એસી કોઈ મૌજ નહીં, જિસકો કોઈ ખોજ નહીં, કોઈ ના કોઈ તો, હર કિસી કો લગતા હૈ પ્યારા

રવીન્દ્રનાથ ટાગોરની ટૂંકી વાર્તા ‘સમાપ્તિ’ ઉપર આધારિત ફિલ્મ ‘ઉપહાર’નું આ ગીત છે.
સમાપ્તિની નાયિકા મૃણમયીના લગ્ન નાની ઉંમરે થઈ જાય છે. જમીનદારના ઘરમાં પરણીને આવેલી
બ્રાહ્મણની દીકરી મૃણમયી હજી ગામના છોકરાંઓ સાથે રમે છે, આંબા પર ચઢીને કેરી તોડે છે…
કલકત્તા ભણીને આવેલો એનો પતિ એનાથી મોટી ઉંમરનો છે. એને પ્રેમ, લગ્ન, સંબંધ અને શરીર
સમજાય છે જ્યારે મૃણમયી માટે આ લગ્ન, એની સમજણની બહાર છે. 1971માં સુધેન્દુ રોયની
આ ફિલ્મ ‘ઉપહાર’માં મૃણમયીનું પાત્ર જયા ભાદુરીએ ભજવ્યું હતું. એ ફિલ્મના ગીતો આનંદ
બક્ષીએ લખ્યા છે…

પાંચ દાયકા પહેલાં લખાયેલું આ ગીત, આજે પણ સાચું અને પ્રસ્તુત લાગે છે. દરેક મોજ
એટલે કે લહેરને કોઈ ખોજ છે. આ મોજ… અથવા લહેર અંતે કિનારે પહોંચીને શાંત થઈ જાય છે-
વિખરાઈ જાય છે. સમુદ્રની હોય કે નદીની… એનું વહેણ કોઈ એક દિશા તરફ છે. આ દિશા સંબંધની,
સ્નેહની કે કારકિર્દીની, સત્તાની, પદ-પ્રતિષ્ઠાની હોઈ શકે છે. લગભગ દરેક લહેર કે જીવન, માણસ
માત્ર કે વ્યક્તિને કોઈ એક લક્ષ્ય જોઈએ છે. એને કંઈક પામવું છે. આ ‘કંઈ’નો સંદર્ભ દરેક વ્યક્તિ માટે
જુદો હોઈ શકે, પરંતુ અંતે જો એ બધા સંદર્ભોને ભેગા કરીને સમજવાનો પ્રયાસ કરીએ તો આપણને
સમજાય કે, આપણે બધા ‘સુખ’ની શોધમાં છીએ. આ ‘સુખ’ એટલે… એનો અર્થ અથવા એની સાથે
જોડાયેલી ઝંખના, અપેક્ષા કે જરૂરિયાત દરેક માટે જુદી હોઈ શકે, પરંતુ અનુભૂતિ એક જેવી છે. નહીં
મળ્યાની તડપ, વિરહ કે અધૂરપ… પામી ગયાનો સંતોષ, શાંતિ કે નિરાંત! નવાઈની વાત એ છે કે,
જેને પામવા આપણે રાત-દિવસ એક કરીએ છીએ, તરફડાટ અનુભવીએ છીએ, એને પામી ન લઈએ
ત્યાં સુધી આપણા મનમાં એના સિવાય કોઈ વિચાર નથી હોતો એવી વ્યક્તિ-વસ્તુ કે બીજું કંઈ પણ,
એકવાર મળી જાય પછી એનું મૂલ્ય સાવ ઘટી જાય છે! એક લક્ષ્ય પામી ગયા પછી, વસ્તુ કે વ્યક્તિને
‘આપણી’ બનાવી લીધા પછી, આપણી નજર બીજી કોઈ વ્યક્તિ-વસ્તુ કે લક્ષ્ય તરફ મંડાય છે!
મેળવી લીધાનો સંતોષ પૂરો માણીએ એ પહેલાં તો નવું, શું નથી એનો વિચાર આપણને મૂંઝવવા
લાગે છે…

આ દુનિયામાં જે સામાન્ય માણસ (સંત કે મહાત્મા નહીં) એવું કહે કે, એને કઈ નથી જોઈતું,
એ કાં તો પોતાની જાતને છેતરે છે અથવા બીજાને… માંગરોળમાં વસતા અને સ્વયં કોઈ શક્તિને
પામેલા, છતાં ખૂબ સરળ વ્યક્તિત્વ ધરાવતા રાજભાજીને (જેમને સહુ મામા સરકારશ્રી તરીકે
ઓળખે છે) મળવાનું થયું ત્યારે લોજિક ન માની શકે એવી કેટલીક ઘટનાઓ નજર સામે જોઈ.
આપણી બુદ્ધિ-વિજ્ઞાન કે તર્ક હારી જાય અને માત્ર શ્રદ્ધા જીવંત રહે એવું કશુંક એમની પાસે છે
એટલું નક્કી. પોતાના જ્ઞાન કે સાધના કે સિધ્ધિ કે કોઈ શક્તિને પોતાના લાભ માટે ન વાપરવાની
એમની ટેક અજાણતાં જ એમના માટે સન્માનની લાગણીને જન્મ આપે. એમની સાદગી અને
સરળતા ઉપર ક્યારેક વાળી જવાનું મન થાય. તો બીજી તરફ, એમની અલૌકિક સિધ્ધિને નમ્યા વિના
રહેવાય નહીં. મુલાકાત દરમિયાન એમણે એક વાત કહી, ‘મને ઈચ્છા છે, ઈર્ષા નથી.’ આ પાંચ શબ્દો
જેને સમજાઈ જાય એને જીવનનો મર્મ સમજવામાં ઝાઝી વાર ના લાગે! આપણે બધા આપણા
સુખને બીજાના સુખની સરખામણીએ માણીએ છીએ. જેને ‘પોતાનું’ સુખ, અંગત અને સ્વતંત્ર રીતે
માણતા આવડે એને કોઈ દિવસ પોતાનું સુખ ઓછું કે અધૂરું ન લાગી શકે… આનું કારણ એ છે કે, ઓછું કે અધૂરું
હંમેશાં કોઈ બીજા વધુ કે પૂર્ણની સરખામણીએ જ હોઈ શકે. અધૂરપ કે ઓછપનું સ્વતંત્ર રીતે કોઈ અસ્તિત્વ જ
નથી!

આપણે બધા એકબીજા સાથે સરખામણીમાં સુખી કે દુઃખી છીએ. આપણી કેટલીક મોરલ
કથાઓ પણ આપણને એવું શીખવે છે કે, આપણે બીજાની સાથે સરખામણી કરીને આપણું દુઃખ
કેટલું ઓછું છે એનું માપ કાઢવું. આમ તો નવાઈ લાગે એવી વાત છે છતાં, સુખ કે દુઃખ અંગત
બાબત છે. એનો સંદર્ભ વ્યક્તિ પૂરતો જ હોઈ શકે. જેમ મારું દુઃખ બીજાને નથી સમજાતું, એવું મને
લાગે છે એવી જ રીતે બીજાનું દુઃખ મને નથી સમજાતું એ સત્ય પણ મારે સ્વીકારવું જોઈએ. આપણે
બધા સામાજિક રીતે કેટલાક નિશ્ચિત ધ્યેય, લક્ષ્ય અને સફળતાના માપદંડ નક્કી કરીને જીવીએ
છીએ. આવક અને સફળતાને અજાણતાં જ જોડી બેઠાં છીએ. સત્ય એ છે કે, પૈસાપાત્ર માણસ
‘સફળ’ છે એવું માની લેવું ભૂલ ભરેલું છે… એવી જ રીતે સફળ કે પૈસાપાત્ર વ્યક્તિ ‘સુખી’ છે એવી
ધારણા પણ મૂર્ખતાપૂર્ણ છે.

સવાલ શોધનો હોય, તો આપણે બધાએ એવું સમજી લેવું પડે કે, આપણે શું શોધવા નીકળ્યા
છીએ એ વિશે સ્પષ્ટતા કરી લઈએ. કોલમ્બસની જેમ ભારત શોધવા નીકળીએ અને અમેરિકા મળી
જાય તો એને સુખ માનીને બેસી રહેવું… કે પછી આપણે તો ભારત જ શોધતા હતા એમ વિચારીને
અમેરિકા મળી ગયા પછી પણ ભારતની શોધ ચાલુ રાખવી? કઠોપનિષદનું વાક્ય કહે છે, ‘ઉત્તિષ્ઠ
જાગ્રત! પ્રાપ્ય વરાન્નિબોધિત’ ઉઠો, જાગો અને તમને જે મળી ચૂક્યું છે તે મેળવવાનો પ્રયાસ કરો.
ટૂંકમાં પરમ પિતાએ, કુદરતે કે અસ્તિત્વએ તો આપણને બધું આપી જ દીધું છે. સૂર્યપ્રકાશ, પાણી,
હવા, ભોજન ઉગાડવા માટે ધરતી અને પકવવા માટે અગ્નિ, વરસાદ, વાયુ, બદલાતું ઋતુચક્ર અને
એની સાથે પોતાને ગોઠવી લેતું શરીરનું યંત્ર. વિચારો, બુદ્ધિ, મન અને સર્જન કરવાની શક્તિ… આ
બધું આપણી પાસે છે જ, પરંતુ જેમ યમ કઠોપનિષદમાં નચિકેતાને ઉત્તર આપે છે તેમ જ, ‘શૂરસ્ય
ધારા નિષિતા દૂરંત્યા, દુર્ગમ પથસ્ય કવિયો વદંતિ’ આ શોધનો માર્ગ તલવારની ધાર પર ચાલવા જેવો
છે, દુર્ગમ છે એમ સરળતાથી આપણી શોધ જો પૂર્ણ થઈ જતી હોત તો જીવન જીવવાના અનેક
કારણો આપણી પાસે હોત જ નહીં.

પ્રેમ હોય કે પ્રતિષ્ઠા, સત્તા હોય કે સંપત્તિ, વ્યક્તિ હોય કે વસ્તુ આ શોધ આપણને સતત
ચાલતા અને જીવતા રાખે છે. હાયેન નામના એક બુધ્ધિષ્ઠ લેખકે લખ્યું છે કે, માનવના જીવનમાં બે
પ્રકારના અસંતોષ (ડિસસેટીસફેક્શન) હોય છે. એક, જે દુન્યવી વસ્તુઓ, રોજિંદી જિંદગીની
જરૂરિયાતો અને ઝંખનાઓ સાથે જોડાયેલો છે. કારકિર્દી, પૈસા, પત્ની, પ્રેમિકા, પતિ, સંતાન,
સફળતા, ઘરેણા, ગાડી, પ્રતિષ્ઠા માન-સન્માન જેવી બાબતો સાથે જોડાયેલો અસંતોષ આપણને
સામાન્ય બનાવે છે. જ્યાં સુધી આપણે આ અસંતોષમાં જીવંત છીએ ત્યાં સુધી આપણને એનાથી
ઉપર ઉઠવાની કે આગળ જવાની ઈચ્છા થતી જ નથી. નાની નાની વસ્તુઓમાં લેવડદેવડ, વેર-ઝેર કે
માન-અપમાનના દોરડાં જો પગમાં વીંટાયેલાં રહે તો ઉડવાનો પ્રશ્ન નથી આવતો… જે ક્ષણે આ
વસ્તુ કે ચીજોમાંથી મન બહાર નીકળે, જે ક્ષણે આપણને રોજિંદી ઝંખનાઓ અને ઈચ્છાઓમાંથી
મુક્તિ મળે, સરખામણી નહીં, પણ સજ્જતાથી આપણે આપણા લક્ષ્ય તરફ પ્રયાણ કરી શકીએ એ
દિવસે આપણને આપણી શોધનો રસ્તો જડી જાય છે. કબીર સાહેબ કહે છે,

मोको कहां ढूंढे रे बंदे,
मैं तो तेरे पास में ।

खोजी होए तुरंत मिल जाऊं,
एक पल की ही तलाश में ।
कहे कबीर सुनो भाई साधो,
मैं तो हूँ विश्वास में ।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *