‘રામાયણ’માં સુવર્ણમૃગની કથા આવે છે… રાવણના મામા મારિચ રૂપ બદલીને રામને પોતાની કુટિયાથી દૂર લઈ જવા છળ કરે છે, પરંતુ એની પહેલાંની એક કથા એ છે કે, રાવણ પોતાના મામાને જ્યારે આ કામ કરવાનું કહે છે ત્યારે મારિચ એને સમજાવે છે કે, ‘આજથી વર્ષો પહેલાં ફણા વગરનું તીર મારીને જે રામે મને યોજનો દૂર ફેંકી દીધો હતો એને હરાવવા અઘરા છે.’ રાવણ કશું સમજવા તૈયાર નથી ત્યારે મારિચ નિર્ણય કરે છે કે, જો રાવણનો હુકમ નહીં માને તો એ મારી નાખશે અને જો એનું કહ્યું માનીને રામને ફસાવવાની કોઈ યુક્તિ કરશે તો પણ મૃત્યુ તો નિશ્ચિત જ છે. મરિચ મનોમન નિર્ણય કરે છે કે જેને શોધવા દુનિયા એની પાછળ દોડે છે એવો ઈશ્વર મારી પાછળ દોડીને મને મારી નાખે એ વધુ ઈચ્છનિય સ્થિતિ છે…
મરિચની જેમ આપણે પણ ‘ખરાબ’ અને ‘વધુ ખરાબ’ની વચ્ચે પસંદગી કરવાની પરિસ્થિતિમાં આવી ચૂક્યા છીએ. જો બંને તરફ નુકસાન જ હોય તો જેમાં ઓછું નુકસાન હોય એ તરફ જવું હિતાવહ છે. ક્યારેક દેશના નાગરિક તરીકે તો ક્યારેક પરિવારના સભ્ય તરીકે, ક્યારેક આપણા વ્યવસાયમાં તો ક્યારેક અંગત જીવનમાં આવો નિર્ણય કરવાની સ્થિતિ અચૂક આવે છે. એવા સમયે દરેક માણસે ‘પસંદગી’ કરવી પડે છે. માપી-તોળીને, ફાયદો-ગેરફાયદો સમજીને પસંદગી કરનારને સામાન્ય રીતે પસ્તાવાનો વારો નથી આવતો. છેલ્લા થોડા સમયથી કોરોનાને કારણે જે આર્થિક મુશ્કેલી આપણા સૌ માટે, અને દેશ માટે સર્જાઈ છે એમાં લગભગ દરેક માણસ પોતાના વિતી ગયેલા સમય માટે કોમ્પન્સેટ કરવા બેબાકળો થઈ ગયો છે. રેસ્ટોરાં, રેડિમેડ કપડાં કે મનોરંજન જેવા વ્યવસાયમાં સૌથી વધારે નુકસાન થયું છે. લગભગ દરેક વ્યક્તિ આર્થિક રીતે તંગ પરિસ્થિતિમાં છે એટલે સૌથી પહેલો કાપ બહાર ખાવા પર, શોપિંગ પર કે મનોરંજન પર મૂકાય એ સ્વાભાવિક છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ તો કદાચ ટાળી ન શકાય, પરંતુ જેના વગર ચાલે એના વગર ચલાવવાનો પ્રયાસ કેટલાક લોકો કરી રહ્યા છે. બીજી તરફ કેટલાક લોકો માટે ‘જરૂરિયાત’ થી વધુ મહત્વના એમના શોખ કે દેખાડો છે. ખાસ કરીને ટીનએજ અને 20-22ની ઉંમરના કેટલાય યુવાનો આવા શોખ કે આકર્ષણને કારણે ખોટા રસ્તે ચડી જાય છે. માતા-પિતાને ક્યારેક જાણ પણ નથી હોતી કે એમનું સંતાન આવી કોઈ બદી કે કુટેવમાં સપડાયું છે.
આપણે જેને એક સલામત અને સમૃધ્ધ રાજ્ય માનીએ છીએ, એ આપણું ગુજરાત બે હિસ્સામાં વહેંચાઈ ચૂક્યું છે. એક હિસ્સો એવી પેઢીનો છે જેમના માતા-પિતા પાસે અખૂટ સંપત્તિ અથવા જીવવા માટે જરૂરી એવા તમામ સુખ-સગવડના સાધનો છે. આ નવી પેઢી સારી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણે છે. એમની પાસે અઢાર વર્ષ કે પહેલાં પોતાનું વાહન છે અને જીવનનો સંઘર્ષ સદ્ભાગ્યે કે દુર્ભાગ્યે પણ એમના ભાગ્યમાં નથી ! હવે આ પેઢી માટે ‘શું કરવું’ એ સવાલ બહુ પજવનારો છે. યુવાનીની અખૂટ શક્તિ, બદલાતા હોર્મોન અને માતા-પિતાએ આપેલી ઢગલાબંધ સગવડની સાથે એમની પાસે નવરાશનો પુષ્કળ સમય છે. વ્યવસાય કરતા માતા-પિતા સામાન્યતઃ ઘરમાં નથી હોતા, જેને કારણે આ યુવાનો પાસે એક ખાલી ઘર અને ખાલી સમય છે. આ ખાલી ઘર અને સમયનો ઉપયોગ વીડ (ગાંજો), ડ્રગ્સ કે શારીરિક સંબંધ માટે કરવામાં આવે છે. પૈસા કે સગવડ ગમે તેટલા હોય, પણ ગાઈડન્સ અને ગાર્ડ વગરના આ બાળકો સહેલાઈથી આવા ટ્રેપમાં ફસાઈ જાય છે. આપણે કદાચ નથી જાણતા, પણ ગુજરાતની શાળાઓ સુધી આ વીડ (ગાંજો) દાખલ થઈ ચૂક્યો છે.
બીજી એક આખી પેઢી એવી છે કે, જેના માતા-પિતા આર્થિક રીતે એટલા સક્ષમ નથી. એ યુવાનોના સ્વપ્ન મોટા છે. એમને આગળ વધવું છે. એમના મિત્રો કે એની આસપાસના યુવાનો જેવું જીવે છે એવું કે ટેલિવિઝન અને સિનેમામાં બતાવવામાં આવતી બેફામ, બેફીકર જિંદગી જેવું એમને પણ જીવવું છે ! શરાબ, સિગરેટ કે ડ્રગ્સ-એલજીબીટીક્યુ (અકુદરતી કહી શકાય તેવી સેક્સ્યુઆલિટી-શારીરિક સંબંધો) હવે એટલા સામાન્ય થઈ પડ્યા છે કે લગભગ દરેક માતા-પિતાએ સાવચેત રહીને પોતાના સંતાનની અવરજવર, એના મિત્રો અને એના કબાટ-બેગ કે ખાનાં તપાસતાં રહેવું અનિવાર્ય બનવા લાગ્યું છે.
ક્યારેક આપણને લાગે કે આપણા સંસ્કાર અને આપણો ઉછેર, આપણી નૈતિકતા કે પ્રામાણિકતા આપણા સંતાનને બગડવા નહીં જ દે, પરંતુ હવે ઘર-પરિવાર કે ઉછેર કરતા વધારે બહારની અસરો આ નવી પેઢીને પોતાની તરફ આકર્ષવા લાગી છે. હવે શરાબ તો જાણે કે ‘નશા’ ની વ્યાખ્યામાંથી બહાર નીકળી ગઈ છે ! એથી ઘણા વધુ ભયાનક ડરામણા અને મોટા નશા આપણા ઉછરી રહેલા ટીનએજ સંતાનની આજુબાજુ ભૂતાવળની જેમ નાચી રહ્યા છે. ફોનસેક્સ એમાંનું એક ધ્રૂજાવી મૂકનારું દુષણ છે.
તમારું સંતાન જો કલાકો દરવાજા બંધ રાખીને પોતાના કમ્પ્યૂટર કે ફોન સાથે સમય વિતાવતું હોય તો એનો ફોન કે કમ્પ્યૂટર ચકાસી લેવામાં ડહાપણ છે. હવે, ઉછેર માત્ર શિક્ષણ, સંસ્કાર કે સંપત્તિના વારસા પૂરતો મર્યાદિત નથી રહ્યો. લગભગ દરેક માતા-પિતાએ પોતાના સંતાનના ચોકીદાર બનવું પડશે એવો સમય શરૂ થઈ ચૂક્યો છે. જેમ પહેલાં બાળકોને ઊઠાવી જવામાં આવતા અથવા એક્સ્ટ્રોશન માગવામાં આવતું એવી રીતે હવે ડેટ એપ કે ફોનસેક્સની એપ પર ટીનએજના કે યુવાન સંતાનોને ફસાવીને એમની પાસેથી સેક્સટ્રોશન વસુલ કરવામાં આવે છે. કુતૂહલ કે શારીરિક જરૂરિયાતના આકર્ષણમાં ખેંચાઈને (દીકરો કે દીકરી-હવે એવો ભેદ પણ નથી રહ્યો) જો આપણું સંતાન આવી કોઈ ગંભીર સમસ્યામાં અટવાયું હોય તો એને ધમકાવવા કે આપણા સંસ્કારોની દુહાઈ આપીને મારવા-પીટવા કે મ્હેણાં સંભળાવવાને બદલે એને સાવચેતીથી આવા ટ્રેપમાંથી ઉગારવાનો પ્રયત્ન કરવો એ પણ આધુનિક ઉછેરનો એક ભાગ બની રહ્યો છે.
પોલીસની મદદ લેવામાં કશું જ ખોટું નથી, એ પણ આજના માતા-પિતાએ સમજવું પડશે. ‘લોકો જાણશે’ કે ‘સમાજમાં વાતો થશે’ એવો ભય રાખ્યા વગર આવા સેક્સ્ટ્રોશનના કે ડ્રગ્સના ટ્રેપમાંથી સંતાનને ઉગારવું એ આપણી પહેલી ફરજ છે. આપણે ખરાબ અને વધુ ખરાબની વચ્ચેથી પસંદ કરવાનું છે. લોકો જાણશે કે સમાજ વાતો કરશે તો કદાચ ‘ખરાબ’ થશે, પરંતુ ગભરાયેલું સંતાન જો આત્મહત્યા કરશે તો ‘વધુ ખરાબ’ થશે.