છેલ્લા થોડા સમયથી દેશમાં જાહેરાતનો સૂર બદલાયો છે… ‘જો બીવી સે સચમુચ
કરતે પ્યાર, પ્રેસ્ટિજ સે કૈસે કરે ઈન્કાર’થી શરૂ થયેલી ભારતીય જાહેરાતોમાં પુરૂષનો રોલ ધીમે
ધીમે 180 ડિગ્રી ફરી ગયો છે. વોશિંગ મશીન હોય કે ડિશવોશર, મચ્છર ભગાડવાના યંત્રની
વાત હોય કે બાળકોના મનપસંદ બિસ્કિટ… બધામાં હવે પિતા અથવા પુરૂષ એક મહત્વના
કિરદાર સાથે પ્રસ્તુત થાય છે. જ્વેલરીની જાહેરખબર, જેમાં પહેલાં માત્ર સ્ત્રી જ દેખાતી
એને બદલે હવે પુરૂષ પણ ઝવેરાત અથવા દાગીના પહેરીને દેખાતો થયો છે. હવે પિતાએ
લેબર રૂમમાં ઊભા રહેવાનું હોય છે અને પુરૂષ પ્રેગ્નેન્ટ થાય એવા વિષય સાથે ફિલ્મો બનવા
લાગી છે! પોતાના સંતાનને છોડી ગયેલી મા અને એને પૂરી શિદ્દતથી ઉછેરતા પિતાની
કથાઓ આપણા સિનેમાના પડદે દેખાવા લાગી છે. સિંગલ મધરની વાર્તાઓ હવે આપણને
‘નવી’ નથી લાગતી, એવી જ રીતે ‘સિંગલ ફાધર’ પણ આપણા રોજિંદા જીવન અને
સમાજનો ભાગ બનવા લાગ્યા છે ત્યારે 2024ના ‘ફાધર્સ ડે’ને દિવસે પિતાના બદલાયેલા
રોલ વિશે વાત થવી જોઈએ. આજનો પિતા-લેબર રૂમથી શરૂ કરીને ગ્રેજ્યુએશન સુધી,
દીકરીની વિદાય સુધી અને એથી આગળ વધીને સંતાનોના સારા-ખરાબ સમયમાં માત્ર
ન્યાયાધિશ-ડિસીશન મેકર નથી રહ્યા. આજનો પિતા હવે પોતાની પીડા કે તકલીફ
છુપાવવાને બદલે સંતાનો સાથે શેર કરે છે. આજના પિતા કોઈ ‘સુપરમેન’ નથી, બનવા
માગતો પણ નથી. આજના પિતાને પોતાના પરિવારના વડા બનવામાં રસ નથી, પરિવારનો
હિસ્સો બનવાનું વધુ ગમવા લાગ્યું છે.
જાહેરાતને કારણે કદાચ પરિવારમાં અથવા પરિવારને કારણે જાહેરાતમાં પણ પપ્પાનો
રોલ બદલાયો છે એ નક્કી. આજથી થોડા જ વર્ષો પહેલાં ‘પપ્પા’ એક ડર અથવા
ડિસિપ્લિનનું નામ હતું. છોકરાઓ કહ્યું ન માને, તોફાન કરે કે કાબૂમાં ન રહે તો મમ્મી કહેતી,
‘પપ્પાને કહી દઈશ…’ અથવા ‘આવવા દે, પપ્પાને!’ પરંતુ, હવે પરિસ્થિતિ એ હદે બદલાઈ છે
કે છોકરાઓ મમ્મીને કહે છે, ‘પપ્પાને કહી દઈશ…’ અથવા ‘આવવા દે, પપ્પાને!’ કારણ કદાચ
એ છે કે પહાડ જેવા પપ્પા પીગળ્યા છે. અત્યાર સુધી માત્ર કમાવાનો રોલ કરતા ભારતીય
પુરૂષને હવે સમજાયું છે કે એનો રોલ પરિવારમાં મહત્વનો છે એટલું જ નહીં, સંતાનો સાથેનો
સંવાદ જાળવી રાખવામાં એણે પણ પોતાનું પ્રદાન કરવું પડશે. આજના પપ્પા ‘ડિઝનીલેન્ડ’થી
આવે છે, એ ‘સાન્તા’ છે! છોકરાઓની યોગ્ય, ક્યારેક અયોગ્ય પણ ઈચ્છા પૂરી કરવી, એમને
માત્ર મજા કરાવવી અને ટોકતી-રોકતી ડિસિપ્લિનમાં બાંધવાનો પ્રયાસ કરતી કે અયોગ્ય
માંગણીઓ સામે વાંધો ઉઠાવતી ‘મમ્મી’ સામે બાળકોની વકીલાત કરવી એ જાણે પપ્પાનો
‘જોબ પ્રોફાઈલ’ થઈ ગયો છે. પહેલાં દીકરીઓ પપ્પાથી ડરતી હવે દીકરી તો ‘વહાલનો
દરિયો’, ‘પપ્પાની પરી’ છે. પહેલાં દીકરાઓ સાથે પપ્પાને ઈગો પ્રોબ્લેમ થતા, સાથે
બિઝનેસ કરતાં કે એક ઘરમાં મોટા થઈ રહેલા ટીનએજર દીકરા સાથે દલીલબાજીને બદલે
હવે ‘દોસ્તી’ છે, પપ્પાની! કેટલાંક ઘરોમાં-પરિવારોમાં પહેલું ડ્રીંક પપ્પા સાથે પીવાય છે-આ
યોગ્ય છે કે અયોગ્ય, એનો નિર્ણય કરવાનો અધિકાર ફક્ત ‘પપ્પા’નો છે.
