એ અનંતને બોલ્યો ન જાય જી,
મહતા ન આવે વાણીમાંય જી,
વચન ન લાગે તો કયમ કહેવાય જી,
મહાચૈતન્યધન નહીં મન કાય જી.
સદા નિરંતર છે જ સરખા, વસ્તુવિચારે એ અશો.
અખાનું આ કડવું અખેગીતામાંથી લેવામાં આવ્યું છે. અખેગીતામાં 40 કડવાં અને
10 પદો છે. આ કડવાંમાં એમણે લખ્યું છે કે, જે જન્મ લેતો નથી અને જે નાશ પામતું નથી એવા
અનંત પરમાત્માની વાત જીભથી કહેવી શક્ય નથી. શબ્દોમાં એને વર્ણવી શકાતો નથી. જેને
અનુભૂતિ કોઈ પણ વિશેષણથી ન કરાવી શકાય. ઈશ્વરની વાત અથવા પરમતત્વની ચર્ચા કરવામાં
સાધુ-સંત, જ્ઞાની-અજ્ઞાની, ઊંચ-નીચ જેવા કોઈ ભેદ નથી. સહુને એ એક સરખો જ પ્રાપ્ત છે અને
સહુને એક સરખો જ સમજાય છે. આપણે એનામાંથી જ છુટા પડ્યા છીએ, એ મૂળ તત્વ જો
આપણામાં વ્યાપ્ત હોય, સજીવ હોય તો પછી આપણે એનાથી દૂર ક્યાં છીએ? પૂર્ણબ્રહ્મ અત્રતત્ર
અને સર્વત્ર છે. આ જગત જેને આપણે સત્ય માનીએ છીએ તે ખરેખર મિથ્યા છે, જેને આપણે
જાણતા નથી એ જ સત્ય છે.
બ્રહ્મથી અલગ કોઈ નથી, કશું નથી. આપણા આત્માને જન્મ કે મૃત્યુ નથી અને જે
જન્મ અને મૃત્યુમાં બંધાયેલું છે તે શરીર મિથ્યા છે. અહીં આગળ પદમાં એમણે શરીરના ચક્રોની પણ
ચર્ચા કરી છે અને આ ચક્રોની ચર્ચા સાથે એમણે સહસ્ત્રદલ બ્રહ્મરંધ્રમાં થતા પરમબ્રહ્મના અનુભવની
વાત કરી છે.
પ્રા. ભૂપેન્દ્ર ત્રિવેદીએ અખેગીતાને બહુ સુંદર રીતે સંકલિત કરી છે. એમણે લખ્યું છે,
“અખાની કવિતામાં વેદાંત સિદ્ધાંતનું સમર્થ પ્રતિપાદન છે, પણ વાસ્તવ જીવન સામે એ આંખો
મીંચીને ઊભો નથી રહ્યો એણે જીવનને જોયું છે, જાણ્યું છે અને માણ્યું છે અને એ બધા પછી એને
જીવનની પોકળતા સમજાઈ જતાં પંથભૂલેલ માનવીઓને જ્ઞાનપ્રકાશ પૂરો પાડવા એ પ્રયત્નશીલ
બન્યો છે. અખેગીતામાં એવા જ્ઞાનવૈરાગ્યનાં સુંદર ભાવવાહી પદો એક પંચમાંશ જેટલાં છે એની
નોંધ ન લઈએ તે કેમ ચાલે? અખેગીતામાં આ ઠરેલ, તીવ્ર બુદ્ધિશાળી, વ્યવહારકુશળ અમદાવાદી
સોનીએ દર્શનગ્રંથ, આખ્યાન અને સુગેય પદોનો સુમેળ સાધી જ્ઞાનગંગાનો પાવનકારી પ્રવાહ
વહેવડાવ્યો છે. પોતાના જમાનાને સમજવામાં એ સહેજ પણ ચૂક્યો નથી અને લોકમાનસની સાચી
સમજ પછી જ એ ઉપદેશનું કાર્ય કરવા બેઠો છે એ ચોક્કસ. પરિણામે એના કથનમાં શાસ્ત્રીયતા સાથે
સિદ્ધાંતને સરળતાથી બરાબર સમજાવી દે એવા દૃષ્ટાંતો યોજવાની મોટી આવડત દેખાય છે.”
નરસિંહની ગૂઢવાણી પણ અખેગીતામાં પડઘાય છે. ‘બ્રહ્મ લટકાં કરે, બ્રહ્મ પાસે’ જેવી
વાત અખાના કડવાંમાં સંભળાય છે. કબીરનો દોહો, ‘કબીર! હદકે જીવકો, હિત કર મુખ ના બોલ,
જો હદ લગા બેહદસે, તાસે અંતર ખોલ.’ જે નરસિંહ લખે છે, ‘મોહમાયા વ્યાપે નહિ જેને, દૃઢ
વૈરાગ્ય જેના મનમાં રે’ એવી જ રીતે અખો લખે છે, ‘જે નરને ઊપજે દૃઢ વૈરાગ્ય જી, તેહેના ટળે
દ્વેષ ને રાગ જી.’ નરસિંહ કહે છે, ‘હરિના જન તો મુક્તિ ના માગે, માગે જન્મોજનમ અવતાર રે.’
અખો કહે છે, ‘હરિ હરિજન અળગા કરી રખે ગણો, સંત સેવ્યા તેણે સ્વામી જ સેવ્યા.’ ત્યાં જ કબીર
કહે છે, ‘ કબીર, સેવા દો ભલી, એક સંત એક રામ, રામ હય દાતા મુક્તિકા, સંત જપાવે નામ.’
અખાભગત, અખો કે અખાભાઈ સોની, જેતલપુરથી આવીને અમદાવાદ વસ્યા હતા.
એમને જીવનના અનુભવ થયા એ ઉપરથી એમણે ‘કડવાં’ લખ્યાં. એમના છપ્પા સમાજની કેટલીયે
રૂઢિને ચાબખા મારતી તીખી તમતમતી વાણીનો નિચોડ છે. અખો કોઈ જ્ઞાની કે મહાન સંત નથી.
નવાઈની વાત તો એ છે કે, મોટાભાગના લોકો અખાને ભૂલી ગયા છે. અખેગીતા કદાચ એમની
આખરી કૃતિ છે. તેમ છતાં એમણે વાપરેલા કેટલાક શબ્દો આપણને સમજાવે છે કે, એમનું વાંચન
વિશાળ હોવું જોઈએ! એની સાથે જ એમણે અત્યંત સાદી ભાષામાં, લોકો સુધી પહોંચે એ રીતે
એમના છપ્પાની રચના કરી છે. એક તરફ આ અખેગીતાનું જ્ઞાન અને બીજી તરફ એમના છપ્પાની
સહજતા અખાના વિસ્તૃત સર્જનની સમજણ આપણા સુધી પહોંચાડે છે.
તિલક કરતા ત્રેપન થયા ને જપમાળાના નાકાં ગયાં,
કથા સૂણી સૂણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મનું જ્ઞાન.
આમાં એમણે સાવ સાદી રીતે સમાજના દંભી ધાર્મિક લોકોને સીધો ઉપદેશ આપ્યો
છે. અહીં કબીરને યાદ કરીએ તો એમની પંક્તિ, ‘કર કા મનકા ડારી દે, મન કા મનકા ફેર…’ (હાથનો
મણકો ફેંકી દે, મનનો મણકો ફેરવ) કે પછી ‘મૈને યે સોચ કર તસબી હી તોડ ડાલી, કિ ક્યા માંગુ
ઊસસે ગિન ગિન કે, જો બેહિસાબ દેતા હૈ…’ જેવા શબ્દો યાદ આવે.
આંધળો સસરો ને શરણગટ વહુ, કથા સાંભળવા ચાલ્યાં સહુ,
કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
આ છપ્પામાં અખાએ અનેક કથાઓ સાંભળવા છતાં માણસની માનસિકતામાં,
જડતામાં કે અહંકારમાં કોઈ ફેરફાર નથી થતો એની વાત કરી છે. આપણા આજના સંતો મોરારિબાપુ
કે રમેશભાઈ ઓઝા પણ આ વાત વારંવાર કહે છે. માત્ર કથા સાંભળવાથી જ્ઞાન નથી આવતું, કથામાં
કહેવાતી વાતને જીવનમાં ઉતારવાથી જીવન બહેતર થાય છે.
એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન,
એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
અહીં, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ…’ જેટલી જ તત્વજ્ઞાનની વાત અખાએ
સહજ રીતે, પોતાના છપ્પામાં કહી દીધી છે. ધાર્મિક હોવું અને અધ્યાત્મિક હોવું એકમેકથી ભિન્ન છે
એ વાત આપણને આ છપ્પામાં સમજાય છે. અધ્યાત્મને આત્મા સાથે, જીવન સાથે સંબંધ છે, જ્યારે
ધર્મને રીતિરિવાજ, પાપપૂણ્ય અને કર્મકાંડમાં બાંધી દેવાયો છે…
કબીર કહે છે, ‘શરણે રાખો સાઈયાં, પુરો મનકી આસ, ઓર ન મેરે ચાહિયે, સંત
મિલનકી પ્યાસ.’ અખો કહે છે, ‘સંત-સંત કીજે વળી વળી જન જી, તો અનુભવ વાધેં આધો દન દન
જી.’ અખેગીતામાં એમણે સતત સંતની સેવા અને સત્સંગનો મહિમા કર્યો છે. સારા લોકો સાથે
રહેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અથવા શીખવા મળે છે એ વાત તો લગભગ દરેક જ્ઞાની વ્યક્તિએ કહી
છે. મૂર્ખ માણસ સાથે સમય બગાડવા કરતા કોઈ જ્ઞાનીના શરણમાં કે ચરણમાં થોડીક ક્ષણો વીતાવવા
મળે તો પણ જીવન સફળ થાય એવી કોઈ ચાવી જડી આવે એ વાત અખો કહે છે.
ગુજરાતી ભાષામાં અનેક કવિઓ થયા, અખાને મળવું જોઈએ એવું સન્માન અને
ઓળખ મળી નથી. એમની વાતમાં જે કડવાશની સાથે સમજણ છે એવું લખાણ ગુજરાતી ભાષામાં
પ્રમાણમાં ઓછું થયું છે. નવી પેઢીને સહજ રીતે ગળે ઉતરે એવી વાત અખાએ આજથી લગભગ
સાડા ચારસો વર્ષ પહેલાં 746 છપ્પામાં લખી છે. આજની પેઢી જે સવાલો પૂછે છે એના જવાબો
ન જડે તો માતા-પિતાએ, શિક્ષકોએ, વડીલોએ અખાના છપ્પામાં એ જવાબો શોધવા જોઈએ કારણ
કે, એને તો આજથી સાડા ચારસો વર્ષ પહેલાં એ જ સવાલો થયા હતા જે આજના નવી પેઢીના
યુવાનો પૂછે છે!