અવધ મારી કર્મભૂમિ અને માતૃભૂમિ બની ગયું

મને તો એમણે તલાક આપી દીધા હતા. મને જ નહીં, ‘મુત્આ’ ના કાયદા પ્રમાણે એમણે લગ્ન કરેલી અનેક
દાસી, ખવાસણો, તવાયફો, બેગમો અને રાણીઓને તલાક આપી દેવામાં આવ્યા હતા. એમાંની કેટલીક અવધ છોડીને
ચાલી ગઈ તો કેટલીક તવાયફોએ અવધમાં જ પોતાના કોઠા ખોલી દીધા. કેટલીક બનારસ ચાલી ગઈ ને કેટલીક
અંગ્રેજોના આશરે જઈને એમના સિપાઈઓનું મનોરંજન કરવા માટે લશ્કર સાથે પ્રવાસ કરવા લાગી.

નામ : બેગમ હઝરત મહાલ ઉર્ફે મોહંમદી ખાનમ
સ્થળ : કાઠમંડુ (નેપાળ)
સમય : 1879
ઉંમર : 58 વર્ષ

સાવ નાની હતી ત્યારથી પરિસ્થિતિને સ્વીકારીને હારી જવું એ મારો સ્વભાવ નથી રહ્યો. ખૂબ નાની હતી
ત્યારે પણ મારી મા મને અવારનવાર કહેતી, “આવી રીતે નાફરમાની કરીશ તો શાહને ત્યાંથી કાઢી મૂકશે” હું તવાયફની
દીકરી હતી એટલે કનિઝ બનીને જીવવું એ મારું નસીબ હતું, મને ખબર હતી… જેમ મોટી થવા લાગી તેમ
ફૈઝાબાદમાં મારા હુસ્નની ચર્ચા થવા લાગી. છેક અવધથી ખરીદાર આવીને મને શાહી મહેલમાં ખવાસણ તરીકે લઈ
ગયા, ત્યારે હું તેર વર્ષની હતી.

નવાબ વાજિદઅલી શાહને ત્યાં દરેક પ્રકારની આવડત અને કલા માટે આવકાર હતો. નાની અને ઉમળી
છોકરીઓ માટે એમણે ‘પરી ખાના’ની વ્યવસ્થા કરી હતી. મારી ઉંમરની છોકરીઓને ખરીદીને એમણે સંગીત, નૃત્ય
અને અન્ય કલાઓની તાલીમ આપવામાં આવતી. બાદશાહ સાથે કઈ રીતે વર્તવું, કેમ બોલવું અને દરબારમાં કઈ રીતે
વર્તવું એની પણ તાલીમ આપવામાં આવતી. એક તદ્દન નાના ગામ અને ઘરમાંથી આવેલી છોકરીઓને કલા, તહેઝિબ
અને સંગીત નૃત્યમાં પારંગત કરીને બાદશાહની સામે રજૂ કરવામાં આવતી. પરી ખાનામાં મારું નામ ‘મહેક પરી’
પાડવામાં આવ્યું. બાદશાહ અને દરબારીઓને ત્યારે જ સમજાઈ ગયું હતું કે, હું તવાયફની દીકરી હતી, પરંતુ મારામાં
બીજા ઘણા ગુણો અને આવડત હતા. મને સંગીત અને નૃત્યની સાથે શિક્ષણ પણ આપવામાં આવ્યું. હું ફારસી, ઉર્દૂ
અને હિન્દુસ્તાની ભાષાઓની સાથે થોડું ઘણું અંગ્રેજી પણ લખી-વાંચી શકતી. 1856માં અંગ્રેજોએ અવધ પર કબજો
કર્યો અને વાજિદઅલી શાહને કલકત્તા ધકેલી દીધા ત્યારે એમણે મને તલાક આપ્યા.

એમની કેટલીક ગમતી બેગમો સાથે એ કલકત્તા ચાલી ગયા. એમનો વિચાર ત્યાંથી ઈંગ્લેન્ડ જઈને રાણી સાથે
વાત કરવાનો હતો, પરંતુ એમનું વજન અને તબિયત જોતા કલકત્તાના તબીબોએ એમને જવાની રજા ના આપી.
એમના અમ્મી, રાજમાતા જનાબ-એ-આલિયા એ ઈંગ્લેન્ડ જઈને રાણી સાથે મુલાકાત કરી. જોકે, એનો કઈ બહુ
અર્થ સર્યો નહીં. વાજિદઅલી શાહને સાલિયાણું બાંધી આપવામાં આવ્યું અને અવધમાં પ્રવેશવાની મનાઈ
ફરમાવવામાં આવી. મને તો એમણે તલાક આપી દીધા હતા. મને જ નહીં, ‘મુત્આ’ ના કાયદા પ્રમાણે એમણે લગ્ન
કરેલી અનેક દાસી, ખવાસણો, તવાયફો, બેગમો અને રાણીઓને તલાક આપી દેવામાં આવ્યા હતા. એમાંની કેટલીક
અવધ છોડીને ચાલી ગઈ તો કેટલીક તવાયફોએ અવધમાં જ પોતાના કોઠા ખોલી દીધા. કેટલીક બનારસ ચાલી ગઈ ને
કેટલીક અંગ્રેજોના આશરે જઈને એમના સિપાઈઓનું મનોરંજન કરવા માટે લશ્કર સાથે પ્રવાસ કરવા લાગી. પરંતુ,
મારે માટે મારો દીકરો અને મારી ભૂમિ બંને અગત્યના હતા.

1857માં પહેલીવાર મંગલ પાંડેએ બૈરકપુરમાં અંગ્રેજોનો વિરોધ કર્યો. વિરોધનો મુદ્દો જરા વિચિત્ર હતો.
છાવણીમાં એવા સમાચાર ફેલાઈ ગયા કે, નવી આવેલી કારતૂસમાં સુવરની ચરબી લગાડેલી છે. આ કારતૂસ સૈનિકોએ
મોઢેથી ખોલવા પડે એમ હતા… એને કારણે સુવરની ચરબી મોઢામાં જાય. મંગલ પાંડેએ આ કારતૂસ સ્વીકારવાનો
વિરોધ કર્યો. એની સાથે બીજા અનેક સૈનિકો (સિપોય) જોડાયા. અંગ્રેજોએ ભયાનક અત્યાચાર કર્યો અને આ બધા જ
સિપાઈઓ ઉપર અને ભારતની જનતા પર 34,735 કાયદા લાગુ કર્યા, જેથી બીજું કોઈ મંગલ પાંડેની જેમ બળવો
કરવાનો વિચાર પણ ન કરે. હું બાળપણથી જ બળવાખોર અને લડાયત મિજાજની હતી. વાજિદઅલી શાહની સાથે
રહીને ઘણું બધું રાજકારણ પણ શીખી હતી. 1857થી 1858 સુધી રાજા જયલાલસિંહને સાથ આપીને મેં બ્રિટિશ
ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સામે બળવો કરવામાં એમને મદદ કરી. એમની મદદથી મેં લખનઉ ઉપર ફરી કબજો મેળવ્યો
અને મારા દીકરા બિરજિસ કદ્રને અવધનો ‘વલી’ જાહેર કરીને ગાદીએ બેસાડ્યો.

બ્રિટિશ રાજ સામે બળવો કરવાના કારણો માત્ર અવધને હાસિલ કરવાના નહોતા, પરંતુ અંગ્રેજ સરકારે
ધાર્મિક આઝાદીના નામે મંદિરો અને મસ્જિદોને ધ્વંસ કર્યા, ઈસાઈ ધર્મના પ્રચાર માટે શાળાઓ અને બીજી જગ્યાએ
પાદરીઓ મોકલ્યા. અંગ્રેજી સંસ્થાન સ્થાપિત કરવા માટે હિન્દુ અને મુસલમાન પૂજા સ્થળોને નષ્ટ કર્યા. અંગ્રેજી
વિજ્ઞાન શીખવા માટે લોકો પાસેથી પરાણે માસિક અનુદાન લીધું. એવી ચીજો પર વેરા લગાડ્યા કે જે તદ્દન ખોટા
અને ગેરકાયદેસર હતા.

બિરજિસને ગાદીએ બેસાડ્યા પછી અંગ્રેજોએ ફરી એકવાર અમારા ઉપર હુમલો કર્યો. લખનઉની નાનકડી
સેનાને પાછા હટવાની ફરજ પડી. નાનાસાહેબ પેશ્વા સાથે મળીને શાહજહાંપુરના હુમલા પછી અમે ફૈઝાબાદના
મૌલવીને મળ્યા. મેં સંગઠનનો પૂરો પ્રયાસ કર્યો. જમીનદારો, ખેડૂતોને પણ સૈન્યમાં શામેલ કર્યા.

મને પહેલીવાર સમજાયું કે, ફૈઝાબાદથી મારી સાથે આવેલી અનેક પરી ખાનાની તવાયફોનો ઉપયોગ બહુ જ
સારી રીતે થઈ શકે એમ છે. એ બધી પણ અંગ્રેજોના ત્રાસથી કંટાળેલી હતી. નમાઝ પઢવાની પરવાનગી માગવી પડે,
કે મંદિર જવાની રજા લેવી પડે એ કોઈ પણ ભારતીયને મંજૂર નહોતું. અંગ્રેજ સૈનિકો અવારનવાર આ તવાયફોના
કોઠા પર આવતા. અમે, નાનાસાહેબ, ફૈઝાબાદના મૌલવી અને બીજા એ સમયના સ્વાતંત્ર્ય સેનાનીઓએ અંગ્રેજોના
આ શોખનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

મંગલ પાંડેનું બલિદાન ખાલી ન જવું જોઈએ, એવા નિર્ણય સાથે અમે એક નાનકડી સેના ઊભી કરી અને
નાનાસાહેબ પેશ્વાની આગેવાની હેઠળ ભારતના બીજા શહેરોમાંથી પણ રાજારજવાડાના સહકાર માટે અપીલ કરી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *