બાકી કુછ બચા, તો મહેંગાઈ માર ગઈ…

પેટ્રોલ, ડિઝલ, કઠોળ, ઈલેક્ટ્રોનિક્સ વાહન, તેલ, ખાંડ, લોખંડ, સિમેન્ટ… આ લિસ્ટ
આપણે ઈચ્છીએ ત્યાં સુધી લંબાવી શકાય એમ છે. છેલ્લા એક હજાર દિવસમાં થયેલા ભાવવધારાનો
ગ્રાફ કાગળની બહાર નીકળી જાય એટલો ઊંચો છે. કોરોનાએ હજી પોરો ખાધો છે, કશું પૂરું થયું
નથી. ચાઈના અને મધ્ય યૂરોપમાંથી હજી કોરોનાના કેસીસ સંભળાયા કરે છે. જૂનમાં ચોથો વેવ
આવવાની આગાહીઓ કે અફવાઓ હજી આપણને ડરાવે છે. વીતેલા એક હજાર દિવસમાં લગભગ
બંધ થઈ ગયેલું કામકાજ અને ઠપ થઈ ગયેલા ધંધો-રોજગારની કળ વળે તે પહેલાં માની ન શકાય
એવો ભાવ વધારો ઝીંકાયો છે.

એક તરફથી સરકારનો ટેક્સ વધી રહ્યો છે ને બીજી તરફથી ચીજવસ્તુઓના ભાવ. કોરોનામાં
લોકોની નોકરીઓ છૂટી ગઈ છે અને કેટલાક લોકોના પગારનો કપાત હજી ચાલુ છે એવા સમયમાં
એક સામાન્ય માણસની પરિસ્થિતિ કેટલી અઘરી અને મુશ્કેલ હશે એનો અંદાજ એરકન્ડીશન ઘરમાં
રહેતા અને ગાડીમાં ફરતાં, બચત અને સુરક્ષિત ભવિષ્ય ધરાવતા લોકોને આવી શકે એમ નથી.

આપણે બધા એક એવા સમયમાંથી પસાર થયા છે જે સમયે આપણને ઘણું શીખવ્યું છે.
ઘરમાં રહેતા પરિવારજનોની લાગણીઓને સમજતા, વસ્તુ વગર ચલાવી લેતા આપણે સૌ શીખી
ગયા છીએ. હવે જ્યારે મોંઘવારી વધી રહી છે ત્યારે આપણે બધાએ વીતેલા દિવસોને એકવાર યાદ
કરવાની જરૂર છે. કોરોના પછી લગભગ સૌની માનસિકતા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક વિભાગ
એવો છે જેનું માનવું છે કે, પૈસા બચાવીને શું કરવું છે? મજા કરવી જોઈએ, આનંદ લેવો જોઈએ,
આપણા પૈસા આપણે જ વાપરવા જોઈએ, દુનિયા ફરી લેવી જોઈએ, ખાઈ-પી-જીવી લેવું
જોઈએ… બીજો વિભાગ એવો છે જે આ વીતેલા દિવસોથી ડરી ગયો છે. ફરી લોકડાઉન થશે? નો
સવાલ હજી એમને મૂંઝવે છે. પૈસા બચાવીને ‘રેઈની ડેઈઝ’ (ખરાબ દિવસો) માટે વ્યવસ્થા કરી
રાખવાનું એમણે શરૂ કર્યું છે. આ એવા લોકો છે જેમણે ત્રણ મહિના બંધ ફ્લેટમાં ગુજાર્યા છે, એટલે
ફરી આવું કંઈ થાય તો જઈ શકાય એ માટે એમણે ખુલ્લા પ્લોટ ખરીદવા માંડ્યા છે. રોકડા પૈસામાં
બચત સાચવવા માંડી છે…

અને એક, ત્રીજો વિભાગ એવો છે જેમને માટે કોરોના પછી જિંદગી બેહાલ થઈ ગઈ છે. આ
એવા લોકો છે જે હવે મોંઘવારીનો માર સહી શકે એમ નથી. આજે જે ભાવવધારાના આંકડા આપણે
વાંચીએ છીએ એને કદાચ, બદલી નહીં શકીએ, પરંતુ એક સારા નાગરિક અને સારા માણસ તરીકે
જો વીતેલા દિવસોમાંથી કંઈ શીખ્યા હોઈએ તો, જેને સાચે જ જરૂર છે એને માટે મદદનો હાથ
લંબાવવાની આપણી ફરજ છે. ડ્રાઈવર, ડોમેસ્ટિક હેલ્પ, વોચમેન, માળી જેવા લોકોની
સહાનુભૂતિથી એમના ઘરનો ખર્ચ કેવી રીતે ચાલે છે, એવું પૂછીને બાળકની ફી કે મહિનાના રેશનમાં
નાની મોટી મદદ કરવાનો પ્રયત્ન જો દરેક વ્યક્તિ કરે તો ‘ઈચ વન હેલ્પ વન’ના સિધ્ધાંતથી આખા
સમાજને બેઠો કરી શકાય.

જે લોકો નાના પગારમાં જીવે છે, એમના પગાર વધ્યા નથી, ઉલ્ટાના કેટલાક લોકોની નોકરી
છુટી ગઈ છે. કોરોનામાં થયેલા નુકસાનના નામે ઓફિસમાંથી પ્યૂન, ઘરમાંથી મહારાજ કે રસોઈવાળા
બહેન, ડ્રાઈવર કે ડોમેસ્ટિક હેલ્પની છુટ્ટી કરવામાં આવી છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરો ઘટ્યા છે.
રંગ, ફર્નિચર, કપડાં જેવી બાબતો ઉપર કાપ મૂકાયો છે જેને કારણે કારીગરોને પણ કામ મળતું બંધ
થયું છે. આપણા દેશમાં હજીયે એવી માનસિકતા છે કે, મધ્યમવર્ગ અથવા નીચલા મધ્યમવર્ગની
સ્ત્રીઓને સરળતાથી કામ કે વ્યવસાય કરવા દેવામાં આવતો નથી. એક જ વ્યક્તિની કમાણી પર ઘર
ચાલતું હોય અને એની નોકરી છુટે કે કામ મળતું ઓછું થાય ત્યારે શું થાય, એનો વિચાર ઉચ્ચ
મધ્યમવર્ગમાં વસતા લોકોએ જ કરવો પડશે.

સૌથી ખરાબ સ્થિતિ રોજ કમાઈને રોજ ખાનારાની છે. 10-15 હજાર રૂપિયા કમાતા માળી,
વોચમેન કે ડ્રાઈવરના ઘરમાં ચાર જણાં પણ હોય તો ઘરનું ભાડું, ઈલેક્ટ્રીસીટી બીલ, સંતાનોની ફી
અને રોજિંદો ખર્ચ બાદ કરતાં શું વધે? એકવાર આખો પરિવાર રેસ્ટોરામાં જમીને ઊભો થાય તો
હજાર રૂપિયાનું બીલ થઈ જાય, આખો પરિવાર સિનેમા જોવા જાય તો 700-800 રૂપિયાની ટિકિટ
વત્તા નાનોમોટો નાસ્તો થઈને 1000-1200 આપણે ખર્ચી જ કાઢતા હોઈએ છીએ. એવી જ રીતે,
બ્યૂટી, કોસ્મેટિક્સ, પાર્લર કે બિનજરૂરી શોપિંગમાં આપણે જે ખર્ચ કરીએ છીએ એ પહેલાં એકવાર
વિચારીએ તો કદાચ એ ખર્ચ ઘટાડી શકાય. હવે આપણે ખર્ચની પ્રાથમિકતા બદલવી જોઈએ.

માત્ર અંગત સુખ કે મજાનો વિચાર કરવાને બદલે હવે થોડો વિચાર વંચિતોને કે જે લોકો
તકલીફમાં છે એનો કરવો જોઈએ. ભીખ માગીને ખાઈ શકતા લોકો તો હજી પણ સુખી છે, કારણ કે
એમણે કોઈને કશું સાબિત કરવાનું નથી, પરંતુ નીચલા મધ્યમવર્ગમાં રહેતા કેટલાક લોકો માટે જીવન
અતિશય દુષ્કર છે કારણ કે, સામાજિક વ્યવહારો અને કુરિવાજો ઘટ્યા નથી. નવાઈની વાત એ છે કે,
જેની પાસે પૈસા હોય એ સાદગીથી પ્રસંગ ઉજવે તો એમની મોટાઈ અને સરળતાના વખાણ થાય,
પરંતુ જેમની પાસે પૈસા નથી એ સાદગીથી પ્રસંગ ઉજવવાનું નક્કી કરે તો સમાજ એને અપમાનિત
કરે અથવા એમને એકલા પડી જવાની બીક લાગે!

આપણે આ ખોટા દેખાડા અને કુરિવાજોમાંથી પણ બહાર નીકળવું પડશે. ખોટો ખર્ચ ટાળવો
પડશે. ‘બીજાને દેખાડવા’ અત્યાર સુધી જે કંઈ પણ કરતાં હતા એને અટકાવીને ‘બીજાને જીવાડવા’
માટેનો પ્રયત્ન કરવો પડશે. વીતેલા દિવસોમાં આપણે બીજું કંઈ શીખ્યા કે નહીં, પરંતુ માણસનું
મહત્વ તો શીખ્યા જ છીએ. એકમેકને સ્પર્શી ન શકાય, એવા સમયમાંથી પસાર થયા પછી આપણને
સમજાયું છે કે, આપણે બધા જ એકબીજા પર આધારિત છીએ. આ આધાર હવે સાચા અર્થમાં
ટકાવવાનો સમય શરૂ થયો છે. મોંઘવારીના આ સમયમાં આપણને જોઈએ તેટલું, જોઈએ તેનાથી
થોડું વધુ પણ રાખીને, માણીને, સાચવીને, સંઘરીને જે વધે એને બીજા સાથે નહીં વહેંચીએ તો કદાચ
આ સમાજનું માળખું એવી રીતે તૂટશે કે એને ઊભું કરવા જતાં પેઢીઓ બરબાદ થઈ જશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *