એન્ગર-ગુસ્સાનો સ્પેલિંગ છે ANGER અને ડેન્જર-ખતરાનો સ્પેલિંગ છે DANGER. ગુસ્સો
ખતરાથી ફક્ત એક જ અક્ષર દૂર હોય છે. સ્વાસ્થ્ય, સંબંધ અને સમાજ, ત્રણેય માટે ગુસ્સો
ભયજનક છે. ગુસ્સામાં માણસ એવું બોલી કે વર્તી બેસે છે જેનો પસ્તાવો ક્યારેક જીવનભર
કરવો પડે છે. ગુસ્સો મનની નેગેટિવ લાગણીઓનો ઊભરો છે. વાસણની અંદર રહે ત્યાં
સુધી નુકસાન નથી થતું, પરંતુ દૂધ કે સોડા ઊભરાઈને બહાર નીકળે પછી એ ફેલાય છે.
માલિક નોકર પર, નોકર એની પત્ની પર, એની પત્ની એના બાળક પર અને એનું બાળક
પોતાના મિત્ર પર… ગુસ્સો ટ્રાન્સફર કરે છે. આપણે બધા અજાણતાં જ એવી વ્યક્તિ પર
ગુસ્સો કરીએ છીએ જે આપણને સામે ગુસ્સાથી પ્રતિ ઉત્તર ન આપે. કદાચ, કોઈ સામે
ગુસ્સો કરે તો આપણને વધારે ગુસ્સો આવે છે… કારણ કે, આપણને લાગે છે કે, સામે ગુસ્સો
કરનારી વ્યક્તિને આપણા માટે ‘આદર’ નથી! આપણને ગુસ્સો આવી શકે, પરંતુ આપણે
જેના પર ગુસ્સો કરીએ એણે પ્રતિઉત્તર નહીં આપવાનો, એવો આપણો આગ્રહ યોગ્ય છે?
મોટાભાગના માણસો પોતાનું પદ, સત્તા અને અહંકારને પૂરવાર કરવા માટે ગુસ્સો કરે છે.
જે પૂરવાર કરવું પડે એ સત્તા કે આદર છે જ નહીં. જેની પાસે સાચે જ સત્તા કે લોકોનો
આદર છે એ મોટેભાગે ગુસ્સો કરતા જ નથી… કદાચ, એટલે જ એ આદર પામ્યા હોય છે.
ક્રોધ નેગેટિવ લાગણીઓ અને ખોટા ઈમોશન્સ તરફ લઈ જાય છે. સામેની વ્યક્તિને
આપણે એની પરિસ્થિતિમાં સમજી શકતા નથી, બલ્કે એણે આપણને સમજવા જોઈએ એવો
આગ્રહ વધતો જાય છે. મોટાભાગના લોકોને ક્રોધ જલદી આવે છે, શોર્ટ ટેમ્પર-એટલે જલદી
ગુસ્સે થનારા લોકો પોતાના બચાવમાં એવી દલીલ કરે છે કે, “મારાથી ગુસ્સા પર કંટ્રોલ
થતો નથી.” આ એવા લોકો છે જેમને અન્ય પર, પરિસ્થિતિ પર કંટ્રોલ કરવાની કુટેવ છે.
બીજાએ શું કરવું જોઈએ, કેમ જીવવું જોઈએ… એ વિશે આવા લોકોના સ્પષ્ટ મત હોય છે
અને જો કોઈ એ મતથી વિરુધ્ધ વર્તે એ એમના ક્રોધનું કારણ બને છે. અન્ય ઉપર કંટ્રોલ
મેળવવાની આપણી મથામણ આપણા પોતાના ઉપરનો કંટ્રોલ ખોઈ બેસવાની નબળાઈને
જન્મ આપે છે.
સૌ જાણે છે કે ક્રોધથી નુકસાન થાય છે, તેમ છતાં મોટાભાગના લોકો પોતાના
ગુસ્સાને જસ્ટિફાય કરવાનું અથવા પોતે સાચા છે એવું પૂરવાર કરવાનું છોડતા નથી.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો શ્લોક કહે છે, ‘क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः।
स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति।’ ક્રોધથી મોહ થાય છે. મોહથી સ્મૃતિનાશ થાય અને
સ્મૃતિનો નાશ થવાથી બુધ્ધિનો વિનાશ થાય છે. અંતે, બુધ્ધિનો વિનાશ એ પ્રાણનો વિનાશ છે. આજથી હજારો
વર્ષ પહેલાં કહેવાયેલી આ વાત આપણે સૌ જાણીએ છીએ તેમ છતાં બીજાને શીખવવી ગમે છે, જાતે એનો
અમલ કરી શકતા નથી એ કેવી વાત છે?
દુનિયામાં અનેક ભાષાઓ બોલાય છે. ઝીણી આંખો, ભૂરી આંખ, ધોળી, કથ્થઈ, કાળી ત્વચાના લોકો,
સોનેરી અને કાળા ભૂખરા વાળવાળા જાતભાતના લોકો વસે છે. એક ચાઈનીઝ માણસની ભાષા એક ફ્રેન્ચ
માણસ ન સમજી શકે કે, એક ગુજરાતીની ભાષા એક દક્ષિણ ભારતીય ન સમજી શકે, પરંતુ સંદેશા વ્યવહારની
ત્રણ બાબતો એવી છે જેને શબ્દો કે ભાષાના માધ્યમની જરૂર નથી પડતી. માણસ જ નહીં, પશુ-પક્ષી પણ એ
અભિવ્યક્તિને સમજી શકે છે. આંસુ, સ્પર્શ અને સ્મિત-હાસ્ય.
સુખના આંસુ, દુઃખના આંસુ, રોમાંચના કે હર્ષના આંસુ, વિરહના કે પીડાના આંસુનો રંગ અલગ નથી
હોતો, પરંતુ ભાષા નહીં સમજનારી વ્યક્તિ પણ એ આંસુનો અર્થ સમજી શકે છે. એક અબોલ પશુ પણ પોતાના
આંસુથી પોતાની પીડા કે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે છે. એવી જ રીતે સ્પર્શ પાસે પણ પોતાની આગવી
અભિવ્યક્તિ છે. સ્નેહનો, આશ્વાસનનો, વાસનાનો કે વહાલનો સ્પર્શ જુદો છે અને એ જુદાપણાને સામેની
વ્યક્તિ કે પ્રાણી સહજતાથી સમજી શકે છે. ત્રીજી અને અંતિમ બાબત છે સ્મિત અથવા હાસ્ય.
આ સૌથી ચેપી અને સૌથી આનંદદાયક અભિવ્યક્તિ છે. રસ્તા ઉપર બે માણસોને એકબીજાની સાથે
હસતા જોઈને આપણા ચહેરા પર અજાણે જ સ્મિત આવી જાય છે. સુખનો અનુભવ સ્મિતમાં અભિવ્યક્ત થાય
છે. સાવ અજાણ્યા માણસો વચ્ચે સ્મિતની આપલેથી શરૂ થતો સંબંધ ક્યારેક ગાઢ મિત્રતામાં, ક્યારેક પ્રણય કે
પરિણય તો ક્યારેક જીવનભરના અતૂટ સંબંધ સુધી પહોંચે છે.
હાસ્ય એક એવી અનુભૂતિ છે જે આપણને એકવાર નહીં, વારંવાર આનંદનો અનુભવ કરાવે છે. કોઈ
ટુચકો કે રમૂજી પ્રસંગ જેટલીવાર યાદ આવે એટલીવાર આપણને હસવું આવે છે. મિત્રો સાથે વિતાવેલા કેટલાક
તોફાની પ્રસંગો પણ વર્ષો સુધી આપણને હસાવી શકે છે. વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો કહેવાય છે કે, જે લોકો
હસતા રહે છે એમની ત્વચા રૂધિરાભિસરણ તંત્ર અને હૃદય સ્વસ્થ રહે છે. માનસશાસ્ત્ર કહે છે કે, જે લોકો હસી
શકે છે એમને ટેન્શન કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસની બીમારી થવાના ચાન્સ ઓછા છે. કવિ સુરેશ દલાલ કહેતા કે,
‘જે માણસ ખડખડાટ હસી ન શકે એનો ક્યારેય ભરોસો કરવો નહીં!’
ગુજરાતી ભાષામાં કહેવત છે, ‘હસે એના ઘર વસે’ અર્થ એ છે કે, જે હસે એના સંબંધો બંધાય, એના
પરિવાર સાથેના સંબંધો પણ સ્વસ્થ રહે અને સ્વયં સાથે પણ એ વધુ સરળ અને સહજ રહી શકે! જેનામાં રમૂજ
વૃત્તિ-સેન્સ ઓફ હ્યુમર સારી હોય એવા લોકો પાર્ટી કે સામાજિક મેળાવડામાં, મિત્રવર્તુળમાં પણ ઝડપથી
લોકપ્રિય થઈ શકે છે. સિનેમા કે નાટકમાં આવતા રમૂજી પ્રસંગો જોઈને આપણે સૌ હસીએ છીએ, પરંતુ એ જ
પ્રસંગ આપણા જીવનમાં આપણી સાથે ભજવાય તો એ કરૂણ અથવા ક્રોધનું કારણ બને છે. આપણે બધા બીજા
પર હસવા ટેવાયેલા છીએ. પોતાની જાત પર હસી શકે એવા કેટલા માણસોને આપણે ઓળખીએ છીએ?