જે લોકો અમેરિકા ગયા હશે એ બધાને ખબર હશે કે, સૌથી ભયાનક અને ડરાવનારી ક્ષણ
બોર્ડર સિક્યોરિટીના ઓફિસરના સામે ઊભા રહેવાની હોય છે. લિગલ વિઝા સાથે અમેરિકાના
એરપોર્ટ પર ઉતરેલા કોઈપણ વિદેશી નાગરિકને કાચની કેબીનની અંદર બેઠેલા બ્લ્યૂ યુનિફોર્મ પહેરેલા
ઓફિસર જે નજરે જુએ છે, એ નજર એક્સ-રે જેવી હોય છે. એવી જ રીતે, વિઝા લેવા માટે
એમ્બેસીની ઓફિસમાં રાહ જોઈ રહેલા લોકોના ચહેરા જોઈએ તો સમજાય કે એમને માટે
અમેરિકાના વિઝાનું રિજેક્ટ થવું એ જીવનની કેટલી મોટી હાર પૂરવાર થઈ શકે છે…
આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. આપણા દેશને આઝાદ થયે 75 વર્ષ થયા
પછી અમેરિકા જવાનો મોહ જરાય ઓછો નથી થયો એવું તાજેતરમાં બનેલા કિસ્સા પરથી સમજાય
છે. લાખો રૂપિયા આપીને ગેરકાયદે અમેરિકામાં દાખલ થતા લોકોની સંખ્યા માત્ર ભારતમાં જ નહીં,
ત્રીજા વિશ્વના દેશોમાં ઘણી મોટી છે.
અમેરિકામાં દાખલ થવા માટેના ઈલિગલ ઈમિગ્રેશન વિશે 50થી વધારે ફિલ્મો જુદી જુદી
ભાષામાં બની ચૂકી છે. જે ફિલ્મથી ગુજરાતી ફિલ્મોનું ભાગ્ય પલટાયું એમ માનવામાં આવે છે એ
ફિલ્મ પણ અભિષેક જૈનની ‘કેવી રીતે જઈશ?’ હતી. સ્પેનિશ (મેક્સિકન) ફિલ્મ ‘એમેરોસ પેરોસ’માં
ગેરકાયદે અમેરિકામાં દાખલ થતાં માણસોની શી સ્થિતિ થાય છે એ જોઈને રુંવાડા ઊભા થઈ જાય.
એવી જ રીતે ‘ફ્રોઝન રીવર’, ‘નાઈટ આઉટ’, ‘નો વન ગેટ્સ આઉટ અલાઈન’, ‘સ્કાય હાય’, ‘વ્યૂ ફ્રોમ
ધ બ્રિજ’, ‘ધ વિઝિટર’, ‘ક્રોસિંગ ઓવર’ જેવી અનેક ફિલ્મોમાં અમેરિકામાં દાખલ થવું કેટલું અઘરું છે
એ જોયા છતાં મેક્સિકોની બોર્ડર પરથી હજારો લોકો અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. અમેરિકન
બોર્ડર સિક્યોરિટીની ગોળીથી અનેક લોકો મૃત્યુ પામે છે તો કેટલાક આ પ્રવાસની તકલીફો સહન નથી
કરી શકતા. એમને કેટલાય કિલોમીટર પગે ચાલવું પડે છે. જંગલોમાં છુપાઈ રહેવું પડે છે. કાગળના
કોરુગેટેડ બોક્સિસમાં કલાકો ઊભા રહીને મુસાફરી કરવી પડે છે. પાણી, ભોજન વગર દિવસો
વિતાવવા પડે છે. માંદા અને બીમાર લોકોને પાછળ છોડી દેવામાં આવે છે. પછી એમનું શું થયું એ
વિશે ક્યારેક માહિતી ન મળે એવું પણ બને છે… તેમ છતાં, ‘ધ અમેરિકન ડ્રીમ’ અનેક લોકોની
આંખોને હજીયે ચકાચોંધ કરી રહ્યું છે ! આપણને નવાઈ લાગે, પરંતુ મેક્સિકો અને ટેક્સાસ રાજ્યની
બોર્ડર વચ્ચે એક એવી એડ્વેન્ચર ટ્રીપ તૈયાર કરવામાં આવી છે જેમાં ટિકિટ લઈને અમેરિકન
નાગરિક, પ્રવાસીઓ મનોરંજન માટે અમેરિકામાં ગેરકાયદે દાખલ થતા લોકોના ભય અને એમના
જોખમોનો અનુભવ લઈ શકાય છે !
ભારતીય નાગરિકો જેમના વિઝા એક્સ્ટેન્ડ ન થયા કે જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા એ
પોતાની જિંદગીનો મોટાભાગનો સમય ભારતમાં રહ્યા હોવા છતાં થોડાંક વર્ષ અમેરિકામાં ગાળી
આવ્યા પછી સતત આપણા દેશની અને અમેરિકાની સરખામણી કર્યા કરે છે ત્યારે ભૂલી જાય છે કે,
જન્મ્યા અહીં, ઉછર્યાં અહીં અને આ દેશે જ એમને પાછા ફર્યાં ત્યારે પનાહ આપી છે. ગમે તેટલી
ગેરવ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને અગવડો સાથે પણ આ આપણો દેશ છે ! એમને અમેરિકા સ્વીકારતું નથી
અને એ ભારતને સ્વીકારતા નથી ! જન્મભૂમિ અને માતૃભૂમિને અપમાનિત કરતા આવા લોકો વિશે
તિરસ્કાર થયા વગર રહેતો નથી.
અહીંથી અમેરિકા જતા ભારતીયો ભણેલા હોય, અહીં સારી નોકરી છોડીને પેટ્રોલ સ્ટેશન,
સબ વે, ડંકિન પર નોકરી કરવા તૈયાર થાય છે. સેન્ડવીચ બનાવે, ડીશો ધુએ કે ગ્રોસરી સ્ટોરમાં,
વૉલમાર્ટમાં ફ્લોર આસિસ્ટન્ટની નોકરી કરે. મોટેલમાં ટોઈલેટ ધુએ, ચાદરો બદલે પણ એકના 75
ગણ્યા કરે. મજાની વાત એ છે કે, અમેરિકા ફરવા જાય છે એ લોકો પણ દરેક વસ્તુની ગણતરી 1 x
75માં કરે છે. બે ડોલરનું પાણી એમને દોઢસો રુપિયાનું લાગે છે ! ત્યાં કંઈ પણ શોપિંગ કરે ત્યારે એને
ભારતીય રુપિયા સાથે સરખાવ્યા વિના રહી શકતા નથી… ગેરકાયદે અમેરિકામાં વસનાર એવા ઘણા
ભારતીયો છે જે બબ્બે દાયકાથી પોતાના દેશમાં પાછા ફરી શક્યા નથી. પત્ની-બાળકો-માતા-પિતા
બધા અહીં હોય, સ્વજન ગુજરી જાય તો પણ ત્યાંથી પાછા આવવું એમને માટે શક્ય નથી કારણ કે,
જો આવે તો ફરી જઈ ન શકે !
બીજી તરફ જે લોકો અમેરિકા જઈને વસ્યા છે એમની ભીતર ક્યાંક હજી ‘કમાવા આવ્યા
છીએ’ની લાગણી ટકી રહી છે. લગભગ દરેક ગુજરાતી અમેરિકનની કથામાં ‘ખીસામાં 150-200-
500 ડોલર લઈને અમેરિકા આવેલા’… હવે પોતાની વિલા, મોટેલ, પેટ્રોલ સ્ટેશન, લિકર સ્ટોર કે
સબ-વે, ડંકિન ઊભા કર્યાં છે. હજીયે પોતાની જાતને ‘ગુજરાતી’ કહે છે, પૈસા બચાવે છે પરંતુ
અમેરિકામાં જન્મેલી એના પછીની પેઢી માટે એમનો દેશ અમેરિકા છે. પાસપોર્ટ ભૂરો છે અને એમનું
રાષ્ટ્રગીત, OOh Say can you see by the dawn’s early light ? છે. એમને માટે ભારત
એમના માતા-પિતાનું વતન છે… આ પેઢી અમેરિકન વિચારે છે, અમેરિકનની જેમ
જીવે છે. એમને એક ડોલર બરાબર એક રૂપિયો જ થાય છે…
અમેરિકા અદ્દભુત દેશ છે. દુનિયા એને ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ તરીકે ઓળખે છે. શિક્ષણ અને સગવડોની
બાબતમાં એ દેશ પોતાના નાગરિકોની પરવાહ કરે છે. નાગરિકે ભરેલા ટેક્સનું એને પૂરેપૂરું વળતર મળી રહે એવી
યોજનાઓ બનાવે છે. પોલ્યુશન ઓછું, જમીન અને ખનીજ ખૂબ-એની સામે વસતિ ઓછી અને શિક્ષણ
વધારે… એ દેશ પાસે ઘણા ફાયદા છે, પરંતુ ત્યાં વાસણ હાથે ધોવા પડે છે. ઘરનું બધું કામ જાતે કરવું પડે છે.
મોટી ઉંમરે અમેરિકા ગયેલા લોકો માટે એ દેશ અત્યંત અઘરો અને મુશ્કેલ પૂરવાર થાય છે. અમેરિકામાં
પબ્લિક ટ્રાન્સપોર્ટ બહુ જ ઓછો છે. ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે ઓળખ જાહેર કરવી પડે, એક્સિડેન્ટ થાય
અને જો ઈલિગલ ઈમિગ્રેશન પકડાય તો ડિપોર્ટ કરવામાં આવે. કેટલાક ગેરકાયદે દાખલ થયેલા-પકડાયેલા લોકોને
પણ પોતાનો કેસ રજૂ કરવાની એ સરકાર છૂટ આપે છે. જ્યાં સુધી એમનો કેસ ચાલે ત્યાં સુધી એમને
રહેવા-ખાવાપીવાની વ્યવસ્થા અમેરિકન સરકાર કરે છે. આવી વસાહતોને ડિટેન્શન કેમ્પ કહેવાય છે, જે
નાના પ્રકારની જેલ છે. અમેરિકન જેલ સુવિધાપૂર્ણ અને માનવ અધિકારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
અમેરિકાની જેલના વિષય પર બનાવવામાં આવેલી ઓટીટી શ્રેણી ‘ઓરેન્જ ઈઝ ધ ન્યૂ બ્લેક’ની અનેક સિઝન
બની ચૂકી છે. સરકાર બેકારી ભથ્થું, બાળકોના જન્મ સાથે દરેક બાળકના ઉછેર માટે કે મેડિકલ સહાય માટે પૈસા
આપે છે… વૃધ્ધો માટે અલગ વ્યવસ્થા છે. આખો દિવસ સમય વિતાવી શકાય એવાં સરસ ઓલ્ડએજ હોમ છે,
જ્યાં જવા માટેનો ટ્રાન્સપોર્ટ પણ સરકાર આપે છે. આ બધી સગવડો વચ્ચે અમેરિકન ડ્રીમ રંગીન અને ચમકતું
છે, પરંતુ જે કાયદેસર અમેરિકામાં વસે એને માટે !