આઝાદી, સ્વતંત્રતાઃ હુઝ લાઈફ ઈઝ ઈટ, એની વે ?

ભારત આઝાદ છે, વિશ્વનું સૌથી મોટું લોકશાહી તંત્ર છે છતાં, આપણે ગરીબી, બેકારી, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા
સામાન્ય પ્રશ્નોને હજી સુધી સંપૂર્ણપણે હલ કરી શક્યા નથી. નવાઈની વાત એ છે કે, સરકાર ગમે તેટલો પ્રયાસ કરે તેમ છતાં,
ભારતીય ગણતંત્ર સરકારના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે જાણે કે કટિબધ્ધ હોય તેમ સતત સરકારી નિયમો અને કાયદાનું
ઉલ્લંઘન કરતું રહ્યું છે.

આપણે હજી સુધી લોકશાહી શબ્દનો અર્થ કદાચ સમજ્યા જ નથી. લોકો જ્યારે પોતાનું શાસન જાતે સંભાળે અથવા
શાસન સંભાળવાની જવાબદારી લોકોની હોય ત્યારે માત્ર સરકારની નિષ્ફળતાઓ ગણાવવાથી કોઈ ઉકેલ જડતા નથી.
સરકાર કોંગ્રેસની હોય કે ભાજપની, જનતા પક્ષની હોય કે ડીએમકેની… આપણે કોઈ સરકારને સંપૂર્ણપણે સ્વીકારી
શક્યા નથી. દરેક વખતે, દરેક શાસનમાં આપણને સૌને કોઈક સમસ્યા નડતી હોય છે. દરેક વખતે આપણને લાગે છે કે સરકાર
પોતાની કામગીરી યોગ્ય રીતે નિભાવી શકતી નથી. આવું કેમ લાગે છે એ વિશે વિચારવાનો સમય સાડા સાત દાયકામાં આપણે
કાઢી શક્યા નથી. દુનિયાના દરેક દેશમાં, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં લગભગ એકસરખી જ સમસ્યા છે. ગરીબી, બેકારી
અને ભ્રષ્ટાચાર લગભગ દરેક વિકાસશીલ દેશનો પ્રશ્ન છે. આઝાદીનો અર્થ છે દેશના દરેક નાગરિકને પોતાની રીતે જીવવાનો,
હરવા-ફરવાનો, ખાવા-પીવાનો, પોતાનો ધર્મ પાળવાનો અને પોતાને ગમતી સેક્સ્યુઅલ ચોઈસ સાથે જીવવાનો અધિકાર મળવો
જોઈએ.

આ ફંડામેન્ટલ એટલે કે બેઝિક રાઈટ્સ છે, પરંતુ આપણા દેશમાં વ્યક્તિગત સ્વાતંત્ર્યનો પ્રશ્ન પણ એટલો જ
મહત્વનો બનતો જાય છે. આપણે એક વિકાસશીલ દેશ છીએ, પરંતુ ધીરેધીરે આપણે એક સંકુચિત માનસ ધરાવતો અસહિષ્ણુ
દેશ બની રહ્યા છીએ. ફક્ત ધર્મની બાબતમાં નહીં, ખાનપાન, રહેનસહેન અને રોજિંદી જિંદગીમાં પણ આપણે બીજાની
સ્વતંત્રતા વિશે ખૂબ સંકુચિત બનતા જઈએ છીએ. આ દેશ અને એની સંસ્કૃતિ તો સૌથી વિશાળ હૃદય ધરાવતી મુક્તિ અને
ઈન્ટલેક્ચ્યુઅલ ઈન્ડિપેન્ડન્સની સંસ્કૃતિ હતી. ગાર્ગી યાજ્ઞવલ્ક્યેને પ્રશ્ન પૂછી શકે, લક્ષ્મણને રાવણ પાસે રાજનીતિ શીખવા
મોકલી શકે કે બાણશૈયા પર સૂતેલા ભિષ્મને કૃષ્ણ વંદન કરી શકે એવી આ પુરાણોની સંસ્કૃતિને આપણે ધીમે ધીમે વધુને વધુ
સંકુચિત, વધુને વધુ જટિલ અને અસહિષ્ણુ બનાવતા ગયા છીએ. પરધર્મમાં લગ્ન કરનાર યુગલને ઝાડ સાથે બાંધીને મારે કે
જીવતા સળગાવી દે એવા ઓનરકિલિંગથી શરૂ કરીને અમુક જાતિની દીકરી વધુ ભણી ન શકે એવા નિયમો આપણા દેશમાં કોઈ
દિવસ હતા જ નહીં. વર્ણવ્યવસ્થા કદાચ આપણા દેશની દેન હોય તો પણ એ વર્ણવ્યવસ્થા એક સમજણ અથવા વ્યાવસાયિક
સ્તરે એક હાર્મની ઊભી કરવા માટે ગોઠવવામાં આવી હતી. એમાં ક્યાંય આટલી જડતા કે સંકુચિતતા નહોતી. ઋષિઓ કે
બ્રાહ્મણો પણ હથિયાર ચલાવતા. પરશુરામ કે દ્રૌણ જેવા ગુરૂઓ રાજકુમારોને અસ્ત્રશસ્ત્ર અને રાજનીતિ શીખવતા. ચાણક્યએ
અર્થશાસ્ત્ર (વાણિજ્ય) ઉપર સૌથી મહત્વનો ગ્રંથ આપ્યો છે. એવી જ રીતે લીલાવતીનું ગણિત કે વાલ્મિકિ (આદિવાસી
લૂંટારામાંથી મહાન ઋષિ બનેલા) એ આપણને રામાયણ જેવો ગ્રંથ આપ્યો છે. અર્થ એ થયો કે વર્ણવ્યવસ્થા માત્ર એક સમજણ
પૂરતી ગોઠવવામાં આવી હતી. આપણે એ વર્ણવ્યવસ્થાને ધીરે ધીરે વધુ જડ અને વધુ જટિલ બનાવતા ગયા.

આજે પરિસ્થિતિ એવી છે કે એક જ દેશમાં એકતા અને અખંડિતતાનો પ્રચાર થાય છે, પરંતુ આપણા દેશમાં જેટલા
ભાગલા છે એ જોતાં આપણી એકતા અને અખંડિતતા માત્ર શબ્દો કે દંભ પૂરતી રહી ગઈ છે. આપણે આ વર્ણવ્યવસ્થાને
આપણા જ દેશની દુશ્મન બનાવી દીધી છે. જ્ઞાતિ, જાતિ, સમાજના નાના નાના વાડાઓ ઊભા કરીને રાજકારણીઓ પોતાના
વોટ બટોરે છે, પરંતુ આપણે, એક નાગરિક તરીકે આ વાત કેમ નથી સમજી શકતા એવો પ્રશ્ન આપણી જાતને પૂછવો જોઈએ.
માત્ર વર્ણવ્યવસ્થા જ નહીં, આપણે બધા એ વર્ણવ્યવસ્થા સાથે જોડાયેલા નાનામોટા ધાર્મિક વાડાઓને પણ દીવાલો બનાવીને
એકબીજાની સામે ઊભા રહી ગયા છીએ. એક જ ધર્મમાં અનેક સંપ્રદાયો છે. એક જ ધર્મ પાળતા લોકો સાંપ્રદાયિક વાડાઓને
કારણે એક નથી થઈ શકતા બલ્કે એકબીજાની સામે ઊભા રહી જાય છે. સામસામે નુકસાન કરવાથી કે એકબીજા વિશે ખરાબ
બોલવાથી, આપણે આપણા જ દેશનું નુકસાન કરી રહ્યા છીએ એવો વિચાર આપણને કોઈને કેમ આવતો નથી ?

બીજી તરફ, વ્યક્તિગત સ્વાતંત્ર્ય, કપડા પહેરવાથી શરૂ કરીને વિચારવા કે અભિપ્રાય આપવાનો આપણો અધિકાર
ધીમે ધીમે આપણી પાસેથી છીનવાઈ રહ્યો છે. સોશિયલ મીડિયાનો આમાં બહુ મોટો હાથ છે. કોઈ પણ એક વ્યક્તિ પોતાની
વાત સોશિયલ મીડિયા પર મૂકે તો એનો વિરોધ કરનારા કે એના ઉપર અંગત આક્ષેપ કરીને ગંદકી કરનારા લોકોની ખોટ નથી !
આપણે બધા લોકશાહીની વાતો કરીએ છીએ, પરંતુ સાવ નાની બાબતમાં પણ વ્યક્તિગત સ્વાતંત્ર્યને સ્વીકારી શકતા નથી !
કોણે શું પહેરવું એ વિશે પણ આપણી પાસે દૃઢ અને જડ માન્યતાઓ છે. પ્રાસંગિક શોભે એવા વસ્ત્રો પહેરવા જોઈએ, એ
સ્વીકાર્ય છે, પરંતુ પતિ અને બાળકો સાથે હોલિડે માણવા ગયેલી સેલિબ્રિટી કે જાહેરજીવનમાં પડેલી વ્યક્તિ પણ જો ટૂંકા કે
મનગમતા કપડાં પહેરે તો એ વિશે ટ્રોલિંગ નક્કી છે.

સેક્સ્યુઅલ ચોઈસીસ પણ હવે તો કાયદેસર બની છે. ફક્ત કુતૂહલ ખાતર કે પિયર પ્રેશરથી ઘસડાઈને નહીં, મોલેસ્ટેશન
કે બળજબરીનો ભોગ બનીને નહીં, પરંતુ પોતાના મન અને માનસિકતાને ઓળખીને જો કોઈ વ્યક્તિ પોતાનો અંગત સંબંધ
જીવવા માગતી હોય તો એને કાયદો પણ આર્ટિકલ 377 હેઠળ છૂટ આપે છે, તેમ છતાં કેટલાક જડ અને પછાત માનસિકતા
ધરાવતા લોકો આવા અંગત ચોઈસ ધરાવતી વ્યક્તિઓને મારી નાખવા કે ક્રૂર સજા કરવા સુધી જાય છે અને દેશનો કાયદો એમનું
કંઈ બગાડી શકતો નથી. સ્ત્રીને સજા કરવાનો ઉત્તમ ઉપાય આજે પણ બળાત્કાર કેમ છે ? મોલેસ્ટ થતી કે શારીરિક છેડછાડનો
ભોગ બનતી સ્ત્રી આજે પણ ફરિયાદ કેમ નથી કરતી ? કોર્ટરૂમમાં કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરનાર સ્ત્રીની જે સ્થિતિ થાય છે
એનાથી આપણે અજાણ તો નથી જ… ફરિયાદ કર્યા પછી આરોપીને સજા થાય જ એવું પણ કોઈ વચન આપણું ન્યાયતંત્ર આપી
શકતું નથી.

આપણે બધાંએ આપણા મનમાં ધીમે ધીમે ભારતીયતાની અથવા સંસ્કૃતિની એક ‘ઈમેજ’ ઊભી કરી છે, જે સાચી
સંસ્કૃતિ અથવા ભારતીયતા કરતાં તદ્દન જુદી છે. આ દેશ હંમેશાં વ્યક્તિગત સ્વાતંત્ર્યનો દેશ હતો. કન્યાને ‘સ્વયંવર’ની છૂટ
હતી… રાજા માટે રાજ્યધર્મ પ્રથમ અને અંગત સુખ પછી આવતું હતું. સ્ત્રીને ઈચ્છે એટલું ભણવાની, પોતાનો અભિપ્રાય
આપવાની અને પોતાના અધિકાર માગવાની છૂટ હતી. દરેક વ્યક્તિને પોતાની રીતે જીવવાનો અધિકાર આ સંસ્કૃતિએ હંમેશાં
આપ્યો છે, પરંતુ સંસ્કૃતિના નામે વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર જે તરાપ મારવામાં આવી રહી છે એ માત્ર નિંદનિય જ નહીં, એક
બહુ જ મોટું ષડયંત્ર છે. લોકો પછાત રહે, વિચારી ન શકે, અભિપ્રાય ન આપી શકે, મનગમતું જીવી ન શકે અને સતત
રાજકારણના ત્યાદાં બનીને આમથી તેમ ધકેલાતા રહે એવો પ્રયાસ હવેની રાજનીતિનો મુખ્ય ઉદ્દેશ છે.

જો આ દેશમાં શિક્ષણ વ્યાપક બનશે કે આદિવાસી અને ગ્રામ્યજનતા વિચારતી થશે, પોતાનો અધિકાર માગતી થશે તો
બહુ મોટી વોટ બેન્ક જુદી રીતે વર્તવા લાગશે. જે લોકો માત્ર જ્ઞાતિ, જાતિ, સમાજ કે ઊભા કરાયેલા વાડાને આધારે વોટિંગ કરે
છે એ જો સાચે જ લોકશાહીને સમજવા લાગશે તો કદાચ આ દેશનું રાજકારણ અપસાઈડ ડાઉન, ઉથલપાથલ થઈ જશે એવા
ભય સાથે ગરીબને ગરીબ, અભણને અભણ રાખવાની એક જુદી જ રમત છેલ્લા સાડા સાત દાયકાથી રમાઈ રહી છે.

આપણે આ દેશના નાગરિક છીએ અને લોકશાહી, વ્યક્તિગત સ્વાતંત્ર્ય, અભિપ્રાય કે અંગત જીવન આપણો અધિકાર
છે. ભારતના સ્વાતંત્ર્ય દિવસની આજ, આપણા સૌ માટે એક નવો વિચાર અને નવી સ્વતંત્રતા લઈને આવે એવી સૌને
શુભેચ્છા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *