આ દિવાળીએ ચૂકી ગયા હોઈએ, તો આવતી દિવાળીએ કરીશું…

દિવાળી હજી હમણાં જ પૂરી થઈ છે. સૌ લાંબી રજાઓ પછી પાછા પોતપોતાના કામે ફર્યાં છે.
નાના બાળકને જેમ વેકેશન પછી સ્કૂલે જવાનો કંટાળો આવે, એવી જ રીતે કેટલાક લોકોને ઓફિસ
જવાનો કંટાળો આવતો હશે! કારણ કે દિવાળીની સફાઈથી શરૂ કરીને લાભપાંચમે રજાઓ પૂરી થાય ત્યાં
સુધી સતત વ્યસ્ત રહેલી ગૃહિણી માટે થોડો રિલેક્સિંગ અને મજાનો સમય ફરી પાછો શરૂ થયો હશે…

એવા સમયમાં દિવાળીની ગિફ્ટ-ઢગલાબંધ વસ્તુઓની વ્યવસ્થા કરવાનું એક નવું કામ સૌના માથે
આવી પડ્યું હશે. આપણે, ખાસ કરીને ભારતીય લોકો અને એમાંય ગુજરાતીઓ આંખ મીંચીને દિવાળીની
ગિફ્ટ ખરીદી લઈએ છીએ. ‘મોકલવું પડે’ એવા કોઈ અર્થહીન વિચાર સાથે આડેધડ દિવાળી ગિફ્ટનું
શોપિંગ થાય છે. ખાસ કરીને, કોર્પોરેટ્સમાંથી કે પછી બિઝનેસ એસોસિએટ્સને ત્યાંથી જે ગિફ્ટ આવે છે
એમાંની મોટાભાગની નકામી અને બિનજરૂરી ગિફ્ટ હોય છે. ઢગલાબંધ સૂકોમેવો અને ફેંકી દેવી પડે
એટલી મિઠાઈ… મોટામોટા બોક્સિસ, જેમાં ખરેખર વાપરી શકાય એવી વસ્તુઓ કેટલી હોય છે?
મોટાભાગના લોકો આવી ગિફ્ટ્સ ‘રિસાઈકલ’ કરી નાખે છે. આલાની ટોપી માલાને માથે, ને માલાની
ટોપી આલાને માથે… ક્યારેક તો એવી ફની સિચ્યુએશન થાય કે એકસરખી બે ગિફ્ટ ભેગી થઈ જાય અને
સામેની વ્યક્તિને ખબર પડી જાય કે ગિફ્ટ મોકલનારે બારોબાર કોઈકની ગિફ્ટ અમને પધરાવી છે! પરંતુ,
આપણે જેને પરંપરા અથવા રિવાજ કહીએ છીએ એ ખરેખર હવે રૂઢિ સિવાય બીજું કંઈ રહ્યું નથી…

દિવાળીમાં ગિફ્ટ આપવાનો આ રિવાજ ખરેખર ‘લાંચ’નો પણ એક પ્રકાર બની ગયો છે.
સાહેબોને, ઓફિસર્સ અને જેની પાસેથી નિયમિત ફાયદો મળતો હોય એવા લોકોને ‘દિવાળી’ના નામે ભેટ
મોકલીને આખા વર્ષ દરમિયાન એમણે આપણને કરેલી ફેવર્સને રિટર્ન કરવા માટે પણ ગિફ્ટ મોકલવામાં
આવે છે. જેવી વ્યક્તિ એવી ગિફ્ટ! જેટલો ફાયદો એટલી મોંઘી ગિફ્ટ! સામાન્ય રીતે કંઈ ન સ્વીકારતા
અધિકારીઓને પણ ‘દિવાળી’ના નામે ખુશ કરવાની એક રીત છેલ્લા ઘણા સમયથી વધુને વધુ પ્રચલિત
થવા લાગી છે. જાણીને નવાઈ લાગશે, કે દિવાળી ગિફ્ટની એક આખી બજાર-માર્કેટ ઊભું થયું છે જે
કોર્પોરેટ્સ માટે ખાસ ગિફ્ટ ડિઝાઈન કરે છે. શું હોય એ આ ગિફ્ટ્સમાં? વ્યક્તિના પોતાના ફોટાવાળી
ડાયરી, નામવાળી પેનથી શરૂ કરીને ચાંદીની ડીશ અને ભગવાનની મૂર્તિથી શરૂ કરીને ડિનર સેટ, ઘડિયાળો
સુધી અનેક વસ્તુઓ દિવાળી ગિફ્ટમાં આપવા-લેવાનો રિવાજ વધતો જાય છે.

આમાં મજાની વાત એ છે કે, મધ્યમવર્ગના કે આપણે ત્યાં કામ કરતા ગરીબ વર્ગના લોકોને ગિફ્ટ
આપવાનું સામાન્ય રીતે કોઈને સૂઝતું નથી, કારણ કે એમને આપણે પગાર અને બોનસ તો આપી જ
દઈએ છીએ ને? મોંઘી મિઠાઈઓ સડી જાય ત્યાં સુધી મૂકી રાખવી, પણ એકાદ બોક્સ કચરો વાળતા કે
ઘરકામ કરતા આપણા સહયોગીને આપવાનો મોટાભાગના લોકોનો જીવ ચાલતો નથી! દર વર્ષે આવતા
સૂકામેવાથી ફ્રીજ ભરાઈ જાય, એનો વાંધો નહીં, પણ એકાદ બોક્સ એ વ્યક્તિને ન આપવામાં આવે, જે
આ બધા બોક્સ ખાલી કરીને આપણું ફ્રીજ ગોઠવે છે… એના મનમાં આટલો બધો સૂકોમેવો જોઈને
પોતાના બાળકોનો વિચાર નહીં આવતો હોય?

ચાણક્યના નીતિ સૂત્રોમાં એક સૂત્ર કહે છે, આપણા સહયોગી અને આપણાથી નીચેના
કર્મચારીઓને સંતુષ્ટ રાખવા-તો કોઈ દિવસ અપ્રમાણિકતાનો ભય નહીં રહે. આ વાત કેટલી સત્ય છે!
આપણે જ્યારે દિવાળીની ખરીદી કરીએ ત્યારે બ્રાન્ડ્સની બેગ્સમાંથી વસ્તુઓ કાઢીને આપણા વોર્ડરોબમાં
ગોઠવતી વ્યક્તિ, મિઠાઈઓ અને સૂકામેવાની વ્યવસ્થા કરતી વ્યક્તિ, આપણા બાળકોના ફટાકડા ગોઠવીને
મૂકતી વ્યક્તિ કે આપણા મહેમાનોની સરભરા કરતી વ્યક્તિને પણ એક પરિવાર, એક મન અને મન સાથે
જોડાયેલી ઝંખનાઓ અને ઈચ્છાઓ હોય જ! એને પણ તહેવાર ઉજવવાનો એટલો જ ઉમંગ હોય,
જેટલો આપણને હોય. એની પાસે એટલી આર્થિક સગવડ નથી માટે કદાચ એ મન મારીને રહી જાય…
પરંતુ, સાચી દિવાળી તો એ જ છે જે સૌને આનંદ આપે, સૌના ઘરમાં પ્રકાશ અને ખુશી લઈ આવે.

ઘરમાં કામ કરતા કર્મચારીઓ, વોચમેન, આપણા પાર્સલ લઈને આવતા કુરિયરબોય, ફૂડ ડિલીવરી
કરતા લોકો અને સૌથી મહત્વના-એ લોકો જે ફૂટપાટ પર સૂએ છે, જેમની પાસે બે ટંકનું ભોજન પણ
નથી એમના સુધી જો આપણી વધારાની મિઠાઈ, થોડો સૂકોમેવો અને કબાટ ખાલી કર્યા પછી વધેલા
કપડાં પહોંચાડી શક્યા હોઈએ તો માનવું કે આપણે સાચી દિવાળી ઊજવી છે. આમ તો બજારમાં એક
આંટો મારીએ તો મધ્યમવર્ગને પોષાય એવા વસ્ત્રો મળે જ છે. વોચમેન, ડ્રાઈવર અને ઘરમાં કામ કરનારા
ડોમેસ્ટિકહેલ્પ, કચરો લેવા આવનારા, માળી જેવા અનેક લોકો માટે એક જોડી નવા વસ્ત્ર ખરીદવા એ
આપણી ફરજ છે, પરંતુ એવો જીવ ન ચાલતો હોય તો પણ એવાં કેટલાંય કપડાં છે જે આપણે પહેરતા
નથી… મોંઘા છે, બ્રાન્ડેડ છે, એ જ કોઈને આપીને એની દિવાળી સુધારી શકાય, તો ઘણું. આપણા
બાળકો માટે હજારો રૂપિયાના ફટાકડા ખરીદીએ ત્યારે થોડાક ફટાકડા એવા લોકો માટે ખરીદીએ જે
આપણી દિવાળીમાં ઘર સાફ કરીને, નાસ્તા બનાવીને, પોતાનો તહેવાર જતો કરીને આપણા ગેટ પર
ઊભા રહીને આપણી સુવિધા અને સુરક્ષા માટે મહેનત કરે છે. આપણા બાળકોના હાથે દિવાળીના 3-4
દિવસ એવા લોકોને ભોજન, મિઠાઈ અને નાસ્તા પહોંચાડીએ, જેમને જોઈને આપણા બાળકોને એવું
સમજાય કે એ કેટલા પ્રિવિલેજ્ડ અને સુખી છે. આ જોઈને આપણા બાળકોને કદાચ એ પણ સમજાય કે
એ જેને ‘અભાવ’ માને છે એ એમનો ‘અસંતોષ’ છે! જેની પાસે કશું નથી એને જોઈને પોતાની પાસે શું
છે એ શીખવવાનો આ ઉત્તમ અવસર પૂરવાર થઈ શકે છે.

દિવાળી અંધકારમાંથી પ્રકાશ તરફ જવાના પર્વ તરીકે ઊજવાય છે… અસંતુષ્ટિ, અસુરક્ષા, ઈર્ષા
અને અભાવના અંધકારમાંથી સંતોષ, આનંદ, સૌનું કલ્યાણ અને આપણી પાસે જે છે તે માણવાની
આવડતના પ્રકાશ તરફનો પ્રવાસ એટલે વિતેલા વર્ષને બાય બાય, અને આવનારા વર્ષને વેલકમ કરવાની
ઉત્તમ રીત!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *