ટેકરીની ટોચ પર ઊભેલા એ કદાવર આદમીની ચાલ, એની કરડાકીભરી આંખો, પહાડી
અવાજ અને પડછંદ વ્યક્તિત્વ પર થિયેટરમાં તાળીઓનો ગડગડાટ થતો. એ અરસામાં રાત્રે બાળકોને
ઉંઘાડવા માટે મા કહેતી, ‘સૂઈ જા, ગબ્બર આવશે’ અને બાળકો સૂઈ જતાં. જેનો ભય બાળકોને
લાગતો એ જ વ્યક્તિને બાળકો તરફ અપ્રતીમ પ્રેમ હતો. દિલાવર દિલના અમજદ ખાને ભલે હિન્દી
ફિલ્મ જગતમાં વિલનના રોલ કર્યા હોય, પરંતુ ઋજુ અને પરગજુ સ્વભાવ ધરાવતા વ્યક્તિ હતા.
અમજદ ઝકરીઆ ખાનના જન્મ હૈદરાબાદમાં થયો હતો. બોલિવૂડના પીઢ કલાકાર જયંતના
તેઓ પુત્ર હતા. તેમનું કુટુંબ પેશાવરના નાના ગામમાંથી આવતું હતું. ઈમ્તિયાઝ ખાન અને ઈનાયત
ખાન તેમના ભાઈઓ હતા.
મુંબઈમાં બાંદ્રાની સેન્ટ એન્ડ્રયુઝ હાઈસ્કૂલમાંથી તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું. કોલેજનું
શિક્ષણ આરડી. નેશનલ કોલેજમાંથી લીધું. અમજદ ખાન કોલેજમાં સૌથી વધુ મતથી વિદ્યાર્થીઓના
નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા. લોકો તેમની ‘દાદા’ જેવી પ્રતિભાથી આમ ગભરાતા, પરંતુ સાથે
સન્માન પણ આપતા. ફિલ્મ ‘નાઝનીન’માં 11 વર્ષની ઉંમરે અને 1957માં 17 વર્ષની ઉંમરે ‘અબ
દિલ્લી દૂર નહીં’ ફિલ્મમાં બાળકલાકારનો રોલ મળ્યો.
ફિલ્મોમાં આગમન પહેલાં તેઓ થિયેટરના જાણીતા કલાકાર હતા. 1960માં ફિલ્મ ‘લવ
એન્ડ ગોડ’ માટે કે. આસિફ સાથે દિગ્દર્શન પણ સંભાળ્યું. 1973માં ‘હિન્દુસ્તાન કી કસમ’ ફિલ્મથી
તેમણે કારકિર્દીની શરૂઆત કરી.
શેહલા ખાન નાનપણથી જ અમજદને ઓળખતા. તેમને પણ નાટકો અને ફિલ્મોમાં રસ
હતો. તેમની મિત્રતા ખૂબ ગાઢ હતી. કોઈપણ વિષય પર લાંબો સમય તેઓ ચર્ચા કરતા. અમજદ
ખાન અંગ્રેજી, પર્શિયન અને ઉર્દૂ ભાષા પર પ્રભુત્વ ધરાવતા. 1972માં તેમના પ્રથમ સંતાન શાદાબ
ખાનનો જન્મ થયો. યોગાનુયોગ 20-9-1973ના દિવસે શાહાજ જન્મ્યો, એ જ દિવસે એમને
‘ગબ્બર’નો રોલ ઓફર થયો હતો. વાસ્તવમાં અમજદ ખાન ફિલ્મ ‘શોલે’ માટે ગબ્બરના રોલ માટેની
પ્રથમ પસંદગી નહોતા. એ રોલ ડેની ડેંગઝોપ્પાને અપાયો હતો. ‘શોલે’ ફિલ્મના દિગ્દર્શક રમેશ
સિપ્પીએ એક મુલાકાતમાં કહ્યું હતું, ‘ડેની ડેંગઝોપ્પાની તારીખો ન મળી એ મારું નસીબ હતું. અમે
છેલ્લી ઘડીએ ગબ્બરના રોલ માટે કોઈને શોધતા હતા ત્યારે જ અમજદ ખાનને જોયા. તે સમયે તે
રોલ માટે અમજદ એકદમ પરફેક્ટ હતો અને વિલનોમાં અલગ સ્ટાઈલ ધરાવતા હતા. ફિલ્મમાં
ગબ્બરના રોલમાં તેઓ ખીલી ઊઠ્યા. એકવાર શૂટિંગ શરૂ થયા પછી અમજદ અને ગબ્બરને જુદા
પાડવા મુશ્કેલ હતા.
અમજદ ખાને 1975માં ‘શોલે’માં પોતાના પાત્રની તૈયારી માટે ચંબલના ડાકુઓ પરનું
તરુણકુમાર ભાદુરીએ લખેલું પુસ્તક ‘અભિશપ્ત ચંબલ’ વાંચી ગયા હતા. ‘શોલે’ ફિલ્મમાં તેમના
અભિનયથી તેમના જીવને એક સફળ વળાંક લીધો. ‘શોલે’માં જાવેદ અખ્તરને તેમનો અવાજ અને આ
પાત્ર માટે થોડો નબળો લાગ્યો, પરંતુ રમેશ સિપ્પીએ ડબ કરવાની ના પાડતા મૂળ અવાજમાં જ
શૂટિંગ થયું. ‘શોલે’ના અમજદ ખાનના મોઢે બોલાયેલા સંવાદો ખૂબ મશહૂર થયા.
‘શોલે’ની સફળતા પછી ઘણી હિન્દી ફિલ્મોમાં તેમણે વિલનનો રોલ કર્યો. અમિતાભ બચ્ચન
હીરો હોય તેવી ઘણી ફિલ્મોમાં તેમણે વિલન તરીકે કામ કર્યું.
1977માં સત્યજીત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’માં તેમણે અવધના વાજિદ અલી શાહનો
રોલ નિભાવ્યો. 1981માં ‘યારાના’ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના મિત્ર તરીકે અને ‘લાવારિસ’માં
અમિતાભના પિતા તરીકે રોલ નિભાવ્યો. 1984માં આવેલી ફિલ્મ ‘ઉત્સવ’માં સાવ અલગ એવું
‘વાત્સ્યાયન’નું પાત્ર ભજવ્યું. 1989માં ઈંગ્લિશ ફિલ્મ ‘ધ પરફેક્ટ મર્ડર’માં અન્ડર વર્લ્ડના ડોન બન્યા
હતા. ‘કુરબાની’, ‘ચમેલી કી શાદી’માં તેમણે રમૂજી પાત્ર પણ ભજવ્યાં. ‘સત્તે પે સત્તા’, ‘મુકદર કા
સિકંદર’, ‘હમ સે બઢકર કૌન’, ‘હમ કિસી સે કમ નહીં’, ‘નસીબ’ અને બીજી કેટલીય ફિલ્મોમાં તેમના
પાત્રને લોકો આજે પણ યાદ કરે છે. 1991માં આવેલી ફિલ્મ ‘રામગઢ કે શોલે’ કે જે ઐતિહાસિક
ફિલ્મ ‘શોલે’નું અનુકરણ હતું, જેમાં અમિતાભ બચ્ચન જેવા દેખાતા માણસે અભિનય કર્યો હતો અને
અમજદ ખાને ગબ્બરસિંહનું પાત્ર ભજવ્યું હતું.
તેમના મોટા પુત્ર શાદાબ ખાન પિતાના દરેક રોલને તેમની સમજ પ્રમાણે મૂલવતા હતા.
શાદાબ ખાનના શબ્દોમાં, ‘મેં ‘શોલે’ જોઈ ત્યારે હું ત્રણ વર્ષનો હતો. ડેડના એક્શન સીન જોઈને
તેમને કોઈ મારતું હોય તે જોઈને હું બૂમો પાડવા લાગ્યો હતો. મને થિયેટરમાંથી બહાર લઈ જવામાં
આવ્યો. ‘શોલે’ના ગબ્બર મારા ડેડ હતા અને લોકોના મન પર તેમના અભિનયે ખૂબ ઊંડી છાપ પાડી
હતી. ‘કિતને આદમી થે…’ ડાયલોગને સચોટ બનાવવા તેમણે 40થી પણ વધારે રિટેક લીધા હતા.
આવા અભિનયને દુનિયાએ ખૂબ વખાણ્યો, પરંતુ મને અંગત રીતે ‘શતરંજ કે ખિલાડી’ ફિલ્મનો
તેમનો અભિનય વધુ પસંદ પડ્યો હતો. ડેડે પણ શોલેથી ખૂબ સંતોષ હતો, પરંતુ દિલમાં ક્યાંક ખૂંચતું
પણ હતું કે દરેક વ્યક્તિ શોલેના સંદર્ભથી જ તેમને જુએ છે. બીજી ફિલ્મોના તેમના ઘણા સારા
કિરદારને લોકો યાદ કરતા નથી. જો તેઓ આજે જીવતા હોત તો હું તેમને ‘લાવારિસ’ ફિલ્મમાં જેવો
તેમનો અભિનય હતો તેવી ફિલ્મ કરવાનું સૂચન ચોક્કસ કરત.’
1983માં અમજદ ખાને ‘ચોર પોલીસ’ અને 1985માં ‘અમીર આદમી ગરીબ આદમી’
ફિલ્મમાં દિગ્દર્શન પર હાથ અજમાવ્યો, પરંતુ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ. તેમણે
‘બ્રિટાનિયા ગ્લુકોઝ બિસ્કિટ-ગબ્બર કી અસલી પસંદ’ જાહેરાતમાં કામ કરી બાળકોનાં દિલ જીતી
લીધાં હતાં. પ્રથમ વાર કોઈ વિલને આવા લોકપ્રિય ઉત્પાદનની જાહેરાતમાં કામ કર્યું હતું. ફિલ્મ ‘લવ
સ્ટોરી’ (1981)માં એમનો કોમેડી રોલ લોકોને એટલો બધો પસંદ આવ્યો હતો કે, એ પછી એમને
અનેક ફિલ્મોમાં કોમેડી રોલ ઓફર કરવામાં આવ્યા.
1976માં ‘ગ્રેટ ગેમ્બલર’ ફિલ્મના શૂટિંગ વખતે અમજદ ખાન ગોવા જઈ રહ્યા હતા.
સાવંતવાડી આવ્યું ત્યારે ડ્રાઈવરને આરામ આપવા અમજદે પોતે ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ શરૂ કર્યું. અચાનક
જ થયેલા એ અકસ્માતે એમનું જીવન બદલી નાખ્યું. એમની 13 પાંસળી તૂટી ગઈ. ફેફસાંમાં પણ
નુકસાન થયું. તાત્કાલિક ઓપરેશન માટે ભરવાના ફોર્મ પર એ સમયે અમિતજીએ સહી કરી હતી.
બસ, ત્યારથી જ તેમને આપવામાં આવેલી દવાઓ અને સારવારથી વજન વધવાની સમસ્યા ઊભી
થઈ. વજન વધવાથી શારીરિક તકલીફો વધી અને 1992માં 51 વર્ષની ઉંમરે તેમનું હાર્ટફેઈલ્યોરથી
મૃત્યુ થયું. તેમના મૃત્યુ પછી પણ 1996 સુધી તેમની બાકી રહેલી ફિલ્મો રિલીઝ થતી ગઈ.
તેમના દયાળુ સ્વભાવથી હંમેશાં તેઓ સ્પોટબોય, એકસ્ટ્રા તરીકે કામ કરતા લોકો, ચાયવાલા
બધાને મદદ કરતા રહેતા. ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા અને જાણીતી અભિનેત્રી કલ્પના ઐયર સાથેનો
ત્રીજા સંતાનના જન્મ પછી પણ સંબંધ ચર્ચામાં રહ્યો હતો. અમજદના મૃત્યુ પછી કલ્પના ઐયરે
લગ્ન કર્યાં નહીં.
અમજદ ખાનને 1979માં ‘દાદા’ ફિલ્મ માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ,
1982માં ‘યારાના’ માટે પણ શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ અને 1985માં ‘મા કસમ’ ફિલ્મ માટે
બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ મળ્યો હતો. 1976ની ફિલ્મ ‘શોલે’ માટે બીએફજીએ એવોર્ડ શ્રેષ્ઠ સહાયક
અભિનેતા માટે મળ્યો હતો.
આજે અમજદ ખાનનો જન્મદિવસ છે. એક સરસ અભિનેતા અને સારા માણસને આજે
યાદ કરીએ.