ભારતીય સંસ્કૃતિનો પાયો વેદ પર આધારિત છે. ચાર વેદ, ઋગવેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ ચાર વેદના પાયા
પર વિશ્વના તમામ જ્ઞાન, દર્શન અને ચિંતનની વિચારધારાઓ ઊભી છે. જગતમાં કશું પણ એવું નથી જે ભારતીય સંસ્કૃતિના વેદોમાં
સમાવી લેવાયું ન હોય. વેદ હિંદુ ધર્મના મુખ્ય ચાર આધારસ્તંભ અને આદિ ગ્રંથ છે. ‘વેદ’ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘વિદ્’
પરથી થયેલી છે જેનો અર્થ ‘જાણવું’ અર્થાત જ્ઞાન સંબંધિત છે. વેદ એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખિકરૂપે બોલીને તથા સાંભળીને
હસ્તાંતરિત થયેલા હોવાથી તેને ‘શ્રુતિ’ પણ કહે છે. વૈદિક સાહિત્યના સંપૂર્ણ ચનાકાળ વિશે વિભિન્ન મત છે. વેદની ઉત્પત્તિ હજારો
વર્ષો પહેલાની માનવામાં આવે છે. શરૂઆતમાં તેને શ્રુતિ પરંપરાથી ફેલાવવામાં આવ્યો, જ્યારે લેખનની દ્રષ્ટિએ તેને બે મુખ્ય ભાગોમાં
વહેંચવામાં આવે છે: ૧. પૂર્વ વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) અને, ૨. ઉત્તર વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૦૦૦ થી ૫૦૦).
અત્યાર સુધીમાં મળી આવેલી હસ્તપ્રતોને આધારે ઋગ્વેદનો રચનાકાળ પૂર્વ વૈદિક કાળ મનાય છે. જ્યારે બાકીના અન્ય વેદ,
સંહિતાઓ, બ્રાહ્મણ, આરણ્યક તેમજ ઉપનિષદોનો રચનાકાળ ઉત્તર વૈદિક કાળ માનવામાં આવે છે. વેદ ચાર છે. ઋગ્વેદ, યજુર્વેદ,
સામવેદ, અથર્વવેદ. વેદ તથા વેદ સંબંધિત સાહિત્યને વૈદિક સાહિત્ય કહે છે જેને સાત વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે:
મંત્રસંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક ગ્રંથો, ઉપનિષદો, સુત્રગ્રંથો, પ્રાતિશાખ્ય, અનુક્રમણી.
ઉપનિષદ વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી વેદાંત ગણાય છે. ઉપનિષદનો અર્થ ‘ની પાસે બેસવું’ એવો પણ થાય
છે. વેદની પાસે બેસીને જે જ્ઞાન મળી શકે છે તે ઉપનિષદ છે. ઉપનિષદોમાં વેદનો નીચોડ અથવા સારતત્વ સમાવી લેવાયું છે. જે
વેદનો પૂર્ણ અભ્યાસ ન કરી શકે એમને શ્રૃતિ અને સ્મૃતિ દ્વારા સંગ્રહાયેલા આ ઉપનિષદો પાસે જવું પડે. ઉપનિષદો મુલત:
આધ્યાતમવિદ્યાના ગ્રંથો છે. ઉપનિષદોમાંથી ભારતીય દર્શનની અનેક શાખાઓ જન્મી છે, વધી છે અને વિકસી છે. ગીતા ઉપનિષદોનો
પણ સારરૂપ ગ્રંથ ગણાય છે. ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતા – આ ત્રણ મળીને વેદાંતની પ્રસ્થાનત્રયી બને છે.
ઉપનિષદોની સંખ્યા લગભગ ૩૦૦ની છે. પ્રધાન ૧૩ ઉપનિષદો ગણાય છે. જે આ પ્રમાણે છે: ઈશ, કેન, કઠ, માંડૂક્ય, મૂંડક, પ્રશ્ન,
ઐતરેય, તૈત્તિરીય, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વર, કોષીતિકી, નૃસિંહતાપની આમાંના પ્રથમ અગિયાર પર ભગવાન શંકરાચાર્યના
ભાષ્યગ્રંથો રચાયા છે.
વેદ સમજવા સૌથી મુશ્કેલ છે. એને સમજવા માટે ઉપનિષદોની રચના કરવામાં આવી. વેદના અંતે જે રચાયાં તે ઉપનિષદો
અથવા ‘વેદાંત’ મંત્રોને સમજવામાં અથવા મંત્રોના રહસ્યને સમજવામાં મદદ કરે છે. કોઈ ડિક્શનરી અથવા શબ્દકોશમાં જેમ એક
શબ્દના અનેક અર્થ મળી રહે એવી જ રીતે, ઉપનિષદો આપણને વેદના એક મંત્રના અનેક અર્થ, એની સાથે જોડાયેલી અનેક વિભાવના
અને એમાંથી જન્મ લેતી ઊર્જા અને શક્તિઓ વિશે સમજાવે છે.
ઉપનિષદો પછી પુરાણોની વાત આવે છે. ઉપનિષદમાં મંત્રો છે. આ મંત્રો દરેકને માટે સમજવા સરળ નથી. એ માટે પણ
સંસ્કૃત અને વેદોનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે, પરંતુ પુરાણોમાં આ જ વાતોને કથાના સ્વરૂપે જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયાસ
કરવામાં આવ્યો છે. વેદો પૂર્ણ સત્ય છે એમ માનવામાં આવે છે. આ પૂર્ણ સત્યને આપણી સામે સરળતા અને સહજતાથી ખોલી આપે,
આપણા રોજિંદા જીવનને જીવવા માટે આપણને નીતિ, પ્રામાણિકતા, સત્ય, અર્થતંત્ર કે સ્વાસ્થ્ય સંબંધો કે સમજણ વિશે જે સમજ
વેદમાં આપી છે એને નવી રીતે-કથા સ્વરૂપે, કથાના બોધમાંથી જન્મ લેતા જ્ઞાન સ્વરૂપે કહેવામાં આવી છે એ તમામ ગ્રંથોને પુરાણ
તરીકે ઓળખવામાં આવે છે.
પૂર્ણ સત્યને નવી રીતે કહે તેનું નામ પુરાણ. વેદ અને ઉપનિષદમાં જે સત્યો મંત્રોના માધ્યમથી કહેવામાં આવ્યા છે, તે જ
સત્યો પુરાણોમાં કથાના માધ્યમથી કહેવામાં આવ્યા છે. પુરાણો અઢાર છે. તેમના નામ અને તેમના શ્લોકની સંખ્યા (કૌંસમાં આપ્યા
પ્રમાણે) આ પ્રમાણે છે. બ્રહ્મ પુરાણ (૧૦,૦૦૦), પદ્મ પુરાણ (૫૫,૦૦૦), વિષ્ણુ પુરાણ (૨૩,૦૦૦), શિવ પુરાણ (૨૪,૦૦૦),
શ્રીમદ્ ભાગવતમ્ (૧૮,૦૦૦), નારદ પુરાણ (૨૫,૦૦૦), માકઁડેય પુરાણ (૯,૦૦૦), અગ્નિ પુરાણ (૧૫,૪૦૦), ભવિષ્ય
પુરાણ (૧૪,૫૦૦), બ્રહ્મવૈવર્ત પુરાણ (૧૮,૦૦૦), લિંગ પુરાણ (૧૧,૦૦૦), વરાહ પુરાણ (૨૪,૦૦૦), સ્કંદ પુરાણ (૮૧,૧૦૦),
વામન, પુરાણ (૧૦,૦૦૦), કૂર્મ પુરાણ (૧૭,૦૦૦), મત્સ્ય પુરાણ (૧૪,૦૦૦), ગુરુડ પુરાણ (૧૯,૦૦૦) અને બ્રહ્માંડ
પુરાણ (૧૨,૦૦૦). અઢાર પુરાણોના કુલ શ્લોકની સંખ્યા ચાર લાખ થાય છે. આ અઢાર પુરાણો ઉપરાંત ઉપ પુરાણ પણ અઢાર છે.
જેવા કે સનત પુરાણ, નારસિંહ પુરાણ, નારદ પુરાણ, શૈવ પુરાણ, કપિલ પુરાણ, માનવ પુરાણ, ઔશનસ પુરાણ, વરુણ પુરાણ, કાલિકા
પુરાણ, સાંબ પુરાણ, સૌર પુરાણ, આદિત્ય પુરાણ, માહેશ્વર પુરાણ, દેવી ભાગવત, વસિષ્ઠ પુરાણ, નંદિ પુરાણ, પારાશ
પુરાણ અને દુર્વાસા પુરાણ.
વેદમંત્રો માત્ર મોઢે કરવાથી, એના ભાષાંતર વાંચવાથી કે ભાષ્યો વાંચવાથી એમાં લખેલી સિધ્ધિઓ પ્રાપ્ત થતી નથી. એમ
કહેવાય છે કે, વેદમંત્રોના અનેક અર્થ શ્રીયંત્રમાં સચવાયેલા છે. જે આ શ્રીયંત્રના સમગ્ર ચક્રોને ઓળખે, સમજે અને સિધ્ધ કરી શકે એ
વેદમંત્રોમાંથી પોતાને માટે ઊર્જા ઉત્પન્ન કરી શકે છે. શ્રીયંત્રમાં નવ ચક્રો છે. આ નવનો પૂર્ણાંક આપણને બધે જોવા મળે છે. 108નું
કુલ ટોટલ પણ નવ થાય છે. શક્તિપંથ અથવા શાક્તતંત્ર મુજબ આ શ્રીયંત્રના ચક્રોની અધિષ્ઠાત્રિ નવ દેવીઓ છે. આ નવ દેવીઓ
પોતપોતાના ચક્રનો અર્થ અને વેદના મંત્રોમાંથી પ્રગટ થતી ઊર્જાને સિધ્ધિ કરનારી દેવીઓ છે. શ્રીયંત્રમાં આવેલા નવ ચક્રો ભૃપુર,
શોડ્સદળ કમળ, અષ્ટદળ કમળ, ચતુર્દશાર ચક્ર, બહિર્દશાર ચક્ર, અંતર્દશાર ચક્ર, અષ્ટકોણ, ત્રિકોણ અને બિંદુ… શ્રીયંત્રને સિધ્ધ કરવા
માટે ગાયત્રી મંત્રથી શરૂઆત કરવી જોઈએ એમ શૌનક ઋષિએ લખ્યું છે. ગાયત્રી મંત્ર સૂર્યની આરાધના છે અને 27 નક્ષત્રો, ને ચાર
પાદથી ગુણવામાં આવે તો 108નો આંકડો મળે છે. 108 મણકા પછી મેરૂ કે ગુરૂ મણિથી માળાના જપમાં પરિવર્તન આવે છે. આ પણ
બહુ રસપ્રદ બાબત છે, એક સરખા ગોળ ગોળ ફરવું એ આપણી સંસ્કૃતિ શીખવતી નથી. ગુરૂ અથવા મેરૂથી પાછા ફરવાનું રહસ્ય એ છે
કે, આપણે કોઈ એક સ્થળેથી પાછા વળતા શીખી જઈએ… કેટલાક અદ્ભુત વેદમંત્રો આજના સમયમાં આપણને જીવવા માટે મદદરૂપ
થાય એવા છે.
मनसः काममाकूर्ति वाचः सत्यमशीमहि (यजुर्वेद)
(હું મનની ઈચ્છાઓ, મારા સંકલ્પો અને મારી વાણીમાં સત્ય પ્રાપ્ત કરું.) યજુર્વેદ કહે છે કે, માણસ જ્યારે દૃઢ સંકલ્પ કરીને
પોતાના કામમાં આગળ વધવાનું નક્કી કરે છે, મનની ઈચ્છાઓને શુદ્ધ રાખે અને વાણીથી સત્ય ઉચ્ચારે છે ત્યારે એ પોતાના જીવનમાં
સફળ થાય છે.
अहं भूयासमुत्तमः । (अथर्ववेद)
આ ઉત્તમ બનવાની ઈચ્છા જ સફળતાના પાયામાં છે. આપણી હરિફાઈ સૌથી પહેલાં તો આપણી સાથે જ હોવી જોઈએ.
ગઈકાલે કર્યું એનાથી આજનું કામ વધુ સારું હોય, આપણે આપણા ગ્રાહકને વધુને વધુ ઉત્તમ કેવી રીતે આપી શકીએ એનો પ્રયાસ જ
અંતે તો વ્યક્તિ કે વ્યાપારીને (સર્જક, અભિનેતા કે કલાકારને) સફળ બનાવે છે.
श्रद्धया विन्दते वसु । (ऋग्वेद)
શ્રદ્ધાથી ધનની વૃદ્ધિ થાય છે. આપણી મહેનતમાં અને આપણી આવડતમાં વિશ્વાસ/શ્રદ્ધા એ કોઈપણ પ્રકારની
સફળતાનો પાયો છે. દરેક વખતે જગતમાં બધું એકસરખું ન પણ ચાલે. હારજીત કે સફળતા-નિષ્ફળતા તો આવતી જતી રહેવાની.
સાચાજુઠ્ઠા માણસો કે આપણે કરીએ તે કામને વખાણનારા અને વખોડનારા બધા જ મળવાના પરંતુ, સ્વયંમાં રહેલી શ્રદ્ધા અને પૂરી
નિષ્ઠાથી આપણા કામની અને એના પરિણામની જવાબદારી જ્યારે આપણે લઈ શકીએ ત્યારે ધન અને સફળતામાં અચૂક વૃદ્ધિ થયા
વગર રહેતી નથી.
वित्ते रमस्व बहु मन्यमानः । स्वयं वर्धस्व (ऋग्वेद)
આપણી પાસે જે હોય એનો હિસાબ કાળજીપૂર્વક રાખવો. આપણા ધનને માન આપવું અને બીજાઓ સાથે કદી સરખાવવું
નહીં. આપણી પાસે જે છે તે, વિદ્યા, આવડત, મહેનત કરવાની તૈયારી, સચ્ચાઈ અને કામ (વ્યવસાય કે ધંધો) એ ઘણું છે, પૂરતું છે
એવો સંતોષ રાખીને પછી સતત આગળ વધવાનો પ્રયાસ કરતા રહેવું. સ્વયંને વધારવાનું કામ કરવું, માત્ર ધન વધારવાથી સુખ નહીં
આવે… અર્થ એવો કે આપણા જ્ઞાનમાં, આવડતમાં, સમજણમાં અપડેટ થતા રહેવું. જે લોકો પોતે પોતાની જાતને ‘વધારવાનું’ (અપડેટ
કરવાનું કે વિકસવાનું, વધુ સમજદાર કે ક્ષમાશીલ બનવાનું) કામ કરતા રહે છે એમને સદાય સફળતા મળે છે.