કરીમુદ્દીન આસિફ-કે. આસિફના નામે જાણીતા ફિલ્મ ‘મોગલ-એ-આઝમ’ના દિગ્દર્શક
એક ખૂબ જાણીતા સંગીતકારને મળવા ગયા. ફિલ્મના એક નાજુક રોમેન્ટિક સીન માટે એમને
એક ઠુમરીની જરૂર હતી. સંગીતકારે કહ્યું, ‘હું ફિલ્મોમાં ગાતો નથી.’ કે. આસિફ કોઈપણ રીતે
એમનો અવાજ ઈચ્છતા હતા એટલે એમણે કહ્યું, ‘તમે જે કહેશો તે કિંમત આપીશ.’ સંગીતકારે
‘ના’ પાડવાના ઈરાદે કહ્યું, ’25 હજાર રૂપિયા.’ 50ના દાયકાના છેલ્લાં વર્ષોમાં 25 હજારની
કિંમત શું હોઈ શકે એ આપણે સૌ સમજી શકીએ. કે. આસિફે એમને એ મૂલ્ય ચૂકવ્યું-અને
‘મોગલ-એ-આઝમ’ના એ પીંછાવાળા રોમેન્ટિક સીનમાં પાછળ જે ઠુમરી ગવાય છે એ ઠુમરી
અમર થઈ ગઈ. સંગીતકાર બડે ગુલામ અલી ખાં સાહેબ તરીકે જાણીતા છે. આજે પણ મોટા
મોટા ગાયકો એમનું નામ લેતી વખતે કાનને આંગળી અડાડે, અર્થ એ થાય કે એમનું નામ લેવાની
પણ અમારી હેસિયત નથી!
એ સૂરમંડલ નામના એક વાદ્યના જાણકાર હતા. ઠુમરી એમની ખાસિયત હતી. એમનો
જન્મ 1902માં લાહોરમાં થયેલો. પિતા સંગીતકાર હતા અલીબક્ષ ખાં. લગભગ એક હજાર
વર્ષથી એમના પરિવારમાં સંગીતની પરંપરા ચાલી આવે છે. સંતાનો સંગીત સાથે જોડાય એ રીતે
પિતાએ સંગીતના પ્રશિક્ષણની શરૂઆત કરી. પાંચ વર્ષની ઉંમરથી જ એમનું સંગીત શિક્ષણ શરૂ
થયું, પરંતુ જ્યારે એમના કાકા કાલે ખાં સાહેબ ગુજરી ગયા ત્યારે એમના ગુરૂ જેવા એક
સંગીતકાર પ્યારે ખાં સાહેબ બોલી ઉઠેલા, ‘અબ ઈસ ઘર મેં સંગીત નહીં રહેગા.’ એમના
કહેવાનો મતલબ હતો કે હવે કાલે ખાં જેવું સંગીત આ ઘરમાં ફરી નહીં જન્મે. આ વાતથી
ગુલામ અલી ખાં સાહેબને ખૂબ લાગી આવ્યું. એમણે સખત પરિશ્રમથી રિયાઝ કરવાનું શરૂ કર્યું.
કલાકો રિયાઝ કરતા, સૂરમંડલ શીખતા અને ઘરમાં સંગીત જીવે એ જ ધ્યેયથી સતત મહેનત
કરતા રહ્યા. 19 વર્ષની ઉંમરે એમને પ્યારે ખાં સાહેબે પોતાની સાથે ગાવાનો આગ્રહ કર્યો.
લગભગ આઠ કલાક સુધી એમને ગવડાવ્યા પછી પ્યારે ખાંએ કહ્યું, ‘કાલે ખાં અભી તક ઝિંદા હૈ.’
આ પ્રસંગ પછી એમણે પોતાના સંગીતને વધુ આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો.
એ શાળામાં ગયા નથી, પરંતુ ઉર્દૂ, અરબી અને હિન્દી લખી-વાંચી શકે છે. પ્રિન્સ ઓફ
વેલ્સ જ્યારે હિન્દ આવેલા ત્યારે એ બડે ગુલામ અલી ખાં સાહેબને સાંભળવા ગયેલા. એમણે
વિશ્વભરમાં સંગીત માટે પ્રવાસ કર્યો. ઠુમરી વિશેના પ્રશિક્ષણને પણ એમણે વધુ શાસ્ત્રીય
પધ્ધતિથી શીખવાડી.
1968માં એમનું મૃત્યુ થયું… 2જી એપ્રિલ, 1902 એમનો જન્મદિવસ! એક વ્યક્તિ
ઈચ્છે તો શું ન કરી શકે એ વાત આપણને બડે ગુલામ અલી ખાંના જીવનમાંથી શીખવા મળે.
મહેનત અને લગનથી એમણે સંગીતની દુનિયામાં એટલી કીર્તિ અને આદર મેળવ્યા કે મોટા મોટા
ઘરાનાના કલાકારો એમનું નામ લેતા પહેલાં કાને આંગળી અડાડે. એમના ભાઈ મુબારક અલી
અને અમાનત અલી સંગીત દિગ્દર્શક રહી ચૂક્યા છે. પિતાએ એમને ત્રણ જ વાત શીખવેલી.
ગુમાન મન કરના, ઝૂક કે રહેના ઔર બદદુઆ મત લેના…
મતંગ ઋષિએ કહ્યું છે, ‘નાદાધીનં જગત સર્વમ્’ આખું જગત, બ્રહ્માંડ, અસ્તિત્વ નાદને
આધીન છે. આ નાદ એટલે? પોતાનો કોઈ આકાર, રંગ નથી એવા પવનને ધક્કો વાગતા ઉઠેલા
તરંગમાંથી જન્મ લેતા સ્વરો. આપણે શ્રીયંત્ર તરીકે જેની પૂજા કરીએ છીએ એ શ્રીયંત્ર પણ
પાણીમાં ઉઠેલા તરંગોમાંથી જન્મેલો એક એવો આકાર છે જેમાંથી નાદનો એક એવો પિરામિડ
બને છે જે લક્ષ્મી યંત્ર તરીકે પૂજાય છે. આ જગતમાં જન્મ લેતી સૌ વ્યક્તિ અંતે મૃત્યુ પામવાની
છે, પરંતુ એના અસ્તિત્વ દરમિયાન એ જે સર્જન કરે છે એ સર્જન આ જગતને સમૃધ્ધ બનાવે
છે-એ સમૃધ્ધિ પણ જે-તે વ્યક્તિના અસ્તિત્વનો નાદ છે. ‘નાદ બ્રહ્મ’ શિવના ડમરુંથી
સરસ્વતીની વીણા, કૃષ્ણની બાંસુરીથી એમના પંચજન્ય શંખ સુધીનો એક એવો સ્વર છે જેમાં
જીવનનો રાગ છે અને વિદ્વંસનો-વિનાશનો વિષાદિ અવાજ છે.
આજે જ્યારે આપણે સૌ એવી ફરિયાદ કરીએ છીએ કે, કલા અને સંગીતનો વારસો
ભૂંસાતો જાય છે ત્યારે 1960માં રજૂ થયેલી ફિલ્મની એ ઠુમરી હજી, સાડા છ દાયકા પછી પણ
જાણે અમર-જીવંત લાગે છે, એનું કારણ કદાચ એ છે કે, સંગીતને વ્યવસાય બનાવનારા ઘણા છે,
પરંતુ પરંપરા તરીકે, વારસા તરીકે કે આરાધના તરીકે સંગીતને જીવી જનારા લોકોની સંખ્યા
ઘટતી જાય છે. આપણો દેશ ગુરૂ-શિષ્ય પરંપરામાં પેઢી-દર પેઢી કલાને વારસામાં આપી જતો દેશ
છે. સંગીત હોય કે ચિત્રકલા, નૃત્ય હોય કે વાદ્યકલા-આ બધી જ બાબતો રિયાઝ માંગે છે, મહેનત
માંગે છે, સમર્પણ માંગે છે. સૌથી મોટી વાત એ છે કે, કોઈપણ કલા ઈર્ષા કે અહંકારથી ભૂંસાઈ
જાય છે. આજના સમયના કલાકારો કલાને બદલે સ્ટારડર્મ તરફ ફોકસ કરતા થઈ ગયા છે કદાચ,
એટલે આપણે જે વારસાને શોધી રહ્યા છીએ એ ધીમે ધીમે ખોવાતો જાય છે.
આજની પેઢીને કદાચ બડે ગુલામ અલી ખાં કોણ છે એ પણ નથી ખબર. એમનો સ્વર,
એમનો અવાજ, એમના સર્જનની એક એવી છાપ છે જે અમીટ છે. પ્રકૃતિ કોઈપણ સંજોગોમાં
એનો સાક્ષાત્કાર કરાવ્યા વગર રહેતી નથી. અગરબત્તીમાંથી ઉઠતો ધૂમાડો પણ વાયુની સાથે
નર્તન કરે છે, હવા સાથે લહેરાતું ઘાસ કે વૃક્ષના પાંદડા, નદીની ઉપર-નીચે થતું વહેણ કે સમુદ્રના
મોજાં… આ બધા જ નાદને આધીન છે ત્યારે બડે ગુલામ અલી ખાં જેવા સૂરનો સાક્ષાત્કાર
પામેલી વ્યક્તિને આજે યાદ કરીએ… એમના નાદને, એમના અસ્તિત્વને નમન કરીએ.