આ લખાય છે ત્યારે ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે અથવા ચોમાસાના વાદળ
ઘેરાવા લાગ્યા છે. વરસાદ ફિલ્મી ગીતોથી શરૂ કરીને, કવિતા, રોમેન્સ, ફાઈટ અને રહસ્ય
સુધી તમામ જગ્યાઓએ પોતાનો કિરદાર નિભાવે છે. જૂન-જુલાઈથી શરૂ કરીને ઓક્ટોબર
મહિના સુધી આખો દેશ આકાશમાંથી વરસતા અમૃતની પ્રતીક્ષા કરે છે. દુઃખની વાત એ છે
કે, આપણે બધા જ આકાશમાંથી આવતા પાણી ઉપર આધારિત છીએ… પાણીનો સંગ્રહ
કરવો, કૂવા રિચાર્જ કરવા કે ભૂગર્ભ જળને ફરીથી સંચિત કરવાનો કોઈ કોન્સેપ્ટ છેલ્લા સો
વર્ષથી આપણે ભૂલી જ ગયા છીએ. જૂના જમાનામાં ઘરના ચોકની નીચે ‘ટાંકાં’ રહેતા.
વરસાદનું પાણી પાઈપમાંથી ઉતરીને આખા ઘર જેટલા વિસ્તારની ટાંકીમાં ભરાતું. લગભગ આખો પરિવાર
આખું વર્ષ વાપરી શકે એવડા પાણીના ટાંકાં સૌરાષ્ટ્રના કેટલાય ઘરોમાં આજે પણ છે!
એક તરફથી આપણે બધા વૃક્ષો કાપીને ક્રોંક્રિટના મકાનો ઊભા કરી રહ્યા છીએ. (ગયે
મહિને પ્રકાશિત થયેલા એક સમાચાર મુજબ હોર્ડિંગ પરની જાહેરાત બરોબર દેખાય એ માટે
500 જેટલા વૃક્ષો બેદરદીથી કાપવામાં આવ્યા!) તો બીજી તરફ, વધતી જતી ગરમી અને
ગ્લોબલ વોર્મિંગની ચિંતા આપણને સતાવે છે. પ્લાન્ટ વાવો, વૃક્ષો વાવો એવી જાહેરાત ઠેરઠેર
જોવા મળે છે, પરંતુ ખરેખર કેટલા લોકો એક વૃક્ષ વાવીને એને ઉછેરવા જેટલી જવાબદારી
લેતા હશે!
1930ની આસપાસ ગાંધીજીએ એમના એક ભાષણમાં કહ્યું હતું, ‘ઔદ્યોગિકરણનો
વિરોધ ન કરવો, પરંતુ જેટલા માણસ તેટલા હાથને કામ મળવું જોઈએ. એમ તો ચરખો પણ યંત્ર જ છે.
હું યંત્રનો વિરોધી નથી, પરંતુ યંત્રોને કારણે માણસને કામ મળતું બંધ થાય અને ભૌતિક સગવડો વધતી
જાય એનો હું જરૂર વિરોધ કરું છું.’ આજે, લગભગ સો વર્ષ પછી એમની એ વાત સાચી પડતી
દેખાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને વિકાસના નામે આડેધડ ઊભા કરાતા મકાનો,
પહોળા થઈ રહેલા રસ્તા અને મેટ્રોએ વધુને વધુ જમીન રોકવાનું શરૂ કર્યું છે. માણસ વધતા
જાય છે અને જમીન તો એટલી જ છે… સહુ સમજી શકે છે કે, એક એવો સમય આવશે
જ્યારે જમીન, પાણી, હવા અને ભોજન માટે યુધ્ધ થશે.
વધુને વધુ જમીન નોનએગ્રિકલ્ચર થઈ રહી છે, ખેતર વેચાઈને બાંધકામ થવા લાગ્યા
છે ત્યારે બીજી તરફ, ભારતમાં અનેક ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. ડબલ્યુ એચઓના કહેવા
પ્રમાણે એક સામાન્ય માણસને 2750 કેલેરી મળે એટલો ખોરાક મળવો જોઈએ. ભારતમાં
ત્રણ ચતુર્થાંશ લોકો 1900થી ઓછી કેલેરી ઉપર જીવે છે. ફિલ્મોમાં બતાવાતા ગામડાં જેવું
કોઈ ગામ ભારતમાં નથી. કાચા રસ્તા, કૂવા કે હેડપમ્પથી ખેંચાતું પાણી, જીવન જરૂરિયાતની
નાની નાની વસ્તુઓ માટે કરવો પડતો સંઘર્ષ અને સૌથી મહત્વનું, એના સંતાનનું, એના
પરિવારનું ભવિષ્ય હવે ખેડૂતને શહેર તરફ ધકેલવા લાગ્યું છે. ‘ધરતી પુત્ર’ તરીકે ઓળખાવાને
બદલે હવે ખેતીની જમીન વેચીને એમાંથી ગાડી ખરીદીને ટેક્સી તરીકે ચલાવવામાં ઓછી
મહેનત અને વધુ ફાયદો દેખાવા લાગ્યો છે ત્યારે આપણે ગામડાંઓથી બનેલા, ખેતી પર
નભતા એક દેશમાં જીવીએ છીએ એ વાત સહુ ભૂલી ગયા છે.
દરેક ચૂંટણીએ નેતાઓ ગામડાંને પાણી, વીજળી અને રસ્તાનાં વચનો આપે છે તેમ
છતાં ગામના યુવાનો શહેર તરફ અને શહેરના યુવાનો વિદેશ તરફ જઈ રહ્યા છે. અમેરિકાના
વિઝા રિજેક્ટ થાય એ પછી જીવનમાં કશું જ કરવાનું રહેતું નથી એવી નિરાશામાં ગર્ત થઈ
જતા યુવાનો લાખો રૂપિયા ખર્ચીને ખોટે રસ્તે અમેરિકામાં દાખલ થવાના પ્રયાસો કરે છે.
અમેરિકામાં ‘લે ઑફ’ અથવા લોકોને કામમાંથી કાઢી મૂકવાનું ભયાનક મંદીનું એક
મોજું આવ્યું છે. એચ.વન.બી. ઉપર અમેરિકા ગયેલા કેટલાય યુવાનો કામ ગુમાવીને પાછા
ફર્યા છે તો કેટલાક આજે પણ ત્યાં ટકી રહેવાના મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. ઓબામાં
રંગભેદનો સામનો કરી રહ્યા છે. માત્ર યુરોપમાં જ રંગભેદ છે અને અમેરિકા એનાથી બાકાત
છે એમ માનનારા ઘણા લોકોની માન્યતાને ઓબામાએ, અને પછી ટ્રમ્પે પાયામાંથી
હચમચાવી નાખી છે.
યુરોપના ઔદ્યોગિકીકરણમાં અટવાયેલા કેટલાય લોકોની મનોવ્યથાને રજૂ કરતાં
કાવ્યો ટી.એસ. એલિયટે લખ્યાં છે. ચાર્લી ચેપ્લિનની ‘મોર્ડન ટાઈમ્સ’ યાંત્રિકરણ ઉપર કડવો
કટાક્ષ છે. અંગ્રેજી સાહિત્યમાં ‘પોએટ્રી બિટવીન ટુ વોર્સ’ એક આખો સમયખંડ છે જેમાં બે
વિશ્વયુધ્ધ વચ્ચે રચાયેલી કવિતાઓ, લખાણો અને ચિત્રો છે. જેમાં ફક્ત દુઃખ અને
ડિપ્રેશનની વાતો છે, વિધવા અને અનાથ થયેલા બાળકો છે, તૂટી પડેલું અર્થતંત્ર છે અને
સામ્યવાદ એ જ સત્ય છે એવો સ્વીકાર પણ ક્યાંક જોવા મળે છે. 1917માં લેનિંગ ગ્રાદ કે
પેત્રો ગાદના ઝારના મહેલ પર બોલ્સેરિક લોકોએ આક્રમણ કર્યું. ઝાર શાહીનું પતન થયું અને
રશિયન ક્રાંતિનો આરંભ થયો. એ સમયે કાર્લ માર્ક્સ નામના એક માણસનો ઉદય થયો. એણે
‘સામ્યવાદ’નો વિચાર આપ્યો, જે પાછળથી એટલો બધો જડ અને ભયાનક બની ગયો કે ફરી
એકવાર ક્રાંતિ કરવી પડી.
‘સમૂળી ક્રાંતિ’ નામના એક પુસ્તકમાં કિશોરલાલ મશરૂવાળાએ લખ્યું છે કે, ‘વિકાસ
કોઈ એક દિશાનો કે એક વ્યક્તિનો ન હોઈ શકે. સમગ્ર સમાજનો વિકાસ જ સાચા અર્થમાં
અગત્યનો બની રહે છે. કોઈ પણ સમાજની સમૃધ્ધિ માટે એની પ્રજાના ચારિત્ર્યનું ઘડતર
અતિ મહત્વનું છે. જુદી જુદી જાતની રાજકીય, આર્થિક, સામાજિક વગેરે વ્યવસ્થાઓ
સ્થાપી ટૂંકા તથા લાંબાગાળાની યોજનાઓ ઘડી સહુ કોઈ દેશની કુદરતી સંપત્તિનો વધારેમાં
વધારે લાભ લેવાની ગણતરીમાં રોકાયેલા છે, પરંતુ આ કુદરતી સંપત્તિ મર્યાદિત પ્રમાણમાં છે
અને જો એ સંપત્તિની આપણે જાળવણી નહીં કરીએ તો જે પરિસ્થિતિ ઊભી થવાની છે તે
વિશે આપણને અત્યારે કલ્પના પણ આવતી નથી.’
કોરોનાએ આપણને એક ચેતવણી આપી છે. કુદરતી સંપત્તિનો બિનજરૂરી નાશ કરીને
આપણે જો ‘વિકાસ’ની વાત કરતા હોઈએ તો આખી દુનિયા બંધ થઈ જાય એવી રીતે કુદરત
પોતાનો બળવો કરશે. એ આપણે સૌએ અનુભવ્યું છે, પણ હજી સમજ્યા નથી. હજી નહીં
જાગીએ-પાણી નહીં બચાવીએ, વૃક્ષો નહીં વાવીએ, હવાનું પ્રદૂષણ નહીં રોકીએ તો આપણા
જ સંતાનો માટે આપણે એક ભયાનક વિશ્વ મૂકીને જઈશું, એ વાત આપણને હજી કેમ
સમજાતી નથી?
આ ચોમાસામાં બીજું કંઈ ન કરી શકો તો બે-ચાર વૃક્ષો વાવજો અને એને રોજ
પાણી પીવડાવીને, બકરી કે ગાય ખાઈ ન જાય એટલું ધ્યાન રાખીને ઉછેરજો. બીજું, બ્રશ
કરતી વખતે, વાસણ ધોતી વખતે, કપડાં ધોતી વખતે કે રસોડાની પ્રવૃત્તિઓમાં નળ ચાલુ
નહીં રાખતા. કમ્પાઉન્ડ ધોવાનો, ઓટલા ધોવાનો કે પાણી બગાડતી બીજી પ્રવૃત્તિઓનો
મોહ જો ટાળી શકો તો ટાળજો, જેથી તમે તમારા પછીની પેઢીને કહી શકો કે, ‘મેં મારા
ભાગનું પ્રદૂષણ ઘટાડ્યું છે. મારા ભાગનું પાણી બચાવ્યું છે.’