બધું ખતમ કરવાનો કોઈને અધિકાર નથી

થોડા દિવસ પહેલાં નડિયાદના હાઈવે ઉપર વૃક્ષોથી આચ્છાદિત સરસ મજાનો હાઈવે, આજે કેવો બાંડો અને બોડો
થઈ ગયો છે એની તસવીર પ્રકાશિત થઈ હતી. રસ્તા પહોળા કરવા માટે અનેક વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું. આની
પહેલાં પણ અમદાવાદમાં રસ્તા મોટા કરવા માટે રેલવે ટ્રેકની નજીક આવેલા વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા. ગ્લોબલ
વોર્મિંગ માટે આ વૃક્ષોના નિકંદનને જવાબદાર ઠેરવવામાં આવે છે. દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઈડ શોષીને આપણને
ઓક્સિજન આપતા આ વૃક્ષો વાતાવરણનું ટેમ્પરેચર ઘટાડે છે અને વરસાદ લાવવામાં પણ મદદ કરે છે, આ વાત આપણે બધા
જાણીએ છીએ તેમ છતાં, રસ્તા બનાવનારા મજૂરો કે એન્જિનિયર્સ, જે સહજતાથી વૃક્ષો કાપી નાખે છે એની સામે કેટલા વૃક્ષો
વાવવામાં આવે છે એવો હિસાબ ક્યારેય કોઈ પૂછતું નથી. આપણને બધાને સગવડ જોઈએ છે. ફોર લેનમાંથી સિક્સ લેન રસ્તો
થાય કે સાદા નેશનલ હાઈવેમાંથી એક્સપ્રેસ હાઈવે થાય એ આપણા બધા માટે ઝડપથી પ્રવાસ કરવાની સગવડ છે… પરંતુ,
આપણે એ ભૂલી જઈએ છીએ કે, આવા રસ્તા કે અર્બન પ્લાનિંગ કરવા માટે જે વૃક્ષો કાપી નાખવામાં આવે છે એ વૃક્ષો ફરી
વાવવામાં આવતા નથી.

વૃક્ષો વાવવાની અનેક ઝુંબેશ ઉપાડવામાં આવે છે. વૃક્ષારોપણ સપ્તાહ પણ ઉજવવામાં આવે છે, પરંતુ હાસ્યાસ્પદ
બાબત એ છે કે, આવાં સપ્તાહ દરમિયાન વવાયેલા વૃક્ષોનો ઉછેર કે કાળજી લેનારું કોઈ હોતું નથી. વૃક્ષો વાવવા માટે એકઠી
થયેલી ભીડ અને નેતાઓ, ઓફિસર્સ ફોટા પડાવે છે. અખબારો પણ એમને સારી એવી પ્રસિધ્ધિ આપે છે, પરંતુ એ પછી કેટલા
વૃક્ષો મરી ગયા અને કેટલા સાચે જ જીવ્યાં અને એમાંથી વૃક્ષો બન્યા એ વિશેનો કોઈ હિસાબ ક્યાંય જોવા મળતો નથી. આપણે
વિશ્વની ખૂબ જ મોટી લોકશાહી છીએ. આપણી જનસંખ્યા એટલી મોટી છે અને આપણી મોટાભાગની વસતિ અશિક્ષિત છે,
ગરીબ છે. એમને માટે લાકડું કે બળતણ, એમને વૃક્ષોનું મહત્ત્વ વરસાદ લાવવા પૂરતું કે અન્ય કોઈ જરૂરિયાત પૂરતું નથી, એમને
ઘરનો ચૂલો સળગાવવા માટે આ લાકડાની જરૂર પડે છે… બીજી તરફ જંગલો કપાતા જાય છે કારણ કે, ભ્રષ્ટ ઓફિસર્સ ઈમારતી
લાકડાનો ગેરકાયદે વ્યાપાર કરે છે. આપણે સામાન્ય રીતે ઘર બાંધવામાં કે ફર્નિચર બનાવવામાં લાકડું વાપરીએ છીએ. બહુ ઓછા
લોકોને એવી ખબર છે કે, ઈમારતી લાકડાની હવે બહુ મોટી ખેંચ વર્તાવા લાગી છે. ચીને ક્યારનું લાકડાનું ઓલ્ટરનેટિવ શોધી
કાઢ્યું છે. આપણે ત્યાં ભારતમાં પણ ફેક્ટરીમાં તૈયાર સારામાં સારું ફર્નિચર ઉપલબ્ધ છે. એક પણ છોલ પાડ્યા વગર, મિસ્ત્રી
બેસાડ્યા વગર કે સમય વેડફ્યા વગર ઉત્તમ ફર્નિચર તૈયાર થઈ શકે છે જેનું ફિનિશ લગભગ મોડ્યુલર જેવું જ હોય છે.

માતરમાં આવેલી ‘ડીફર્ન મોડ્યુલર’ નામની તૈયાર ફર્નિચરની ફેક્ટરીના માલિક મિનેશભાઈએ જણાવ્યું કે, ‘આપણે બધા
એવું માનીએ છીએ કે, મિસ્ત્રીએ બનાવેલું ફર્નિચર મજબૂત અને ટકાઉ હોય છે, પરંતુ અહીં ફેક્ટરીમાં બનેલું ફર્નિચર લગભગ
એટલું જ ટકાઉ અને ઓછા ખર્ચે, ઓછા સમયમાં તૈયાર થાય છે. એનું ફિનિશ પણ વધુ બહેતર હોય છે કારણ કે એ મશીન પર
તૈયાર થાય છે.’ છેલ્લા કેટલાય સમયથી ફર્નિચર ખરીદવા માટે આપણે ચીન ઉપર આધારિત હતા, પરંતુ ભાગ્યે જ કોઈને ખબર
છે કે મોડ્યુલક ફર્નિચર એ મૂળ યુરોપિયન ટેકનોલોજી છે. ચીન ક્યારેય કશું શોધતું નથી ! એ માત્ર કોપી કરે છે, એની સામે
ભારતીય ટેકનોલોજી અને ક્રિએટિવિટી પ્રમાણમાં ઘણી વધુ છે. લાકડાનો ઓલ્ટરનેટિવ આપણી પાસે તૈયાર છે તેમ છતાં, આપણે
વૃક્ષો કાપતા કેમ અચકાતા નથી.

એવી જ રીતે પ્લાસ્ટિકનો પણ ઓલ્ટરનેટિવ તૈયાર હોવા છતાં આપણે બધા હજી પ્લાસ્ટિક વાપરવાનું છોડી શકતા
નથી. પ્લાસ્ટિક વિરૂધ્ધ કેટલીય મોટી જેહાદ જગાવ્યા છતાં હજી ભારતમાં ઝભલા સિસ્ટમ ઓછી થઈ નથી. આપણે આપણા
જ દુશ્મન છીએ, કદાચ એટલા માટે કે આપણી પાસે ભવિષ્ય તરફ જોનારી નજર નથી. આપણા દેશમાં એટલી મોટી જનસંખ્યા
છે કે, દરેક માણસને શિક્ષિત કરવા, કે સમજાવવા શક્ય નથી. 2020ના વર્ષ દરમિયાન આપણો દેશ અને આખી દુનિયા
એકબીજાથી કપાઈને જીવ્યા… પડોશમાં રહેતા માણસ સાથે પણ વાત ન થઈ શકે કે એનો ચહેરો ના જોઈ શકાય એવું સજ્જડ
લોકડાઉન આપણે બધાએ ભોગવ્યું. આપણે કુદરત સાથે ચેડાં કરવા ગયા, પરંતુ સામે કુદરતે આપણને સજ્જડ જવાબ આપ્યો
છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલું બધું થયા છતાં હજી આપણે કચરો ફેંકતા અટક્યા નથી. પ્લાસ્ટિક વાપરતા કે વૃક્ષો કાપતા
અટક્યા નથી.

આ કયા પ્રકારની માનસિકતા છે એવો સવાલ હવે માણસજાતે પોતાને જ પૂછવાનો છે. એક રીતે જોવા જઈએ તો
આપણે બધા અજાણતાં જ આત્મહત્યા તરફ ધસી રહ્યા છીએ. સિગરેટના પેકેટ પર કે શરાબની બોટલ પર લખેલી વૈધાનિક
ચેતવણી આપણે વાંચતા નથી. એ પછી કેન્સર અને બીજા રોગો થાય છે ત્યારે અચાનક તમાકુ છોડવાનો, શરાબ છોડવાનો નિર્ણય
કરીએ છીએ પણ ત્યાં સુધીમાં શરીરને જેટલું નુકસાન થવાનું હોય એટલું થઈ ચૂક્યું હોય છે. માનવ શરીર ધીમે ધીમે ઉધઈથી
ખવાઈ ગયેલા પાટિયા જેવું થતું હોય છે. ઉપરથી બધું નોર્મલ લાગે છે, પરંતુ અંદરથી પોલું થતું જાય છે. પેસ્ટિસાઈડ્ઝ અને
પ્રિઝર્વફૂડ આપણા જીવનમાં એવી રીતે ભળી ચૂક્યા છે કે આપણે એનાથી દૂર રહેવા માગીએ તો પણ રહી શકીએ તેમ નથી.
હજારો, લાખોની સંખ્યામાં વેફર્સના, ગુટકાના પડીકા અને રેડી ટુ ઈટ ફૂડ આપણને ધીમે ધીમે ગ્રસી રહ્યું છે. એક આખી પેઢી
બરબાદીના રસ્તે સડસડાટ દોડી રહી છે, નવાઈની વાત એ છે કે આ ભણેલી પેઢી છે. એથી નવાઈની વાત એ છે કે, આ પેઢી
બધુ જ સમજે છે તેમ છતાં જાણે કે કોઈનીય પરવાહ ન હોય એમ પોતાના જ અસ્તિત્વને નુકસાન કરવા તદ્દન બેપરવાહ થઈને
જીવી રહી છે.

જો પૃથ્વી પર વસતી દરેક વસ્તુ સજીવ છે, વૃક્ષો, પ્રાણી-પક્ષી, જળ અને હવા પણ જો પોતાની અંદર અણુ-
પરમાણુની રચના ધરાવે છે તો સતત ફરતી અને આટઆટલા જીવોને પોતાની ઉપર ટકાવી રાખતી પૃથ્વીમાં જીવ નહીં હોય ?
કોઈપણ જીવ ક્યાં સુધી પોતાના ઉપર થતાં અત્યાચાર સહી શકે ? આપણે પૃથ્વીને માતા કહીએ છીએ, પરંતુ માનીએ એક
સહનશક્તિ હોય જ છે, જે દિવસે આ પૃથ્વીની સહનશક્તિ પોતાની મર્યાદા મૂકી દેશે એ દિવસે શું થશે ? પ્રલય કોઈ અજાણ્યો,
વણઓળખીતો શબ્દ નથી… પ્રલયનો અર્થ છે, સહનશક્તિનો અંત. એ પૃથ્વીની સહનશક્તિ હોય કે કુદરતની ! આજે, જ્યારે
આપણે ફરી એકવાર 22 માર્ચ, 2020ની સ્થિતિમાં આવીને ઊભા છીએ ત્યારે બીજા કોઈને પણ દોશ દેવા કરતા આપણે
આપણા જ નાના-મોટા ગુનાહ તરફ જોવું જોઈએ. દુનિયાનો દરેક ધર્મ કહે છે કે, જ્યારે અંત નિકટ આવે ત્યારે માણસે પોતાની
ભૂલો સ્વીકારવી જોઈએ. માત્ર સ્વીકારવી જ નહીં, એ ભૂલોમાં સુધાર કરીને પોતાના પછીની પેઢી માટે થોડું બહેતર જગત
બનાવવાનો પ્રયાસ આપણે સૌએ કરવો જોઈએ.

કપડાંની થેલી લઈને બહાર નીકળવું, કે બીનજરૂરી પેટ્રોલના ધુમાડા ન કરવા, શરાબ કે સિગરેટથી દૂર રહેવું, તાજુ અને
ગરમ ખાવું, બની શકે ત્યાં નાના-મોટા છોડ કે વૃક્ષો રોપવા અને સૌથી મહત્ત્વનું, આપણને જે મળ્યું છે તેનું મૂલ્ય કરી એમાંથી
કશુંક આપણા પછીની પેઢી માટે પણ બચાવી રાખવું એ આપણી સજીવ તરીકેની ફરજ છે. વૃક્ષો કપાતા હોય ત્યારે ‘આપણે શું’
કરીને નીકળી જવા કરતા ત્યાં ઊભા રહીને એનો વિરોધ કરવો, ઘરના ફર્નિચર માટે વૃક્ષો કાપવાને બદલે મોડ્યુલર ફર્નિચરનો
આગ્રહ રાખવો કે પ્લાસ્ટિકનો વિરોધ કરવો એ આપણી નૈતિક ફરજ છે.