3જી ઓક્ટોબરે ક્રુઝ પરથી અરેસ્ટ થયેલો આર્યન ખાન ડ્રગ્સના કિસ્સામાં 22 દિવસની જેલ
પછી વિવાદ અને અફવાઓના તોફાનને પસાર કરીને ‘પૂરાવાઓના અભાવે નિર્દોષ’ જાહેર કરાયો છે.
આ પહેલા સલમાન ખાન પણ આવી જ રીતે નિર્દોષ છૂટી ગયા હતા. મીડિયાએ સેલિબ્રિટીના
જેટલા કેસ ચગાવ્યા એમાંથી ઘણા બધા કેસ-કિસ્સા સાવ સહજતાથી ‘પુરાવાના અભાવે’ પૂરા થઈ
ગયા! શરૂઆતમાં લોકો જે ઉશ્કેરાટથી વિરોધ કરતા હતા, જાતભાતના વીડિયો અને સમાચારો ફોરવર્ડ
કરતા હતા એમાંના કોઈ આવા ચૂકાદા પછી કશું જ બોલવા તૈયાર નથી! આ લખાય છે ત્યારે કદાચ,
લખનાર પણ જાણે છે કે, આ લેખથી વિવાદનું વર્તુળ છંછેડાશે. કદાચ, કેટલાક લોકો તૂટી પડશે… તેમ
છતાં, એક સજાગ વ્યક્તિ તરીકે અને એક પ્રામાણિક લેખક તરીકે આ વાત અહીં મૂકવાની જવાબદારી
ઊઠાવી છે. આપણે બધા જ, અજાણતાં જ ઓપિનિયનેટેડ (અભિપ્રાયની જડતા સાથે) થઈ ગયા
છીએ. કોણે કેમ જીવવું, શું ખાવું, શું પહેરવું અથવા પોતાની જિંદગીમાં શું કરવું એ વિશે ‘એના’થી
વધુ બીજાના અભિપ્રાયો છે. એટલું ઓછું હોય એમ એ અભિપ્રાયોને સોશિયલ મીડિયામાં મૂકીને બીજાને
ઉશ્કેરવાનો રીતસર એક વ્યવસાય ચાલે છે. જે સાચે જ પ્રામાણિક છે એવા લોકોને આવી પોસ્ટથી ઝાઝો ફેર નથી
પડતો, પરંતુ એમના પરિવારને, એમના સામાજિક વર્તુળને અને ક્યારેક એમના વ્યવસાયને પણ આવી પોસ્ટથી-
કોમેન્ટથી અસર થઈ શકે છે !
વ્યક્તિગત અધિકારો-એટલે જેમ જે ગમે તે પહેરવું, ખાવું-પીવું, વ્યવસાય કરવો કે પોતાની
જિંદગી વિશે પોતે નિર્ણય કરવો. આપણું બંધારણ આપણને અધિકાર આપે છે, પણ આપણા
સોશિયલ મીડિયાએ આપણી પાસેથી આ અધિકાર છીનવી લીધો છે. માત્ર વ્યક્તિગત પસંદગી નહીં,
હવે ધર્મને પણ હથિયાર બનાવીને ઊગામવાની એક નવી પ્રથા શરૂ થઈ છે. ખાસ કરીને, સફળ કે
પ્રસિધ્ધ મનાતા લોકોને ટાર્ગેટ-નિશાન બનાવીને એમણે જે કહ્યું હોય એના જુદા અર્થ કાઢીને એમને
‘ટ્રોલ’ કરીને બીજા નાના મોટા લોકોને દબડાવવાની, ડરાવવાની જાણે કે ફેશન બની ગઈ છે. માનસિક
સતામણી અથવા સામાજિક કે પારિવારિક નુકસાનથી ડરીને આવા લોકો માફી માગી લે છે. આવી
માફી સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવે છે જેથી બીજા લોકો ઉપર દાખલો બેસે !
નવાઈની વાત એ છે કે, જે લોકો આ માફી મગાવવા કે ડરાવવાનો પ્રયત્ન કરે છે એ લોકોને સાચે જ
પોતાની ધર્મ વિશે કોઈ માહિતી કે સંવેદનશીલતા છે કે નહીં એનું પ્રમાણ આપણી પાસે નથી.
શાહરૂખ ખાન લતા મંગેશકરના પાર્થિવ શરીર પાસે થૂંક્યો કે સલમાનના પડોશીએ એના વિશે
બેફામ બકવાસ કર્યો, જેવા અર્થહીન વિવાદોને ચગાવવામાં આપણો પણ ફાળો ઓછો નથી. આવા
કોઈ વાઈરલ વીડિયો આપણી પાસે આવે તો એની ખરાઈ વિશે તપાસ કર્યા વગર જ આપણે પણ,
ફોરવર્ડ કરવાનું શીખી ગયા છીએ. જાણતા કે અજાણતાં આવું કરીને આપણે આપણી ધાર્મિકતા સામે
સવાલ ઊભો કરી રહ્યા છીએ. સ્વધર્મનો અર્થ બીજાનું અપમાન નથી જ… ધર્મ કોઈપણ હોય, એ
કોઈની હત્યા કરવાનો કે વ્યક્તિગત સ્વાતંત્ર્ય છીનવવાનો અધિકારી નથી. સવાલ એ છે કે, આ
વિશેનો નિર્ણય જે લોકો કરે છે એ લોકો પોતે ધર્મની કોઈ ગાદી પર કે કોઈ ધર્મના વડા નથી. જે લોકો
સાચે જ ધર્મ કે સંતત્વની ધજા ઉપાડે છે એ લોકો ક્ષમાશીલ અને વ્યક્તિ સ્વાતંત્ર્યીના હિમાયતી હોય
છે. આપણે સમજીએ છીએ કે, આજના સમયમાં આપણા દેશમાં હિન્દુત્વને એક સ્પષ્ટ આધાર
અથવા મજબૂતીથી પ્રસ્થાપિત કરવાની જરૂર ઊભી થઈ છે. માત્ર દેશમાં જ શું કામ, વિશ્વભરના
ધર્મો પર આતંકવાદીઓનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે અંદરોઅંદર ઝઘડવાને બદલે આપણે સૌએ
એક થઈને ‘સ્વધર્મ’ને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. વાંધો એ છે કે, આપણે સૌ નાના
નાના ફાંટા પાડીને કાંટા ઊભા કરવા માંડ્યા છીએ. અંગત અદાવતો કે ઈર્ષાને ‘ધર્મ’ કે ‘ધાર્મિક’
હાનિના વાઘા પહેરાવીને આપણી ભીતર રહેલા અભાવ, અસલામતી અને ઝેરને સોશિયલ મીડિયા
પર થૂંકતા રહ્યા છીએ.
મુદ્દો એ નથી કે કોઈ વ્યક્તિને પોતાની વાત કહેવાનો અધિકાર છે કે નહીં, મુદ્દો એ છે કે, એ
વ્યક્તિ જે કહે છે એને સાચી રીતે સમજ્યા પછી એનું ખંડન કરવું જોઈએ. તોડી-મરોડીને વાઈરલ
કરવામાં આવેલા નાનકડા વીડિયોની ક્લિપ એક આખા ટોળાંને ખરેખર ઉશ્કેરે છે કે પછી ધાર્મિકતાના
નામે કેટલાક લોકો પોતાનો હિસાબ સેટલ કરે છે ? માણસ માત્ર ક્ષણિક આવેશમાં કે ગેરસમજણમાં,
અજાણપણે ભૂલ કરે છે. દરેક વ્યક્તિ જેમ પોતપોતાના ધર્મનો આદર કરે છે એમ મોટાભાગના લોકો
બીજાના ધર્મનો પણ આદર કરે છે… એમણે કહેલી કોઈ એક નાની વાતને ‘ઈરાદાપૂર્વકનું નુકસાન’
બતાવીને કોઈ ઉશ્કેરે તો ઉશ્કેરાઈ જવાની ભૂલ આપણે શું કામ કરીએ ?
આ હિજાબનો નવો વિવાદ અને કોર્ટે આપેલા ચુકાદા પછી પણ ચણભણ શમી નથી… શાળા
કે સર્વિસનું યુનિફોર્મ લગભગ તમામ ધર્મોથી ઉપર એક ડિસિપ્લિન છે. અનુશાસન અને રાષ્ટ્રની વાત
આવે ત્યારે ધર્મને વચ્ચે લાવીને વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરનારા લોકોએ સમજવું જોઈએ કે
રાષ્ટ્રીયતા સૌથી ઉપર છે. ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા બધું એના પછી આવે છે.
આપણે જન્મ લઈએ ત્યારે આપણને કહેવામાં આવે છે કે, આપણે કોઈ એક ધર્મ સાથે લઈને
જન્મ્યાં છીએ. કોરી પાટી જેવા બાળમાનસ ઉપર ધાર્મિકતાના સંસ્કાર પાડવા માટે વડીલો અને
માતા-પિતા પ્રયત્નશીલ હોય છે, જે ખૂબ સારી બાબત છે. આ જગતને અને યુવા પેઢીને જો કંઈ
બચાવી શકશે તો એ માત્ર ‘ધર્મ’ છે, પરંતુ ધર્મ એ કોઈ વસ્ત્ર કે વ્યવહાર નથી-એ તો વિચાર છે.
જીવનશૈલી છે. આપણા અસ્તિત્વનો ભાગ છે. જે વ્યક્તિ સાચે જ ધાર્મિક છે એ પોતાનો ધર્મ
પાળવામાં ક્યારેય ચૂકતી નથી, એને કોઈ પ્રમાણ કે પ્રદર્શનની આવશ્યકતા નથી.
ધર્મ કોઈ પણ હોય, એને પ્રદર્શનની જરૂર નથી એવું આપણે ભૂલી ગયા છીએ. ત્રિપુંડ કે
હિજાબ, અંતે તો નિશાનીઓ છે. ધર્મ તો ભીતર છે. આપણા મનમાં, આપણી માનસિકતામાં,
આપણા ઉછેરમાં જે ઊંડે ઉતરી ગયો છે એ ધર્મ છે. છેલ્લા થોડા સમયથી આપણે જોઈ રહ્યા છીએ
કે, લગભગ દરેક વ્યક્તિ ધર્મની બાબતમાં સંવેદનશીલ અને અસહિષ્ણુ બનતી જાય છે. મોટા મોટા
કલાકારો પાસે માફી મગાવવાના કિસ્સા વધતા જાય છે. એની સામે રાજકારણીઓ પોતાના મનમાં
આવે તેમ બેફામ વર્તે છે અને જીવે છે. આશિષ મિશ્રા ઉત્તર પ્રદેશમાં તેજ ગાડી ચલાવીને ચાર ખેડૂતો
અને એક પત્રકારની હત્યા કરે છે તો બીજી તરફ, માત્ર પોસ્ટ મૂકવાની ગલતી બદલ એક જુવાનજોધ
માણસને રહેંસી નાખવામાં આવે છે. એક તરફ, આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનો
દાવો કરીએ છીએ ને બીજી તરફ, લગભગ દરેક સફળ અને પ્રસિધ્ધ વ્યક્તિની પોસ્ટ પર ચાંપતી
નજર રાખવામાં આવે છે. જો જરાક ચૂક્યા તો તરત એક આખી આઈટી ટીમ ગીધ્ધના ટોળાંની જેમ
તૂટી પડે છે.
‘પાકિસ્તાન મોકલી આપો’, ‘દેશદ્રોહી છે’ જેવી કોમેન્ટ્સ અથવા ઉતારી પાડતી કે વ્યક્તિના
સ્વમાનને હાનિ પહોંચે એવા શબ્દોનો ઉપયોગ કરીને એને સોશિયલ મીડિયા પર અપમાનિત કરવાનો
એક આખો એજન્ડા લઈને કેટલાક લોકો બેઠા છે. એ ધાર્મિક નથી, એ તોફાની છે… એમને માત્ર
વિવાદનો વંટોળ ચગાવવામાં રસ છે. એક વંટોળ શમી જાય એટલે એ બીજા શિકારની તલાશમાં
નીકળી પડે છે.
આજે જ્યારે આપણા પ્રધાનમંત્રી ભારતીયતા અને રાષ્ટ્રીયતાને પ્રાધાન્ય આપી રહ્યા છે, આ
દેશના હજારો વર્ષ જૂના સનાતન ધર્મને બીજા કોઈપણ ધર્મ નુકસાન ન કરે એવો પ્રયાસ થઈ રહ્યો છે
ત્યારે આપણે પણ સજાગ અને સભાન થવાની જરૂર છે. આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે
કે, ધાર્મિકતાને નામે આપણે કોઈ વિવાદનો હિસ્સો તો નથી બની રહ્યા ને ? ધર્મની સંસ્થાપના અને
સંરક્ષાના નામે આપણે કોઈ બીજાની ઈર્ષા અને અસલામતીના અગ્નિમાં ઘી હોમવાનું સાધન તો નથી
બની રહ્યા ને ?
દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય હોય, હોવો જોઈએ… પરંતુ, એ અભિપ્રાય અંતિમ સત્ય
નથી એવું પણ દરેકે સ્વીકારવું રહ્યું. દરેક સફળ અને પ્રસિધ્ધ વ્યક્તિને ટાર્ગેટ કરીને ચલાવવામાં આવતું
આ ગણતરીપૂર્વકનું ષડયંત્ર ધીમે ધીમે એનું વર્તુળ વિસ્તારી રહ્યું છે. એક સભાન અને સજાગ ભારતીય
નાગરિક તરીકે આપણે આનો હિસ્સો ન બનીએ એ પણ રાષ્ટ્રપ્રેમ જ છે.