ज़िन्दगी से यही गिला है मुझे, तू बहुत देर से मिला है मुझे
हमसफ़र चाहिये हुजूम नहीं, इक मुसाफ़िर भी काफ़िला है मुझे
અહેમદ ફરાઝની આ ગઝલ સંબંધોને સાવ જુદી રીતે જુએ છે. જિંદગીને ફરિયાદ કરે છે, પરંતુ એક
વ્યક્તિના મોડેથી મળવા વિશેની ફરિયાદને એ ખૂબ રેશમી રીતે રજૂ કરે છે. આપણી પાસે ઘણું બધું હોય
અને છતાં જે એક વ્યક્તિ ખૂટતી હોય એ બીજી કોઈ પણ દુન્યવી ચીજોથી સરભર ન થઈ શકે… બધું
મેળવ્યા છતાં અભાવમાં જીવન વિતાવતા એવા કેટલાય લોકો આપણી આસપાસ છે. જેમને પોતાની
આસપાસના જગત સાથે ઝાઝી લેવાદેવા નથી. એ પોતાની અંદર આખો સમંદર લઈને જીવે છે. એ લોકો
એવા છે કે જેમનો સમંદર ક્યારેય પોતાની હદ ઓળંગતો નથી ! ફરાઝ અહેમદની આ પંક્તિઓ બહુ સરસ
રીતે પોતાની ફરિયાદ મૂકી આપે છે. જિંદગી સામે એક જ ફરિયાદ છે, હવે સાથે વિતાવવાનો સમય ઓછો
છે. તું મળ્યો, કે મળી એનો આભાર માનું કે હવે જ્યારે મળી છે, મળ્યો છે ત્યારે મારી પાસે સમય નથી એ
વાતનો અફસોસ કરું ! મોટાભાગના માણસોની આગળ-પાછળ, ઉપર-નીચે કે આસપાસ ઘણા લોકો હોય છે.
એમનું પદ, પ્રતિષ્ઠા, પૈસા જાતજાતની બાબતો સાથે જોડાયેલા આવા લોકો એકલા પડવા દેતા નથી, પરંતુ
જેના જીવનમાં પોતાની પ્રિય વ્યક્તિનો અભાવ છે એ ભીડમાં પણ એકલા અને એકલા હોય ત્યારે પણ
પોતાના પ્રિય વ્યક્તિ સાથે હોઈ શકે છે… હુજૂમનો અર્થ ટોળું છે, ટોળું ક્યારેય સહપ્રવાસી ન હોઈ શકે.
હમસફરનો અર્થ સાથે પ્રવાસ કરનારી વ્યક્તિ… અને એવી એક જ વ્યક્તિ જો મળી જાય તો એની સામે
આખું ટોળું નકામું છે.
तू मोहब्बत से कोई चाल तो चल, हार जाने का हौसला है मुझे
लब कशां हूं तो इस यकीन के साथ, कत्ल होने का हौसला है मुझे
ઈશ્કની મજા એ છે કે એ જીતવા નહીં, હારવા તૈયાર બેઠેલા લોકોની વાત છે. ક્યાંય કોઈ જગ્યાએ
એકબીજાને તોડી નાખવાને બદલે, ભીતરની તિરાડો જોડવાનું કામ ઈશ્ક કરે છે. માણસ જ્યારે પ્રેમ, પૂરા
દિલથી પ્રેમ કરે ત્યારે એને કદાચ ખબર પણ હોય છે કે એ જે કરી રહ્યો છે એનું પરિણામ પોતે ધારે છે એવું
ન પણ હોય. તેમ છતાં, પૂરા દિલથી અને પૂરી ઈમાનદારીથી ઈશ્કની બાજી રમી નાખવાનું આપણને ફૈઝ
અહેમદ ફૈઝ શીખવી ગયા છે, ગર બાજી ઈશ્ક કી બાજી હૈ, જો ચાહો લગા દો ડર કૈસા, ગર જીત ગયે તો
ક્યા કહેના, હારે ભી તો બાજી મા’ત નહીં… અહેમદ ફરાઝ પણ કહે છે, ‘તું એકવાર પૂરા દિલથી એક ડગલું
ભર, એ પછી હું મારું સર્વસ્વ ન્યૌછાવર કરવા તૈયાર છું.’ અહીં એક વુમન્સ લિબ્રેશનનો અભિગમ પણ બહુ
સુંદર રીતે દેખાય છે. જો માશુકાની મરજી હોય તો જ કવિ આગળ વધવા તૈયાર છે. આ શે’રની બીજી પંક્તિ
બહુ સાહસિક અને દિલ ફાડીને પ્રેમ કરતા કોઈ આશિકની પંક્તિ છે. હું ચૂપ છું, નથી બોલતો… કે આપણા
સંબંધ વિશે કોઈને ખબર પડે એવું કશું જ નથી કરતો કારણ કે, હું હારી જવા તૈયાર છું પણ તારી બદનામી
કરવા તૈયાર નથી. હારી જવાનો હોંસલો (સાહસ) દરેક વ્યક્તિમાં નથી હોતો. આપણે જેને પ્રેમ કરીએ એને
પામી લેવી, પામી લેવો એ જ આપણું અંતિમ ધ્યેય હોય છે, પરંતુ અહીં એક તરફથી કવિ એને પોતાની
મરજી જણાવવાનું કહે છે અને બીજી તરફ પોતે પોતાના હોઠ બંધ રાખીને હારી જવાની તૈયારી બતાવે છે…
दिल धडकता नहीं सुलगता है, वो जो खवाहिश थी, आबला है मुझे
कौन जाने के चाहतो में फ़राज़, क्या गंवाया है क्या मिला है मुझे
આ છેલ્લો શે’ર અહેમદ ફરાઝની માનસિક અવસ્થા અથવા તડપ, વિરહની વાત કરે છે… દિલ
ધડકતું નથી, સળગે છે. સ્થિતિ એવી છે કે તું ગમે તેટલી મોડી મળી છે પણ તારા માટેની ખ્વાહિશ આજે
પણ ઓછી થઈ નથી. આપણે સાથે જીવ્યા કે છૂટા છૂટા, આપણે એક દિશામાં પ્રવાસ કર્યો કે વિરુધ્ધ, આપણે
એકબીજાને શોધ્યા કે ગુમાવ્યા, આ બધા હિસાબને છોડીને કવિ કહે છે, કે મારું દિલ હવે ધડકતું નથી,
સળગવા લાગ્યું છે. સમય ઓછો છે અને છતાંય મારી ખ્વાહિશ, મારી ઝંખના તારા માટેનો પ્રેમ કે તારા
વિશેનું મારું આકર્ષણ હજી એટલું જ અકબંધ છે. ભલે એની પ્રેમિકા એને મોડી મળી છે, પરંતુ જિંદગીને
એટલી ફરિયાદ કરીને કવિ પોતાનું સર્વસ્વ દાવ ઉપર લગાડવા તૈયાર થઈ જાય છે. કવિ કહે છે, હવે આ
જગ્યાએ પહોંચ્યા પછી મને ફક્ત પ્રેમ સમજાય છે, ફક્ત તારા પરત્વેની લાગણી અને ઈમોશન્સ સમજાય
છે. હવે મેળવવાની અને ખોવાની રમતમાંથી હું બહાર નીકળી જાઉં છું. તું મારી સાથે હોઈશ તો પણ કદાચ
મારી નહીં હોય… અને મારી સાથે નહીં હોય, તો પણ મારી જ હોઈશ !
આ ખુમારી અને પૂરેપૂરા ઈશ્કના જુનૂન સાથે લખાયેલી ગઝલ અહેમદ ફરાઝના મિજાજની ગઝલ
છે. એમને પાકિસ્તાનમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. એમણે લંડનમાં પોતાના જીવનનો ઘણો સમય
વિતાવ્યો. કરાંચી રેડિયોના પશ્તો સેક્સનમાં એ કામ કરતા હતા. પછી પેશાવરમાં પ્રોફેસર તરીકે કામ કરવા
લાગ્યા. એમના આઝાદ રાજનીતિક વિચારોએ એમને ક્યાંય ટકવા ન દીધા. 1982માં ઝુલ્ફીકાર અલોભુટ્ટોની
ફાંસી પછી એમણે લંડન શિફ્ટ થવાનું નક્કી કરી લીધું.
આમ જોવા જઈએ તો ફરાઝની ગઝલો પાસે વિષય-વસ્તુનો વિસ્તાર નથી. એમનો રોમેન્ટિક
સ્વભાવ અને શબ્દો સાથે કામ પાડવાની એમની સહજ અભિવ્યક્તિ ફરાઝને જુદા પાડી આપે છે. એ સતત
કલાપક્ષી રહ્યા. એમની ગઝલોમાં દર્દ છે, સહજતા અને રવાની છે, પરંતુ રોતડાવેળા નથી, ફરિયાદો નથી…
એમની ફરિયાદ પણ ખુમારીથી ભરેલી છે. એમનો એક શે’ર
जो हमसफर सरे मंजिल बिछड रहा है फ़राज़
अजब नहीं है अगर याद भी न हो उसे
બીજી તરફ, રુના લૈલા અને બીજા અનેક ગાયકોએ એમની આ ગઝલને ઘર ઘર સુધી પહોંચાડી.
આ ગઝલ હવે પાકિસ્તાનની નથી રહી, સાચું પૂછો તો અહેમદ ફરાઝની પણ નથી રહી !
રંજીશ હી સહી દિલ હી દુખાને કે લિયે આ, આ, ફિર સે મુઝે છોડ કે જાને કે લિયે આ,
કુછ તો મેરે પિંદારે મહોબ્બત કા ભરમ રખ, તુ મુઝ સે ખફા હૈ તો જમાને કે લિયે આ…
મહેંદી હસને ગાયેલી એક ગઝલે, એમને ખૂબ જ લોકપ્રિયતા આપી, અબ કે બિછડે તો હમ શાયદ
કભી ખ્વાબો મેં મિલે… જિસ તરહ સૂખે હુએ ફૂલ કિતાબોં મેં મિલે…
શાયરી ગઝલકારના મિજાજની બારી છે. એ એમાંથી ડોકિયું કરે છે, આપણા તરફ જુએ છે. આપણે
બારીમાં ઊભેલો એ ગઝલકાર જોઈ શકીએ છીએ, પરંતુ આખો નહીં, જેટલું આપણને બારી બતાવી શકે
એટલું જ વ્યક્તિત્વ એની શાયરીમાંથી બહાર નીકળે છે… અહેમદ ફરાઝની ખુમારી, એમનો રૂમાની અંદાજ
અને રાજકારણ વિશેના એમના બેબાક વિચારોએ એમને પોતાના સમયના શાયરો કરતા એક અલગ મકામ
આપ્યો છે.
ઐસે ચૂપ હૈં કિ યે મંજિલ ભી કડી હો જૈસે, તેરા મિલના ભી જુદાઈ કી ઘડી હો જૈસે,
તેરે માથે કી શિકન પહલે ભી દેખી થી મગર, યે ગિરહ અબકે મેરે દિલ મેં પડી હો જૈસે…