આ કદાચ, શહેરોની-અર્બન સોસાયટીની, ઉચ્ચ મધ્યમવર્ગની કે શ્રીમંત પરિવારોની
વાત હશે એવું નહીં ધારતા. સાવ સામાન્ય-નીચલા મધ્યમવર્ગની આવક ધરાવતા પરિવારમાં
પણ હવે પપ્પા એક મજાનું અને આનંદનું પાત્ર બની ગયા છે. રીક્ષા ચલાવતા, ઓફિસ
હેલ્પરની કે એવા પ્રકારની કોઈ મધ્યમવર્ગની નોકરી કરતા પપ્પા પણ હવે બાળકોના સપનાં
પૂરાં કરવા માટે પોતાના તરફથી બનતો પ્રયાસ કરે છે. પહેલાંના પપ્પા કદાચ, એક પ્રોવાઈડર
અને પ્રોટેક્ટર હતા, જે જરૂરિયાતો પૂરી કરતા અને પરિવારની સુરક્ષા કરતા. આજના પપ્પા
દોસ્ત છે, સિક્રેટ કિપર છે, વકીલ છે, ‘બ્રો’ છે, ‘કુલ ડેડ’ છે અને એને ક્યારેક મજામાં ‘તું’
કહીને સંબોધી શકાય એટલા નજીક છે.
આ બદલાવ કઈ રીતે આવ્યો એનો સવાલ જો કોઈને થાય તો આપણે એના પાયામાં
ઉતરવું પડે. કેટલાંય વર્ષોથી પુરૂષને કડક, મજબૂત, હિંમતવાળો, રડે નહીં એવો, કેટલાંક અંશે
રૂક્ષ અને જડ વ્યક્તિ તરીકે ઉછેરવામાં આવતો હતો. ત્રણ વર્ષનો દીકરો રડે તો મા પૂછે, ‘ગર્લ
છે?’ પરંતુ, પુરૂષ પણ ઈમોશનલ હોઈ શકે, પરિવારમાં જે કામ સ્ત્રી કરે છે એ બધા જ કામો
પુરૂષ કરી શકે-જેમ કે, ડીશ ધોવી, વોશિંગ મશીન ચલાવવું, બાળકનું ડાયપર બદલવું કે
બહારગામથી વીડિયો કોલ કરતી મમ્મીને ધરપત આપવી કે બાળકની શર્દીની કાળજી પિતા
પણ રાખી શકે છે… આ વિચાર ધીમે ધીમે આપણા સમાજમાં પ્રવેશ્યો. સ્ત્રી કમાતી થઈ,
‘પુરૂષ સમોવડી’ હોવાના અધિકારની માગણી કરતી થઈ, એ પછી કદાચ એ સામે આવીને
ઊભી રહી ત્યારે પુરૂષને પણ સમજાયું કે સ્ત્રી અને પુરૂષ, એવા જુદા રોલ હવે ધીમે ધીમે
એકમેકમાં ભળી રહ્યા છે. જો સ્ત્રી પરિવારની આવકમાં પોતાનું પ્રદાન કરે તો પુરૂષે પણ ક્યાંક
સ્ત્રીના રોજિંદા કામોમાં પોતાનો રોલ નિભાવવો પડશે!
ધીમે ધીમે સ્ત્રીનું કામ વહેંચતા પુરૂષને એવું સમજાયું હોવું જોઈએ કે, સ્ત્રીનું કામ પણ
મહત્વનું છે. ‘મા’ બનવું સરળ નથી, એ વાત જે ક્ષણે પુરૂષને સમજાઈ છે-એણે નજરે જોઈ
છે એ ક્ષણથી પુરૂષની અંદરના પિતૃત્વમાં થોડું માતૃત્વ ભળ્યું છે. જે પિતા ગઈકાલ સુધી
નોકરી કે વ્યવસાય પરથી આવીને સીધા જમવા બેસતા હતા એ પિતા હવે રસોડામાં મદદ કરે
છે, ક્યારેક મમ્મી સોફા પર ટીવી જોતી હોય અને પપ્પા કુકિંગ કરતા હોય એ દ્રશ્ય
મિલેનિયમ જનરેશન માટે નવું નથી! હવેના બાળકો મમ્મી સાથે દર વેકેશનમાં મોસાળ નથી
જતા, હવે ફેમિલી હોલિડેઝ અનિવાર્ય બનવા લાગી છે, ક્યારેક પપ્પા અને સંતાન સોલો ટ્રીપ
કરે અને મમ્મી ઘરે રહે કે ઓફિસમાં રજા ન મળે એ વાતથી આજનું બાળક ખુશ છે, ને મમ્મી
પણ ચિંતિત નથી કારણ કે આજની મમ્મી જાણે છે કે આજના પપ્પા ‘ડર લાગે’ એવા નહીં,
‘વહાલ આવે એવા’ અને ખુશમિજાજ, કેરિંગ અને ફ્રેન્ડલી પપ્પા છે.