અપ્સરાઃ મોહની મૂર્તિ, આકર્ષણનો અવતાર

अनवद्याभिः समु जग्म आभिरप्सरास्वपि गन्धर्व आसीत् ।
समुद्र आसां सदनं म आहुर्यतः सद्य आ च परा च यन्ति ।। અથર્વવેદ 2-2-3

અથર્વવેદના આ સૂક્તના રચયિતા માતૃનામા નામના ઋષિ છે. એમણે આ સૂક્તમાં અપ્સરાઓ વિશેની વાત કરી
છે. અપ્સરાઓ અનિંદનિય (પરફેક્ટ અથવા જેને અંગ્રેજીમાં ‘ટેન’ કહે છે) રૂપવાળી હોય છે. એમનું નિવાસ સ્થાન
અંતરીક્ષ છે. આ અપ્સરાઓ ત્યાંથી જ આવે છે અને ત્યાં જ વિલિન થઈ જાય છે… અપ્સરાઓની કલ્પના છેક વેદકાળથી
કરવામાં આવી છે. અત્યંત સુંદર, આકર્ષક અને કોઈને પણ મોહી શકે એવી આ સ્ત્રીઓ અક્ષતયોનિ (ઓલવેઝ વર્જીન) હોય
છે. એમની કલ્પના રહસ્યમય પણ છે કારણ કે, આવી કોઈ સ્ત્રીઓ સાચે જ અસ્તિત્વ ધરાવે છે કે નહીં, એવો પ્રશ્ન
આજના યુગમાં થાય એ સ્વાભાવિક છે. ‘અપ’ એટલે પાણી અને ‘સર’ સરકવું… જે પાણીની જેમ સરી જાય એવી કલ્પના
એટલે કદાચ ‘અપ્સરા’ એવો અર્થ કાઢી શકાય. વળી, જળતત્વનું પ્રતીક હોવાને કારણે આ અપ્સરાઓ સમગ્ર ઈન્દ્રિયોને
ધારણ કરે છે.

અથર્વવેદમાં અપ્સરાની કેટલીક વિશેષતાઓ બતાવાઈ છે. પહેલી, એ પ્રેરણા આપે છે અથવા પ્રોત્સાહિત કરે છે.
બીજું, સૌંદર્ય દર્શનની આપણી ઉત્કટ કામનાને એ તૃપ્ત કરે છે, એમના અપૂર્વ સૌંદર્ય અને જળતત્વની વિશુધ્ધતા તથા
ચંચળતાને કારણે એ ભીતરની પીડા અથવા દુઃખને દૂર કરે છે અને છેલ્લે એ જળતત્વ હોવાને કારણે એની અસ્થિરતા
માનવ મનને પણ અસ્થિર કરવાની શક્તિ અને સૌંદર્ય ધરાવે છે. જેમ પાણી સતત વહેતું રહે છે એમ અપ્સરાઓ પણ
ક્યાંય ટકતી નથી. એ પોતાના શરીરથી, ઈન્દ્રિયની શક્તિથી સામેની વ્યક્તિને પોતાના તરફ આકર્ષે છે. આ આકર્ષણ કદી
કાયમી હોઈ શકે નહીં કારણ કે, આકર્ષણનો સ્વભાવ જ તત્વ બદલતા રહેવાનો છે. ગમે તેટલું અદમ્ય આકર્ષણ પણ એટલું
જ તીવ્ર અને કાયમી રહેતું નથી. ગમે તેટલો પ્રયાસ કરવા છતાં પણ, જળને બાંધી શકાતું નથી એવી જ રીતે અપ્સરાને
પણ બંધનમાં રાખવી શક્ય નથી. એને પણ, જળની જેમ બીજી દિશામાં વાળી શકાય છે પણ એનો પ્રવાહ ખાળી શકાતો
નથી. ભારતીય પુરાણોમાં અપ્સરાઓને બે વિભાગમાં વેચવામાં આવી છે. લૌકિક અને દૈવિક. જેમાં લૌકિક વિભાગમાં 36
અપ્સરાઓ છે જે, આપણી વચ્ચે જીવે છે અને પુનઃ પુનઃ જન્મ પામતી રહે છે. જ્યારે દૈવિક અપ્સરાઓનો જન્મ કે મૃત્યુ
થતા નથી જેમાં ઉર્વશી, મેનકા, તિલોત્તમા જેવી અપ્સરાઓના નામ લેવામાં આવે છે.

અહીં આપણે યાદ કરવી પડે વિશ્વામિત્ર અને મેનકાની કથા કે, સુંદ અને ઉપસુંદ નામના ભાઈઓ વચ્ચે સર્જાયેલી
તિલોત્તમા કે વિષ્ણુના મોહિની અવતારને પણ અપ્સરા તરીકે જોવામાં આવે છે. આ અપ્સરા સત્ય હોય કે કલ્પના, પરંતુ
એનું કામ કલા અને સૌંદર્યને સતત સજીવન રાખવાનું, સંગીત અને નૃત્યના માધ્યમથી મનોરંજન કરવાનું અને ઈન્દ્રથી વધુ
પ્રભાવશાળી બની જાય ત્યારે સાધકને પોતાના માર્ગમાંથી ચલિત કરવાનું છે એમ માનવામાં આવે છે. આ વાતને થોડી
ભીતર ઉતરીને વિચારીએ તો સમજાય કે કલા, સૌંદર્ય, સંગીત કે નૃત્ય આમ તો મનોરંજનના સાધન માનવામાં આવે છે,
પરંતુ એ પણ એક સાધના છે. જેને આપણે અપ્સરા કહીએ છીએ એવું કોઈક તત્વ પોતાના કામમાં એટલું શ્રેષ્ઠ છે કે એ
બીજાની સાધના ભંગ કરવાની શક્તિ ધરાવે છે. કોઈપણ સાધકની સાધના કે તપભંગ કરવા માટે એનાથી શ્રેષ્ઠ અથવા
એનાથી વધુ ફોકસ્ડ વ્યક્તિ જોઈએ અને આ અપ્સરાઓ પોતાના કામમાં કેટલી ફોકસ્ડ હશે એનો વિચાર કરવો જોઈએ.

જે ઋષિ પોતાના તપથી ઈન્દ્રના ઈન્દ્રાસનને ડોલાવી શકે, એને ડોલાવી શકનાર અપ્સરા કોઈ સીધી સાદી કે
શક્તિવિહિન તત્વ તો ન જ હોઈ શકે…

સાધક જ્યારે સાધના કરે છે અથવા ઋષિ જ્યારે તપ કરે છે… ત્યારે એનું અંતિમ લક્ષ્ય કોઈ વરદાન કે કોઈ શક્તિ
માગવા માટેનું હોય છે. માણસ જ્યારે કશું મેળવવા માટે સાધના કરે છે ત્યારે એ સાધનાનું સ્વરૂપ આત્મિક નહીં રહેતાં
ભૌતિક બની જાય છે. શક્તિ કે વરદાન મેળવવા માટે તપ કરી રહેલા કોઈપણ વ્યક્તિનો તપોભંગ પ્રમાણમાં સરળ છે કારણ
કે, જે ક્ષણે એને એના લક્ષ્યથી હટાવી દેવામાં આવે એ ક્ષણે એનું તપ તૂટી જાય છે. હાઈવે પર લખવામાં આવે છે,
‘સાવધાની હટી દુર્ઘટના ઘટી !’ એમને કોઈ એવી અપ્સરાએ મોહિત, ચલિત કે ભ્રમિત કર્યા છે જેણે એમને જીવનનો ધ્યેય
ભૂલાવી દીધો છે. આ અપ્સરા ક્યાંય બહાર કે કોઈ દૈવી શક્તિઓ ન પણ હોય, આ અપ્સરાઓ આપણી ભીતર પણ છે.
મોહ, અહંકાર, ઈર્ષા, જૂઠ, બેઈમાનીની અપ્સરાઓ આપણને આપણી સાધનામાંથી ચલિત કરવાનો પ્રયાસ કરશે, પરંતુ
આપણે જાતે જ આપણા ધ્યેયને, આપણા લક્ષ્યને નજર સામે રાખીને જીવતાં શીખવું પડશે.

ઈન્દ્રની દાસી માનવામાં આવતી આ અપ્સરાઓ ઈન્દ્રના ઈન્દ્રાસનને સંતુલિત અને સલામત રાખવાનું કામ કરે
છે. સાચું પૂછો તો ઈન્દ્ર કોઈ માણસ કે વ્યક્તિ નથી, જેણે પુરાણો વાંચ્યા છે એને સમજાશે કે ઈન્દ્ર તો એક ‘પોસ્ટ’ અથવા
‘પદ’ છે. જો એમ ન હોય તો નહુષ ઈન્દ્રાસન પર કેવી રીતે બેસી શક્યો હોત ? આપણા બધાંની અંદર એક ઈન્દ્ર છે-
ઈન્દ્રિય, જે ભય અને અસલામતી પેદા કરવાનું કામ કરે છે. જે છે તે નહીં ટકે તો-નો વિચાર માણસને અસલામત બનાવે
છે. કોઈ બીજું પોતાનાથી વધુ મજબૂત, શક્તિશાળી, હોંશિયાર કે પોતાના લક્ષ્ય પરત્વે વધુ ગંભીર (કમિટેડ) છે એ વાત
માણસને અસલામત બનાવે છે. આનું પરિણામ એ આવે છે કે, માણસ બીજાની લીટી ટૂંકી કરીને પોતાની લીટી લાંબી
કરવાનો પ્રયાસ કરે છે. અપ્સરાઓનું કામ આ ઋષિઓના કઠિન તપને, એમના લક્ષ્યને, એમની સાધનાને ભંગ કરીને
એમની લીટી ટૂંકી કરવાનું છે. જેનાથી ઈન્દ્રની લીટીની લંબાઈ સચવાઈ રહે !

સાચે જ કોઈ લૌકિક કે દૈવિક અપ્સરાઓ છે કે નહીં, એ વિશે પ્રમાણ કે પુરાવા નથી, પરંતુ કોર્પોરેટ વર્લ્ડમાં,
રાજકારણમાં કે ફિલ્મજગતમાં કે કોઈક સંવેદનશીલ માહિતી મેળવવાની હોય ત્યારે જ્યાં માણસ ઝડપથી આગળ વધી
રહ્યો હોય કે પોતાના લક્ષ્ય પરત્વે સતત સભાન રહીને પોતાનું કામ કરી રહ્યો હોય ત્યારે ‘હની ટ્રેપ’ના ઉપયોગ વિશે સૌ
જાણે જ છે. સૌંદર્યવાન સ્ત્રીને ટ્રેપ અથવા ગાળિયો બનાવી એ માણસને ફસાવીને એને પોતાના લક્ષ્યથી ચલિત કરવાનું કે
એની પાસેથી માહિતી કઢાવવાનું કામ સદીઓથી થતું આવ્યું છે. એ પહેલાં વિષકન્યાઓનું પણ નિર્માણ થતું હતું. જેમને
જન્મથી ભોજનમાં થોડું થોડું ઝેર આપવામાં આવતું. ધીરે ધીરે એ સ્ત્રીનું શરીર આખું વિષ્મય થઈ જતું. એ પછી એના
નખ કે દાંતમાંથી આવી સ્ત્રી પોતાના શરીરમાં રહેલું ઝેર બીજી વ્યક્તિના મૃત્યુ માટે વાપરી શકતી…

અપ્સરાની કલ્પના મોહક છે, પણ એ મોહ ખતરનાક છે… આપણે જ્યારે કોઈ લક્ષ્ય તરફ, નિશ્ચિત ધ્યેય તરફ
આગળ વધતા હોઈએ ત્યારે એ સાધનાનો જ એક પ્રકાર છે અને આવી સાધનાને અન્ય કોઈ વ્યક્તિ, વસ્તુ કે વિચાર
પોતાના મોહના પ્રયોગથી ભંગ ન કરે એ જોવાની જવાબદારી આપણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *