‘મેં રાજ કુન્દ્રા હું ? મેં ઉસકે જેસી લગતી હું ?’ કહીને શિલ્પા શેટ્ટી પોતાના હોથ ઉપર
ઝીપ બંધ કરવાનો અભિનય કરે છે… 28 સપ્ટેમ્બરે વાઈરલ થયેલા આ વીડિયોમાં શિલ્પા શેટ્ટીના
ચહેરા પર સ્મિત દેખાય છે. પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના વખતે કે બાળકોને લઈને બહાર
નીકળેલી શિલ્પા શેટ્ટી મજાથી ફોટો પડાવે છે. એણે પોતાના શૂટ પણ ફરી શરૂ કર્યાં છે ત્યારે બીજી
તરફ, બે મહિના જેલની હવા ખાઈ આવેલા રાજ કુન્દ્રા ઉપર લાગેલા પોર્નોગ્રાફીનો કેસ હજી
ચાલી રહ્યો છે. ભારતમાં પોર્ન વીડિયો જોવા, સાહિત્ય વાંચવું કે પોર્નોગ્રાફીની ફિલ્મો એકાંતમાં
જોવાની સુપ્રીમ કોર્ટે 2015માં છૂટ આપી હતી. એ પછી હમણા યુ.પી.માં પોર્નોગ્રાફી ઉપર બેન
લગાવવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે, પોર્નોગ્રાફીની ફિલ્મોને કારણે સ્ત્રીઓ ઉપર થતા
અત્યાચારના કિસ્સા વધ્યા છે. નવાઈ લાગે એવું સત્ય એ છે કે, યુ.પી.માં આવી અશ્લીલ ફિલ્મો
જોવા પર પ્રતિબંધો લગાવવા છતાં એક સર્વેમાં બહાર આવેલા આંકડા પ્રમાણે પોર્નનું સૌથી મોટું
માર્કેટ દિલ્હી અને યુ.પી. છે. ટેકનોલોજી જાણતા લોકો પોતાનું વીપીએમ બદલી નાખે છે. જેને
કારણે ફિલ્મ ભલે યુ.પી.માં જોવાતી હોય, પણ એનું આઈપી એડ્રસ અમેરિકા, બ્રિટન કે ફ્રાંસનું
દેખાય છે. આ બહુ અઘરું નથી ! સામાન્ય ટેકનોલોજી જાણનાર વ્યક્તિ પણ આ સહજ રીતે કરી
શકે છે.
અશ્લીલ ફિલ્મો કે અશ્લીલ સાહિત્યનું માર્કેટ કંઈ આજકાલનું નથી. આજથી કેટલાંય વર્ષો
પહેલાંથી ભારતમાં બ્લ્યૂ ફિલ્મો બનતી અને વેચાતી રહી છે. જ્યારે નવી નવી વીએચએસ
(વીડિયો)નો સમય શરૂ થયો હતો ત્યારે પણ આવી અશ્લીલ ફિલ્મોનું માર્કેટ બહુ જોરમાં હતું.
વીડિયો પ્લેયર અને કેસેટો ભાડે લાવીને આવી ફિલ્મો જોનારો વર્ગ હવે કદાચ 50-55નો થયો છે,
પરંતુ અશ્લીલતાનું માર્કેટ પણ ઘટવાને બદલે વધ્યું છે.
આપણને જાણીને નવાઈ લાગે, પરંતુ કેટલાક આંકડા મોટાભાગના માતા-પિતાની આંખો
પહોળી કરી નાખે એવા છે. ટોટલ ઈન્ટરનેટના ટ્રાફિકમાં 30 ટકા જેટલો ટ્રાફિક પોર્ન ફિલ્મો,
વીડિયોઝ જુએ છે. સરેરાશ ભારતીય 8.23 મિનિટ આવી અશ્લીલ સાઈટ પર વિતાવે છે.
2015માં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ આવી ફિલ્મો એકલા જોવા પર પ્રતિબંધ ઉઠાવી લેવામાં
આવ્યો, પરંતુ પ્રશ્ન એ છે કે આવી ફિલ્મો જોવા પર પ્રતિબંધ ઉઠાવી લેવાયા પછી તરત જ
ઓગસ્ટ, 2015માં 857 સાઈટ્સ બંધ કરવામાં આવી. આ સાઈટ્સ બંધ કરવાનો ઝાઝો અર્થ
રહેતો નથી, કારણ કે એનું એડ્રસ બદલી નાખવાથી આ સાઈટ્સ ફરી એક્ટિવ થઈ જાય છે. ડોટ
કોમમાંથી ડોટ નેટ, કે નામ ઉલટાવીને, સ્પેલિંગ બદલીને આ સાઈટ્સ થોડા જ કલાકોમાં ફરી ઓન
થઈ જતી હોય છે. અમેરિકા અને કેનેડામાં આવી ફિલ્મો બનાવવા કે જોવા પર કોઈ પ્રતિબંધ નથી,
પરંતુ ત્યાં ચાઈલ્ડ પોર્ન (બાળકો સાથે) બનાવવામાં આવતી આવી અશ્લીલ ફિલ્મો માટે કડક સજા
નક્કી કરવામાં આવી છે. તેમ છતાં, અમેરિકામાં બનેલી ચાઈલ્ડ પોર્ન ફિલ્મો યુ.એ.ઈ.ના દેશોમાં
બ્લેક માર્કેટમાં ઊંચા ભાવે વેચાય છે. એક્સ વીડિયો જે બહુ જ જાણીતી પોર્ન સાઈટ્સ છે. ત્યાં
440 કરોડ પેઈડ વ્યૂઅર્સ છે. આ અશ્લીલ માર્કેટની વાર્ષિક આવક સો બિલિયન ડોલર એટલે 740
હજાર કરોડ રૂપિયાની છે. નજરે જોઈ શકાય એવી અઢી લાખ પોર્ન સાઈટ્સ ઈન્ટરનેટ પર
ઉપલબ્ધ છે. જેમાં દર વર્ષે 35 કરોડ નવા વ્યૂઅર્સ ઉમેરાય છે.
સેક્શન 67-એ માં એવો કાયદો છે કે આવી અશ્લીલ ફિલ્મો બનાવવી, અપલોડ કરવી એ
ગુનો છે, પરંતુ 2020માં જ્યારે પૂર્ણ લોકડાઉન હતું ત્યારે એપ્રિલ મહિનામાં 95 ટકા વ્યૂઅર્સ વધ્યા
છે, આ માત્ર ભારતનો આંકડો છે. પોર્ન વ્યૂઈંગમાં ભારત 15મા નંબરે આવે છે, અમેરિકા પહેલા
નંબરે, પછી જાપાન, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મનીનો નંબર આવે છે. આ આંકડા સાચા હોવાની
સંભાવના પ્રમાણમાં ઓછી છે કારણ કે આ ડેટા આઈપી એડ્રસથી મળ્યો છે. (અમદાવાદ,
અમરેલી, દિલ્હી કે ફિરોઝાબાદમાં અશ્લીલ ફિલ્મ જોતી વ્યક્તિ પણ પોતાનું આઈપી એડ્રસ
અમેરિકા કે ફ્રાંસ, જર્મનીનું ઊભું કરી શકે છે.)
હવે સૌથી ગંભીર અને મહત્વની બાબત એ છે કે, બાળકો ઓનલાઈન ભણવા લાગ્યા છે.
ટીનએજના બાળકો ઓનલાઈન અભ્યાસના બહાને શું જુએ છે અથવા શું કરે છે એની માતા-
પિતાને ભાગ્યે જ જાણ હોય છે. એમના રૂમના બંધ દરવાજાની પાછળ કેટલાય બાળકો પોર્નમાં
ઘસડાવા લાગ્યા છે. આપણે નથી જાણતા, પરંતુ આજનું નવું ડ્રગ-નશો, એ પોર્ન અને અશ્લીલ
ફિલ્મો છે.
જાણીને નવાઈ લાગશે, પરંતુ આ પોર્ન ફિલ્મો કે અશ્લીલ વીડિયો જોવામાં માત્ર ટીનએજ
છોકરાઓ (બોયઝ) નથી. આધેડ અને વૃધ્ધ પુરૂષો, સ્ત્રીઓ અને ટીનએજ છોકરીઓ પણ આમાં
સામેલ છે. ‘ગર્લ્સ નાઈટ હાઉસ’ના નામે ભેગા થઈને આવી અશ્લીલ ફિલ્મો જોવાના કાર્યક્રમો
માતા-પિતાના નાક નીચે ઘરની અંદર જ યોજાતા હોય છે. બીજી તરફ એક આખો વર્ગ છે જે ઓછું
ભણેલો અને નાના ગામો-શહેરોમાંથી આવે છે. આવા લોકો પોર્ન ફિલ્મો જોઈને પોતાની
સોસાયટીની છોકરીઓ કે સ્ત્રીઓ તરફ ગંદી નજરે જોતા થઈ જાય છે. આપણે જાણતા પણ ન
હોઈએ, અને સજ્જનતાથી વોચમેન, દૂધવાળા કે કામવાળા સાથે વાત કરીએ, ક્યારેક મજાક કરીએ
એનો અર્થ ‘એ’ શું કાઢશે ? એવો ભય આ ફેલાતી, વિસ્તરતી પોર્ન ઈન્ડસ્ટ્રીને કારણે વધતો જાય છે.
બળાત્કારના કિસ્સા કે છેડતીના બનાવો પણ માનસિક વિકૃતિ ફેલાવતી આ પોર્ન ઈન્ડસ્ટ્રીને કારણે
વધ્યા છે.
આપણી સંસ્કૃતિએ શરીરને પવિત્ર ગણ્યું છે, આત્માનું મંદિર કહ્યું છે… ખજુરાહોના
શિલ્પની કલાત્મકતા કે લાસ વેગાસમાં રજૂ થતા ‘ચિપેન્ડેલ’ કે પેરિસના ‘લિડો’ શોની કલાત્મકતા
આપણને સુંદર શરીરોની પ્રશંસા કરતાં શીખવે છે. ‘કામસૂત્ર’ ભારતનું સર્જન છે. આપણે ક્યારેય
જુનવાણી કે ગંદા નહોતા, પરંતુ કામવાળી, ભાભી કે પડોશણ અથવા વિદ્યાર્થી કે ડ્રાઈવર-નોકર
સાથેના કામુક સંબંધોની ફિલ્મો રજૂ કરીને સમાજની માનસિકતામાં વિકૃતિ ફેલાવતા આવા લોકોને
ચોક્કસ સજા થવી જોઈએ… રાજ કુન્દ્રા તો છિંડે ચડ્યો છે. પકડાયા છે એ બધા ‘ચોર’ છે, પરંતુ જે
પકડાતા નથી એનું શું ?