આહ અમેરિકા… વાહ અમેરિકા…

છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાને કારણે વિદેશ પ્રવાસ એક સ્વપ્નસમો બની ગયો. રોજ બદલાતા નિયમો અને બંધ થતી,
શરૂ થતી વિમાન સેવાઓને કારણે ઘણા લોકો ભારતમાં ફસાયા તો કેટલાક વિદેશમાં ફસાયા. છ મહિનાના વિઝિટર વિઝા પર
ગયેલા લોકોને પાછા આવવાની સમસ્યા નડી, તો અહીંથી જવા માટે વિદ્યાર્થીઓ માટે પણ અનેક પ્રશ્નો ઊભા થયા… એ
પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે એચ 1 બી વિઝા પર રોક લગાવીને કેટલાય ભારતીયોને પરત ફરવા મજબૂર કર્યા. એચ 1 બી
વિઝાના નિયમોને કડક કરીને અમેરિકન્સને વધુ નોકરીઓ આપવાનો એમનો વિચાર કદાચ સારો હોઈ શકે, પરંતુ કદાચ ટ્રમ્પને
ખબર નહીં હોય કે આઈટી ક્ષેત્રમાં ભારતીયોએ અમેરિકાને જે અને જેટલી સેવાઓ પૂરી પાડી છે એ અમેરિકન્સ ક્યારેય કરી
શકવાના નહોતા.

મૂળ અમેરિકન્સ બે પ્રકારના છે. એક, જે ઓરિજિનલ અમેરિકન્સ અથવા ઈન્ડિયન્સ કે રેડ ઈન્ડિયન્સના નામે
ઓળખાય છે. એ આ વિસ્તારની મૂળ વસતિ હતી. એ પછી બહારથી લોકો આવીને વસવા લાગ્યા. યુરોપીય અમેરિકન, આફ્રો
અમેરિકન અને ઈન્ડિયન અમેરિકનનું એક નવું જ વિશ્વ ઊભું થયું. અમેરિકા પાસે જમીન અને ખનીજનો ભંડાર છે. ત્યાંની
જમીન ફળદ્રુપ છે અને પાણી ક્યારેય ખૂટે એમ નથી. દર વર્ષે જ્યાં બરફ પડે છે ત્યાં ભૂગર્ભ જળ ફરીથી રિસ્ટોર થઈ જાય છે.
અમેરિકાની જમીનના પ્રમાણમાં ત્યાંની વસતિ ઓછી છે. બીજો એક મહત્વનો મુદ્દો એ છે કે, ખનીજના ભંડારો હોવાને કારણે
અમેરિકા એક્સપોર્ટ કરે છે. અમેરિકામાં મેન્યુફેક્ચરિંગનું પ્રમાણ ઓછું છે. ચાઈના, તાઈવાન, તિબેટ, કોરિયા અને ભારત પાસેથી
અમેરિકા ઘણી બધી તૈયાર વસ્તુઓની આયાત કરે છે. એમનું અર્થશાસ્ત્ર બહુ સ્પષ્ટ છે, પોતાની પાસે જે છે તે એક્સપોર્ટ કરીને
તૈયાર વસ્તુઓની આયાત કરવી. બટેટાનું ઉત્પાદન અમેરિકામાં મોટા પ્રમાણમાં થાય છે… વિશ્વભરમાં બટેટાની નિકાસ કરતું
અમેરિકા પોતે જ કરોડો કિલો ચિપ્સ ખાઈ જાય છે.

આજે અમેરિકા મહાસત્તા ગણાય છે. એનું કારણ માત્ર ખનીજ ઉત્પાદન કે અર્થશાસ્ત્ર નથી. અમેરિકા પાસે હાઈટેક
હથિયારો છે. આપણે જાણતા નથી, પરંતુ અમેરિકામાં લગભગ દરેક યુવાનને બે વર્ષ માટે મિલિટરી ટ્રેનિંગ ફરજિયાત છે. એ પછી
જો એ ફોર્સમાં જોડાવા માગે તો એ અંગેનો નિર્ણય સરકાર કરે છે, પરંતુ લગભગ દરેક અમેરિકન પાસે ફિટનેસ, ડિસિપ્લિન અને
બીજા લોકોને મદદ કરવાની એક મનોવૃત્તિ યુવા અવસ્થાથી જ કેળવવામાં આવે છે. બીજી એક મજાની વાત સમજવા જેવી છે
કે, અમેરિકાનો કાયદો. અમેરિકાના કાયદામાં એક બહુ જ મહત્વનો મુદ્દો એ છે કે, જ્યાં સુધી માણસ ગુનેગાર સાબિત ન થાય
ત્યાં સુધી એને નિર્દોષ સમજવામાં આવે છે. આપણા દેશની જેમ મીડિયા ટ્રાયલના આધારે દોષી કે નિર્દોષ સાબિત કરવાની
મનોવૃત્તિ અમેરિકન પત્રકારત્વમાં પ્રમાણમાં ઓછી છે. બિલ ક્લિન્ટન અને મોનિકા લેવેન્સ્કીના બહુચર્ચિત પ્રકરણ પછી પણ
બિલ ક્લિન્ટનને અમેરિકન નાગરિકોએ જીવનભર માટે ગુનેગાર ઠેરવવાની ભૂલ નથી કરી… એ આજે પણ એક સામાન્ય જીવન
જીવી રહ્યા છે. રાજકારણમાંથી નિવૃત્તિ એ એક અલગ પ્રશ્ન છે, પરંતુ એમના અંગત જીવનને ડિસ્ટર્બ કરવાનું અમેરિકાના
માનસમાં નથી. પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ઊભેલો એક માણસ હિંમતથી એવું સ્વીકારી શકે કે પોતે ડ્રગ લેતા હતા અથવા એમનું
બાળપણ અત્યંત ગુનેગાર અને વિચિત્ર લોકોની વચ્ચે વીત્યું છે તેમ છતાં, એમને વોટ આપીને જીતાડી શકે એટલું ખુલ્લાપણું
અને સહૃદયતા અમેરિકા પાસે છે. જીતેલા પ્રેસિડેન્ટને સન્માન આપીને એના ભૂતકાળ વિશે ફરીથી ચર્ચા નહીં કરવાનો, એને
વારંવાર એનો ભૂતકાળ યાદ કરાવીને અપમાનિત નહીં કરવાનો ગ્રેસ અમેરિકન માનસમાં છે…

અમેરિકા ત્રણ શબ્દો પર ટક્યું છે. ઓનેસ્ટી, હાર્ડવર્ક અને હેપ્પીનેસ. ટ્રેનની ટિકિટ હોય કે બર્ગર ચોરીનો પ્રસંગ, ડ્રગ્સ
લેવાનો પ્રશ્ન હોય કે કોઈ યુવા સાથે સેક્સની ઘટના… અમેરિકાની માનસિકતામાં સૌથી મોટી વાત એ છે કે જજમેન્ટલ થવાને
બદલે સાચો અમેરિકન નાગરિક ન્યુટ્રલી અને ઓપનલી વિચારી શકે છે. સામેના માણસની વાત સાંભળી શકે છે. સહૃદયતાથી
સમજવાનો પ્રયાસ કરી શકે છે. એરપોર્ટ ઉપર ક્યારેક કોઈ રડતી કે દુઃખી વ્યક્તિને જોઈને જો આપણા દેશમાં આપણે પૂછવા
જઈએ તો ક્યારેક ‘તમારું કામ કરો’ એવું સાંભળવા મળે, જ્યારે સહૃદયતાથી સવાલ પૂછવામાં આવે ત્યારે અમેરિકન માનસમાં એ
સવાલનો જવાબ આપવાની સાથે સાથે આપણે એના પ્રત્યે લાગણી બતાવીને એની કાળજી કરી એ બાબતનો આભાર પણ
જોવા મળે છે. (આ સ્વઅનુભવ છે)

ત્યાં સિનિયર સિટિઝન્સ માટે એક જુદી દુનિયા અને વ્યવસ્થા છે. વૃધ્ધો ઘરે બેસીને કંટાળે નહીં એ માટે ડે કેર છે જેમાં
સરકાર પણ કોન્ટ્રીબ્યુટ કરે છે. હેન્ડિકેપ અથવા પ્રમાણમાં કોઈના પર આધારિત વૃધ્ધો માટે સરકાર એમને ઘેર મદદ કરનાર વ્યક્તિ
પહોંચાડવા સુધીની કાળજી લે છે. મેડિકલ એક્સપેન્સમાં રાહત અથવા ક્યાંય ફ્રી પણ ઉપલબ્ધ છે એટલું જ નહીં, એ ફ્રી સેવાની
ક્વોલિટી જરાક પણ ઊતરતી કે ઓછી નથી હોતી. યુવા બેરોજગારો માટે પણ અમેરિકા પાસે એક અલગ વ્યવસ્થા છે. એમને
માસિક ખર્ચ આપવામાં આવે છે. કદાચ, જો એ બેરોજગાર માતા કે પિતા હોય તો એમના સંતાનના ભણતર અને ઉછેરનો ખર્ચ
પણ સરકાર આપે છે. બાર વર્ષથી નીચેના બાળકને એકલું ન રાખવું એવો સરકારી નિયમ છે, પરંતુ જો માતા-પિતા બંનેને કામ
કરવું પડે એમ હોય તો સરકારી ક્રેશ અથવા ડે કેર ઉપલબ્ધ છે. પબ્લિક સ્કૂલ અને પ્રાઈવેટ સ્કૂલ આવા બે અલગ વિભાગો
અમેરિકામાં છે, પરંતુ જો સારી પબ્લિક સ્કૂલમાં ભણાવવા હોય તો માતા-પિતાએ નિશ્ચિત વિસ્તારમાં ઘર શોધવું પડે કારણ કે,
શાળાથી બાળકનું ઘર કેટલું દૂર હોવું જોઈએ એ વિશે પણ અમેરિકામાં નિયમો છે.

ટ્રાફિક વિશે અમેરિકન સરકાર એકદમ જાગૃત અને દૃઢ છે. જો ટ્રાફિક પોલીસ આપણને રોકે તો ગાડીમાંથી નીચે નહીં
ઊતરવાનું અને કાચ નીચો કરીને એમની સાથે વાત કરવાની. જો નીચે ઊતરવાનું કહે તો જ ઊતરવાનું… અહીં દલીલ કે લાંચની
સંભાવના ઘણી ઓછી છે. ઓળખાણ વગેરે તો અહીં અસંભવ છે. છતાં જો વાહનચાલક સાચો હોય, એની પાસે વેલિડ
(ઊચિત કારણ હોય) તો એને વોર્નિંગ આપીને છોડવાની સજ્જનતા અહીંની પોલીસમાં છે. એક અમેરિકન પોલીસ સાથે લંચ
કરવાનું બન્યું હતું. એ આફ્રો અમેરિકન છોકરીએ પોતાના લંચના પૈસા ચૂકવી દીધા… મેં વિનંતી કરી ત્યારે એણે કહેલું, “તમારી
કંપનીમાં મજા આવી. બાકી અમે અમારું લંચ ખરીદી શકીએ એટલા પૈસા તો અમને મળે જ છે…”

આ અમેરિકા પ્રત્યેનો અહોભાવ નથી, પરંતુ એક રાષ્ટ્ર પોતાના નાગરિકો માટે શું કરે છે એની માહિતી છે. અમેરિકામાં
કશું ખોટું નથી થતું અથવા ત્યાં બધું જ સારું અને સાચું છે એવું નથી, પરંતુ ટેક્સ ભરતા નાગરિકને જે ઓછામાં ઓછી સગવડો
મળવી જોઈએ એ અંગે અમેરિકન સરકાર સજાગ છે. એક બહેતર જિંદગી આપવા માટે કટિબદ્ધ છે. યુવા ઉંમરે અમેરિકા ગયેલા
લોકો વધુ સારી રીતે સેટલ થઈ શકે છે. કારણ કે એ ત્યાંના નિયમો, રંગઢંગ અને જીવનશૈલીને ઝડપથી અપનાવી શકે છે. પોતાની
જિંદગીના 30-35 વર્ષ ભારતમાં વીતાવીને અમેરિકા ગયેલા લોકો માટે ત્યાં સેટલ થવું અઘરું છે કારણ કે, ત્યાં ખૂબ મહેનત
કરવી પડે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો અભાવ છે એટલે માઈલો ગાડી ચલાવી પડે છે. એમના ટેક્સ અને સોશિયલ સિક્યોરિટીના
સ્ટ્રક્ચરને સમજવું પડે છે. કાયદા શીખવા પડે છે, સમજવા પડે છે અને પાળવા પડે છે…

એ માત્ર આર્થિક કે લશ્કરી રીતે મહાસત્તા નથી. એની વિશાળતા અને સાથે સાથે એ વિશાળ દેશમાં જે પ્રકારની
સલામતી વ્યવસ્થા, પોલીસ તંત્ર અને કાયદાઓ છે એનું પાલન અને અમલ પણ એ દેશને પ્રમાણમાં સલામત અને ટેક્સના
બદલામાં પૂરેપૂરી જીવનશૈલી આપતો દેશ બનાવે છે.

આજે, ચોથી જુલાઈ, અમેરિકાનો સ્થાપના દિવસ છે. કાયદો પાળતા, પળાવતા અને નાગરિકને સૌથી પહેલાં મૂકતા
એ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની કેટલીક રાજકીય બાબતો, નિર્ણયો અને દાદાગીરીને આપણે વખોડી શકીએ તેમ છતાં, એ
દેશના નાગરિકો પોતાના દેશને ચાહે છે… કાયદાને સન્માન આપે છે અને ટેક્સમાં ઝાઝી ચોરી કરી શકતા નથી !

Leave a Reply

Your email address will not be published.