આવ્યા દિ’ના ઓરતાં, ગ્યા દિ’ ના ગુણગાન; ઈ જીવન પળ જાણે નહિ, ભાળે નહિ ભવાન.

”જૂનાગઢ મુકામે ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદમાં, લોકસાહિત્યને સ્વીકૃત ગણવાનો
ઠરાવ થયો. (ત્યારે અમારી જૂનાગઢમાં હાજરી હતી) આ વાત ઉર્મિનવરચના પ્રકાશનમાં જયમલ્લ
પરમારે હરખથી છાપી, ત્યારે મેં અચંબો ઉપજાવીને કહ્યું હતું… કે, “દીકરીયે ડાડીમાં (ગ્રાન્ડ મધર)ને
ખોળે લીધા ગણાય!” ક્યાં ગુજરાતી સાહિત્ય પરિષદની ‘છોકરવેજા’ અને કયા યુગોથી જન સાથે જીવંત
લોકસંસ્કાર (સંગીત-સાહિત્ય)! આ સંસ્થાએ જ (ગુજ.સા.પરિષદે જ), આ જીવંત ગાણા તથા વાતુને
‘લોકસાહિત્ય’નું આળ ચોંટાડેલ છે.

આ ગુજરાતી સાહિત્ય (જે પાંચ-પંદરના ટોળાથી ગોંધાયું છે. તે) શું છે? તે દલિત સાહિત્ય છે? તે
આદિવાસીનું સાહિત્ય છે? તે ભાષાના પ્રભુત્વવાળું છે? તે અપદ્ય ગદ્ય છે? તે નાટક છે? તે ચરિત્ર
ચિત્રણ છે? નવલકથા-નવલિકા-ટુંકી વાર્તા છે? તે વિવેચન છે? તે… તે… તે… ? ? ?

કે પછી ‘નુરો ગાઈ અને પીરો વખાણે’ની લોકોક્તિ પ્રમાણે, અહો રૂપ અહોધ્વનિતી જાહેરાત
છે? કે પછી ‘પદ’ માટે કાવાદાવા રમવાની અક્ષરી કસરત શાખા છે?”

આ જેણે લખ્યું છે એ હવે આ જગતમાં નથી, સદેહે… પરંતુ, એ અક્ષરદેહે આપણી વચ્ચે એટલા વ્યાપ્ત
છે કે, પાંચમી ફેબ્રુઆરીની સાંજે 1200-1500થી વધુ લોકકલાકારો અને ફિલ્મ દિગ્દર્શકો-કલાકારોની
હાજરીમાં સ્ટેજ પરથી એમને અંજલિ આપવામાં આવી ત્યારે એ વ્યક્તિ વિશે વાત કરતાં લગભગ
સહુની આંખમાં ભીનાશ તરવરતી હતી. એમનો આક્રોશ, એમનો ક્રોધ, એમનું સ્પષ્ટ વક્તાપણું,
એમનું જ્ઞાન, ડિસિપ્લિન અને લોકસાહિત્ય માટેનો એમનો અગાધ પ્રેમ સહુએ ફરી ફરીને યાદ કર્યો.

એમનું નામ જિતુદાન ટાપરિયા અથવા ગઢવી. આજે જે ડાયરાનું સ્વરૂપ આપણે જોઈએ
છીએ એ સ્વરૂપના પ્રણેતા એટલે જિતુદાન ગઢવી.

મુંબઈના પાટકર હોલમાં ડાયરા માટે તખતદાનભાઈએ ડિપોઝિટ ભરેલી, પરંતુ સમય પ્રમાણે
ભાડું ન જમા કરાવે તો ડિપોઝિટ જાય. એ દિવસે મુંબઈ સમાચાર અને જન્મભૂમિમાં જાહેરાત પ્રગટ
થઈ, “આજે રાત્રે નવ વાગ્યે પાટકર હોલ મુંબઈમાં, ‘રઢિયાળી રાત’ ડાયરો, કલાકાર મુગટ જોશી,
નટવર ગિરી, કામાણી છાયા અને સૂત્રધાર જિતુદાન ગઢવી” આ એક નવી જ શરૂઆત હતી.
ઓડિટોરિયમમાં ટિકિટ ખર્ચીને લોકો ડાયરો સાંભળવા આવે એવું પહેલીવાર બન્યું. એ પછી ડાયરાને
કોમર્શિયલ સ્વરૂપ મળ્યું એમ કહીએ તો ખોટું નથી.

તરણેતરના મેળાને આટલો લોકપ્રિય અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીયકક્ષાએ પહોંચાડનારા થોડાક નામોમાં
એક જિતુદાન ગઢવી, બીજા રામકુભાઈ ખાચર, શાહબુદ્દીન રાઠોડ અને બાબુભાઈ મેઘજી જેવા
લોકોને યાદ કરવા પડે. આપણે આપણી લોકસંસ્કૃતિને ગૌરવપૂર્વક વિદેશમાં ‘વેચીએ’ છીએ. આજે
પણ હસ્તકલા કે લોકકલાની વાત નીકળે તો ગુજરાત અને ગરબાને યાદ કર્યા વગર ન ચાલે તેમ છતાં,
એક કડવો અને સત્ય સવાલ એ છે કે, એંસી પછી જન્મેલી પેઢીને આપણી લોકકથાઓ, લોકવાર્તાઓ
કે લોકગીતોમાંથી વારસામાં શું મળ્યું છે? ડાયરાનું સાહિત્ય, ચારણોનું શ્રુતિ અને સ્મૃતિનું સાહિત્ય છે.
ઉપનિષદોની જેમ આ કહેણી છે. પિતા પાસેથી પુત્રને કે ગુરૂ પાસેથી શિષ્યને મળે એવું જ્ઞાન.
દુર્ભાગ્યની વાત એ છે કે, આપણી આટલી વિસ્તૃત પરંપરા અને સાહિત્યને ઝવેરચંદ મેઘાણી પછી
કોઈએ ગ્રંથસ્થ કે દસ્તાવેજીકરણ કરવાનો પૂરતો પ્રયાસ કર્યો નથી. જિતુદાનભાઈને એટલે યાદ કરવા
પડે કારણ કે, ‘ભરત નાટ્ય શાસ્ત્ર’, ‘સમગ્ર ચંડીપાઠ’, ટાગોરની ‘ગીતાંજલિ’, ‘હરિરસ’ (વ્યાસ ગ્રંથોના
વ્યાપક પ્રમાણ સાથે), ‘શિવરંજની’, ‘ડિંગળ’ (પિંગળ બંધારણના ગહન અભ્યાસનું પુસ્તક) અને
બીજાં કેટલાંય પુસ્તકોના જિતુદાનભાઈએ દેશી ચારણી ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યા છે. માન્યામાં ન
આવે એટલા સુંદર સમશ્લોકી અનુવાદો અને સાથે સરળ ગુજરાતીમાં સમજણ… આ સાહિત્ય
વાંચીએ ત્યારે સમજાય કે, આપણે કેટલું બધું વાંચવાનું બાકી છે!

સાંઈ નેહડીની કથા જેમાં વરસાદની શરદીમાં થીજી ગયેલા તળાજાના દરબાર એભલને
પોતાના શરીરની ગરમી આપીને લગભગ મૃતઃપ્રાય થઈ ગયેલા શરીરને ફરી જીવતું કરનાર ચારણ
પત્ની… જેનો પતિ એના પર શંકા કરે છે. ચારણિયાણી શાપ આપે છે અન પતિને રક્તપિત થાય છે.
પછી એ જ પત્ની એની સેવા કરે છે, એને સાજો કરે છે.

જામનગરના જાંબુડા ગામની ચારણ કન્યા. રાજા જામ એના પર કુદ્રષ્ટિ કરે છે અને કામબાઈ
નામની એ કન્યા પોતાના સ્તન કાપીને રાજાને આપી દે છે…

જીવણાબાઈની કથા જે કુદ્રષ્ટિ કરનારા શેખને વાઘણ બનીને મારી નાખે છે… કદાચ, વાઘણનું
સ્વરૂપ ન લીધું હોય તો પણ આવી સ્ત્રીને વાઘણથી ઓછું કયું બિરુદ અપાય!

જાનબાઈ જેણે સર્વ જ્ઞાતિના લોકોને એક જ જગ્યાએ પાણી પીવા મળે એ માટે પોતાના
હાથે વાવ ગાળી…

આ કથાઓ તો મેઘાણીએ આપણને ‘સૌરાષ્ટ્રની રસધાર’માં આપી… પરંતુ એ પછીની
કથાઓ, એ પછીના ગીતો કે એ પછીની વાર્તાઓ આપણી પેઢી માટે કોણ સંગ્રહિત કરશે? આપણા
બાળકો સિન્ડ્રેલા કે પિનોકિઓ વાંચે છે, પુષ્પા અને કબીર સિંઘ જુએ છે, પરંતુ 17-18-19 વર્ષની
આપણી યુવા પેઢીને આપણી જ પરંપરામાંથી, આપણી જ લોકકથાઓમાંથી પ્રેરણા કેમ ન આપી
શકાય?

ઓટીટી ઉપર કે સિનેમામાં જે વીર રસ અને ભારત-પાકિસ્તાનની કથાઓ ખૂબ ટ્રેન્ડ થાય છે
એવા જ પ્લેટફોર્મ્સ ઉપર કે સિનેમામાં આપણે આપણી લોકકથાઓને, લોકવાર્તાઓને, પરંપરાને
પાછી લાવવાનું કામ કરવું જોઈએ. ઉપેન્દ્ર ત્રિવેદી જ્યારે સ્ટાર હતા ત્યારે એમણે સૌરાષ્ટ્રની કેટલીયે
વાર્તાઓને સિનેમાના પડદે સજીવન કરી. ગુજરાતી સિનેમાનો એ સુવર્ણયુગ એટલા માટે કહેવાયો
કારણ કે, એ સમયમાં ગુજરાતી ઓડિયન્સ ‘પોતાની’ વાર્તાઓ જોવા અને સાંભળવા સિનેમા થિયેટર
સુધી પહોંચતું થયું. આજે પણ જો આપણે આપણી પરંપરાને જાળવવી હોય તો સૌથી પહેલું કામ આ
વાર્તાઓને નવા સ્વરૂપે આપણી નવી પેઢી સુધી પહોંચાડવી જોઈએ. શ્યામ બેનેગલની ફિલ્મ
‘કલયુગ’ જેમ મહાભારતની કથાને અર્બન પરિવેશમાં નવેસરથી લઈ આવી એવી રીતે આપણી
લોકકથાઓને અર્બન પરિવેશમાં નવેસરથી કહેવાથી કદાચ ગુજરાતી સિનેમાનો એ સુવર્ણયુગ પાછો
ફરી શકે.

એક લોકકલાકારની પુણ્યતિથિએ એમને આવી રીતે રાજકીય પક્ષની ઓફિસમાં સ્મરણાંજલિ
આપવામાં આવે એ વિચાર માટે યોગેશ ગઢવી, યજ્ઞેશ દવે અને જનક ઠક્કરને પણ અભિનંદન
આપવા જોઈએ. મહત્વની વાત એ છે કે, રાજકીય પક્ષની પ્રાદેશિક ઓફિસમાં આવી રીતે કલાકારોનું
સન્માન થાય અને રાજકારણની બિલકુલ વાત ન થાય! કોઈ પક્ષ પ્રચાર કે રાજકીય એજન્ડા વગર
માત્ર લોકકલા અને લોકસાહિત્યના સ્તંભ જેવા સ્વ. જિતુદાનભાઈની સ્મૃતિમાં આવો સમારંભ
યોજાય એ સાચે જ સરાહનીય બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *