અમિતાભ બચ્ચનના માતા-પિતાની લવ સ્ટોરી

આજે, અમિતાભ બચ્ચન એક લિવિંગ લેજન્ડ છે. એમના કરોડો ફેન છે, પરંતુ એ પોતે
એમના ‘બાબુજી’ના ફેન છે. એમની દરેક વાત કે વ્યાખ્યાનમાં એ એમના બાબુજીને કોટ કરે છે.
એમના ઉપર, એમના વિચારો, વ્યવહાર અને વ્યક્તિત્વ ઉપર એમના બાબુજીની ઊંડી અસર છે. હવે
તો એમના વસ્ત્રપરિધાન પણ હરિવંશરાય જેવા થતા જાય છે. આજે, 27મી નવેમ્બરે, હરિવંશરાય
બચ્ચનને 115 વર્ષ પૂરાં થાય છે.

હરિવંશરાય બચ્ચન-હિન્દી ભાષાના એક એવા કવિ જેમને પદ્મભૂષણ પુરસ્કારથી
નવાજવામાં આવ્યા. લગભગ 26 જેટલા કવિતા સંગ્રહ અને 24થી વધારે અનુવાદ-સંપાદન અને
લેખોના સંગ્રહો સહિત એમની આત્મકથા મળીને લગભગ 60થી વધુ પુસ્તકો-કાવ્યસંગ્રહોનું એમણે
પ્રદાન કર્યું. હરિવંશરાય બચ્ચન રચનાવલિ (નવ ભાગ)માં સમગ્ર કવિતાઓનું સંપાદન છે. અમિતાભ
બચ્ચનના પિતા, એવા હરિવંશરાય બચ્ચને પોતાની આત્મકથા પાંચ ભાગમાં લખી છે. 1. ક્યા ભૂલું
ક્યા યાદ કરું (1969), 2. નીડ કા નિર્માણ ફિર (1970), 3. બસેરે સે દૂર (1977), 4. દશદ્વાર સે
સોપાન તક (1985), 5. પ્રવાસ કી ડાયરી (જેમાં એમના જીવનભરના પ્રવાસોનું વર્ણન છે). એમની
આત્મકથા વિશે ડૉ. ધર્મવીર ભારતી જેવા મહાન લેખકે લખ્યું છે, ‘હિન્દીના હજાર વર્ષોના
ઈતિહાસમાં કોઈ એક લેખકે પોતાના વિશે આટલી બેબાકી (દોષરહિત) સાહસ અને સદભાવમાંથી
લખ્યું હોય એવી આ પહેલી ઘટના છે.’ રામધારીસિંહ દિનકરે લખ્યું છે, ‘હિન્દી પ્રકાશનોમાં આ
આત્મકથાનું સ્થાન ખૂબ ઊંચું અને સન્માનનીય છે.’ એમની આત્મકથામાં હિન્દી ભાષાના સર્વોચ્ચ
સન્માન સરસ્વતી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે.

એમણે પોતાની આત્મકથામાં એમનાં પત્ની તેજી બચ્ચન સાથેની મુલાકાત બહુ સુંદર
રીતે વર્ણવી છે. બરેલીની એક સવારે એમના મિત્ર પ્રકાશજીને ત્યાં તેજી બચ્ચન સાથે હરિવંશરાયની
મુલાકાત થઈ. એમણે લખ્યું છે, ‘બે ભાગમાં વહેંચાયેલા દરવાજામાંથી એક દરવાજો ખૂલે છે અને મિસ સૂરી
ઓરડામાં પ્રવેશ કરે છે. સ્માઈલ કરતી, મધ્યમ બાંધાની, એક વડિયું શરીર ધરાવતી, ગૌરવર્ણ, ચહેરો અંડાકાર,
આંખો મોટી અને હોઠ ન પતલા કે ન બહુ જાડા, ચમકતા દાંત અને ગોળ હડફચી, ગ્રીક સ્ત્રી જેવો ચહેરો,
આંખોમાં હજી ઊંઘ હતી. ઓરડામાં પ્રવેશ કરતા જ હું ઊભો થઈ ગયો પ્રેમા (પ્રકાશ)ની પત્નીએ ઓળખાણ
કરાવી, મારી સહેલી, તેજી. એની પ્રથમ દૃષ્ટિમાં જ કોઈને પણ અભિભૂત કરવાની શક્તિ હતી. એની આંખોમાં એ
આકર્ષણ હતું જેને કારણે મારી આંખો નીચી થઈ ગઈ…’

રાતના જમ્યા પછી હું એમની બાજુમાં બેઠી. જાણે એમ જ બેઠો હોઉં એવી રીતે… સૌની ઈચ્છા

હતી કે હું કાવ્ય પાઠ કરું. મેં વાંચવાનું શરૂ કર્યું.

ક્યા કરું સંવેદના લેકર તુમ્હારી?
ક્યા કરું?

મૈં દુઃખી જબ-જબ હુઆ
સંવેદના તુમને દિખાઈ,
મૈં કૃતજ્ઞ હુઆ હમેશા,
રીતિ દોનોં ને નિભાઈ,
કિન્તુ ઇસ આભાર કા અબ
હો ઉઠા હૈ બોઝ ભારી,
ક્યા કરું સંવેદના લેકર તુમ્હારી?
ક્યા કરું?
એક ભી ઉચ્છ્વાસ મેરા
હો સકા કિસ દિન તુમ્હારા?
ઉસ નયન મેં બહ સકી કબ
ઇસ નયન કી અશ્રુધારા?
સત્ય કો મૂંદે રહેગી
શબ્દ કી કબ તક પિટારી?
ક્યા કરું સંવેદના લેકર તુમ્હારી?
ક્યા કરું!

કોણ જાણે ક્યાંથી મારા અવાજમાં એક વિચિત્ર ગંભીરતા ધસી આવી. ઓરડામાં બેઠેલા બધા જ
લોકો બહુ ગંભીર થઈ ગયા.
…ઉસ નયન મેં બહ સકી કબ
ઇસ નયન કી અશ્રુધારા…

મેં જોયું કે, મિસ સૂરીની આંખો ભરાઈ આવી. ટપટપ કરતાં આંસુ એમના ગાલ પર
અને બાજુમાં બેઠેલા પ્રકાશના ખભે ટપકવા લાગ્યા. મારી આંખોમાંથી સરસ્વતી અને મિસ સૂરીની
આંખોમાંથી ગંગા-જમુના વહેવા લાગ્યા. અમને ખબર પણ ન પડી કે ઓરડામાંથી પ્રકાશ, પ્રેમા,
આદિત્ય, ઉમા અને અમારા બીજા મિત્રો ક્યારે નીકળી ગયા. અમે બંને એકબીજાને ભેટીને રડવા
લાગ્યા. અમને લાગ્યું કે, એ આંસુઓના સંગમમાં અમે એકબીજાને કેટલું બધું કહી નાખ્યું. કેટલા
કિનારા તૂટીને વહી નીકળ્યા, કેટલા બંધ ધસી ગયા. કેટલા શાપતાપ સમી ગયા અને આટલું ભીંજાયા
પછી જાણે અમે એકબીજામાં ખોવાઈ ગયા. કોઈ સાચો પ્રેમી જ સમજી શકે કે અમે એકબીજાને કેટલા
પામી લીધા હતા. અમે શું હતા અને આંસુઓના ઝરણામાં નાહીને અમે બંને શું બની ગયા. 24
કલાક પહેલાં અમે બંનેએ આ ઓરડામાં અજાણી વ્યક્તિઓની જેમ પ્રવેશ કર્યો હતો અને 24 કલાક
પછી અમે જ્યારે એ ઓરડામાંથી બહાર નીકળ્યા ત્યારે જીવનસાથી (પતિ-પત્ની નહીં) બનીને બહાર
નીકળ્યા.

રોબર્ટ લુઈસ ટિવન્સનનો એક લેખ વાંચ્યો હતો. એમાં એમણે લખ્યું હતું કે, “પ્રેમ
જ્યારે પોતાના બાહુપાશ ફેલાવે ત્યારે આપણે પણ એને બાહુપાશ ફેલાવીને આવકારવો જોઈએ.
પ્રેમની ભાવના એટલી સહજતાથી બે વ્યક્તિઓમાં સમાન હોય છે કે જાણે પુરુષ જાણી લે છે કે
પોતાના હૃદયમાં શું છે અને એને સમજાઈ જાય છે કે સ્ત્રીના હૃદયમાં શું ચાલી રહ્યું છે.” આ વાંચ્યું
ત્યારે મને ખબર નહોતી કે આ ઘટના એક દિવસ મારા જીવનમાં અક્ષરસઃ સાચી પડશે.

તેજી સરદાર ખજાનસિંહ સૂરીની ચોથી અને સૌથી નાની દીકરી હતી. એમની બીજી
પત્નીની પુત્રી. એમને પુત્ર નહોતો. સૂરી પરિવારનું નિવાસસ્થાન કલ્લર, રાવલપિંડીમાં હતું. એ ત્રણ
મહિનાની હતી ત્યારે એની મા ગુજરી ગઈ. પોતે માતૃવીહિન હતી એટલે તેજીમાં એક વિચિત્ર
સુકુમાર માતૃહૃદય હંમેશાં ધબકતું રહ્યું. મારે માટે પણ એ પત્ની કરતાં વધુ મા, સહચરી અને એક
અનુશાસિત ઘરની ગૃહસ્વામિની રહી છે. તેજી જ્યારે મને મળી ત્યારે એની સગાઈ એક ઓક્સફર્ડથી
ભણીને આવેલા એના પિતાના મિત્રના પુત્ર સાથે થઈ ચૂકી હતી. જોકે, એ બંને જણને એકબીજા
સાથે આ લગ્ન મંજૂર નહોતા, પરંતુ પરિવારને કહેવાની કોઈની હિંમત નહોતી. થોડા સમયમાં
તેજીના લગ્ન થવાના હતા અને વિચારવા માટે સમય લઈને એ બરેલી આવી હતી. હું પણ મારી
વિડંબણાઓમાંથી મુક્ત થઈને (પૂર્વ પ્રેમ પ્રસંગો અને એક લગ્ન) બરેલી પહોંચ્યો હતો. તેજીને મળતા
જ મને લાગ્યું કે, આ જ મારી જીવનસંગિની છે. ચાર જ દિવસમાં અમે નક્કી કરી લીધું કે, અમે
એકબીજાથી વિખૂટા પડીને નહીં રહી શકીએ. અમે નિર્ણય લઈ લીધો કે, તેજી પોતાની નોકરી છોડી
દેશે. આવતે મહિને હું એને લાહોરથી પ્રયાગ (અલાહાબાદ) લઈ જઈશ. ત્યાં અમારા સિવિલ મેરેજ
કરી લઈશું. કામ મળી જશે તો પ્રયાગમાં એ કોઈ નોકરી લઈ લેશે, નહીં તો મારા વેતનમાંથી ગૃહસ્થી
ચાલે એટલું હું કમાતો હતો. તેજી પોતાનું નગર, પ્રાંત બધું જ છોડીને મારી સાથે પોતાનું જીવન
જોડવા તૈયાર થઈ હતી. એ લાહોરથી બરેલી જેટલો સામાન લઈને આવી હતી. એ બધો સામાન
15 દિવસ પછી તો પ્રયાગ જવાનો જ હતો. એટલે નક્કી એવું કર્યું કે મારી સાથે એનો મોટાભાગનો
સામાન હું લઈ જાઉં અને બાકીનું બધું એ પોતાની સાથે લઈને આવે. ચાર દિવસમાં લેવાયેલો આ
જીવનનો એટલો મહત્વનો નિર્ણય હતો જે અમે 66 વર્ષ સુધી એટલા જ સ્નેહ અને આદરથી
નિભાવ્યો.

એક ઈન્ટરવ્યૂમાં તેજીએ કહ્યું હતું, ’14મી જાન્યુઆરીએ વરવધૂના વસ્ત્રો લઈને હું
લાહોરથી અલાહાબાદ પહોંચી. એ પ્રયાગમાં કુંભનું વર્ષ હતું. હરિવંશને જોયા ત્યારથી હું એટલી
સમજી ગઈ હતી કે, મારી જવાબદારી એમના પર નાખવાને બદલે એમની જવાબદારી હું લઈ લઈશ
તો આ જીવન વધુ સરળ બની જશે. મને એટલું જ યાદ છે કે, 24મી જાન્યુઆરીએ ડ્રેસિંગ ટેબલ
સામે બેસીને હું રડી રહી હતી. મને મારા પરિવાર, પિતા, બહેનોની યાદ આવતી હતી. સાથે કોઈ
નહોતું આવ્યું કારણ કે એ લોકો આ લગ્ન સાથે સહમત નહોતા. હું જાતે જ એકલી એકાંતમાં બેસીને
શૃંગાર કરી રહી હતી. હરિવંશે આવીને એક બે નંગની અંગૂઠી મારા હાથ પર પહેરાવી… સિવિલ
મેરેજનું રજિસ્ટ્રેશન થઈ ગયું. ‘ રજિસ્ટારે કહ્યું, ‘આઈ ડિક્લેર યુ મેન એન્ડ વાઈફ…’

એ જે રીતે અનઅપેક્ષિત, અયાચિત, અનાહુત, અચાનક મારા જીવનમાં ઉતરી આવી હતી
એનાથી હું ચકિત, અભિભૂત અને સ્તબ્ધ હતો. આજે લગ્નના આટલા વર્ષે પણ ક્યારેક મને એવું થાય
છે કે શું ખરેખર મને તેજી જેવી પત્ની મળી છે?

હરિવંશરાય બચ્ચનની આત્મકથા સાચે જ ખૂબ રોચક અને રસપ્રદ છે. એમણે કોઈપણ
પ્રકારના છોછ વગર જીવનના જીવાયેલાં સત્યોને જે સરળ ભાષામાં પોતાની આત્મકથામાં મૂક્યા છે
એ જોઈને એમનું વ્યક્તિત્વ પણ ઉજાગર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *