બાળકને દત્તક લેવાથી કામ પૂરું નથી થતું: શરૂ થાય છે…

છેલ્લા થોડા સમયથી ભારતના કોઈપણ શહેરમાં આઈવીએફની હોસ્પિટલ્સના
હોર્ડિંગ્સ અને જાહેરાતો જોવા મળે છે. લગભગ દરેક આઈવીએફ હોસ્પિટલ ‘મા’ બનવાના ઈમોશન
અને સંવેદનશીલતા ઉપર પોતાનું માર્કેટિંગ કરે છે. માત્ર ભારતમાં જ નહીં, દુનિયાની કોઈપણ ભાષા,
ધર્મ કે જાતિની સંવેદનશીલતામાં માતૃત્વ એક એવો શબ્દ છે જેની ઓસર અને ઈમોશનલ યુનિવર્સલ-
વૈશ્વિક છે જોકે, બદલાતા સમય સાથે ભારતમાં ઘણા બધા યુગલો હવે બાળકને જન્મ નહીં
આપવાની દિશામાં વિચારી રહ્યા છે અથવા નિર્ણય કરી ચૂક્યા છે. જેમને સંતાન જોઈએ છે એવા
યુગલોમાં પણ બંને સ્વસ્થ હોય અને બાળકને જન્મ આપવા સક્ષમ હોય તેમ છતાં હવે દત્તક લેવાનો
અથવા-અડોપ્ટ કરવાનો એક નવો વિચાર યુવા પેઢીમાં બહુ ગંભીરતાથી અને તેજીથી ફેલાઈ રહ્યો છે.
ઘણા બધા યુવાનો એવું માને છે કે, 135 કરોડની વસતીમાં નવા જીવને આમંત્રણ આપવું એના કરતાં
જે જીવ પૃથ્વી પર આવી ચૂક્યો છે છતાં એને સારું જીવન નથી મળ્યું, એવા કોઈ સંતાનને (છોકરો
હોય કે છોકરી) દત્તક લઈને એને એક સારું જીવન અને શિક્ષણ આપીને પણ માતા-પિતા બની જ
શકાય છે!

અત્યારે એક એવો અંદાજ છે કે, ભારતમાં લગભગ 30 લાખ બાળકો છૂટા પડી ગયા
છે, અનાથ થઈ ગયા છે અથવા એમના માતા-પિતાએ એમનો ત્યાગ કર્યો છે. જેમાંથી માત્ર ચાર
હજાર જેટલા બાળકો દર વર્ષે દત્તક લેવાય છે! છેલ્લા પાંચ વર્ષમાં 19,781 બાળકો દત્તક લેવાયા છે
જેમાંથી 5.58 ટકા બાળકોને કોઈક કારણસર દત્તક લેનારા માતા-પિતા અનાથ આશ્રમમાં પાછા મૂકી
ગયા છે. આ સૌથી ભયાનક અને અનઈચ્છનિય પરિસ્થિતિ છે. સીએઆરએના ચેરપર્સન અલોમા
લોગોએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘માતા-પિતાને દત્તક આપતાં પહેલાં એમનું પૂરું
કાઉન્સિલિંગ થવું જોઈએ. એક પરિવાર માટે બાળક જેટલો અગત્યનો છે એટલો જ બાળક માટે
પરિવાર અગત્યનો છે.’ બાળકને જ્યારે અનાથ આશ્રમમાં પાછું મૂકવામાં આવે છે ત્યારે એને
રિજેક્શનની અને લઘુતાગ્રંથિની લાગણી થાય છે. પોતે પરિવારમાં ન ગોઠવાઈ શક્યા, એને કારણે
એની આસપાસના બાળકો પણ એની મજાક ઉડાવે છે અને ક્યારેક અપમાનિત પણ કરે છે. આ
પરિસ્થિતિમાં એક બાળક માટે જીવનમાં ફરીથી સેટલ થવું વધુ અઘરું બની જાય છે. ખાસ કરીને, છ
વર્ષથી ઓછી ઉંમરના બાળક પર આ બનાવની ખૂબ ગાઢ અને ભયાનક અસર થાય છે. એ પછી
જ્યારે કોઈ પરિવાર એને દત્તક લેવા આવે ત્યારે બાળકમાં અવિશ્વાસ, રિજેક્શનની સાથે સાથે
અપમાનિત થયાની લાગણી પણ એટલી બધી ગાઢ હોય છે કે, એ નવા પરિવારમાં સેટલ થવાનો
પ્રયત્ન જ કરતું નથી!

બાળક પાછાં મૂકી જવાનાં કારણોમાં કેટલીકવાર પારિવારિક સમસ્યાઓ, આર્થિક
મુશ્કેલીઓની સાથે સાથે માતા કે પિતા બેમાંથી એકની બીમારી જેવાં કારણો તો હોય જ છે, પરંતુ
એની સાથે સાથે કેટલીકવાર અનાથ આશ્રમમાં મોટી ઉંમર સુધી રહેલા બાળકની માનસિકતા અને
પરિવારની માનસિકતાનો મેળ નથી પડતો, એ પણ બહુ મોટું કારણ પૂરવાર થાય છે. કેટલીકવાર
પરિવારના વડીલો પણ પારિવારિક રક્તનું બાળક ન હોવાને કારણે એને સ્નેહ કે વહાલથી સ્વીકારી
શકતા નથી! મોટાભાગના પરિવારો કદાચ એટલે જ, ખૂબ નાનું એટલે કે એક વર્ષથી નાની ઉંમરનું
બાળક દત્તક લેવાનું પસંદ કરે છે, પરંતુ દરેક વખતે એવું બાળક ઉપલબ્ધ નથી હોતું ત્યારે જેમ બાળક
નાનું એમ એના પસંદ થઈ જવાની શક્યતાઓ વધુ રહે છે. એક બીજી સમસ્યા એ પણ છે કે, જ્યારે
બાળકને દત્તક લેવા માટે માતા-પિતા પસંદ કરવામાં આવે ત્યારે અનાથ આશ્રમમાં કરવામાં આવતી
પ્રક્રિયા બાળકની સંવેદના અને એના આત્મવિશ્વાસ ઉપર અસર કરે છે. પોતે પસંદ ન થઈ શક્યા, એ
વાતે બાળકને રિજેક્શન અથવા તરછોડાયાનો અનુભવ થાય છે. પોતાની જ સાથે ઉછરી રહેલું અન્ય
બાળક પસંદ થઈ ગયું, ને પોતે રહી ગયા એ વાત એનામાં લઘુતાગ્રંથિને જન્મ આપે છે. બે-ચાર
રિજેક્શન પછી ધીરે ધીરે બાળક સ્વીકારી લે છે કે, હવે પોતાને કોઈ પસંદ નહીં કરે… એટલે એનું
વર્તન, પસંદ ન થવા માટેનું-તોછડું, જડ અને પ્રમાણમાં અસંવેદનશીલ બનતું જાય છે. આ એક
વિષિયસ સાયકલ છે, બાળક વધુ મોટું, વધુ તોછડું એમ પસંદ થવાની શક્યતા ઓછી-રિજેક્શન વધુ
એમ જડતા અને સંવેદનશીલતામાં ઘટાડો વધારે!

લાંબા સમય સુધી અનાથ આશ્રમમાં રહેલા બાળકો માતા-પિતાના સ્નેહ અને યોગ્ય
માર્ગદર્શન વગર, પારિવારિક સ્વીકાર અને એકમેક સાથેના સંબંધોની સમજણ કેળવ્યા વગર જ ઉછરે
છે, એટલે જ્યારે આઠ વર્ષ કે તેથી મોટું બાળક દત્તક લેવામાં આવે ત્યારે એને પરિવારમાં એડજેસ્ટ
થવામાં થોડી વધુ તકલીફ પડે છે એવો અનાથ આશ્રમના સંચાલકોના અનુભવ અને સીએઆરએના
સર્વેમાં જોવા મળે છે. એનું કારણ કદાચ એ છે કે, લાંબો સમય અનાથ આશ્રમમાં રહ્યા પછી આવું
બાળક પ્રમાણમાં મનસ્વી બની જાય છે. અનાથ આશ્રમમાં પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે
એણે આંતરિક અને સાથે જીવતા બાળકોની વચ્ચે ટકવા માટે સતત ઝઝૂમવું પડે છે. આ પરિસ્થિતિ
એની સંવેદનાને થોડી બુઠ્ઠી કરી નાખે છે, એટલું જ નહીં એણે લગભગ સ્વીકારી લીધું હોય છે કે,
હવે એને પરિવાર નહીં મળે!

આવી જ કોઈ વાર્તા ઉપર આધારિત છે નવી ગુજરાતી ફિલ્મ ‘ઈટ્ટા કિટ્ટા’. છેલ્લા
થોડા સમયથી ગુજરાતી ફિલ્મના વિષયોમાં અનેક નવા પ્રયોગો જોવા મળે છે. ચીલાચાલુ,
દકિયાનુસી, એકસરખા, બીબાંઢાળ વિષયોને બદલે ગુજરાતી ભાષાના યુવા ફિલ્મમેકર્સ એમના સમય
સાથે જોડાયેલા, એમની વિચારોના નવા વિષય લઈને આવી રહ્યા છે. એક યુવા કપલને બાળક દત્તક
લેવું છે. અનાથ આશ્રમના નિયમ મુજબ એમણે બે બાળકો દત્તક લેવા પડે છે, જેમાં એક નાનકડી
બાળકી છે, પરંતુ બીજી 13 વર્ષની ટીનએજ છોકરી છે… જીયા અને પ્રિન્સી સગી બહેનો છે, બંને
અનાથ છે… માતા-પિતા અને દાદીનાં આ પરિવારમાં પ્રવેશે છે બે અનાથ છોકરીઓ અને સર્જાય છે
એક સંવેદનશીલ છતાં હ્યુમરસ કથા! બધા પ્રશ્નો અને સમસ્યાઓ પછી પણ એ યુગલ બાળકોને
પાછા મોકલવાનો વિચાર સુધ્ધાં નથી કરતાં, બલ્કે એ પ્રશ્નો સાથે, સમસ્યાઓ સાથે કેવી રીતે કામ
પાડે છે એની કથા છે, ‘ઈટ્ટા-કિટ્ટા’.

બાળકનો દત્તક લેવાનો વિષય સંવેદનશીલ છે. આપણે એક જિંદગીને આપણી જિંદગી
સાથે જોડતા હોઈએ ત્યારે સમસ્યાઓ સર્જાય એ સ્વાભાવિક છે, પરંતુ એક તરછોડાયેલા, નિરાધાર
બાળકને સારું જીવન આપવાનો પ્રયાસ માત્ર પ્રશંસાપાત્ર નહીં, વંદનીય છે. 135 કરોડની વસતીમાં
વસતી વધારવાને બદલે 30 લાખથી વધુ નિરાધાર બાળકમાંથી એકાદને પણ જો સારું જીવન આપી
શકીએ તો આપણે માત્ર એ બાળક માટે નહીં, સમાજ માટે અને રાષ્ટ્ર માટે પણ કશુંક પ્રદાન કર્યાનો
સંતોષ જરૂર મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *