“એમની ઊંચાઈ છ ફૂટ અઢી ઈંચ છે અને હું કુલ પાંચ ફૂટ… અમે જ્યારે સાથે ફિલ્મો કરતાં
ત્યારે મને પાટલા અથવા સ્ટૂલ પર ઊભા રાખીને ટુ શોટ કરવા પડતા. જોકે, રિશીકાકુ (ઋષિકેશ
મુખર્જી)એ આનો ઉપયોગ બહુ સરસ કર્યો. એમણે એમની ફિલ્મોમાં મારી પાસે એમને ‘લંબુજી’ અને
મને ‘ગિટકુજી’ કહેવડાવીને પ્રેક્ષકોની સામે એક વહાલસોયો સંબંધ પ્રસ્થાપિત કર્યો. એક્ચ્યુઅલી લગ્ન
પછી પણ હું ક્યાંય સુધી એમને ‘લંબુજી’ કહીને બોલાવતી… શ્વેતાનાં જન્મ પછી મેં બંધ કર્યું, કારણ
કે શ્વેતા બોલતી થઈ ત્યારે એ અમિતને ‘લંબુજી’ કહેવા લાગી!” અમિતાભ બચ્ચનના પુસ્તક ‘ટુ બી
ઓર નોટ ટુ બી’માં ખાલીદ મોહમ્મદને આપેલા ઈન્ટરવ્યૂમાં જયાજીએ કહ્યું છે.
“હું મદ્રાસમાં શુટિંગ કરતી હતી. એમણે મને ફોન કરીને કહ્યું, “મેં મારા માટે એક જોરદાર
બેબ શોધી કાઢી છે. એણે એ ‘બેબ’ના એટલા વખાણ કર્યા કે હું ઊભી ઊભી બળી ગઈ. એણે એવો
આગ્રહ રાખ્યો કે મારે એ ‘બેબ’ને મળવું જોઈએ. હું એને જોઈશ તો આભી બની જઈશ, એટલી સુંદર અને
સેક્સી છે…” મદ્રાસના શૂટમાંથી એક દિવસની રજા લઈને હું મુંબઈ આવી. અંદરથી થોડી અકળાયેલી
પણ હતી ત્યારે એણે મને એની નવી પોન્ટિયેક ગાડી બતાવી. ગોલ્ડ કલરમાં અને સુંદર! એણે કહ્યું,
‘આ છે મારી ન્યૂ બેબ!’ એ વારંવાર આવું કરતા. અમે જ્યારે એક નઝરનું શુટિંગ કરતા હતા ત્યારે
નાદીરાજી અમને કહેતા, ‘બંને બાળકોની જેમ લડો છો. લગ્ન પછી શું કરશો!’ આજે વિચારું છું ત્યારે
સમજાય છે કે, અમારા લગ્નને પાંચ દાયકા પૂરાં થઈ ગયાં છે અને આજે અમારાં બાળકો પણ
પોતપોતાના લગ્નજીવનમાં સુખી છે.” જયાજીનો આ લેખ સાચે જ વાંચવા જેવો છે. એમણે બની
શકે એટલી પ્રામાણિકતાથી અમિતાભ બચ્ચન સાથેના પોતાના સંબંધોનું વિશ્લેષણ કર્યું છે. જોકે, આ
પુસ્તક 2002માં પહેલીવાર પ્રકાશિત થયું અને 2004માં એની ચોથી આવૃત્તિ પ્રકાશિત થઈ, એ
પુસ્તકને પણ આજે બે દાયકા પૂરા થવા આવ્યા છે.
અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીના લગ્ન, એ જ વર્ષે થયા જે વર્ષે રાજેશ ખન્ના અને
ડિમ્પલના લગ્ન થયાં. એ સમયે આ બંને લગ્નો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બહુ મોટા લગ્નો હતાં. જયાજી
બહુ મોટા સ્ટાર હતા અને બચ્ચન સાહેબ એ વખતે હજી પોતાની કારકિર્દી બનાવી રહ્યા હતા.
‘આનંદ’ નામની ફિલ્મમાં ઋષિકેશ મુખર્જીને રોલ આપવાની ભલામણ કરનાર જયાજી હતા, તો
બીજી તરફ રાજેશ ખન્ના સુપરસ્ટાર હતા અને ડિમ્પલની પહેલી જ ફિલ્મ રિલિઝ થઈ હતી,
ઈનફેક્ટ, રાહુલ રવૈલે પોતાના પુસ્તક ‘રાજ કપૂર: માસ્ટર એટ વર્ક’માં ખુલાસો કર્યો છે કે, ‘બોબી’ના
ક્લાઈમેક્સના દ્રશ્યો વખતે ડિમ્પલ પ્રેગ્નેન્ટ હતાં.
એક રીતે જોવા જઈએ તો 1973માં થયેલાં આ બંને લગ્નો નિષ્ફળ પૂરવાર થયાં. ડિમ્પલે બે
દીકરીઓ સાથે ઘર છોડી દીધું અને જયાજી બે બાળકોને સાચવીને એ જ ઘરમાં રહ્યા. એવોર્ડ
ફંકશનમાં અમિતજી સ્ટેજ પર આવે તો તરત રેખાજીનો ક્લોઝઅપ આવે કે રેખાજીનાં ડાન્સ, અન્ય
પ્રસંગે બચ્ચન સાહેબની હાજરી કે ગેરહાજરીની નોંધ લેવાય… કોઈ ખૂલીને નથી કહેતું, પરંતુ
બચ્ચન સાહેબને કોવિડ થયો ત્યારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો રેખાજીના કોવિડ ટેસ્ટ માટે
પહોંચ્યા હતા એ વાત શું સાબિત કરે છે?
ભોપાલના પત્રકાર તરુણકુમાર ભાદુરીની દીકરી એટલે જયા. ફિલ્મ એન્ડ ટેલિવિઝન
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાંથી ગ્રેજ્યુએશન મળે એ પહેલાં એને ફિલ્મ મળી. ‘ગુડ્ડી’ (1971)
ફિલ્મની સાથે એક જુદા જ પ્રકારની અભિનેત્રી ભારતીય સિનેમાના પડદે આવી. જયા ભાદુરી-
બચ્ચનની કારકિર્દી કે એની સફળતા વિશે સૌ જાણે છે, પરંતુ આજે રાજકીય કારકિર્દી અને હિન્દી
સિનેમાના પ્રથમ પરિવારની, ફર્સ્ટ લેડી હોવા છતાં એમના જીવનની તકલીફ કે નિષ્ફળતા વિશે ભાગ્યે
જ કોઈ કશું જાણી શક્યું છે! એમના વિશે જાતજાતની લોકવાયકાઓ પ્રસિધ્ધ છે. પ્રેસ કોન્ફરન્સમાં
એમણે કરેલા બફાટોનો સુધારો અમિતાભ બચ્ચને કરવો પડ્યો છે! રાજ્યસભામાં ‘આપકે બૂરે દિન
બહોત જલ્દી આનેવાલે હૈ’ કહીને બૂમો પાડતા જયાજીને આપણે અવારનવાર જોયાં છે. પાપારાઝી
ફોટોગ્રાફર્સથી એમને એલર્જી છે. અમિતજી વિશે એમને કોઈ પ્રશ્ન પૂછે તો એ તોછડાઈથી જવાબ
આપે છે. ઐશ્વર્યા સાથે એમને નથી ફાવતું એ વિશેના વીડિયો અનેકવાર વાયરલ થયા છે. એમના
પિતા કે માતા કોઈક બીમાર હતું ત્યારે એમને જવા દેવામાં નહોતા આવ્યા… જયાજી શરાબ પીએ
છે, એવી અફવા અવારનવાર સંભળાય છે. એમણે જાહેરમાં કરેલા અનેક ગેરવર્તનો વિશેના વીડિયોઝ
તરત જ ફરતા થઈ જાય છે…
આ બધાની પાછળ રહેલી એમની પીડા કે એમની તકલીફ વિશે કોઈએ ક્યારેય વિચાર કર્યો છે
ખરો? પોતાની કારકિર્દી છોડીને પતિની સફળતા અને સંતાનોના ઉછેરમાં એમણે પોતાની જાતને
પરોવી દીધી. ‘ટુ બી ઓર નોટ ટુ બી’માં એમણે લખેલા એક પ્રસંગ મુજબ જયાજી અને બચ્ચન
સાહેબ જ્યારે ‘ચૂપકે ચૂપકે’ ફિલ્મ માટે શુટિંગ કરતા હતા ત્યારે શ્વેતા લગભગ એક વર્ષની હતી. એણે
એવી ભયાનક જીદ પકડી કે, ‘પાપુ ભલે શુટ માટે જાય, પણ મા ન જાય…’ બસ! એ દિવસથી એમણે
નક્કી કર્યું કે, બાળકો મોટા ન થાય ત્યાં સુધી કામ ન કરવું.
હજી હમણાં જ બચ્ચન સાહેબના 80મા જન્મદિવસે ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર
સૌએ કરેલી સરપ્રાઈઝ એન્ટ્રીમાં જયા બચ્ચને કહ્યું હતું, “મેં જાનતી હું આપ સબ અમિતજી કો બહોત
પ્યાર કરતે હૈ, પતા નહીં આપસે જ્યાદા યા કમ લેકિન મેં ભી બહોત પ્યાર કરતી હું. હમ લોગોં કો પચાસ સાલ
કા સાથ થોડા ખટ્ટા, થોડા મીઠા… પતા નહીં કડવા યા નહીં, લેકિન જો ભી ખિલાયા દિલ સે ખિલાયા. ઔર યે
હંમેશાં કહતે હૈ કિ તુમને મુજે સબસે બડા ઔર અચ્છા તોહફા શ્વેતા ઔર અભિષેક કે રૂપ મેં દિયા હૈ. ઔર
હમારે દોનોં કે જીવનમેં, મેં અમિતજી કી તરફ સે ભી બોલ રહી હું-કુછ પાયા, કુછ ખોયા લેકિન બહોત અચ્છે
બચ્ચેં પાયે. ઔર ઉનકી પરવરિશ હમ દોનોં ને મિલકર કી. જબ બહોત છોટે થે તો મૈંને કિ, ફિર જબ થોડે બડે
હુએ ઔર લગા કી અબ માર સે માનનેવાલે નહીં હૈ તો ઈનકો સૌપ દિયા…”
કેબીસીની આ અત્યંત ઈમોશનલ મોમેન્ટ્સમાં એકબીજાની બાજુમાં બેઠેલા અમિતાભ
બચ્ચન અને જયાજીને જોઈને એટલું ચોક્કસ સમજાય કે, એમણે વીતાવેલા આ 50 વર્ષોમાં એમણે
જીવનના ઘણા સારા-ખરાબ સમયને સાથે વીતાવ્યો છે.
“લગ્ન નિભાવવાં હોય તો ગળી જતાં, ગમ ખાતાં શીખવાનું” આવું આજે પણ સ્ત્રીઓને
સમજાવવામાં આવે છે. પોતાની જિંદગીના 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે (આજે નવ એપ્રિલ,
જયા બચ્ચનનો જન્મદિવસ છે) એક વાત આપણે સૌએ સ્વીકારવી પડે. એક સ્ત્રી જ્યારે પોતાના
સંતાનોની સલામતી અને પરિવારોની પ્રતિષ્ઠા માટે, પોતાના લગ્નજીવનના સુખ કે અંગત નિર્ણય
તરીકે પતિના નાના-મોટા અવગુણ, ચારિત્ર્યસ્ખલન કે બીજી તકલીફોને સહન કરતી હોય છે ત્યારે
એનામાં એક ન ટાળી શકાય એવી કડવાશ પ્રવેશે છે. બહુ ઓછી સ્ત્રીઓ એવી હોય છે જે બધું સહન
કર્યા પછી પણ ખુશમિજાજ કે ખુશહાલ રહી શકે છે.