આંધળો સસરો ને શરણગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સહુ… વા વાયાથી નળિયું
ખસ્યું, તે દેખીને કૂતરું ભસ્યું… એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ… અખાના
આ છપ્પા જાણીતા છે. સમાજ અને સમાજની સાથે જોડાયેલા કુરિવાજો, જડતા અને
રૂઢિચુસ્તતા ઉપર અખાએ જબરદસ્ત ચાબખાં માર્યા છે, પરંતુ અખાને માત્ર એના છપ્પા
માટે યાદ રાખવાને બદલે એમની કૃતિ ‘અખેગીતા’ પણ તપાસવા જેવી છે. લગભગ 1705માં
લખાયેલી આ કૃતિ ચોપાઈબધ્ધ કાવ્ય છે. આપણે જો જુદા જુદા કાળમાં ભારતીય કવિતાને
વહેંચીએ તો અખાનો સમય નરસિંહ પછીનો છે. બુટો, ગોપાલ, વસ્તો, જગજીવનદાસ,
પ્રિતમદાસ, નિરાંત, ધીરો, બાપુસાહેબ ગાયકવાડ, ભોજો અને અંતે દયારામ પણ ગુજરાતના
મધ્યકાલીન સાહિત્યના અંતિમ તબક્કાના મુખ્ય કવિઓ તરીકે જોઈ શકાય.
‘અખેગીતા’ જ્ઞાનમાર્ગી કવિતાઓની પરંપરામાં આવે છે. અહીં તત્વજ્ઞાન છે, પરંતુ
કોઈ અઘરી ભાષા કે મુશ્કેલ તત્વદર્શનને બદલે જનસામાન્યને સમજાય એવી રીતે એમણે આ
કડવાં-એક કાવ્યપ્રકારની રચના કરી છે. એમણે પોતે જ લખ્યું છે,
‘સંવત સત્તર પચલોતરો શુક્લ પક્ષ ચૈત્ર માસ,
સોમવાર રામનવમી-પૂર્ણ ગ્રંથ પ્રકાશ.’ એટલે કે, 1705ના ચૈત્ર માસમાં રામનવમી
અને સોમવારે આ ગ્રંથ પૂર્ણ થયો હોવો જોઈએ. અખાના છપ્પા અનેક છે અને એ છપ્પા
એમને થયેલા જીવન, રીતિરિવાજ, વ્યવહાર અને સંબંધોના અનુભવમાંથી છુટક છુટક
જન્મ્યા હશે. ‘અખેગીતા’ ગુજરાતી ભાષાના તૃતીય વર્ષ બીએમાં ભણાવવામાં આવે છે.
જેમાં અજ્ઞાનથી ઘેરાયેલા માનવજીવનને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનો પ્રયાસ જોવા મળે
છે. એમણે પોતાના પુસ્તકને ‘ગીતા’ સાથે સરખાવ્યું છે કારણ કે, એમાં પણ જીવનના કેટલાક
એવા બોધનો ઉલ્લેખ છે જે માણસના રોજિંદા જીવનને બદલવામાં પથદર્શક બની રહે.
આ પુસ્તકની કવિતાઓ અથવા કડવાંમાં અખાએ પરમબ્રહ્મને પામવાની તત્પરતા
ઉપર પણ ભાર મૂક્યો છે. પાણી માટે તરફડતી માછલીની જેમ જ જો માણસ અથવા જીવ
પરમબ્રહ્મ માટે તરસે નહીં તો એને પરમબ્રહ્મ મળે જ નહીં એમ અખાનું કહેવું છે. અખાના
સમયમાં ભક્તિ કાં તો ‘વેવલા’ લોકો અથવા ‘વિલાસી’ લોકોનો દંભ હશે એવું ‘અખેગીતા’
અને ‘છપ્પા’ બંને પરથી સમજાય છે. અખાએ જ્ઞાન, વૈરાગ્યની સાથે સાથે ભક્તિની
સાદગીના મહત્વને પણ ‘અખેગીતા’માં આપણી સામે ઉઘાડ્યું છે. હરિ, ગુરૂ અને સંત-આ
ત્રણને જે સેવે (નિકટ રહે અથવા સમજે) એ જ બ્રહ્મને પામે છે એવું લગભગ તમામ
રચનાઓને અંતે પ્રતિપાદિત થાય છે.
સાચા જ્ઞાનીની ઓળખ આપતાં અખો કહે છે ‘જ્ઞાની તે, જેને પ્રગટે પરમાત્મા.’
અંધભક્તિ અને ષડદર્શનોની મર્યાદા સ્પષ્ટ કરીને અખો દર્શાવે છે કે સાચા શૂન્યવાદીઓ
અદ્વૈતમાં રમે છે. સાધનાથી સાચું જ્ઞાન પામી શકેલ જીવની ઓળખ થાય તો બ્રહ્મભાવનો
ખ્યાલ આવી શકે. અધ્યાત્મ જીવની વ્યક્તિ કેવી હોય તેના વર્ણન વડે સાધનાની સીધી સમજ
સાંપડી શકે. ગીતાએ સ્થિતપ્રજ્ઞ, ભક્ત અને ગુણાતીતનાં સુરેખ ચિત્રો આપ્યાં છે, તેમ અખો
દરેક કડવાને અંતે હરિ, ગુરૂ અને સંતનું સેવન કરવાનું લખે છે. આ ત્રણનું શરણ સ્વીકારતો
માનવ મુક્ત બને છે તેને માટે ‘જીવન્મુક્ત’ શબ્દ વાપરે છે. આવા જીવન્મુક્તની ઓળખ
આપતાં અખો કહે છેઃ
‘નવનીત સરખું હૃદે કોમલ, કહ્યું ન જાયે હેત,
આંખમાં અમૃત ભર્યું, ભક્તિ કેરું તે ક્ષેત્ર.
ખાતો પીતો બોલતો દેખે તે સઘળે રામ,
વેધ્યું મન રહે રહે તેહનું, શિથિલ સંસારી કામ.
જ્યમ જાર-લુબધી જુવતી, તેનું મને પ્રીતમ પાસ,
અહર્નિશ રહે આલોચતી, ભાઈ, એવું મન હરિદાસ.’
‘અખો-એક અધ્યયન’ નામના પુસ્તકમાં બુર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીએ અખાના
છપ્પા, ‘અનુભવ બિંદુ’ અને ‘અખેગીતા’ વિશે વિવેચન રજૂ કર્યું છે. એ પછી અનેક લોકોએ
‘અખેગીતા’ ઉપર પોતાનું વિવેચન અને સંપાદન કર્યું છે. જેમાં ભૂપેન્દ્ર ત્રિવેદી, કાનજી
ભીમજી પૂજારા સહિત અનેક લોકોના નામ લેવા પડે.
આ આખ્યાન કાવ્ય નથી. દરેક કડવાંની પહેલાં ચાર ચરણની નાની પંક્તિ છે. જે કડવાંના સાર
જેવી છે. જેમ કે, 11મા કડવામાં એમણે લખ્યું છે,
‘વળી વળી કહું ભક્તિ-વેશેષ જી,
જેહ ન દેખે હરિ વિના રેખ જી,
પેખે સઘળા હરિના વેષ જી,
તે જન કહેનો ન કેર ઉવેખ જી.’
11મું કડવું સદગુરૂ પાસેથી મળેલા જ્ઞાન અને ભક્તિની વાત કરે છે. જીવ જ્યારે
શિવમય બની જાય છે ત્યારે શિવ અને જીવ જુદા નથી રહી શકતા. ‘સ્વામિ મારો રહ્યો સઘળે’
કહીને અખાના આ કડવાંમાં જીવથી શિવની જુદાઈ હવે સહી નથી શકાતી એ વિશેની વાત
કરવામાં આવી છે. એવી જ રીતે 40મા કડવાંમાં એમણે ‘અખેગીતા’નું મહત્વ સમજાવ્યું છે.
સંસારરૂપી મોહના અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ લઈ જતા પુસ્તકનું નામ ‘અખેગીતા’ છે
એવું અખો પોતાના 40મા કડવાંમાં લખે છે. ચાર પંક્તિના નાનકડા ચરણમાં એમણે લખ્યું છે,
‘અખેગીતા જે નર ગાય જી,
અણઆયાસે તે હરિ થાય જી,
સાંભળતાંમાં ગહેન પલાય જી,
એહેવો ગ્રંથનો છે મહિમાય જી.’
કડવાંના આરંભમાં કવિ કહે છે કે આ તત્વદર્શનને સમજી-સ્વીકારીને ‘અખેગીતા’ને
ગાનાર અણઆયાસે નરહરિ થાય તથા સાંભળતા મહાઘેન પળાય-ભાગે એવો ‘અખેગીતા’નો
મહિમા છે. મન, વચન અને કર્મથી રસ લઈને આ ગ્રંથ સાંભળનાર માટે ‘અખેગીતા’ રામ
તારકમંત્ર સમી છે. વળી, આવું કાવ્ય અને તત્વદર્શન એવા સદભાગીને વાંચવા-સાંભળવા
મળે જેનો ‘જન્મ છેલ્લો હોય.’ સંસારરૂપી મોહની રાત્રિના (અજ્ઞાન-રૂપ) અંધકારને દૂર કરવા
માટે ‘દિનમણિ છે અખેગીતા.’
ગુજરાતી ભાષામાં રચાયેલા ઉત્તમ ગ્રંથો વિશે આપણા પછીની પેઢી કશું જાણતી
નથી. વિદેશના કોઈ લેખકની અવગણના કે અવહેલના કરવાનો ઈરાદો ન જ હોઈ શકે, પરંતુ
આપણી ભાષામાં જે અદભૂત રચના થઈ છે એવી કેટલીક રચનાઓ જો આપણા પછીની
પેઢી સુધી પહોંચાડીએ તો ‘ગુજરાતી’ને ‘ગુજ્જુ’ કહેતાં પહેલાં આ પેઢી કદાચ એકવાર વિચાર
કરે!