આ આખુંય વિશ્વ કોઈ લેખકના ઈશારે ચાલતું નાટક હોય એમ આપણે બધાં એમાં આપણા
ભાગનો અભિનય કરીએ છીએ. સમય થાય ત્યારે સ્ટેજ પર આવીએ છીએ અને આપણા પાત્રનું કામ
પૂરું થતાં સ્ટેજ પરથી વિદાય લઈએ છીએ. આ મહાન નાટકનો રચયિતા આખી સૃષ્ટિનો સર્જનહાર
છે, એના પ્રેક્ષકો પણ આપણે જ છીએ અને કલાકારો પણ આપણે જ… 2019ના માર્ચ મહિનાથી
પેન્ડેમિકનું લોકડાઉન શરૂ થયું… આ લખાય છે ત્યારે માર્ચ ’22માં ત્રણ વર્ષ પૂરાં થશે. ઓડિટોરિયમ
અને થિયેટર્સ ઘણો લાંબો સમય સુધી બંધ રહ્યા. વિશ્વના ઈતિહાસમાં કદાચ પહેલીવાર હશે કે,
આખી દુનિયામાં મનોરંજનનું બજાર પહેલીવાર આવી રીતે આટલો લાંબો સમય સુધી બંધ રહ્યું હશે.
27 માર્ચ, વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવાય છે. મનોરંજનનું વિશ્વ હજારો વર્ષ જૂનું છે.
ગ્રીસમાં ડાયોનિસીસ દેવતાની પૂજાપાઠ દરમિયાન ઉજવાતા વિવિધ ઉત્સવોમાં જુદા જુદા કબીલાઓ
લોકરંજન માટે નાનામોટા નાટક ભજવતાં. એ પછી ચર્ચમાં ધાર્મિક વાર્તાઓને લોકોના હૃદય સુધી
પહોંચાડવા માટે આવાં નાનામોટા નાટકો ભજવાતાં થયાં. તો બીજી તરફ, વેદો અને પુરાણોના
સમયની કથાઓ લોકરંજન માટે પ્રદર્શિત થવા લાગી. શિવના નટરાજ સ્વરૂપમાં દેખાતા સોળ
કમળમાંની એક કળા ‘અભિનય’ છે. નાટ્યશાસ્ત્રમાં ભરતે નાટ્યોત્પત્તિનો યુગ સત્યયુગ કે આદિયુગ
નથી ગણ્યો, પણ કૃતયુગ ગણ્યો છે. पूर्वे कृतयुगे विप्राः… કહીને ભરત નાટ્યોત્પત્તિનું કથાનક શરૂ કરે
છે. કોઈ આદર્શ પરિસ્થિતિવાળા સમય સાથે નહીં, પણ ભરતની જ સંજ્ઞા યોજી કહીએ તો सुखित-
दुःखित એવા સમયમાં संमूढताની ઘડીએ નાટકનો જન્મ થાય છે. સુખદુઃખોને आनंदમાં, સંમૂઢતાને
संप्रज्ञताમાં જે કલાકૃતિ પલટી નાખે તેમાંની જ એક નાટક.
જૂની રંગભૂમિના સમર્થ ઘડવૈયા ડાહ્યાભાઈ ધોળશાજીએ કહ્યું છે તેમ, ‘નાટક દુનિયાનું દર્પણ
રૂડું, ગુણદોષ જોવાનું.’ સાહિત્યને મુકાબલે નાટક પ્રજાની વધારે સંનિકટ (intimate) હોય છે કેમ કે,
લખી-વાંચી નહીં જાણનારા પ્રેક્ષકો પણ નાટકનો રસ માણી શકે છે.
અર્વાચીન યુગમાં ગુજરાતી સાહિત્યની માફક નાટક અને રંગભૂમિ પર પણ પ્રારંભથી જ
પ્રાશ્ચાત્ય કલા અને સંસ્કૃતિનો પ્રભાવ પડેલો એ સુવિદિત છે. મુંબઈ તેનું જન્મસ્થળ હતું. યુરોપિયન
સૈનિકો અને અધિકારીઓનાં, પારસીઓનાં અને પછી દક્ષિણી ગુજરાતી મંડળીઓનાં નાટકોમાં
પાશ્ચાત્ય નાટક અને થિયેટરની પ્રવૃત્તિનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. તેનું પગેરું છેક 1750માં
મુંબઈ બેટ ઉપર લશ્કરી છાવણીમાં રહેતા બ્રિટિશ સૈનિકોએ મનોરંજનના કામચલાઉ સ્થળ તરીકે
બાંધેલા બોમ્બે થિયેટર સુધી જાય છે.
