બેક ટુ સ્કૂલઃ મજા કે સજા ?

22 માર્ચ, 2019… આખો દેશ, દુનિયા એક સાથે બંધ થઈ ગયાં. લોકો પોતાના ઘરમાં પૂરાયા
અને સાથે જ શાળા-કોલેજો પણ બંધ થઈ ગઈ. હવે, અઢી વર્ષ કરતાં વધુ સમય પછી શાળાઓ ખૂલી
છે. મોટાભાગના બાળકો શાળા, મિત્રો અને સમૂહજીવન ભૂલવા લાગ્યા હતાં. ઓનલાઈન શિક્ષણ એટલું
બધું કોઠે પડી ગયું હતું કે હવે તૈયાર થઈને, યુનિફોર્મ પહેરીને સ્કૂલબેગ, વોટરબેગ અને ટિફિન બોક્સ
લઈને શાળાએ જવાનું બાળકોને કેટલું ગમશે અને ફાવશે એવો સવાલ આવીને ઊભો છે.

ગિજુભાઈ બધેકા, મનુભાઈ પંચોળી અને નાનાભાઈ ભટ્ટ જેવા શિક્ષણશાસ્ત્રીઓએ મૂકેલા
‘શિક્ષણ સાથે કેળવણી’ના વિચાર તો ક્યારના ખોવાઈ ગયા છે. મહાત્મા ગાંધીના ‘બુનિયાદી શિક્ષણ’ની
પરિકલ્પના તો કોઈને યાદ પણ નથી ! દસમા, બારમા ધોરણમાં ભણતા બાળક સાથે એના ‘માર્ક’ સિવાય
ભાગ્યે જ કોઈ સંવાદ કરતા માતા-પિતાને ખબર પણ નથી કે એનું બાળક બેંકની સ્લીપ ભરી શકતું નથી,
ઘરના રિપેરિંગમાં પડતી પ્લમ્બર, મિસ્ત્રી કે ઈલેક્ટ્રિશિયનની સાદી જરૂરિયાતો વિશે એમના બાળકને
ખબર જ નથી. દીકરીને રસોઈ નથી આવડતી, તો દીકરાને વ્યવહારુ જ્ઞાન નથી. દીકરો સાદી ચા નથી
બનાવી શકતો, પોતાનું કબાટ ગોઠવવું કે બેડ બનાવી લેવો, ઈસ્ત્રી કરી લેવી જેવી નાની આવડત પણ
માતા-પિતા શીખવતા નથી. બીજી તરફ, શિક્ષણની સાથે સદગુણ કે માણસાઈ પણ શીખવવી પડે એ
વાત મોટાભાગના માતા-પિતાને જ નથી ખબર… અંગ્રેજી માધ્યમની મોટી શાળાઓમાં ભણતા બાળકો
બેદરકારી અને અપવ્યય (પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી) જેવી સમસ્યાઓમાંથી પસાર થાય છે. ફાટેલા જીન્સ,
નાની ઉંમરે સિગરેટ અને વીડ જેવી બદીઓ એમને સકંજામાં લે છે. નાના ગામો કે મિડ સાઈઝ ટાઉનના
ટીનએજ બાળકો આત્મવિશ્વાસના અભાવથી પીડાય છે. તમાકુ, માવા કે શરાબ જેવી બદીમાં અટવાય
છે… ટૂંકમાં, બંને પ્રકારની યુવા પેઢીના ભવિષ્ય સામે ક્વેશ્ન માર્ક તો છે જ…

લોકડાઉન થયું એ પહેલાં પણ, છેલ્લા કેટલાય સમયથી શિક્ષણના વધી રહેલા બોજ, માર્કની
હરિફાઈ અને બાળકો ઉપર વધતા ‘ભણતરના ભાર’ વિશે શિક્ષણશાસ્ત્રીઓ, માતા-પિતા,
માનસશાસ્ત્રીઓ અને સમાજના કેટલાક વિચારકો, ચિંતકો ઘણી ફરિયાદો કરી ચૂક્યા હતા. ‘ભાર વિનાનું
ભણતર’ હજી પૂરેપૂરું ગોઠવાય કે ગળે ઊતરે એ પહેલાં તો શાળાઓ બંધ થઈ ગઈ.

2019ના માર્ચ પહેલાં લગભગ દરેક માતા-પિતા, એમના સંતાનની ઉંમર બેથી 22… 24 કે
25, કોઈપણ હોય, સેલફોન, આઈપેડ અને લેપટોપની સામે પસાર કરવામાં આવતા સમય વિશે ચિંતિત
અને અકળાયેલાં હતાં. મોટાભાગના માતા-પિતાનો એવો અભિપ્રાય હતો કે, બાળકને સેલફોન બહુ નાની
ઉંમરે આપવો જોઈએ નહીં. લોકડાઉન પછી ઓનલાઈન શિક્ષણ શરૂ થયું ત્યારે બાળકને સ્માર્ટફોન
આપ્યા સિવાય કોઈ છૂટકો જ ના રહ્યો. એ હદ સુધી કે જે મધ્યમવર્ગીય કે નીચલા મધ્યમવર્ગના માતા-
પિતા પાસે સ્માર્ટફોન ન હોય એમણે તાણીતુસીને ફોન ખરીદવાની ફરજ પડી. ઘરમાં એક જ સ્માર્ટફોન
હોય તો ડોમેસ્ટિક હેલ્પ કે બીજા નાના કામ અને વ્યવસાય કરતા માતા-પિતાને ફોન ઘરે મૂકીને જવાની
મુશ્કેલી સહન કરવી પડી. હવે, ફોન ઓન કરીને એના સ્ક્રીન પર દેખાતા અસંખ્ય ચહેરાઓ અથવા
શિક્ષકનો એક ચહેરો બાળક માટે રોજિંદી પ્રવૃતિ બની રહ્યા છે.

બીજી તરફ, શિક્ષક પોતાના સ્ક્રીન પર 40-50 બાળકોને જુએ છે. આ બાળકો ઉપર ક્લાસમાં
જે રીતે વ્યક્તિગત ધ્યાન આપવામાં આવતું હતું એવું ધ્યાન સ્વાભાવિક રીતે જ આપી શકાય એમ નથી…
એક શિક્ષક નાનકડા સ્ક્રીન પર દેખાતા કેટલા બાળકો, શું કરે છે એના પર ધ્યાન આપે કે નવી ટેકનોલોજી
સાથે પોતાની જાતને અપડેટ કરવા માટે મથામણ કરે !

ફરી શાળાઓ ખોલવાનો સરકારી હુકમ જારી થયો છે, પરંતુ હજી પ્રાથમિક શિક્ષણ માટે બાળકને
શાળાએ મોકલવું ‘મરજિયાત’ છે એટલે કોરોનાથી ડરતા કે બાળકના સ્વાસ્થ્ય માટે ચિંતિત માતા-
પિતામાંના કેટલાક કદાચ એવી હિંમત નહીં કરે. અઢી વર્ષ, નાનો સમય નથી… ઘરે રહીને આરામપ્રિય
મેદસ્વી, ગમે તે ટાઈમે ખાતા-પીતા, ઊંઘતા અને ટી.વી. જોતાં થઈ ગયેલાં બાળકો વધુને વધુ એકલવાયા
અને આળસુ થઈ ગયાં છે. શાળા ઊઘડવાનું એક્સાઈટમેન્ટ કોઈ નવા રમકડાંની જેમ થોડા દિવસ રહેશે
એમ માની લઈએ તો પણ આ આખા નવા રૂટિન અને શાળામાં ન્યૂ નોર્મલ પરિસ્થિતિને અનુરૂપ
સાવધાની સાથે બાળકો કેટલો સમય મજા કરી શકશે, એ હજી મોટો પ્રશ્ન છે. બાળકોને રસ પડે એવી
પ્રવૃત્તિ કરવામાં આવશે, અઢી વર્ષે પાછા ફરેલા બાળકોને સ્કૂલમાં ગમે એવો પ્રયત્ન કરવામાં આવશે વગેરે
જાહેરાતો મીડિયામાં જોવા મળે છે, પરંતુ સત્ય તો એ છે કે, કોરોના પહેલાં પણ સ્કૂલ કે શિક્ષણમાં મજા
પડવી જોઈએ એવો કોઈ કોન્સેપ્ટ જ હવે આપણને જોવા નહોતો મળતો. બાળક હજી સમજતું થાય,
એને પોતાના પરિવારની માયા બંધાય, સંસ્કૃતિ, શેરિંગ, કેરિંગ અને રિસ્પેક્ટ જેવી બાબતો એના
વ્યક્તિત્વમાં ઉમેરાય તે પહેલાં જ એને ‘મધર-ટોડલર’ સ્કૂલમાં જવું પડે છે. ભલે ‘મા’ અહીં સાથે આવે,
પરંતુ જે શીખવવામાં આવે છે એમાં ક્યાંય સંસ્કાર કે સંસ્કૃતિ નથી, મેનર્સ ચોક્કસ છે, પરંતુ ‘મોરલ’ના
નામે માણસાઈને બદલે મહત્વકાંક્ષી અને મટિરિયાલિસ્ટિક બાબતો શીખવવામાં આવે છે…

એજ્યુકેશનની આખી સિસ્ટમ જ ક્યાંક ગૂંચવાઈ ગઈ છે એવું આપણે બધા સ્વીકારીએ છીએ,
પરંતુ એમાં શું બદલવાથી પરિસ્થિતિ બદલાશે એની આપણને કોઈને સમજણ નથી પડતી.

શાળાઓ ઊઘડી છે, ઊઘાડવી પડી છે ત્યારે પ્રાયમરી સ્કૂલમાં જવા માટે તૈયાર થયેલા આ
‘બાળયોધ્ધાઓ’ અને એમના માતા-પિતાની માનસિક હાલત તો વિચિત્ર છે જ, પરંતુ શિક્ષકની
જવાબદારીમાં હવે શિક્ષણ આપવાની સાથે સાથે આ બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી પણ ઊમેરાઈ
ગઈ છે… જાણે-અજાણે શાળા એ બાળકની ગમતી નહીં, પણ પરાણે જવું પડે એવી કોઈ જેલ જેવી
જગ્યા બનવા લાગી હતી, હવે અઢી વર્ષ ઘેર રહ્યા પછી આ લાગણી વધુ ઘૂંટાઈ હશે કે શાળામાં નહીં
જવાનો અભાવ બાળકોને શાળા સાથે વધુ રસ અને સ્નેહથી જોડી આપશે એ તો સમય જ કહેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *