બાળ ઠાકરે અને સુભાષચંદ્ર બોઝઃ એક જન્મતારીખ, એક વિચાર

38/2 એલ્ગિન રોડ, કલકત્તા પર એક નાનકડું મકાન છે, કદાચ આજે પણ છે! એ જગ્યા એટલે
સુભાષચંદ્ર બોઝે જ્યાંથી બહાર નીકળીને બર્લિન જઈ સિંગાપોરમાં આઝાદ હિંદ ફોજની રચના કરી એ
મકાન. વિદેશ પ્રવાસ દરમિયાન એમણે ઈટાલીમાં મુસોલિની સાથે મુલાકાત કરી હતી. એ મુલાકાતની
નોંધાયેલી પ્રશ્નોત્તરી આ પ્રમાણે છે.
મુસોલિનીઃ શું ભારત નજદીકના ભવિષ્યમાં સ્વાધીન થશે એવો પાકો વિશ્વાસ છે તમને?
સુભાષચંદ્રઃ હા, નિશ્ચિતપણે.
મુસોલિનીઃ તમે, સ્વતંત્રતા માટેની કઈ પધ્ધતિ પસંદ કરો છો. વિનીત કે ક્રાંતિવાદી?
સુભાષચંદ્રઃ ક્રાંતિવાદી.
મુસોલિનીઃ તો ચોક્કસ તમને તક છે. ક્રાંતિ માટેની યોજના કરો અને તેને વાસ્તવિક ધરતી પર
ઉતારો. વિજય તમારો છે.

પરંતુ, એવું થયું નહીં. એમને જર્મનીમાં ઘણા નેતાઓનો સહકાર મળ્યો. એ હિટલરને મળ્યા.
ટોકિયો, સિંગાપોર ગયા અને આઝાદ હિંદ ફોજનો ઈતિહાસ આપણે સૌ જાણીએ છીએ ત્યારે સુભાષચંદ્ર
બોઝના સ્વપ્નને સાચી રીતે સાકાર નહીં કરી શકવાના અનેક કારણો છે. સૌથી પહેલું અને મહત્વનું
કારણ એ છે કે, એમની વાત અને વિચાર ગાંધીથી જુદા હતા. સુરત અધિવેશન પછી પહેલી તિરાડ પડી
ત્યારે ટાગોરે ગાંધીજીને લખ્યું હતું કે, સુભાષને ફરી પ્રમુખ બનાવવા જેવા છે, પરંતુ એવું થયું નહીં.
નવાઈની વાત એ છે કે, મતદાનમાં સુભાષ જીત્યા એ પછી કારોબારીએ ગાંધીમાં કોનો વિશ્વાસ છે એ
વિશેનો ઠરાવ પસાર કર્યો… આ કરવાની જરૂર નહોતી, તેમ છતાં સુભાષચંદ્ર બોઝનો વિરોધ કરવા ખાતર
આ ઠરાવ પસાર કરવામાં આવ્યો જેનો સીધો અર્થ થતો હતો કે, ‘પ્રમુખમાં કોને અવિશ્વાસ છે?’ નેહરુ
અને બોઝની જોડી તૂટી ગઈ. જાણે-અજાણે નેહરુ ગાંધીજીની તરફેણમાં થતા ગયા કારણ કે, એમને
દેશનો મોટાભાગનો મત ગાંધી તરફ દેખાયો. ટૂંકમાં, કોંગ્રેસ એટલે મહાત્મા ગાંધી એ વાત સુભાષચંદ્રને
સમજાઈ ગઈ અને એમણે પોતાનો અલગ રસ્તો લીધો.

સમર ગુહાએ સુભાષ અને જવાહર વચ્ચેના રાજકીય સંઘર્ષને રજૂ કરતું એક પુસ્તક લખ્યું છે
જેમાં સુભાષબાબુના વિમાની અકસ્માતમાં થયેલા મૃત્યુ વિશેના કેટલાક સવાલો ઉઠાવ્યા છે. સુભાષચંદ્ર
બોઝ ખરેખર મૃત્યુ પામ્યા હતા કે છટકીને રશિયન સરહદમાં પ્રવેશી ચૂક્યા હતા એ વિશે સત્ય ક્યારેય
બહાર આવ્યું નહીં. વિવેક અગ્નિહોત્રી નામના એક લેખક-દિગ્દર્શકે ‘તાશ્કંદ ફાઈલ્સ’ નામની ફિલ્મ
બનાવી જેમાં સુભાષબાબુના મૃત્યુ અંગેના તથ્યોની તપાસ કરવા માટેની એક સમિતિ રચાય છે, આ કથા
થોડી કાલ્પનિક છે અને થોડી સાચી કારણ કે, સુભાષબાબુના મૃત્યુ વિશે તપાસ કરવા માટે એક નહીં
અનેક પંચો નિમાયાં, જેમાં કેટલાંક સત્યો બહાર આવ્યા અને કેટલીક ચોંકાવનારી વિગતો આજે પણ
આપણા સુધી પહોંચી નથી. 1945 પછી સુભાષબાબુ વિશે માહિતી આપતી ખૂબ ખાનગી 34 ફાઈલો
નેહરુજીએ પોતાની પાસે રાખી હતી એમ કહેવાય છે. સૌથી પહેલાં શાહનવાઝ તપાસ પંચ નિમાયું, એ
પછી ખોસલા તપાસ પંચ નિમાયું અને જ્યારે ખોસલા તપાસ પંચે એ ફાઈલોની માગણી કરી ત્યારે
કહેવામાં આવ્યું કે, આવી કોઈ ફાઈલ હતી જ નહીં અથવા ખોવાઈ ગઈ છે અથવા નાશ પામી છે!

સુભાષચંદ્ર બોઝ સાચા હતા કે ખોટા, એમણે જે રસ્તો અખત્યાર કર્યો એ રસ્તે ભારતને આઝાદી
મળી હોત કે નહીં? આવા સવાલો હવે પૂછવાનો કોઈ અર્થ નથી, પરંતુ સુભાષચંદ્ર બોઝના કિસ્સામાં
એટલું તો સ્વીકારવું જ પડે કે, 1930માં ભારતીય સમાજ જે માનસિકતામાં હતો એમાં અને 1924ના
ભારતીય જનસમાજની માનસિકતામાં બહુ ઝાઝો ફેર પડ્યો નથી! વસ્ત્રો બદલાયા હશે, જીવનશૈલીમાં
ટેકનોલોજી મહત્વનું સ્થાન ધરાવતી થઈ હશે, પરંતુ માનસિક રીતે આપણે સૌ આજે પણ વિચાર વિહીન
દશામાં સત્ય-અસત્ય અને સાચા-ખોટાના ત્રાજવાના પલ્લાં બરાબર કર્યા વગર જ ન્યાય કરતી પ્રજા
છીએ. આજે પણ આપણે બધા જાણે-અજાણે કોઈ એક વાતના વ્યક્તિના કે વિચારના પવનમાં એવી
ઢસડાઈ જઈએ છીએ કે, આપણને એ સિવાયનો કોઈ વિચાર સાંભળવા કે સમજવાની પણ જરૂર
લાગતી નથી.

આ માત્ર દેશના રાજકારણ પૂરતું મર્યાદિત નથી. પારિવારિક સંબંધો અને લગ્નજીવનમાં પણ
આપણે કંઈક આવી જ રીતે વિચારીએ અને વર્તીએ છીએ. કોઈ એક વ્યક્તિથી એટલા બધા અભિભૂત
થઈ જઈએ છીએ કે, એ વ્યક્તિ પણ કશું ખોટું કહી શકે અથવા કરી શકે એ વાત સ્વીકારવાની તો ઠીક,
સાંભળવાની પણ આપણી તૈયારી નથી હોતી. આપણે વ્યક્તિપૂજાનો દેશ હતા, અને ધીરે ધીરે વધુને વધુ
વ્યક્તિપૂજા તરફ ધકેલાતા જઈએ છીએ. એક જમાનામાં બાવાસાધુ કે સંત મહાત્માની પૂજા કરતા હતા.
હવે તો એમાં ફિલ્મસ્ટાર, ક્રિકેટના સ્ટાર, દાણચોરો અને ગુનેગારો પણ ઉમેરાયા છે. થોડીક લોકપ્રિયતા
પણ આપણને અભિભૂત કરી મૂકે છે. આપણે વ્યક્તિના વિચાર અને એના વ્યક્તિત્વને છૂટું પાડી શકતા
નથી, બલ્કે દરેક વખતે એ વ્યક્તિ જ વિચાર છે એમ માનીને એના ચરણે પડી જઈએ છીએ. અંતે, જેને
આપણે ભગવાન, સ્ટાર કે આદર્શ માનતા હોઈએ એ જ વ્યક્તિ આપણી ઈમેજની સહેજ બહાર નીકળે
કે આપણે ધાર્યું હોય એવું ન વર્તે, આપણા વિચારોથી વેગળું કંઈ કહેવાનો કે આપવાનો પ્રયાસ કરે તો
આપણો એ આદર, માન-સન્માન અને ભક્તિભાવ એટલા જ ધિક્કાર અને તિરસ્કારમાં ફેરવાઈ જાય છે.

આપણે ‘સમ્યક્ માર્ગ’ કે ‘મધ્યમ માર્ગ’ જેવી કોઈ પરિસ્થિતિને જાણતા કે સમજતા જ નથી…
આપણો આદર ભક્તિભાવ હોય છે અને આપણો તિરસ્કાર વેર! આજે સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ
છે, સાથે જ બાળ ઠાકરેનો પણ જન્મદિવસ છે. બંનેની વય વચ્ચે ત્રણ દાયકા જેટલું અંતર છે, પરંતુ બંને
જણાં વચ્ચે સામ્ય એ છે કે, એમણે પોતાનો માર્ગ સ્વયં પસંદ કર્યો, અન્યના ગમા-અણગમા કે
સર્ટિફિકેટની પ્રતીક્ષા કર્યા વગર આત્મગૌરવ અને સન્માન માટે ઝઝૂમ્યા. કોણ સાચું હતું અને કોણ ખોટું
હતું, કોણે શું કરવું જોઈતું હતું એ નક્કી કરવાનો અધિકાર એ પેઢી વિતી ગયા પછી જન્મેલા લોકોને
સામાન્ય રીતે હોતો નથી કારણ કે, સાચા અને ખોટાનો નિર્ણય માત્ર વર્તમાનમાં થઈ શકે છે…
પરિણામોના આધારે, આવા નિર્ણય શક્ય નથી અને કદાચ કરવામાં આવે તો સાચા નથી હોતા.

સુભાષચંદ્ર બોઝ હોય કે બાળ ઠાકરે, ગાડરિયા પ્રવાહની વિરુધ્ધ એક જુદો વિચાર મૂકવા માટે
પોતાના મૌલિક વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વ સાથે જોડાયેલા આત્મગૌરવ અને પોતાના વિચારને સાચો ઠેરવી
શકે એવી બુધ્ધિશાળી દલીલોની જરૂર પડે છે જે આ બંને પાસે હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *