અગર તુમ્હે અપને ધર્મ કા જરા સા ઈલ્મ હોતા, તો કિસી બેગુનાહ પર તુમ્હારા જુલ્મ ના હોતા…

નડિયાદની યુવતિ ઉપર લવ જેહાદમાં થયેલા અત્યાચારોની કથા આપણે સાંભળતા રહ્યા…
આ કથા પહેલીવાર નથી કહેવાઈ ને કદાચ એની એકલીની છે, એવું પણ નથી. એક વ્યવસ્થિત
ષડયંત્રમાં યુવતિઓને ફસાવીને એમના ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલે છે. સ્કૂલ કે
કોલેજમાં ભણતી સગીર કે પુખ્ય યુવતિઓ ફિલ્મો અને ટેલિવિઝન જોઈને મનોમન કોઈ રોમેન્ટિક
પ્રેમની કલ્પના કરે છે, આમાં એમનો વાંક નથી… એમની ઉંમર અને ઈમોશન્સ એમને એ દિશામાં
ધકેલે છે. પ્રેમમાં પડવું એ ગૂનો નથી, કે પોતે જેને પ્રેમ કરતાં હોઈએ એની સાથે જીવન વિતાવવાનો
નિર્ણય કરવો એ અપરાધ નથી, પરંતુ છેલ્લા થોડા સમયથી નાના ગામની નિર્દોષ યુવતિઓ સાથે જે
કંઈ થઈ રહ્યું છે એ પછી જો આપણે નહીં જાગીએ તો આવા કિસ્સા આપણા સમાજના પાયાને
હચમચાવી નાખશે.

સવાલ ધર્મ પરિવર્તન સાથે જોડાયેલો નથી, છેતરપિંડી સાથે જોડાયેલો છે. સત્ય કહીને-
પોતાની સાચી ઓળખાણ આપીને જો પ્રેમ થઈ શકતો હોય તો એવું કેમ કરવામાં આવતું નથી?
પોતાની સાચી ઓળખ અને નામ છુપાવીને યુવતિને પ્રેમમાં પાડવામાં આવે, એની સાથે શારીરિક
સંબંધો બાંધવામાં આવે, એના વીડિયો ઉતારવામાં આવે કે પછી અંગત પળોના ફોટા પાડવામાં આવે!
(જોકે એક યુવતિ આવી છૂટ શા માટે આપે એવો સવાલ પણ પૂછાવો જોઈએ) યુવતિને લગ્ન માટે
મજબૂર કરવામાં આવે, ઘરેથી ભગાડવામાં આવે, શક્ય હોય તો પૈસા કે દાગીનાની ચોરી પણ
કરાવવામાં આવે (જેથી એ પાછી ન જઈ શકે?) અને પછી એને સત્ય જણાવવામાં આવે… જ્યારે
ખૂબ મોડું થઈ ગયું હોય.

વટાળ પ્રવૃત્તિ કંઈ આજની નથી. પહેલાં મુગલો અને પછી અંગ્રેજોએ આપણા દેશમાં ધર્મ પરિવર્તન
કરાવવાના ઘણા પ્રયાસો કર્યા જ છે. આજે પણ આદિવાસી વિસ્તારોમાં કે ગરીબ-જાતિવાદથી પીડાયેલા લોકોમાં
વટાળ પ્રવૃત્તિ પૂરજોશથી ચાલે છે. આપણે ખરેખર આ પ્રવૃત્તિને અટકાવવી હોય તો સૌથી પહેલાં આપણા ધર્મને
ઓળખવો પડશે. ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ પાસે પોતાનું મજબૂત માળખું અને ભવ્ય વારસો છે.
પહેલો પ્રશ્ન એ છે કે, આપણે સનાતન ધર્મ, શાસ્ત્ર કે સંસ્કૃતિને સમજ્યા વગર કર્મકાંડ અને વિધિવિધાનમાં
માનતા થઈ ગયા. વર્ણવ્યવસ્થાને સમજવાને બદલે અણસમજુ રીતે એનો વિરોધ કરવામાં આપણી જાતને ‘મોર્ડન’
અથવા ‘સેક્યુલર’ ગણાવીને બુદ્ધિજીવી બનવા તરફ ધસી ગયા. આપણી અદભુત સંસ્કૃતિ અને ભવ્ય
વારસો ભૂલી ગયા. જેને કારણે કદાચ નવી પેઢીને ગૌરવ થાય એવો ‘ધર્મ’ આપણે એમના સુધી પહોંચાડી
શક્યા નહીં. સંસ્કૃત શ્લોકોના ઉચ્ચાર સાથે પૂજા-પ્રાર્થના કે યજ્ઞ કરી શકવા એ આપણી સાંસ્કૃતિક અને
સામાજિક ઓળખ છે, પરંતુ આપણે પૈસા કમાવવામાં એવા વ્યસ્ત થઈ ગયા કે સાચું આધ્યાત્મ,
સાચો ધર્મ શું છે એની આપણને જ જાણ નથી તો આપણા સંતાનને એની ઓળખ કઈ રીતે આપી
શકવાના?

બીજો પ્રશ્ન એ છે કે, પારિવારિક સંવાદ ઘટતો જાય છે. માતા-પિતાની જડતા, રૂઢિચુસ્તતા
સંતાનને વિદ્રોહ કરવા ઉશ્કેરે છે. શંકાશીલ અને સંકુચિત માતા-પિતાથી ડરતું બાળક એમની સાથે
પોતાની પ્રવૃત્તિ કે માન્યતા વિશે વાત કરતું નથી, છુપાવે છે. માતા-પિતા આવી કોઈ પ્રવૃત્તિ કે ઘટના
પકડી પાડે ત્યારે સમજદાર થઈને વાત કે ચર્ચા કરવાને બદલે ઉશ્કેરાઈને મારપીટ કરે છે અથવા
શંકાશીલ થઈને જાપ્તો વધારી મૂકે છે… જેમ વધુ બંધન એમ વધુ વિદ્રોહ! માતા-પિતા ભૂલી જાય છે
કે, યુવા પેઢી એમનાથી વધુ ઈન્ટેલિજન્ટ અને ટેક્નોલોજીની જાણકાર છે. યુવાન માનસ માતા-
પિતાના આવા જડ અને શંકાશીલ વ્યવહારથી વધુ ઉશ્કેરાઈને ઘરમાંથી ભાગી જવાનો નિર્ણય કરે
છે… આપણે બધા બહારની દુનિયાથી ડરેલા છીએ. આપણને ખબર છે કે, જે કંઈ ચાલી રહ્યું છે
એનાથી આપણા બાળકને સુરક્ષિત રાખવાની જવાબદારી આપણી છે, પરંતુ શંકા કે રૂઢિચુસ્તતા,
જડતા કે મારપીટ એનો ઉપાય નથી. સત્ય તો એ છે કે, આવા લોકો, જે આપણા સંતાનને બહેકાવવા
અને ફસાવવા ઘરની બહાર ઊભા છે એ આપણા સંવાદવિહીન, સમજ વગરના સંબંધનો લાભ
ઉઠાવે છે. આવા લોકો જાણે છે કે, પ્રેમમાં પડવા ઉત્સુક યુવાન છોકરી એના માતા-પિતાને સત્ય કહી
શકશે નહીં…

જે માતા-પિતા ખરેખર આવી પરિસ્થિતિથી પોતાની દીકરીને સુરક્ષિત રાખવા માગતા હોય
એમણે સૌથી પહેલા દીકરીના બધા જ મિત્રોને ઓળખવા જોઈએ. ઘરમાં સંવાદ અને સ્નેહનું
વાતાવરણ રાખવું જોઈએ. ભૂલ કરીને પણ સંતાન સૌથી પહેલાં માતા-પિતા પાસે જ આવે, એટલો
વિશ્વાસ અને અતૂટ સમજણનો સંબંધ કેળવવો જોઈએ. જે માતા-પિતા પોતાની દીકરીના મિત્રોને
ઓળખે, પ્રેમમાં પડેલી દીકરીના બોયફ્રેન્ડને ઘરે બોલાવે-એની અનુભવી આંખ પળવારમાં ઈરાદા
ઓળખી શકે અને સમાજના કે વ્યવસાયના સંબંધો (કોન્ટેક્ટ)ની મદદથી એ છોકરા વિશે તપાસ
કરાવી શકે. ‘પ્રેમ લગ્ન’ના વિરોધમાં ‘હું ના પાડું છું’ જેવા પોકળ કારણને બદલે જો સાચા મજબૂત
કારણો અને પુરાવા સાથે સંતાનને સમજાવીએ તો એકવાર દીકરીને પણ સાચું અને ખોટું સમજાય.
આપણા સંતાનોને આપણે ઉછેર્યા છે, એમનામાં આપણા સંસ્કાર તો છે જ… એમને સત્યની જાણ
થાય તો એ આવી ભૂલ કરતી અટકે.

અહીં, સવાલ એ માતા-પિતાનો પણ છે જેના સંતાનો આવા કોઈ ગેરમાર્ગે ચડીને બીજાની
દીકરીની જિંદગી બરબાદ કરવા તરફ વળ્યા છે. સાચો ધર્મ કોઈ વ્યક્તિને છેતરીને-એના પર અત્યાચાર
કરીને એને ધાર્મિક બનાવવાનું શીખવતો જ નથી. જો કોઈ વ્યક્તિ પોતાની મરજીથી અન્ય ધર્મનો
સ્વીકાર કરે તો એ છૂટ એને સનાતન ધર્મ અને શાસ્ત્રો પણ આપે જ છે… અગત્યનું એ છે કે,
આપણા સંતાનમાં સમજણ અને વિવેક હોવાં જોઈએ. સાચા અને ખોટા વચ્ચેની સમજ કોઈપણ
ધર્મના, કોઈપણ માતા-પિતાએ પોતાના સંતાનને આપવી જ જોઈએ. જે લોકો આવી ઉશ્કેરણી કરે
છે અથવા યુવામાનસને ખોટી દિશામાં લઈ જાય છે, એ કોઈપણ ધર્મના હોય… એમની પ્રવૃત્તિ
ધાર્મિક નહીં, પરંતુ સ્વાર્થી અથવા રાજકીય છે-એ તો નક્કી છે.

બદલાતી માનસિકતા અને સમય સાથે કદમ મિલાવવા અનિવાર્ય છે. સંતાન પાછળ ન રહી
જાય એ માટે શિક્ષણ અને બહારની દુનિયા સાથેનો એનો સંપર્ક પણ જરૂરી જ છે… દીકરો હોય કે
દીકરી ખોટી દિશામાં ન વળે એને માટે માતા-પિતા તરીકે ત્રણ જ બાબતો અગત્યની છે. સંવાદ,
સમજણ અને સુરક્ષા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *