‘મોઈ આમ ને આમ મરવાની, આજ ચાર દા’ડા થયા તે પેટમાં ચૂંકાતું નથી? આ બધીઓ
નિરાંતે જાય છે તે દેખતી નથી?’
ખુલ્લામાં જવાનું, ખાડીની બીજી બાજુ જતાં તો સવલીને ટાઢ ચડી જાય. બે દહાડા પહેલાં
જ ગગડી ગગડીને ઝીંકાયેલો. લપસણા કાદવિયા રસ્તા, ગંદા પાણીની નીકો કૂદતાં ઓળંગતાં ઠેઠ
દૂરનાં ઝાડીઝાંખરાં લગી જવું પડે. ત્યાં યે પાછું ગોબરું કાદવિયું ઘાસ, કેટલાયે પગ નીચે ચબદાઈને
ચપ્પટ થઈ ગયેલું, એવામાં એકાદ સરખી જગા ખોળીને બેસવાનું. એકાદ દેડકું કૂદે, કે પગને અળસિયું
અડી જાય તો બૂમ પડાઈ જાય. અધ્ધર જીવે, ચકળવકળ આંખે બધું પતાવી દેવાનું. ખબર નહીં શાથી,
સેવંતી કે દેવુને તો કંઈ ખરાબ ના લાગે આમાં. ગમે ત્યાં ફટદઈને બેસી જાય… ” 1997માં હિમાંશી
શેલતે લખેલી વાર્તા ‘બારણું’ની આ શરૂઆત છે… વાર્તાના અંતમાં સારા જાજરુમાં જવાની લાલચે
એક છોકરી (સવલી) કેવી રીતે સેક્સવર્કિંગના વ્યવસાયમાં ફસાઈ જાય છે, એની વાત છે…
આજે, 2022માં (25) વર્ષ પછી ડૉ. જયંતી રવિનાં પુસ્તક, ‘સ્વચ્છતામાં શાણપણ’
(સેનિટી ઈન સેનિટેશન)માં આ સમસ્યાનો ઉકેલ શોધવાની શરૂઆત અને આજે પાંચ વર્ષમાં 33
લાખથી વધુ શૌચાલય કેવી રીતે ઊભાં થયાં એની કથા બહુ રસપ્રદ રીતે કહેવાઈ છે. કોઈ સ્વીકારે કે
નહીં, પરંતુ એક સ્ત્રીને આ સમસ્યા વધુ સંવેદનશીલ રીતે સમજાઈ છે અને એણે ઉપાડેલા
અભિયાનની સફળતાનો પહેલો માઈલસ્ટોન આ પુસ્તકમાં વંચાય છે.
ગુજરાતમાં 33 જિલ્લા 249 તાલુકા અને 14,029 ગામો આવેલા છે. આ ગામોની અંદર
મોટાભાગે સ્ત્રી-પુરુષો ખુલ્લામાં શૌચ જતા હતા. શહેરોમાં ગંદી વસ્તીઓ અને સ્લમ વિસ્તારમાં
પણ પોતાના જ ઘરની બહાર શૌચ કરેલા બેઠેલા લોકોને ‘સ્વચ્છતા’ વિશે ખ્યાલ આપવો કેટલો
મુશ્કેલ અને અઘરો છે એ વાત ડૉ. જયંતી રવિનાં શબ્દોમાં, ”સ્લમ વિસ્તાર જ નહીં, મેં ભણેલા
લોકોને પણ પોતાનાં બાળકો ઘરની બહાર હોય ત્યારે ખુલ્લામાં ગમે ત્યાં જાજરૂ જવા બેસે તેનો જરા
પણ ક્ષોભ થતો જોયો નથી. ટ્રેનની બારીમાંથી નજર કરતાં ખુલ્લી ગુદા-મળદ્વારથી નીકળતી ટટ્ટીનું
વહેલી સવારનું દૃશ્ય હંમેશાં ચીતરી ચડાવતું હોય છે. મને આવાં દૃશ્યો જોઈને ઘૃણા થઈ છે, છતાં
ખુલ્લામાં જાજરૂ જવાની તેમની મજબૂરી યાદ આવતા મને એ દૃશ્યો સહાનુભૂતિના ચશ્માંથી
જોવાની ફરજ પડી છે. સાર્વજનિક શૌચાલયની સ્થિતિ, જ્યારે તે નિઃશુલ્ક હોય ત્યારે ખાસ, શોપિંગ
મોલમાં, સિનેમા હોલમાં કે રસ્તાની ગલીમાં મોટેભાગે કંગાળ હોય છે. મફત સામુદાયિક શૌચાલયની
પરિસ્થિતિ તો ખેદજનક હોય છે. બહેનોના શરીરમાંથી નીકળતા માસિકના લોહી, પેશાબ, બધા
પ્રકારના ઘનત્વનો મળ અને તમાકુ ગુટકાનું થૂંક જોવા મળતું હતું. પુરુષોનું શૌચાલય તેથી પણ ખરાબ
હતું. એક માઈલ દૂરથી તેની ગંધ આવે! જાહેર શૌચાલય કોઈનું પણ નથી રહેતું. તેને વાપરનાર કે
સંસ્થા કોઈ જવાબદારી નિભાવતું નથી. અજ્ઞાન અને ઉપેક્ષામાંથી નીપજતી અણસમજ
મોટાભાગના લોકો માટે સમજવું મુશ્કેલ બનાવે છે કે તેમણે દવાઓ અને ડૉક્ટરોની ફી પાછળ કરવો
પડતો ખર્ચ સામુદાયિક શૌચાલય વાપરવાના ખર્ચ કરતા ઘણો વધારે પડશે. અંદાજ કાઢવામાં આવ્યો
છે કે, અયોગ્ય સ્વચ્છતાને લીધે કુટુંબદીઠ વાર્ષિક રૂ. 6,750ની ખોટ જાય છે. આ રકમ રૂ. 18.49
પ્રતિદિન થાય છે. જે શૌચાલયો વાપરવા માટે ખર્ચથી પડતા ભાડાની રકમથી ઘણી વધારે છે.”
નરેન્દ્ર મોદી જ્યારે વિકાસની વાત કરતા હતા ત્યારે એમને વિશે ઘણા મીમ અને જોક્સ ફરતા
થયેલા… ટેકનોલોજીના વિકાસની સાથે સાથે આ દેશને પાયામાંથી બદલવો પડશે એ વાતનો એમને
ખ્યાલ હશે જ, કદાચ એટલે જ 2014ના ઓગસ્ટમાં લાલ કિલ્લા પરથી પોતાના વક્તવ્યમાં એમણે
કહેલું, ”આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યાં છીએ. આપણી માતાઓ અને બહેનોને ખુલ્લામાં
હાજતે જવું પડે છે, તેનું દુઃખ આપણને કદી થાય છે ખરું? મહિલાઓનું સ્વમાન આપણી સામૂહિક
જવાબદારી નથી? ગામડાંની ગરીબ મહિલાઓએ જાજરૂ જવા માટે અંધારું થાય, રાત પડે ત્યાં સુધી
રાહ જોવી પડે છે. કેટલો શારીરિક ત્રાસ તેમને વેઠવો પડતો હશે? ”
ત્યારથી શરૂ થયેલું સ્વચ્છ ભારત અભિયાને અનેક અધિકારીઓ અને નેતાઓને ઊંઘમાંથી
જગાડવાનું શરૂ કર્યું. સાવરણી હાથમાં પકડીને ફોટા પડાવવાની એક ફેશન થઈ ગઈ… એવા સમયમાં
ડૉ. જયંતી રવિએ જવાબદારીપૂર્વક બે વર્ષના ટૂંકાગાળામાં ગુજરાતને શૌચ મુક્ત બનાવવાની ગાંઠ
વાળી. લોકો એમને ‘ટોઈલેટ લેડી’ તરીકે ઓળખવા લાગ્યા. એમનું પુસ્તક ‘સ્વચ્છતામાં શાણપણ’
લગભગ અઢીસો પાનાંમાં એક આખી પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ છે. ઓક્ટોબર, 2014માં
પ્રધાનમંત્રીની જાહેરાતથી શરૂ કરીને 2018માં મહાત્મા ગાંધી સેનિટેશન કોન્ફરન્સથી સુધીનો આ
આખો પ્રવાસ કેવી રીતે, કેટલી તકલીફ સાથે અને કેટલી મહેનતે પૂરો થયો છે એ કથા ખરેખર વાંચવા
જેવી છે. આંકડા, ગ્રાફિક્સ, સ્કેચિસ અને રમૂજી પ્રસંગો સાથેનું આ પુસ્તક એક બોરિંગ જરનલ નથી,
બલ્કે મજા પડે એવી ભારતીય માનસિકતા અને દેશમાં આવેલા બદલાવની ગૌરવપૂર્ણ ગાથા છે.
જાતે, પોતાના હાથે એક શૌચાલય બાંધીને-ઈંટો ગોઠવીને મળ નિકાસ માટેના પાઈપ
લગાડીને એમણે શૌચાલય કેવી રીતે અને કેટલા સમયમાં બાંધી શકાય છે એનો જાત અનુભવ પણ આ
પુસ્તકમાં લખ્યો છે. એક આઈએએસ અધિકારી માત્ર ટાઈ કે સારી સાડીઓ પહેરવાથી પોતાની
કાર્યક્ષમતા પૂરવાર નથી કરી શકતા, પરંતુ ગ્રાસરૂટ લેવલ ઉપર જઈને છેક નીચેના માણસની
જરૂરિયાત અને સમસ્યાઓને સમજીને-એની માનસિકતામાં પ્રવેશીને, એને બદલવાના પ્રયાસ સાથે
જો પોતાના પદ, શિક્ષણ અને અધિકારોનો ઉપયોગ કરે તો એનું પરિણામ કેટલું અદભૂત હોઈ શકે
એનો દાખલો ડૉ. જયંતી રવિનાં આ પુસ્તકમાં જોવા મળે છે.
જોકે, શૌચાલય બાંધી દેવાથી આપણી સમસ્યાનો ઉકેલ મળી ગયો છે એવું માની લેવાની
જરૂર નથી. ડૉ. જયંતી રવિએ પોતાના વક્તવ્યમાં જે વાત કહી એ ભારતીય માનસિકતાનું સીધું
પ્રતિબિંબ છે. એમને એક વ્યક્તિએ પૂછ્યું, ‘અમે આટલા વર્ષો સુધી ખુલ્લામાં શૌચ ગયા છીએ અને
તમે બંધ દરવાજામાં ચોખ્ખા શૌચાલયોમાં… હું તમને ખુલ્લામાં શૌચ જવાનું કહું તો તમે કમ્ફર્ટેબલ
છો? જો તમને ન ફાવે તો અમને કેવી રીતે ફાવે?’
મહાત્મા ગાંધીથી શરૂ કરીને નરેન્દ્ર મોદી સુધીના આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે
ભારતના ગામડાં, સ્લમ-ગીચ વસ્તીના રહેવાસીઓએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે.
બીજું, સરકારે બાંધેલા અને જાહેર શૌચાલયો ગંદા કરવાને બદલે એને આપણી અંગત સંપત્તિ માનીને
આપણી સગવડ માટે ઊભી કરાયેલી આ વ્યવસ્થાને ચોખ્ખી રાખવાનું, જાળવવાનું કામ પણ આપણે
સૌએ શીખવું જ પડશે. આ દેશમાંથી ગંદકી દૂર કરવી હોય તો માત્ર દેશની જમીન નહીં, નાગરિકોના
મન અને મગજ પણ સાફ કરવા પડશે, જેમાં આપણે સૌએ સહિયારી જવાબદારી લઈને સાથે
મળીને કામ કરવું પડશે.