1810 સુધી થિયેટરની આ પ્રવૃત્તિ વ્યવસ્થિત ચાલી, પણ પછી આર્થિક સ્થિતિ કથળતાં ધીમે
ધીમે મંદ પડીને તે બંધ પડી ગઈ. આ અરસામાં માટુંગામાં તોપખાનાના લશ્કરી લોકોએ આર્ટિલરી
થિયેટર ઊભું કરેલું. તેના જેવા બીજાં પણ કેટલાંક કામચલાઉ થિયેટરો ઊભાં થયેલાં. 1835 સુધીમાં
આ થિયેટરોમાં 40 કોમેડીઓ અને બે ટ્રેજેડીઓના મળીને કુલ 92 નાટ્યપ્રયોગો થયાનું નોંધાયું છે.
આ થિયેટરો મુખ્યત્વે યુરોપિયન લોકોના મનોરંજનનાં કેન્દ્રો બનેલાં. બોમ્બે થિયેટર ખોટમાં ચાલતું
હતું. કરજ વધી જતાં તેને માટે જાહેર ફાળો થયો. તેમાં જગન્નાથ શંકરશેઠ અને જમશેદજી
જીજીભોય જેવા દેશી ગૃહસ્થોએ મદદ કરેલી. તેને પરિણામે ગ્રાન્ટ રોડ પર લંડનના રંગમંચના નમૂના
પર એક સુંદર સુસજ્જ થિયેટર બન્યું. તેને રોયલ થિયેટર નામ આપવામાં આવ્યું. બોમ્બે થિયેટરની
માફક તેનું સંચાલન પણ વ્યવસ્થાપક સમિતિ દ્વારા થતું હતું. રોયલ થિયેટરનું ઉદ્દઘાટન મંગળવાર,
તા. 10 ફેબ્રુઆરી, 1846ની રાત્રે થયું હતું.
રોયલ થિયેટરમાં પણ કરજ વધી જતા એને વેચી નાખવું પડ્યું. જગન્નાથ શંકરશેઠે એ
ઈમારત સાજસામગ્રી સાથે ખરીદી લીધી. સંપૂર્ણ ભારતીય માલિકીનું એ પહેલું થિયેટર હતું.
એ પછી પારસી યુવકોએ ભેગા મળીને 1853થી ‘યંગ બોમ્બે’ નામની એક નાટક મંડળીની
સ્થાપના કરી. પ્રો. દાદાભાઈ નવરોજી, ડૉ. ભાવદાજી સહિત અનેક લોકો આમાં સલાહકાર સમિતિ
તરીકે જોડાયા. જોકે, આ નાટક મંડળીએ મોટેભાગે અંગ્રેજી નાટકોના ગુજરાતી ભાષાંતર રજૂ કર્યા.
એમના પોષાક અને ભજવવાની રીત પણ વધુ પાશ્ચાત્ય નાટકો જેવી હતી. 1853થી 1867
સુધીમાં 30થી વધુ નાટક મંડળીઓ છેક 1876 સુધી કાર્યરત રહી. એ પછી જુદી જુદી નાટક
મંડળીઓ ઊભી થઈ અને તૂટી ગઈ. આજના ગુજરાતી નાટકને ઊભા થવા માટે અનેક લોકોએ
પોતાનો સમય અને પેશન રેડ્યાં છે.
1878માં શ્રી ગુજરાતી નાટક મંડળીની સ્થાપના થઈ, જેના ત્રણ ભાગીદારો હતા. જયશંકર
સર્વેશ્વર, નરોત્તમભાઈ શંકર અને શિવશંકર કરસનજી… શુધ્ધ ગુજરાતી સંસ્કારનો સ્પર્શ ધરાવતી
ગુજરાતી રંગભૂમિનો પાયો અહીંથી નંખાયો એમ માનવામાં આવે છે.
ગુજરાતી રંગભૂમિના ઉત્કર્ષમાં મહત્વનું પ્રદાન કરનાર બીજી નાટક મંડળી તે દેશી નાટક
સમાજ. તેનો કાર્યકાળ (1889-1980) સૌથી લાંબો રહ્યો છે. તેના સ્થાપક ડાહ્યાભાઈ ધોળશાજી
તેમના કેટલાક પુરોગામીઓની માફક નાટકને સમાજના ઉત્કર્ષનું સાધન માનતા હતા. મેટ્રિક પાસ
થયા પછી એકાદ વર્ષ અભ્યાસ કરીને કોલેજ છોડી હતી. પછી શ્રીમંત ઝવેરીના આ જુવાન પુત્રે
મીઠાના એક ઈજારદારને ત્યાં નોકરી લીધેલી. શેઠે ‘ઓક્ટોમ્બર’ લખ્યું તે સુધારીને તેમના આ વાણોતરે
‘ઓક્ટોબર’ લખ્યું તેથી ચિડાઈને શેઠે આ ‘ચોખલિયા’ને નોકરીમાંથી રૂખસદ આપી (જયંતિ દલાલ).
ડાહ્યાભાઈને નાટક જોવાનો શોખ. 1888માં વણિક વીરચંદ ગોકળદાસ ભગત અમદાવાદમાં
નાગોરીશાળાની પડાળીમાં ભોજકોની પાસે કેશવલાલ શિવરામ અધ્યાપકે લખેલું ‘સંગીત લીલાવતી’
નાટક ભજવાવતા હતા. ડાહ્યાભાઈને તે નાટકનું એટલું બધું આકર્ષણ હતું કે એનો ખેલ તેમણે પંદરથી
વીસ વાર જોયો હતો. તે દરમિયાન તેમણે કેશવલાલ સાથે ઓળખાણ થઈ. એકવાર ડાહ્યાભાઈ નાટક
જોતા હતા. પોતાના પ્રિય ગાયનનો ‘વન્સમોર’ માગ્યો. બેત્રણ વાર વન્સમોરની માગણી પૂરી થઈ તો
પણ આ રસિક પ્રેક્ષકે માગણી ચાલુ રાખી ત્યારે રંગમંચ પરના કલાકારે કટાક્ષમાં કહ્યું, “એકવાર નાટક
કંપની કાઢી જુઓ તો ખબર પડે કે વન્સમોર કેમ અપાય છે.” ડાહ્યાભાઈને આ પડકાર ઝીલી લેવાનું
મન થયું. 1889ના અંતભાગમાં વીરચંદ ગોકળદાસ ભગતની કંપની ભાંગી. કેશવલાલે ‘દેશી નાટક
સમાજ’ નામ આપીને કંપની ચાલુ રાખી. ડાહ્યાભાઈ તેના ભાગીદાર બન્યા. ‘દેશી નાટક સમાજ’નો
‘દેશી’ શબ્દ ‘ગુજરાતીતા’નો સૂચક હતો. એમણે 24 જેટલા નાટકો ટૂંકા જીવનકાળ દરમિયાન લખ્યા.
ગુજરાતી રંગભૂમિની ચડતીપડતીના ઈતિહાસમાં 1880થી 1910 સુધીનો ગાળો તેનો સુવર્ણકાળ
કહી શકાય તેવો છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતી નાટક અને રંગભૂમિની અસ્મિતા પ્રગટ થઈ
અને નાટ્યરચનાને ભજવણીની પરંપરા બંધાઈ. લેખન, દિગ્દર્શન, અભિનયન, દૃશ્યરચના અને
ભાવનનું એક ચોક્કસ ધોરણ સ્થાપિત થઈ ગયું.
નાટ્યકારે સર્જેલી સૃષ્ટિને સાકાર કરવાનું કામ કળાકારનું છે. શબ્દમાં કંડારેલા પાત્રશિલ્પને
અભિનેતા ચેતના અર્પે છે, તેનાથી નિષ્પન્ન થતો નાટ્યરસ સહૃદયોને આનંદવિભોર કરી દે છે. નટ-
નટીરૂપ માનવ માધ્યમ રંગભૂમિનો આત્મા છે એટલે સ્વાભાવિક રીતે જ ગુજરાતી રંગભૂમિનું પણ
સૌથી મહત્વનું અને આકર્ષક અંગ તેના અદાકારો છે.
ગુજરાતી રંગભૂમિનાં નાટકોનો ઈતિહાસ સફળતા-નિષ્ફળતાનાં છાયા-પ્રકાશથી ખચિત છે.
કળાની દૃષ્ટિએ ઊણું ઊતરતું નાટક પ્રેક્ષકો પાસેથી વાહવાહ ઉઘરાવી લે અને ઉત્તમ કળારૂપ પામેલું
નાટક અમુક વર્ગના પ્રેક્ષકોને ના ગમે એવું પણ બને છે. તેથી નાટ્યકળાની સમજ ધરાવતા સંસ્કારી
સહૃદયોની સાથે પૃથગ્ જનને પણ આનંદ આપે એવી જોગવાઈ નાટકમાં થતી હોય છે. કાલિદાસે
કહ્યું છે તેમ, नाट्यं भिन्नरुचेर्जनस्य बहुधाप्येकं हि समाराधनम् । એટલે કરુણની સાથે હાસ્ય
અને વીરની સાથે શૃંગાર અને રૌદ્રની સાથે ભયાનક કે બીભત્સ એમ વિવિધ રસની રોચક મિલાવટ
નાટકમાં થતી હોય છે. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિનાં આરંભનાં નાટકોમાં તેથી તો મુખ્ય નાટકોની
સાથે પ્રહસન જોડેલું હતું અને વિવિધ રસના-ખાસ કરે વીર, શૃંગાર, હાસ્યના-ખાસ અદાકરોને તે તે
રસના અભિનયની તાલીમ અપાતી હતી. ગુજરાતી તખ્તા પર વીર, કરુણ, શૃંગાર અને હાસ્યની
ઉત્તમ ફાવટ ધરાવતા પોતપોતાના રસક્ષેત્રના નિષ્ણાત નટો તેમના જમાનામાં લોકપ્રિય થઈ ગયા છે
અને કેટલાક તો કાયમને માટે યાદ રહી જાય તેવી સિદ્ધિ દાખવીને પ્રસિદ્ધિ પામી ગયા છે.
ત્યાંથી શરૂ કરીને આજ સુધી એવા અનેક અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતાઓને આજે યાદ
કરવા પડે જેમણે ગુજરાતી નાટકોને અહીં, આપણી સામે મજબૂત રીતે ઊભું રાખ્યું છે. છેલ્લા ત્રણ
વર્ષમાં અનેક કલાકારને કસબીઓ માટે અઘરો સમય હતો, પરંતુ સિધ્ધાર્થ રાંદેરિયા અને સંજય
ગોરડિયા જેવા કલાકારોના નાટકો આવા કપરાકાળમાં પણ હાઉસફૂલ હતા, એ દર્શાવે છે કે ગુજરાતી
પ્રેક્ષકની મનોરંજન માટેની ભૂખ સતત રહી છે અને રહેવાની છે. ટેલિવિઝન, સિનેમા અને ઓટીટી
જેવા પ્લેટફોર્મ્સની સાથે સાથે સોશિયલ મીડિયામાં આટલો બધો ભરાવો થવા છતાં લાઈવ
એન્ટરટેઈન્મેન્ટ, જીવંત મનોરંજનનું સ્થાન અનેરું રહ્યું છે અને રહેવાનું છે.
27 માર્ચ, વિશ્વભરમાં ‘વર્લ્ડ થિયેટર ડે’ તરીકે ઉજવાય છે. વિશ્વભરના રંગકર્મીઓ અને
રંગભૂમિ સાથે જોડાયેલા બેક સ્ટેજના વર્કર, સેટ બનાવનારા-લગાવનારા, લાઈટ લગાવનારાથી શરૂ
કરીને મેક-અપ કલાકાર, લેખક-દિગ્દર્શક-સંગીતકાર અને અભિનેતા સુધી સૌ માટે આ ‘રોજી’ છે.
પ્રેક્ષક તરીકે આપણે સૌ આ રંગભૂમિ પાસેથી આપણને મળેલા આનંદ અને મનોરંજનને યાદ કરીને
એ સૌ જીવંત અને પ્રવાસ કરી ગયેલા રંગકર્મીઓને યાદ કરીએ, એમને પ્રણામ કરીએ.