવા અનેક ટેલેન્ટ ધરાવતા પ્રતિભાવંત સર્જકો છે. ફરહાન
અખ્તર એક અભિનેતા, સંગીતકાર, દિગ્દર્શક અને લેખક છે… એવી જ રીતે માનવ કૌલ પણ એક લેખક અને અભિનેતા છે.
રાધિકા આપ્ટે, નંદિતા દાસ, ઝોયા અખ્તર પણ લેખક-અભિનેત્રી અને દિગ્દર્શક છે ! જે કવિએ “યે મોહ મોહ કે ધાગે, તેરી
ઉંગલીયોં સે જા ઉલઝે…” લખ્યું છે એ એક ખૂબ સારો સ્ટેન્ડઅપ કોમેડિયન છે, વરુણ ગ્રોવર, જે એક સોફ્ટવેર એન્જિનિયર પણ
છે ! આપણને નવાઈ લાગે કે જેણે આટલું ઈમોશનલ ગીત લખ્યું છે એ એક ઈજનેર છે અને સાથે જ આવી કોમેડી કેવી રીતે
લખી શકતો હશે !

આજની પેઢીને પોતાની અભિવ્યક્તિ માટે અનેક માધ્યમ મળ્યા છે. એટલે કદાચ એમની અભિવ્યક્તિ અનેક રીતે
બહાર આવે છે, પરંતુ આજથી પાંચ દાયકા પહેલાં આપણી પાસે આવા એક લેખક હતા, જેમણે ‘પડોસન’ જેવી સદાબહાર
કોમેડી ફિલ્મના સંવાદો લખ્યા અને સાથે જ એમને એમના ગીત “તુમ્હી મેરે મંદિર તુમ્હી મેરી પૂજા, તુમ્હી દેવતા હો…”
(ખાનદાન) માટે ફિલ્મફેર મળ્યો !

રાજેન્દ્ર ક્રિશ્ન, એક એવા લેખક હતા જેમણે ફિલ્મોના સંવાદો લખ્યા, ઉત્તમ ગીતો લખ્યા અને હિન્દી સિનેમાને
અવિસ્મરણિય બે દાયકા સુધી એવું કામ આપ્યું કે જે આજે પણ ભૂલી શકાય તેવું નથી. હિન્દી ફિલ્મોનો સુવર્ણકાળ એટલે
1950થી 1970… એ સમયમાં હિન્દી સિનેમાને સારામાં સારું સંગીત અને ઉત્તમ ગીતકાર (લિરિસિસ્ટ) મળ્યા. સાહિર
લુધિયાનવી, મજરુહ સુલતાનપુરી, શૈલેન્દ્ર, હસરત જયપુરી જેવા અનેક લેખકો અને ગીતકારની સાથે સાથે રાજેન્દ્ર ક્રિશ્ન પણ
એમના સમયના ઉત્તમ ગીતકાર અને સંવાદ લેખક હતા. લગભગ અઢી સો ફિલ્મોમાં એમણે ગીતો લખ્યા અને સાથે જ દોઢ
સોથી વધુ ફિલ્મોમાં સંવાદ લખ્યા.

બીજા અનેક ફિલ્મી ગીતકાર અને સંગીતકારની જેમ રાજેન્દ્ર ક્રિશ્ન દુગ્ગલના પરિવારમાં પણ કોઈ સિનેમા સાથે
જોડાયેલું નહોતું. એમને ત્યાં લેખક પણ કોઈ નહોતા. એમના પિતા, કાકા અને બીજા અનેક વડીલો સરકારી નોકરીમાં હતા.
એમણે સિમલા નગરપાલિકાના લાઈટ ખાતામાં પિતાના આગ્રહને કારણે નોકરી તો સ્વીકારી, પણ એ નોકરી બહુ લાંબો ટાઈમ
ટકી નહીં. એ સિમલામાં હતા ત્યારે પણ કવિતાઓ લખતા અને લખવું એ જ જાણે કે એમના જીવનમાં સૌથી મહત્વનું હતું.
સિમલાના અખબારોમાં એમણે અનેક લેખો પણ લખ્યા હતા. એ મુંબઈ પહોંચ્યા ત્યારે પોતાના એક સિમલાના ઓળખીતાને
ત્યાં રહ્યા. એ સમયના લોકોની ખુમારી અને વિચારોને દાદ દેવી પડે, કારણ કે જ્યારે કંઈ કામ નહોતું ત્યારે પણ રાજેન્દ્ર ક્રિશ્નએ
શહેનશાહ અકબર નામની ફિલ્મમાં ગીતો કે સંવાદ લખવાનો ઈનકાર કરી દીધો હતો. 1943થી 1944ની લાંબી સ્ટ્રગલ પછી
એમણે લખેલું પહેલું ગીત સુપરહીટ થયું.

ફેમસ સ્ટુડિયોઝના બાબુરાવજીએ એમને માસિક રૂ. 600 (આજના 6 લાખ)ના પગારે નોકરી રાખ્યા. એમણે ‘પ્યાર
કી જીત’ અને ‘બડી બહેન’ જેવી બે સુપરહીટ ફિલ્મો આપી. બાબુરાવજીએ એમનો પગાર 1000 રૂપિયા કરી દીધો અને એમને
ઓસ્ટીન ગાડી ભેટ આપી… પગાર વધારાનું કારણ ફિલ્મોનું સુપરહીટ થવું કે નિર્માતાને થયેલી આવક નહીં, પરંતુ બાબુરાવે
જ્યારે રાજેન્દ્ર ક્રિશ્નને પૂછ્યું કે તમે શરાબ પીઓ છો, સિગરેટ પીઓ છો, જુગાર રમો છો ? ત્યારે દરેક સવાલના જવાબમાં
‘હા’ સાંભળીને એમણે 400 રૂપિયાનું એન્ટરટેઈન્મેન્ટ એલાવન્સ ઉમેરી આપ્યું !
રાજેન્દ્ર ક્રિશ્નએ દક્ષિણની અનેક ફિલ્મો લખી. રાજેન્દ્રકુમારને એમણે પોતાના ઘરમાં આશરો આપીને એમની
કારકિર્દીને સફળ બનાવવામાં પોતાની કલમનો સહારો આપ્યો. રાજેન્દ્રકુમારે આખી જિંદગી રાજેન્દ્ર ક્રિશ્નને પોતાના મેન્ટોર
માન્યા.

પંજાબ અને હિમાચલથી આવેલા અનેક નવોદિત કલાકારને એ પોતાને ત્યાં આશરો આપતા અને ફિલ્મોમાં કામ
અપાવતા… એમના ગીતો માત્ર ફિલ્મો પૂરતા મર્યાદિત નહોતા. “સુનો સુનો અય દુનિયાવાલોં, બાપુ કી યે અમર કહાની” જેવું
ગાંધીજીની હત્યા પછી લખાયેલું ગીત પણ અસરકારક સાબીત થયું. ગાંધીજી ઉપરાંત રાજેન્દ્ર ક્રિશ્ને નેતાજી સુભાષચંદ્ર બોઝને
બિરદાવતું એક ગીત “નેતાજી કા જીવન હૈ બલિદાન કી અમર કહાની” લખ્યું હતું. એ જ રીતે, જવાહરલાલ નહેરુ વિશે પણ
તેમણે ગીત લખ્યું હતું. જેના શબ્દો હતા, “કરતી હૈ ફરિયાદ યે ધરતી કઈ હજારોં સાલ, તબ જાકર પૈદા હોતા હૈ એક
જવાહરલાલ.”

સામાન્ય રીતે લેખક અને કવિઓના સંઘર્ષ વિશે જાત-ભાતની લોકવાયકાઓ કહેવાય છે. ભૂખ્યા રહીને, વડાપાંઉ
ખાઈને કે રસ્તા પર સૂઈને સફળતાના સંઘર્ષની દિશામાં સતત દોડતા રહેલા લોકોની કથાથી બોલિવૂડ ઉભરાય છે ત્યારે રાજેન્દ્ર
ક્રિશ્ન એક એવા લેખક અને કવિ હતા જેની પાસે એ જમાનામાં બે ગાડીઓ હતી ! રાજેન્દ્ર ક્રિશ્નને જુગાર ફળેલો… આવું
કોઈને કહીએ તો હસવું આવે, પરંતુ એ જમાનામાં 48 લાખ રૂપિયાનો જેકપોટ રાજેન્દ્ર ક્રિશ્ન જીત્યા હતા. ટેક્સ ફ્રી ઈનામની
રકમ આજ સુધી રેસની દ્રષ્ટિએ કદાચ મોટામાં મોટો જેકપોટ કહી શકાય. એ દિવસોમાં માત્ર જુગાર જ નહીં, એમની ફિલ્મો પણ
સુપરહીટ નિવડી રહી હતી. 1970માં એમણે રવિ અને મદનમોહન સાથે સુંદર ફિલ્મો આપી. કેબ્રેથી શરૂ કરીને ભજન સુધી
એમના શબ્દો લોકહૃદયને સ્પર્શી જતા. જે કવિએ લખ્યું, “સુખ કે સબ સાથી, દુઃખ મેં ન કોઈ” અને “રામચંદ્ર કહ ગયે સિયા સે
ઐસા કલજુગ આયેગા, હંસ ચુગેગા દાના દુનકા કૌવા મોતી ખાયેગા” એ જ કવિએ લખ્યું, “હુશ્ન કે લાખો રંગ, કૌન સા રંગ
દેખોગે…” જેના પર નૃત્ય કરીને પદ્મા ખન્ના (જોની મેરા નામમાં) અવિસ્મરણિય રહ્યાં. લતા મંગેશકર સામાન્ય રીતે કેબ્રે સોંગ
ગાતા નહીં, પરંતુ રાજેન્દ્ર ક્રિશ્નએ લખેલું કેબ્રે સોંગ, “આ જાનેજાં, મેરા યે હુસ્ન જવાં… તેરે લિયે…” પણ આજ સુધી લોકપ્રિય
છે.

ચાર પુત્રો અને બે દીકરીના પિતા રાજેન્દ્ર ક્રિશ્ન એકદમ પારિવારીક વ્યક્તિ હતા. એમણે લખેલા પારિવારીક સંવાદો
આજે પણ ફિલ્મચાહકોની આંખોમાં આંસુ લઈ આવે છે. એમનો એક જબરદસ્ત પ્રસંગ આર.કે. નૈયરે પોતાના ‘જયમાલા’
કાર્યક્રમમાં શેર કરેલો. રાજેન્દ્ર ક્રિશ્ન ચેન્નઈ હતા, એમની એક ફિલ્મનું શુટિંગ ચાલતું હતું. આર.કે. નૈયરની ફિલ્મ સેટ પર હતી
અને એક ગીત તાત્કાલિક શૂટ કરવું પડે એમ હતું. રાજેન્દ્ર ક્રિશ્ન મુંબઈ આવે શકે એમ નહોતા. એ જમાનામાં એસ.ટી.ડી.ની
સર્વિસ નહોતી, એટલે ટ્રંકકોલ બુક કરાવ્યો. આર.કે. નૈયરે ફિલ્મની સિચ્યુએશન જણાવી અને રાજેન્દ્ર ક્રિશ્નએ ફોન ઉપર ગીત
લખી આપ્યું. નવ મિનિટ ચાલેલા આ ટ્રંકકોલમાં ટેલિફોન ઓપરેટરની વિનંતીથી રાજેન્દ્ર ક્રિશ્નએ ગીત પોતાના અવાજમાં ફરી
સંભળાવ્યું…

આટલી બધી ક્વોન્ટીટી છતાં એમની ક્વોલિટી ક્યારેય સફર નથી થઈ. “વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આ ગઈ…”,
“ફિર વો હી ગમ, વહી તનહાઈ હૈ…” ના દર્દભર્યા ગીતોની સામે ‘અલબેલા’ના ગીતો, “શામ ઢલે, ખિડકી તલે, તુમ સિટી બજાના
છોડ દો…” અને “ભોલી સુરત દિલ કે ખોટે, નામ બડે ઔર દર્શન ખોટે…” જેવા હલકા-ફૂલકા ગીતો પણ રાજેન્દ્ર ક્રિશ્નએ
લખ્યા.

એ સમયના બીજા ગીતકાર કરતા રાજેન્દ્ર ક્રિશ્નને ઓછી પબ્લિસિટી કે પોપ્યુલારીટી મળી એવો એક આક્ષેપ કે ફરિયાદ
સતત એમના ચાહકો કરે છે… પરંતુ, આજે 6 જૂન, 1919 એમનો જન્મ દિવસ છે. આજે, જો એ હોત તો 102 વર્ષના હોત !

One thought on “102 નોટઆઉટઃ રાજેન્દ્ર ક્રિશ્ન

  1. Gajendra Goswami says:

    Heading uperathi maney aaschary thayu ke Rajendrakrishn jivey chhe? Aney aapano lekh vanchi lidho. Ghanu nahota jaanata te janyu, aabhar Kajalben..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *