અમેરિકામાં ટ્રમ્પ જીત્યા ત્યારથી ભારતીય અમેરિકન્સ બે પ્રકારની માનસિકતામાં ઝોલાં
ખાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી અને ટ્રમ્પના સારા સંબંધોને કારણે ભારતીય લોકો સાથે-ખાસ કરીને,
ઈમિગ્રન્ટ્સ સાથે અન્યાય નહીં થાય એવું મોટાભાગના લોકોનું માનવું છે તો બીજી તરફ, કેનેડા
ઉપર પ્રેશર વધ્યું છે. ટ્રમ્પની કેટલીક નીતિઓને કારણે અનેક ભારતીય વિદ્યાર્થીઓ અને
માઈગ્રન્ટ્સને કદાચ પાછા આપવાની સ્થિતિ ઊભી થાય એવો ભય તોળાઈ રહ્યો છે. બીજી તરફ,
ઈલિગલ માઈગ્રન્ટ્સને માથે પણ ખતરો ઊભો થયો છે. ટ્રમ્પ માને છે કે, ઈમિગ્રન્ટ્સના કારણે
અમેરિકામાં વસતા અમેરિકન્સને આર્થિક હરિફાઈનો સામનો કરવો પડે છે-એમનો રંગભેદનો
વિચાર પણ કંઈ બહુ છાનો રહી શક્યો નથી, એવા સંજોગોમાં હવે આવનારા વર્ષો કંઈ રીતે
વળાંક લેશે એ વિશે ભારતીય અમેરિકન્સ જાતભાતની અટકળો કરી રહ્યા છે, ત્યારે ટ્રમ્પના 2.O
ટર્મમાં એમણે અનેક કિ-પોસ્ટ ઉપર ભારતીયોને સ્થાન આપવાથી શરૂઆત કરી છે. કશ્યપ પ્રમોદ
પટેલ (કાશ પટેલ) એફબીઆઈના વડા જાહેર થયા છે. એફબીઆઈ અથવા ફેડરલ બ્યૂરો ઓફ
ઈન્વેસ્ટિગેશન, અમેરિકાની કાયદા અમલીકરણ એજન્સી અને ગુપ્તચર તથા સુરક્ષા સેવા તરીકે
જાણીતી છે. એમના લિસ્ટમાં 200થી વધુ ગુના છે જેમાં આતંકવાદ, હ્યુમન ટ્રાફિકિંગ, ડ્રગ્સ
સહિત સરકાર સામે કરવામાં આવતા કાવતરાનો સમાવેશ થાય છે. આના ઉપરથી એટલું સમજી
શકાય છે કે, એક ગુજરાતીના ખભા ઉપર ટ્રમ્પ દ્વારા અમેરિકાની સુરક્ષા, કાયદો અને
વ્યવસ્થાનો ભાર મૂકવામાં આવ્યો છે. એફબીઆઈ એટર્ની જનરલ અને નેશનલ ઈન્ટેલિજન્સ
ડિરેક્ટર સિવાય ફક્ત પ્રેસિડેન્ટને રિપોર્ટ કરે છે. કાશ પટેલની પદવી કેટલી મોટી છે એ સમજી
શકાય એમ છે. ન્યૂયોર્કમાં જન્મેલા અને ઈલિગલ ઈમિગ્રન્ટ તરીકે ઈસ્ટ આફ્રિકાથી કેનેડાના રસ્તે
અમેરિકા આવેલા માતા-પિતાના સંતાન કાશ પટેલની કારકિર્દી ફ્લોરિડાથી શરૂ થઈ. એમણે
2014માં જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં વકીલ તરીકે નિયુક્તિ મેળવીને ધીમે ધીમે પગથિયાં ચઢવા
માંડ્યા. 2022માં કાશ પટેલ ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માલિક અને ટ્રમ્પ મીડિયા એન્ડ
ટેકનોલોજી ગ્રૂપના સભ્ય બની ગયા હતા. ડિસેમ્બર 2023માં ‘વોર રૂમ’ના પોડકાસ્ટમાં એમણે
જાહેરમાં સ્વીકાર્યું કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ 2024માં જીતશે તો એ પોતાના રાજનીતિક દુશ્મનો સામે
બદલો લીધા વગર નહીં રહે… ત્યારે ટ્રમ્પ જીતશે એવું કોઈ વચન નહોતું તેમ છતાં એમણે ડર્યા
વગર પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘અમે બહાર પડીશું અને સરકાર તથા મીડિયામાં રહેલા તેવા
લોકોને શોધી કાઢીશું જેમણે ટ્રમ્પ વિરુધ્ધ ષડયંત્રો કર્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જેમણે આ
કેઓસ ઊભો કર્યો છે એમણે હવે ચેતી જવાની જરૂર છે.’ ચૂંટણી દરમિયાન કમલા અને ટ્રમ્પ
વચ્ચે રસાકસી ચાલતી હતી ત્યારે ટ્રમ્પને મદદ કરનારા, એમની સાથે ઊભા રહેનારા લોકોમાં
નિક્કી હેલીનું નામ પણ મહત્વનું રહ્યું.
નિમ્રતા રંધાવા હેલી અમેરિકાના દક્ષિણ કેરોલીના સ્ટેટના ગવર્નર રહી ચૂક્યા છે. ભારતીય
મૂળના બીજા અમેરિકી ગવર્નર અને પહેલાં મહિલા ગવર્નર હોવાનું ગૌરવ એમને મળ્યું છે. હેલી
શીખ માતા-પિતાની પુત્રી છે અને મૂળ અમૃતસરના છે. હેલીએ શરૂઆતમાં રિસાઈકલિંગ કંપની
સાથે કામ કર્યું અને પછી ચેમ્બર ઓફ કોમર્સના નિર્દેશક મંડળમાં એમને સ્થાન મળ્યું. નેશનલ
એસોસિએશન ઓફ વુમન બિઝનેસના અધ્યક્ષ અને યુએનના એમ્બેસેડર તરીકે કામ કરી ચૂક્યા
છે. 2024ના રિપબ્લિકન કન્વેન્શનમાં એમને સ્પીચ આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા
હતા. ટ્રમ્પના અંગત નિર્ણયો અને નવા એડમિનિસ્ટ્રેશનમાં નિક્કી હેલીનો રોલ મહત્વનો રહેશે
એવું લાગે છે.
કાશ પટેલની એફબીઆઈની નિયુક્તિ અને નિક્કી હેલીનો એમના અંગત સલાહકાર
તરીકેનો રોલ, જીતી ગયા પછી ટ્રમ્પના બદલો લેવાના પગલાંની શરૂઆત ગણી શકાય? સાથે જ
ટ્રમ્પના નવા સહકર્મીઓમાં વી. રામાસ્વામી, બોબી જિંદાલ જેવા નામો સમાવિષ્ટ થયા છે.
બોબી જિંદાલ આર્થિક અને સામાજિક રીતે ટ્રમ્પનો બહુ જ મોટો સપોર્ટ રહ્યા છે. પિયુષ જિંદાલ
લ્યુઝિયાનાના ગવર્નર રહી ચૂક્યા છે. એમનું લાડકું નામ બોબી, એમણે એક ટેલિવિઝન સીરિઝના
પાત્ર પરથી પસંદ કર્યું હતું, ત્યાર પછી એ પોતાને બોબી તરીકે જ ઓળખાવે છે. જન્મથી હિન્દુ,
પરંતુ હાઈસ્કૂલમાં એમણે ખ્રિસ્તી-કેથોલિક સંપ્રદાય સ્વીકાર્યો. ઓક્સફોર્ડ ગ્રેજ્યુએટ અને
પોલિટિકલ સાયન્સમાં સ્કોલર થયા પછી એમણે લગભગ 500 જેટલી કંપનીઓ સાથે
સલાહકાર તરીકે કામ કર્યું છે. એમના પત્ની સુપ્રિયા પણ ઓક્સફોર્ડ ગ્રેજ્યુએટ છે. ટ્રમ્પની
સરકારમાં બોબી જિંદાલને આરોગ્ય અને માનવસેવા સચિવ તરીકે ખૂબ મહત્વની પદવી
આપવામાં આવી છે. ભારતીય અમેરિકનોએ અને અમેરિકા જવા માગતા ભારતીયોએ સમજી
લેવું જોઈએ કે બોબી જિંદાલ આવનારા વર્ષોમાં ઈમિગ્રન્ટ્સ માટેના કાયદાઓના ફેરફારમાં પણ
મહત્વના સલાહકાર પૂરવાર થઈ શકે છે.
એ પછી વી. રામાસ્વામી એક અત્યંત મહત્વની વ્યક્તિ પૂરવાર થયા છે. એમણે રોઈવન્ટ
સાયન્સીઝ નામની કંપનીની સ્થાપના કરી અને 2024માં રિપબ્લિકન પાર્ટીમાં જોડાયા. પહેલી
ચૂંટણી હારી ગયા પછી એમણે ટ્રમ્પને સપોર્ટ કરવાનું નક્કી કર્યું. યુવા અને મહત્વાકાંક્ષી
રામાસ્વામી મૂળ પલક્કડ-કેરળના તામિલ બ્રાહ્મણ છે. એમનું આખું નામ વિવેક ગણપતિ
રામાસ્વામી છે. હાર્વર્ડ કોલેજમાંથી બાયોલોજીમાં સ્નાતક થયા પછી એમણે અમેરિકામાં એક
નૈતિક પ્રશ્નો પર પોતાની થીસીસ લખી અને પહેલી જ પીએચડી થીસીસ ઉપર બોડોઈંગ
પુરસ્કાર પ્રાપ્ત કર્યો. ન્યૂયોર્ક ટાઈમ્સે એમને દાયકાના સૌથી બુધ્ધિશાળી લોકોમાં સ્થાન આપ્યું.
બાયોટેક પોર્ટફોલિયો ધરાવતી એમની કંપની અત્યારે અમેરિકાની સૌથી વધુ કમાતી
કંપનીઓમાંથી એક છે… ટ્રમ્પની અંગત પસંદગીથી એમને કેબિનેટમાં મહત્વનું સ્થાન મળ્યું છે.
આવનારા વર્ષોમાં રિપબ્લિકન પાર્ટીના એક મહત્વના નેતા તરીકે પણ રામાસ્વામી આગળ
આવશે એમ અમેરિકાના રાજકીય આગાહીઓ જણાવે છે.
આપણે જ્યારે વિશ્વ રાજકારણનો અભ્યાસ કરીએ ત્યારે સમજાય કે એક મહાસત્તા તરીકે
ઓળખાતા દેશમાં મહત્વની પદવી ઉપર ચાર ભારતીય મૂળના વ્યક્તિઓ ગોઠવાય ત્યારે એ દેશ
સાથેના ભારતના સંબંધો કેટલા મહત્વપૂર્ણ પૂરવાર થઈ શકે છે. નરેન્દ્ર મોદી એક કુનેહ ધરાવતા-
વિશ્વ નેતા તરીકે પોતાની છબિ ઊભી કરવામાં સફળ રહ્યા છે. ચીન સાથે બગડેલા સંબંધો
સુધારીને, બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિમાં પોતાનો મત મુક્ત રીતે જાહેર કરીને-પોલિટિકલ
શેલ્ટર આપીને, યુક્રેનના યુધ્ધમાં અમેરિકાને મધ્યસ્થી કરવાની ફરજ પાડીને નરેન્દ્ર મોદીએ
પૂરવાર કર્યું છે કે, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એમનો મત મહત્વનો છે. આપણે ભારતીય તરીકે,
ગુજરાતી તરીકે આપણા ઘરમાં-આપણી નાનકડી દુનિયામાં રહીને આંતરરાષ્ટ્રીય રાજકારણ વિશે
બહુ ઓછું જાણીએ છીએ, પરંતુ અયોધ્યાની સીટ મેળવવી કે ગુમાવવી એનાથી ઉપર એક
રાજકારણ છે જેનાથી બુલિયન અને શેરબજારના ભાવ ઉપર અસર થાય છે, જેનાથી વિશ્વ
યુધ્ધની આગાહી ટાળી શકાય છે, જેનાથી વિશ્વના ફલક પર શસ્ત્રોના ખરીદ-વેચાણ વિશે
મહત્વના નિર્ણયો થાય છે… આપણને ગૌરવ હોવું જોઈએ, કે ગઈકાલ સુધી થર્ડ વર્લ્ડ કન્ટ્રી
કહેવાતો આ દેશ મહાસત્તાના વહીવટમાં ચાર મહત્વના ભારતીયોનું પ્રદાન કરી શક્યો છે.