સ્વરાજ્ય માઝા જન્મસિદ્ધ હક્ક આહે…

આજે જ્યારે પત્રકારિત્વ વિશે અનેક સવાલો ઊભા થયા છે ત્યારે, મીડિયાના અસ્તિત્વ માટે એક અવિશ્વાસની લહેર આખા
દેશમાં ફેલાઈ છે ત્યારે પાછા ફરીને જોઈએ તો સમજાય કે પત્રકારત્વ એ ભારતીય જનસમાજમાં અત્યંત સન્માનીય કામ
ગણવામાં આવતું હતું. જે સમયે ટેલિફોન કે રેલવે પણ સાવ પ્રાથમિક દશામાં હતાં ત્યારે અખબાર એકમાત્ર એવું સાધન હતું જે
આખા દેશના ખબર જનસામાન્ય સુધી પહોંચાડવાનું કામ કરતું. અખબારની વિશ્વસનીયતાના ધોરણો અત્યંત ઊંચા અને
પ્રામાણિકતાપૂર્ણ માનવામાં આવતા. સરકાર કોઈપણ હોય પત્રકારો અને અખબારનું કામ સાચી અને પૂરી માહિતી લોકો સુધી
પહોંચાડવાનું, લોકોને જગાડવાનું અને એમને પોતાના અધિકારો વિશે સજાગ કરવાનું હતું.

1881માં જ્યારે પ્રિન્ટિંગ ટેક્નોલોજી પણ પા-પા પગલી ભરી રહી હતી ત્યારે પૂનાના કેસરીવાડા, નારાયણ પેઠમાંથી બે
અખબાર શરૂ કરવામાં આવ્યા. ‘કેસરી’ અને બીજું, ‘મરાઠા’ લોકમાન્યની પદવી પામેલા બાળગંઘાધર ટિળક, એમના મિત્ર ગણેશ
આગરકર અને વિષ્ણુ શાસ્ત્રી ચિપલુણકર સાથે મળીને એમણે આ બે અખબારો શરૂ કર્યા. જેમાંનું ‘કેસરી’ મરાઠીમાં હતું અને ‘ધ
મરાઠા’ અંગ્રેજીમાં હતું. એક એવો સમય આવ્યો કે ભારતના કોઈપણ વર્તમાનપત્ર કરતાં વધુ વાચકવર્ગ આ બંને અખબારો
ધરાવતા હતા. ‘કેસરી’નો તંત્રીલેખ સામાન્ય રીતે બ્રિટિશરાજની વિરુદ્ધમાં રહેતો. પરંતુ એ સિવાય પણ ભારતીય લોકોને લગતા
કાયદા, ભારતીય જનતા સાથે જોડાયેલી આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ, આપણો ભવ્ય વારસો અને મરાઠી સામ્રાજ્યનાં
સુવર્ણકાળ વિશે પણ અવારનવાર લેખો છાપીને બાળગંગાધર ટિળક લોકોની માનસિકતાને અંગ્રેજી ગુલામીમાંથી બહાર કાઢવાનો
નિષ્ઠાપૂર્ણ પ્રયાસ કરતા રહેતા. ગાંધીજીએ 1919માં ‘યંગ ઈન્ડિયા’ શરૂ કર્યું એના લગભગ સાડાત્રણ દાયકા પહેલા લોકમાન્ય
ટિળકે અખબારના માધ્યમ દ્વારા ભારતના જનસામાન્ય સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. 1920માં ટિળકનું અવસાન થયું,
1931માં ‘યંગ ઈન્ડિયા’ બંધ થયું અને હિન્દી-ગુજરાતીમાં ‘હરિજન બંધુ’ અને ‘હરિજન સેવક’ શરૂ થયાં. 1947ની પહેલી
નવેમ્બરે અમદાવાદમાં નવજીવન પ્રેસની સ્થાપના થઈ. મહાત્મા ગાંધીએ ‘નવજીવન’ સામાયિક શરૂ કર્યું. શરૂઆતના વર્ષોમાં
સ્વામી આનંદ આ પ્રેસ અને એના પ્રકાશનો સાથે જોડાયેલા હતા.

આજે જ્યારે મીડિયા ભણેલા લોકો માટે એક મજાક અને ઓછું ભણેલા કે અભણ લોકો માટે બિનજરૂરી, સાચા-ખોટા
સમચારોની એક ભ્રમણા બની ગયું છે ત્યારે પાછા ફરીને જોઈએ તો સમજાય કે આજથી લગભગ 100 વર્ષ પહેલાં પોતાના
જીગરજાન મિત્ર સાથે ‘કેસરી’ના તંત્રી પદે જોડાયા પછી પણ સૈદ્ધાંતિક મતભેદને કારણે એમના મિત્ર ગોપાલ ગણેશ અગરકરે
‘કેસરી’ છોડી દીધું અને ‘સુધારક’ નામે પોતાનું સામાયિક શરૂ કર્યું.
બાળગંગાધર ટિળક વેદો અને ગીતા જેવા આપણા સાંસ્કૃતિક વારસા માટે અત્યંત આદર ધરાવતા હતા. એ માનતા કે ભારતીય

તત્વજ્ઞાન અને વેદો પાસે જે સમજણ અને જ્ઞાન છે એ વિશ્વમાં કોઈની પાસે નથી. એમણે લખેલા કેટલાક લેખોના સંગ્રહો 1.
જીવન, નીતિ અને ધર્મનું હિન્દુ તત્વજ્ઞાન, 2. વૈદિક કાળાનુક્રમ અને વેદાંગ જ્યોતિષ, 3. ગીતા રહસ્ય સહિત ભારતીય તત્વજ્ઞાન
અને સાંસ્કૃતિક વારસા વિશે એમણે અનેક પુસ્તકો લખ્યાં છે. ૧૯૦૩માં તેમણે પુસ્તક લખ્યું ધ આર્કટીક હોમ ઇન વેદાસ (વેદોનું
આર્કટીક મૂળ). તેમાં તેમણે દલીલ કરી કે વેદો નું ઉદગમ આર્કટીક જ હોવું જોઇએ, અને આર્ય કવિઓ (ચારણો) દ્વારા હિમ યુગ
પશ્ચાત તેને દક્ષિણ તરફ લાવવામાં આવ્યાં. તેમણે વેદોની રચનાના સમય શોધવાની નવો મૂળ માર્ગ બતાવ્યો. તે સમય સુધી, વેદોનો
પુરાતન કાળ તેમાં વપરાયેલી ભાષાને આધારે બતાવાતો હતો. તેમણે વેદોનો કાળ વિભિન્ન નક્ષત્રોની સ્થાન ને આધારે શોધવાનો
પ્રયત્ન કર્યો. જુદા જુદા વેદોમાં નક્ષત્રોની સ્થિતિઓ વર્ણવેલી છે. નક્ષત્રોની હલચલનની ગતિ અને તેમના સ્થાન વર્તમાન અને તે
સમયના સ્થાન ને આધારે આપણે વેદોનો કાળ જાણી શકીએ તેમ તેમણે જણાવ્યું. તેમણે એવું તારણ કાઢ્યું કે વેદો ઈ.પૂ. ૪૫૦૦ ની
આસ પાસ લખાયા હોવા જોઇએ, કેમકે વિદિક સૂત્રો અનુસાર તે સમયે વસંતનો વિષુવદિન (દિવસ અને રાત સરખા સમયના) મૃગ (કે
ઓરિઓન) નક્ષત્રમાં હતો, અને ત્યાર બાદ તે કૃતિકા નક્ષત્રમાં વિલિન થયો હતો (લગભગ ઇ.પૂ. ૨૫૦૦) બ્રાહ્મણોના કાળમાં. આ
તેમના તારણનો મૂળભૂતઆધાર હતો. અમુક વિદ્વાનોએ આ અનુમાનની આલોચના કરી, જ્યારે અમુકે તેમના વખાણ કર્યાં.

તેઓ રત્નાગિરિ જિલ્લાના ચીખલી ગામે ચિત્તપાવન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. એમના પિતા સંસ્કૃતના વિદ્વાન હતા.
પૂણેની ડેક્કન કોલેજમાંથી એમણે સ્નાતકની પદવી મેળવી. ભારતમાં ગ્રેજ્યુએશન મેળવનાર ભારતીયની પહેલી પેઢીમાં ટિળકનો
સમાવેશ થાય છે. એ પછી એમણે પૂણેની એક ખાનગી શાળામાં ગણિત શીખવવાની શરૂઆત કરી. એ સમયની શાળાઓ અંગ્રેજી
શિક્ષણ ઉપર ભાર આપતી એટલું જ નહીં અંગ્રેજી રીતભાત અને ખ્રિસ્તી ધર્મને વધુ મહત્વ આપવામાં આવતું. ટિળકે સૈદ્ધાંતિક
અને આધ્યાત્મિક મતભેદને કારણે એ નોકરી છોડી દીધી. પછી પત્રકાર બનવાનો નિર્ણય કર્યો. એમણે પાશ્ચાત્ય શિક્ષણનો વિરોધ
આજથી 100 વર્ષ પહેલાં કર્યો હતો. (આજે આપણે એ વિરોધ નહીં માનવાના અને અંગ્રેજી શિક્ષણ પદ્ધતિના આધારે આપણી
શિક્ષણ પદ્ધતિ ઊભી કરવાના ગેરફાયદા જોઈ રહ્યા છીએ.) ટિળક માનતા કે માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ અપાવવું જોઈએ
જેથી દરેક ભારતીય બાળક પોતાની ભાષા, પોતાનો ધર્મ અને પોતાની પરંપરાઓ વિશે જાણે અને એ વૈદિક, ધાર્મિક અને
આધ્યાત્મિક વારસો પેઢી દર પેઢી આગળ વધતો રહે… આજે આપણા બાળકો આપણા તહેવારો કે આધ્યાત્મિક પરંપરાઓ વિશે
જાણતા નથી કારણકે આપણા બાળકો પાશ્ચાત્ય શિક્ષણ પામી રહ્યા છે. ટિળક માનતા કે પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિને કારણે
ભારતીય પેઢીઓ સ્વાર્થી અને આત્મકેન્દ્રીય બની જશે. (આજે આપણે એ જોઈ રહ્યા છીએ.)

1890માં ટિળક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયાં. એમણે સ્વરાજ્યની માંગણી કરી. સ્ત્રીઓના વિવાહની આયુને વધારવા
માટે કાયદો બનાવ્યો. ઈ.સ. 1896માં પ્લેગ મુંબઈથી પૂણે સુધી આવી પહોંચ્યો. એ વખતે પ્રત્યેક ઘરમાં તલાશી લેવાની અંગ્રેજી
હકુમતે સૂચના આપી. આ તલાશીમાં અતિરેક થયો. જેમાં લોકો ભડકી ગયાં. એ વખતે સૈનિકો લોકોને મારતાં, એમની ઠેકડી
ઉડાડતા કારણ વગર એમને અડતા, કેટલાક લોકોનું મુંડન કરી નાખવામાં આવ્યું. ઘરમાં ઘૂસી ગયેલાં કેટલાક સૈનિકો ઘરની કિંમતી
વસ્તુઓ ઊઠાવી લેતાં… ટિળકે આ વિશે એક લેખ લખ્યો અને લખ્યું કે, ‘જો દમન કરનારની હત્યા ફળની આશા વિના કરવામાં
આવે તો તે કોઈપણ આરોપસર ગુનેગાર નથી.’ 22 જૂનના દિવસે ઘરમાં ઘૂસીને તપાસ કરવાનો હુકમ આપનાર રેન્ડ અને
યેર્સ્ટની હત્યા કરવામાં આવી. ચાફેકર બંધુઓએ કરેલી આ સજા માટે ટિળકને હત્યાની ઉશ્કેરણીના ગુનામાં 18 મહિનાના
કારાવાસની સજા થઈ. એ જ્યારે કેદમાંથી બહાર આવ્યા ત્યાં સુધીમાં એમના લેખો એટલા પ્રસિદ્ધ થયાં હતાં કે લોકોએ એમને
‘લોકમાન્ય’નું બિરુદ આપ્યું. એમણે બહાર નીકળીને પહેલીવાર નવું સૂત્ર આપ્યું ‘સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું
એ મેળવીને જ રહીશ.’ 1905માં, ગાંધીજી સાઉથ આફ્રિકાથી પાછા ફર્યા (1915) એ પહેલાં તો ટિળકે બહિષ્કાર, સ્વદેશી
ચળવળ અને વિદેશી અધિકારીઓના વિરોધની કામગીરી ઉપાડી લીધી હતી. એમને બંગાળના બિપિનચંદ્ર પાલ, પંજાબના લાલા
લજપતરાયનો સાથ મળ્યો. એમણે નરમ વલણ અને અંગ્રેજી હકુમત સાથે નીચે માથે કામ કરનાર નેતાઓનો વિરોધ કર્યો. આ
જોશભેર વિરોધ કરતાં અને લોકોને સ્વરાજ્ય માટે ઉશ્કેરતા નેતાઓની ત્રિપુટી ‘બાલ, પાલ અને લાલ’ અત્યંત લોકપ્રિય થઈ ગઈ.
આ ત્રિપુટીની આગેવાની હેઠળ ગરમ, ઉશ્કેરતાં અને અંતિમવાદી લોકો જોડાયાં. એ એમ માનતા હતાં કે અંગ્રેજો સામે આ નરમ
વલણ કે ભીખ માંગીને સ્વરાજ્ય લેવાની વૃત્તિ કામ નહીં કરે. બીજીતરફ ગોપાલકૃષ્ણ ગોખલે જેવા નેતાઓ માનતા હતા કે
અંગ્રેજ સરકાર સામે યુદ્ધ નહીં થઈ શકે, એમની સાથે સમજદારીથી જ કામ કરવું પડશે.

30 એપ્રિલ 1908ના દિવસે પ્રફુલચંદ્ર ચાકી અને ખોદીરામ બોઝે ડગ્લસ કિંગ્સફર્ડની હત્યા કરવા માટે એક ગાડી પર બોમ્બ
ફેંક્યો. આમાં ભૂલ થઈ ડગ્લસ બચી ગયો અને એક મહિલા મૃત્યુ પામી. પ્રફુલચંદ્રએ આપઘાત કર્યો અને બોઝને ફાંસીની સજા
અપાઈ. ટિળકે તેમના છાપામાં ક્રાંતિકારીઓનો બચાવ કર્યો, સરકારે તેમની ધરપકડ કરી ત્યારે ટિળકે યુવાન મહોમ્મદ અલી
જિન્હાને પોતાનો કેસ લડવાની વિનંતી કરી. એમને 1908થી 1914 સુધી બર્મામાં જેલમાં રખાયા. એમના ઉપર ચાલેલા આ
મુકદમા વિશે ઘણું લખાયું છે. પરંતુ ચુકાદા પછી એમણે જે કહ્યું એ મુંબઈની હાઈકોર્ટના રૂમ નંબર-46માં કોતરેલું છે.
‘નિર્ણાયકોના ન્યાય છતાં પણ હું માનું છું હું નિર્દોષ છું. માણસના કે દેશના ભાગ્ય કરતાં પણ મોટી શક્તિ વિહરમાન છે અને આ
તેની જ ઇચ્છા હોય કે હું જે ધ્યેય માટે લડું છે તેને મારી મુક્તિ કરતાં મારી કેદ વધુ વેગ આપે.’

23મી જુલાઈ, લોકમાન્ય બાળગંગાધર ટિળકનો જન્મદિવસ… ધીમે-ધીમે આપણે સલમાન ખાન અને શાહરુખના જન્મદિવસ
યાદ રાખતા થઈ ગયા છીએ, દેશને આઝાદ કરાવનાર અને આપણને આઝાદીની હવામાં શ્વાસ લેવાની સગવડ આપનાર આવા
નેતાઓને પણ ક્યારેક યાદ કરી લેવા જોઈએ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *