9મી ઓગસ્ટ, 1942. ગ્રાન્ટ રોડ સ્ટેશનથી થોડે દૂર આવેલા ગોવાલિયા ટેન્કના
મેદાનમાં એક ત્રીસેક વર્ષની યુવતિએ ધ્વજવંદન કર્યું. એ સમય ‘હિન્દ છોડો આંદોલન’ના મહત્વના
દિવસો હતા. 1942 પહેલાં 1930, 32 અને 1941માં અરૂણા નામની એ છોકરીએ જેલમાં
સજા ભોગવી હતી. 16 જુલાઈ, 1909ના રોજ આજના પંજાબમાં કાલકા નામના એક સ્થળે
બંગાળી બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હતો. એમના પિતા ઉપેન્દ્રનાથ ગાંગુલી એક
રેસ્ટોરન્ટ ધરાવતા હતા અને એમની મા અંબાલિકાદેવી બ્રાહ્મો સમાજના પ્રસિધ્ધ નેતાના પુત્રી
હતા. એ સમયમાં અરૂણાએ ગ્રેજ્યુએશન (સ્નાતક)ની ડિગ્રી લીધી. કોલેજના દિવસો દરમિયાન
જયપ્રકાશ નારાયણ, ડૉ. રામમનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન જેવા સમાજવાદી વિચારોઓ
એમના પર પ્રભાવ પડ્યો.
દાંડી સત્યાગ્રહ દરમિયાન જાહેર સભાઓમાં ભાગ લીધો. ૧૯૩૨માં તેમની ધરપકડ બાદ
તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા. અહીં તેમએ રાજનૈતિક કેદીઓ પ્રત્યેના ઉદાસીન
વ્યવહાર બદલ ભૂખ હડતાળ શરૂ કરી. તેમના પ્રયાસોથી તિહાડ જેલની સ્થિતિમાં બદલાવ
આવ્યો. બાદમાં તેમણે અંબાલા ખાતે એકાંત કારાવાસ માટે મોકલી આપવામાં આવ્યા.
જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ અસક્રિય રહ્યા પરંતુ ૧૯૪૨ના અંતમાં તેમણે ભૂમિગત
ગતિવિધિઓ શરૂ કરી અને સ્વતંત્રતા આંદોલનમાં ફરીથી સક્રિય બન્યા.
‘ભારત છોડો આંદોલન’ દરમિયાન ગાંધીજીની ગિરફ્તારી પછી એ મુંબઈના ગોવાલિયા
ટેન્કમાં વિરોધ સભા આયોજિત કરનારી પહેલી મહિલા હતી. 1942થી 46 સુધી એમણે
ભારતનો પ્રવાસ કર્યો, એમના નામે વોરન્ટ હતું તેમ છતાં ચાર વર્ષ સુધી એ અંગ્રેજ પોલીસ અને
સરકારથી બચીને ગામેગામ ફરીને જાગૃતિનું કામ કરતાં રહ્યા. 1946માં જ્યારે એમના નામનું
વોરન્ટ રદ થયું ત્યારે એ પ્રગટ થયા.
એ સમયે માતા-પિતાના વિરોધ છતાં કોંગ્રેસી નેતા આસફ અલી સાથે એમણે લગ્ન કર્યાં
જે એમનાથી 20 વર્ષ મોટા હતા. દિલ્હીના પ્રથમ મેયર તરીકે ફરજ બજાવનાર અરૂણા આસફ
અલીએ દિલ્હીના વિકાસ સફાઈ અને સ્વાસ્થ્યમાં ખૂબ મહત્વનું કાર્ય કર્યું. દિલ્હીથી પ્રકાશિત
થતા લેફ્ટિસ્ટ સામયિક ‘પેટ્રીયટ’ સાથે એમણે જીવનપર્યંત કામ કર્યું. એમના નામની ટપાલ ટિકિટ
પણ ભારત સરકારે બહાર પાડી છે.
આજની પેઢીને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જે લોકોએ કામ કર્યું, અને જેમના
નામ આદરથી લેવાય છે એવી કેટલીય મહિલાઓ વિશે જાણ નથી. કૃષ્ણા મેનન, વિમલા કપૂર,
પ્રેમસાગર ગુપ્તા, સરલા શર્મા, સુભદ્રા જોશી જેવી ભારતીય મહિલાઓ અને ચારૂમતી યોધ્ધા,
મૃદુલા સારાભાઈ, હંસાબેન મહેતા, મેડમ કામા, ઈન્દુમતિ શેઠ, વિદ્યાગૌરી નિલકંઠ, લીના
મંગળદાસ, શારદાબેન મહેતા, પુષ્પાબેન મહેતા આવી કેટલીયે સ્ત્રીઓ વિશે એ જાણતા પણ
નથી. પાઠ્ય પુસ્તકમાં ભણાવવામાં આવતાં નામો માત્ર ગોખી નાખવાથી એ સમયની મજબૂત
અને હિંમતવાન સ્ત્રીઓ વિશે આ પેઢી શું જાણી શકશે?
આપણે આજે પુરૂષ સમોવડી, અને મોર્ડન સ્ત્રી વિશે વાતો કરીએ છીએ, પરંતુ ખરેખર
મોર્ડન એટલે શું? પેન્ટ પહેરવું, સિગરેટ પીવી, શરાબ પીવી, બેફામ વર્તન કરવું… એટલે સ્ત્રી
પુરૂષ સમોવડી થઈ જાય? એક છોકરીએ એકવાર મારી સાથે દલીલ કરેલી, ‘પુરૂષને ગાળો બોલવાનો
અધિકાર છે તો અમને કેમ નથી?’ એની દલીલ એની જગ્યાએ કદાચ સાચી હોય તો પણ શું
આપણને ગાળો બોલતો, સિગરેટ પીતો, શરાબ પીતો પુરૂષ ગમે છે? બેફામ વર્તન કરતો પુરૂષ
પણ સમાજમાં સન્માન નથી પામતો, તો પછી સ્ત્રીએ ‘પુરૂષ સમોવડી’ બનવા માટે એની કુટેવો,
ખરાબ બાબતો કે નબળાઈઓને શા માટે પોતાના વ્યક્તિત્વમાં ઉમેરવી જોઈએ? ‘સમાનતા’ તો
હિંમત અને મજબૂતીથી મળતી હોય છે. સાચું પૂછો તો પુરૂષ શબ્દ સાથે ‘પુરુષાર્થ’ શબ્દ
જોડાયેલો છે. જે મહેનત કરે, પરિવારની કાળજી કરવા માટે કમાઈને ધન લાવે એ ‘પુરૂષ’ એવી
વ્યાખ્યા કદાચ કોઈ એક જમાનામાં ઊભી કરવામાં આવી હશે. હવે એ વ્યાખ્યાની દિવાલો તૂટી
પડી છે. સ્ત્રી પુરૂષ કરતાં વધુ મહેનત કરે છે, એ પણ પરિવાર માટે કમાય છે. સંતાનોના
ઉજ્જવળ ભવિષ્ય માટે આર્થિક પ્રદાન કરે છે… એટલે આપોઆપ સમોવડી થઈ જ ગઈ ને?
કોઈપણ છોકરી કે સ્ત્રીએ પુરૂષ જેવા કપડાં પહેરીને એના જેવું વર્તન કરવાની જરૂર છે ખરી?
આજે અરૂણા આસફ અલીનો જન્મદિવસ છે ત્યારે 30 વર્ષની એક છોકરી જેણે
મુંબઈના ગોવાલિયા ટેન્કમાં ધ્વજ ફરકાવીને જાહેરસભાને સંબોધી અને લાઠીઓ ખાધી. ચાર-
ચાર વર્ષ સુધી અંગ્રેજ સરકારને ચકમો આપીને ભારતના ગામેગામોમાં ફરતી રહી તેમ છતાં, એણે
પોતાના પોષાક તરીકે ‘સાડી’ને જ પસંદ કરી, તો એ સમોવડી નહોતી? પોતાનાથી 20 વર્ષ મોટા
અને વિધર્મી વ્યક્તિના આદર્શોને જેણે અપનાવ્યા-ને જ્યારે એવું લાગ્યું કે એણે અપનાવેલા
આદર્શોથી એના પછીની પેઢીના નેતાઓ ભટકી રહ્યા છે, બદલાઈ રહ્યા છે ત્યારે જે પક્ષ માટે
જેલમાં ગઈ એ જ પક્ષને એક ક્ષણમાં ત્યાગીને નવી પાર્ટી ઊભી કરવાની જેનામાં હિંમત હતી
એ પુરૂષ સમોવડી ન કહેવાય?
આપણે કુટેવો અપનાવીને ‘સમોવડા’ બનવાનો કોઈ ખોટો ખ્યાલ પંપાળી રહ્યા છીએ.
પશ્ચિમથી આવેલા કેટલાક બિનપાયાદાર, બેવકૂફી ભર્યા વિચારોને આપણે ‘આધુનિકતા’નું નામ
આપ્યું! કેટલીક કોમની સ્ત્રીઓ વર્ષોથી બીડી પીએ છે… એ આધુનિક છે? આદિવાસી સ્ત્રીઓ
સદીઓથી શરાબ પીએ છે, એમનામાં લિવ ઈન સાવ સામાન્ય બાબત છે, તો એ આધુનિકતા
છે? સત્ય તો એ છે કે આ દેશ હંમેશાં વિશ્વના સૌથી આધુનિક દેશોમાંનો એક હતો. અહીં
‘પુષ્પક’ નામનું એક ઊડતું વાહન હતું, આઈવીએફથી જન્મ આપી શકતી મા-કુંતિ અને પાંડવો
હતા. સો ઘડામાં માંસના લોચાને ભરીને એમાંથી સંતાનને જન્મ આપનાર ઈન્ક્યુબેટર્સ હતા.
અહીં વેદોમાં પ્રકૃતિને દેવ માનીને પર્યાવરણની રક્ષા કરવાનું શિક્ષણ હજારો વર્ષ પહેલાં અપાયું…
આજે જે ‘ઓફ શોલ્ડર-ટ્યૂબ ટોપ’ મોર્ડન માનવામાં આવે છે એવી કંચૂકી આજથી હજારો વર્ષ
પહેલાં ભારતીય સ્ત્રી પહેરતી હતી!
આધુનિકતા એટલે આવનારા ભવિષ્ય તરફ નજર કરવાની દૂર દ્રષ્ટિ, સત્યના પક્ષે કોઈપણ
ભોગે ઊભા રહેવાની હિંમત. આપણા પર આવી પડેલી જવાબદારી ઉઠાવાની શક્તિ અને એ
બધા પછી પોતાની મહત્વકાંક્ષા માટે પોતાના સ્ત્રીત્વને વાપરીને આગળ નહીં વધવાનો સંયમ
અને ‘હું તો સ્ત્રી છું’નું વિક્ટિમ કાર્ડ વાપરીને સહાનુભૂતિના વોટ એકઠા નહીં કરવાની સ્પષ્ટતા.