‘બદમાશ દિલ મેરી સુને, ન જીદ પે અડા… બદમાશ દિલ તો ઠગ હૈ બડા…’ સ્વાનંદ કિરકિરે રચિત ‘સિંઘમ’ ફિલ્મનું આ ગીત બહુ લોકપ્રિય થયું હતું. કોઈપણ ગીત કે ફિલ્મ જ્યારે લોકપ્રિય થાય છે ત્યારે એના અનેક કારણ હોય છે. એમાંનું એક કારણ એ છે કે એ ફિલ્મની વાર્તા, પાત્રો કે ગીતના શબ્દો સાથે ક્યાંક દરેક વ્યક્તિ પોતાની જાતને જોડી શકે છે. ફિલ્મની વાર્તાને ટેક્નિકલ શબ્દોમાં જો સમજવી હોય તો એના બે પ્રકાર છે, એક, આઈડીયલાઈઝ અને બીજું આઈડેન્ટીફાય. જ્યારે આપણે કોઈ વ્યક્તિને આપણા આદર્શ તરીકે જોઈએ છીએ, એના જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ વાર્તામાં રહેલું આઈડીયલાઈઝેશન-એના જેવા બનવાની પ્રેરણા પાત્ર અથવા વાર્તાને લોકપ્રિય બનાવે છે. ભગવાન સાથે ઝઘડતા અમિતાભ બચ્ચન કે બૂટ વગર દોડીને રેસ જીતતો મિલ્ખા સિંઘ… આપણે આવું કરી શકતા નથી, પણ જ્યારે કોઈ પાત્ર આવું કરે છે ત્યારે એ આપણું પ્રિય બની જાય છે. બીજું છે, આઈડેન્ટીફાય. પાત્ર કે વાર્તા સાથે
આપણે આપણી જાતને જોડીએ છીએ. એમાં ક્યાંક આપણે આપણી જાતને જોઈ શકીએ છીએ. આવા પાત્રો વધુ અર્ધી (જમીન સાથે જોડાયેલા) એટલે કે આપણા પોતાના લાગે છે.
સ્વાનંદ કિરકિરેનું આ ગીત, આપણને બધાને ગમ્યું, કારણ કે એ ગીતના શબ્દો આપણને આપણી પોતાની લાગણી અથવા સંવેદના સાથે જોડી આપે છે. કોઈપણ ઉંમરની વ્યક્તિ હોય એને પોતાના હૃદયમાં ઉછળતી ઉર્મિઓ વિશે આવો વિચાર એકાદ વાર તો આવ્યો જ હોય ! આપણે બધા જ આ લાગણીમાંથી એકાદવાર તો પસાર થયા જ છીએ. મન અને મગજની, હૃદય અને મગજની લડાઈ દરેક વખતે થાય તો છે જ, એમાં મોટેભાગે દિલ જીતે છે. આ દિલ-જેને
આપણે હૃદય કહીએ છીએ એ એક્ચ્યુલી એક અવયવ છે. શરીરમાં રહેલું લોહી શુદ્ધ કરવાનું કામ કરે છે. સતત ધબકે છે. આ ધબકારા આપણા જીવતાં હોવાનો પુરાવો છે. અંગ્રેજી પાસે બે શબ્દો છે, એક્ઝિસ્ટીન્સ અને લીવ, ગુજરાતીના બે શબ્દો અસ્તિત્વ અને જીવન… અસ્તિત્વ એટલે હોવું. આ ધરતી પર હરવું-ફરવું, શ્વાસ લેવા અને માણસ તરીકેની આપણી કોઈક ઓળખ હોવી, પરંતુ જીવનનો અર્થ માત્ર શ્વાસ લેવાથી પૂરો નથી થતો. જીવન એટલે હસવું, રડવું, પ્રેમ કરવો, મજા કરવી, એકબીજાને સમજવા, સ્વીકારવા, ક્યારેક લડી લેવું તો ક્યારેક છૂટા પડવાની પીડા પણ ભોગવી લેવી. આપણે બધા માત્ર સુખ જ સુખને આપણા અસ્તિત્વનો હિસ્સો બનાવવા મરણિયા પ્રયત્નો કરીએ છીએ. આપણે છીએ, એને આપણા શ્વાસથી, ધબકારાથી, ખોરાક લેવાની આપણી પ્રક્રિયાથી કે હરવા ફરવાથી સાબિત કરી શકાય છે, પરંતુ આપણે જીવીએ છીએ એ પુરવાર કરવા માટે આપણા અસ્તિત્વમાં કશુંક ઉમેરવું પડે છે.
આ ‘કશુંક’ એટલે શું ? આપણા હૃદયના ધબકારાને માત્ર અવયવ માનવાને બદલે ઈમોશન કે લાગણી માનવાની શરૂઆત કરવાથી આપણા અસ્તિત્વમાં કશુંક ઉમેરાવાનું શરૂ થાય છે. આપણને આ સંવેદના, લાગણી, અનુભૂતિ કે અભિવ્યક્તિ આપણા અસ્તિત્વની સાથે જ મળી છે. પ્રાણી માત્રને આ બધી જ ભેટ મળે છે. વિજ્ઞાને પુરવાર કર્યું છે કે છોડને વહાલ કરવાથી, એની સાથે વાત કરવાથી એ વધુ લીલો રહે છે. ગાયને પંપાળીને એનું દૂધ કાઢવાથી એ શાંતિથી
અને આનંદથી દૂધ કાઢવા દે છે. શ્વાન કે પાલતુ પ્રાણી પણ સ્નેહથી જ વશ થાય છે… આ બધા સામે પોતાની અનુભૂતિ કે અભિવ્યક્તિ પોતાની રીતે આપણા સુધી પહોંચાડે જ છે. અર્થ એ થયો કે જીવતા હોવું એટલે માત્ર શારીરિક રીતે સ્વસ્થ હોવું નહીં, હૃદય ચાલે, ફેફસાં ચાલે અથવા ખોરાક પચી જાય એટલે આપણે જીવી રહ્યા છીએ એવું સાબિત થઈ શકે, પરંતુ આપણા સંબંધો આપણને જીવનનું કારણ આપે છે. આપણી બધી ઇચ્છાઓ, ઝંખનાઓ હૃદયમાં થાય છે એવું આપણે વારંવાર ભાષામાં બોલીએ છીએ. પીડા પણ હૃદયમાં થાય છે, સુખ પણ દિલથી અનુભવાય છે… પરંતુ એ દિલ થોડું બદમાશ છે. નાના બાળક જેવું… એને હજી એના ભલા-બુરાની સમજ નથી. એ તો માગે છે, ન મળે તો ઝઘડે છે. લલચાવે છે. ક્યારેક નાનકડી ચોરી કરી લે છે તો ક્યારેક ન મળે એ માટે ખૂબ દુઃખી થઈને મોટા અવાજે રડે છે, પરંતુ જીવનને ખબર છે કે આ દિલ, અસ્તિત્વ માટે સારું અથવા ભલું શું છે.
આપણે બધા જ, સમયના ચક્રને અટકાવવાનો અથવા ઉંધું કે ઝડપથી ફેરવવાનો નિરર્થક પ્રયાસ કર્યા કરીએ છીએ. કેટલાક જાણીને, સમજીને કરે છે તો કેટલાક અજાણતાં… ભૂતકાળમાં જીવવું, એ જ દિવસોને વાગોળ્યા કરવા, એ જ સંબંધને પકડી રાખવો, ભૂતકાળની કડવાશો કે પીડાઓને આજના સમયમાં યાદ કરી કરીને પોતાને શું ડિસ્કાઉન્ટ મળવો જોઈએ એ વિશેનું વિક્ટીમ કાર્ડ પ્લે કર્યા કરવું કે પછી પોતાને શું નથી મળ્યું ને શું ગુમાવ્યું છે એને આજે મેળવવાના તરફડિયા મારવાં… આ બધા પ્રયાસો સમયના ચક્રને ઉંધું ફેરવવાના છે. સામે પક્ષે કેટલાક લોકો આવતીકાલ, પરમ દિવસ કે વર્ષો પછીનો વિચાર અને પ્લાનિંગ કરે છે. રીયાલિટીમાં અથવા સત્ય તરીકે આપણે બધા જાણીએ છીએ કે આપણી પાસે આવતી, આ ક્ષણ પછીની ક્ષણની માહિતી નથી. તેમ છતાં, આપણું પ્લાનિંગ દસ કે પંદર વર્ષ પછીના સમય માટેનું પણ તૈયાર છે. હવે, કદાચ સવાલ થાય કે પ્લાનિંગ ન કરવું ? પૈસા બચાવવા, ઘર બાંધવું, સંતાનોના ભવિષ્ય માટે મહેનત કરવી એ ખોટું છે ? ના… જરાય નહીં, પરંતુ એ પ્લાનિંગ પરફેક્ટ જ છે અને સફળ જ થવાનું છે એમ માનીને ન જીવવું, એ વધુ સારી રીતે જીવવાનો પ્રયત્ન પુરવાર થશે. આપણે બધા જ આવતીકાલનો વિચાર ચોક્કસ કરીએ, પરંતુ આજને આવતીકાલ માટે બરબાદ ન કરીએ. આજને તો માણીએ જ. આવતીકાલે કદાચ ફરી મજા પડે, ધાર્યું થાય અને પ્લાનિંગ સફળ થાય તો એ સુખ આપણી રાહ જોઈ જ રહ્યું છે-ક્યાંય જવાનું નથી, પરંતુ આવતીકાલે મળશે જ એમ માનીને આજે મજા ન કરવી, આવતીકાલની જ પ્રતિક્ષા કરવી એ બેવકૂફી છે.
જીવનનો અર્થ માત્ર આપણા પુરતો નથી. આપણા હૃદયના ધબકારા સાથે કેટલીયે જવાબદારી, સુખ અને પીડા પણ જોડાયેલા છે. જીવનનો અર્થ પોતાની કાળજી લેવી, એવો પણ થાય છે. કારણ કે આપણે જેની જવાબદારી લીધી છે, અથવા જેણે અત્યાર સુધી આપણી જવાબદારી લીધી એ બધા આપણી સાથે જોડાયેલા છે. આપણે ઘણીવાર ‘અસ્તિત્વ’ની મજા લેવામાં જીવનને અવગણીએ છીએ. સાદી રીતે સમજવું હોય તો, પ્લાસ્ટિકની થેલી ફેંકવી, કોલેસ્ટરોલ હોવા છતાં ભજીયા ઝાપટ્યા જ કરવા, સંતાનની ઇચ્છા સમજ્યા વગર આપણી ઇચ્છા ઠોકી બેસાડવી કે માતા-પિતાને સમય ન આપવો… આ બધું કદાચ આપણા અસ્તિત્વને વધુ સારી રીતે કે આસાનીથી ગોઠવી દેતું હશે, પરંતુ આનાથી જીવનને નુકસાન થાય છે. પ્લાસ્ટિકની થેલી ફેંકવાથી આપણી આસપાસના લોકોનું જીવન અને પર્યાવરણ બગડે છે. કોલેસ્ટરોલ હોવા છતાં ભજીયા ઝાપટવાથી હૃદય પર અસર થાય છે-ઇચ્છા પણ હૃદયમાં જ થાય છે, કદાચ ! પરંતુ એ
બદમાશ હૃદયને-દિલને આપણે જ સમજાવીને કન્ટ્રોલમાં લેવું પડે. સંતાન ઉપર આપણી ઇચ્છા ઠોકી બેસાડવાથી એ વિદ્રોહી થાય અને માતા-પિતાને સમય ન આપીએ તો પછીથી અફસોસ થાય… આ બધું આપણને આપણું જીવન શીખવે છે.
જીવન એક શિક્ષક જેવું છે અને દિલ એક વિદ્યાર્થી જેવું… જીવન આપણને સાચી, સારી વાતો શીખવવાનો પ્રયત્ન કરે છે, પણ પેલા બદમાશ દિલને બહાર ઉડતી ચકલી, ઘેરાયેલા વાદળ કે પાંખો ફફડાવતું કબૂતર આકર્ષે છે. એનું ધ્યાન વર્ગમાં નથી. બદમાશ દિલને, જીવન નામના શિક્ષક ફરી ફરીને વર્ગ તરફ લાવવાનો પ્રયાસ કરે છે, કારણ કે એ શીખવવા માગે છે…
સ્વાનંદ કિરકિરેનું આ ગીત, જીવન અને દિલ વચ્ચેના એક મજાના સંબંધની વાત કરે છે… ‘બદમાશ દિલ મેરી સુને ન, જીદ પે અડા… બદમાશ દિલ તો ઠગ હૈ બડા…’ આમ જોવા જઈએ તો વિશ્વની દરેક કવિતામાં ક્યાંક અસ્તિત્વ અને જીવન સાથે જોડાયેલી એક જુદી જ ફિલોસોફી મળે છે. વિચારીએ તો સમજાય, કે ભાષાની દરેક અભિવ્યક્તિ અંતે તો એક ફિલોસોફી જ છે. જીવન અને અસ્તિત્વને જોડતી એક એવી કડી જે વંચાતી નથી, પણ અનુભવાય છે, સતત !