બદલાવનો પ્રૂફ આપવો પડે?

કોવિડ પછી દુનિયા એકદમ બદલાઈ ગઈ હોય એવું લાગે છે. મોટાભાગના લોકો અચાનક
ફિલોસોફી તરફ વળી ગયા છે. 50ની ઉંમર વટાવી ગયેલા લોકો એકદમ જ સ્વાસ્થ્ય વિશે સજાગ થયા છે,
બીજી તરફ પૈસા બચાવવાના કે ભવિષ્ય માટેના પ્લાનિંગ વિશે વિચારવાનું મોટાભાગના લોકોએ લગભગ
છોડી દીધું છે. જેમણે નોંધ્યું હશે એમને અનુભવ હશે કે અચાનક પ્રવાસ કરનારા લોકોની સંખ્યા વધી છે.
પ્રોપર્ટી ખરીદવાના ક્રાઈટેરિયા અને ઈન્વેસ્ટમેન્ટના સિધ્ધાંતો બદલાયા છે. બે વર્ષના અકલ્પ્ય અનુભવ
પછી લગભગ સૌ ‘જીવી લેવા’ બેતાબ છે.

ઘણા લોકોમાં સાચે જ બદલાવ આવ્યો છે-ને ઘણા લોકો વારંવાર એવું કહ્યા કરે છે કે, એમનામાં
બદલાવ આવ્યો છે. પહેલી વાત તો એ કે, આપણે બદલાયાં છીએ, એવું કહેવું પડે એનો અર્થ એમ કે
આપણું પહેલાંનું વ્યક્તિત્વ આપણને જ નહોતું ગમતું! અને બીજી વાત એ કે, આ નવું વ્યક્તિત્વ બીજા
સ્વીકારે, આપણને જે સન્માન કે આદર જોઈએ છે એ મળી રહે એ માટે આવું કહીને આપણે અન્ય
વ્યક્તિઓના મનમાં આપણી જૂની ઈમેજ ભૂંસવાનો પ્રયાસ કરીએ છીએ.

કુદરત બહુ અદભૂત ચીજ છે. આજે જે પરિસ્થિતિ છે તે આવતીકાલે નહીં હોય એની આપણને
બધાને ખબર છે. આજે આપણે જેને આપણી ‘દૃઢ માન્યતા’ તરીકે ઠોકી ઠોકીને કહીએ છીએ, આવતીકાલે
આપણે એને જ બદલવાનો વારો આવશે એવી ભીતરથી ખબર હોવા છતાં આપણે આપણા વિચારોમાં
કેટલા જડ અને રૂઢિચુસ્ત છીએ!

જેને આપણે ઈશ્વર, ઉપરવાળો, ભગવાન, અલ્લાહ, ગોડ કે પરમતત્વ કહીએ છીએ એને
આપણી સાથે આ રમત રમવાની બહુ મજા આવતી હોવી જોઈએ. જેમ એ જૂના પાંદડા ખેરવીને દર
વર્ષે નવા પાન ઊગાડે છે, ઋતુઓ બદલે છે, દિવસ-રાત કરે છે એમ એ આપણને પણ ભીતર અને
બહારથી સતત બદલ્યા કરે છે. મોટાભાગના લોકો પોતાના જૂના ફોટા જોઈને કહે છે, ‘હું કેવો/કેવી
અદભૂત દેખાતી હતી!’ અથવા ‘આપણો પણ જમાનો હતો હોં સાહેબ!’ ને સાચે જ, એ લોકોને આપણે
આજે જોઈએ ને એમના જૂના ફોટા સાથે એમને સરખાવીએ તો સમજાય કે એમનામાં કેટલો બધો
બદલાવ આવ્યો છે! આ બદલાવ માત્ર ધોળા વાળ કે ચહેરાની કરચલીઓ પૂરતો મર્યાદિત નથી-કેટલાક
લોકો એમની જુવાનીમાં એટલા ફની અને કોમિક દેખાતા હોય જે આજે એક પ્રૌઢ, ઠાવકા અને વધુ સુંદર
કે હેન્ડસમ દેખાવા લાગે… જ્યારે કેટલાક લોકો એમની જુવાનીમાં ખૂબ હેન્ડસમ કે બ્યુટિફુલ હોય, પરંતુ
આજે એમને જોઈએ તો એ અત્યંત વરવા દેખાતાં હોય!

આ બદલાવ આપણા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. માનીએ કે નહીં, આપણી અંદર જે ચાલે છે-થઈ
રહ્યું છે તે બધું જ આપણા ચહેરા અને વ્યક્તિત્વમાં પ્રતિબિંબિત થાય છે. માણસ કેવી રીતે ખાય છે, કેવી
રીતે બોલે છે, એ કેવી રીતે ચાલે છે અને ઘણા બધા લોકો હાજર હોય ત્યારે એ કેટલો એટેન્શનસિકિંગ-
ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરે છે એ ઉપરથી આપણને એના ઉછેર, અનુભવો અને આજની માનસિકતાનો
ખ્યાલ આવે છે. ભણેલા-ગણેલા, સોફેસ્ટિકેટેડ દેખાતા લોકો પણ કેટલીકવાર ખાય ત્યારે આપણને
એમના જેશ્ચર્સ (હાવભાવ, ઉતાવળ, ચાવવાની રીત) જોઈને એમના વિશેની માન્યતા બદલાઈ જાય.
આવા લોકોમાં ક્યાંક ઠાવકાઈનો અથવા સ્વસ્થતાનો અભાવ છે. ‘બીજાને કેવું લાગશે’ એવો વિચાર
કરવાની એમને કોઈએ ટેવ જ નથી પાડી, કદાચ!

એવી જ રીતે કેટલાક લોકો પાર્ટીમાં, જાહેર સમારંભમાં ધ્યાન ખેંચવાનો ભયાનક પ્રયાસ કરે.
મોટી મોટી વાતો, પોતાની ઓળખાણ, પોતે ક્યા હતા-અને ક્યા ક્યા ફર્યા છે એ વિશેની વાતો બિનજરૂરી
રીતે વચ્ચે લઈ આવે, બીજા કોઈ બોલતા હોય એને કાપીને પોતાની વાત ચલાવે અથવા પાર્ટીમાં એક
ખૂણામાં પોતાનું આગવું ટોળું ઊભું કરીને બીજા સાથે નહીં ભળીને પોતે સુપર છે અથવા બીજાથી વધુ
લોકો એમને સાંભળે છે એવું સાબિત કરવાનો પ્રયાસ કરે. કોઈના બેસણામાં કે મૃત્યુ પ્રસંગે પણ આવા
લોકોને, પોતાના કપડાં, પરફ્યૂમ અને હાજરીની નોંધ લેવાઈ છે કે નહીં એની વધુ ચિંતા હોય! એવી જ
રીતે, કેટલાક લોકો પ્રખર બુધ્ધિશાળી અને તેજસ્વી હોવા છતાં જાહેરમાં નમ્ર અને સહેજ અતડા-બને
ત્યાં સુધી ચૂપ રહેવાનો પ્રયાસ કરે. આવાં બે વ્યક્તિત્વની સરખામણી કરીએ ત્યારે સમજાય કે જેમણે
ધ્યાન ખેંચવું પડે અને સતત પોતાના વિશે બોલવું પડે એ લોકોમાં ભીતર આત્મવિશ્વાસનો અભાવ છે.
એમને લાગે છે કે જો એ આવી રીતે નહીં વર્તે તો કોઈ એમની નોંધ નહીં લે (કારણ કે કદાચ એમને
પોતાને પણ ખબર છે કે એમનામાં નોંધ લેવા જેવું કશું છે નહીં!!) જે લોકો ચૂપ રહે છે અને પ્રસિધ્ધ,
સફળ હોવા છતાં જાહેર સમારંભમાં, પાર્ટીમાં પોતાની હાજરીની નોંધ લેવાય કે નહીં એની પરવાહ કર્યા
વગર શાંતિથી પોતાનો સંબંધ નિભાવે છે એવા લોકો આત્મવિશ્વાસથી સભર છે. એમને ખબર છે કે,
એમના કામની, એમની હાજરીની નોંધ લેવાયા વગર રહેશે નહીં!

આપણે બદલાઈ ગયા છીએ એ વાત જ્યારે આપણે જાતે કહેવી પડે ત્યારે માનવું કે આપણે
ખરેખર બદલાયા નથી, પરંતુ બીજાના મગજમાં એવું ઠસાવા માગીએ છીએ જેથી એ વ્યક્તિની આપણા
વિશે માન્યતા બદલાય… જો ખરેખર બદલાવ આવ્યો હશે, તો એની નોંધ આપોઆપ લેવાશે.

બદલાવ-પરિવર્તન એ સતત ચાલતી પ્રક્રિયા છે. ‘ચેન્જ ઈઝ ધ ઓન્લી કોન્સ્ટન્ટ ફેક્ટર’ પરંતુ, એ
બદલાવ કહી બતાવવાની, સાબિત કરવાની કે સામેની વ્યક્તિના મનમાં આપણી ઈમેજ બદલવાનો
પ્રયાસ કરવાની પ્રવૃત્તિ નથી. કોઈ સ્વીકારે માટે બદલાવું? કે કોઈના સ્વીકાર માટે બદલાવાનો ડોળ કરવો-
એ માનવ સ્વભાવ છે, પરંતુ જો આપણે આપણી જાતને અલગ માનતા હોઈએ, સાચે જ બદલાયાં
હોઈએ તો આ દંભ, ડોળ કે ઈમેજ બિલ્ડિંગની પ્રવૃત્તિ છોડીને આપણા બદલાવ વિશેનો નિર્ણય સામેની
વ્યક્તિ પર છોડી દઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *