ભારતનો આર્થિક વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. જીવન ધોરણ બદલાઈ રહ્યા છે ત્યારે
જનસામાન્યના પૈસા ખર્ચવાની ક્ષમતામાં પણ વધારો થયો છે. આજથી 10 વર્ષ પહેલાં જ્યારે મલ્ટિપ્લેક્સ
અસ્તિત્વમાં નહોતા ત્યારે ફિલ્મની ટિકિટની કિંમત 50-100 રૂપિયા હતી, મલ્ટિપ્લેક્સ આવ્યા પછી ફિલ્મની
ટિકિટના ભાવ તો વધ્યા જ સાથે સાથે ત્યાં વેચાતા નાસ્તા અને કોલ્ડ્રીંકની કિંમતમાં પણ તોતિંગ વધારો થયો તેમ
છતાં શરૂઆતના વર્ષોમાં મલ્ટિપ્લેક્સ હાઉસફૂલ થતાં રહ્યાં… કોવિડ પછી મલ્ટિપ્લેક્સમાં સિનેમા જોનારા લોકો
ઓછા થઈ ગયા. મધ્યમવર્ગના લગભગ દરેક પરિવારો ફિલ્મ ઓટીટી પર આવે ત્યારે જોવાની પ્રતીક્ષા કરે છે!
એની સામે સિનેમા જોવા જનારા લોકોમાં કેટલાક એવા છે જેમની પાસે હમણા જ પૈસા આવ્યા છે… આ લોકો
સિનેમા જોવા નહીં, બીજા લોકોને ત્રાસ આપવા અને પોતાના પૈસાનું પ્રદર્શન કરવા સિનેમા થિયેટરમાં આવે
છે…
એક દિગ્દર્શક કે લેખકના મનમાં વાર્તા જન્મે ત્યાંથી શરૂ કરીને ફિલ્મ પૂરી થાય અને થિયેટર સુધી પહોંચે
એની વચ્ચે એક હજારથી વધુ લોકો પોતાનો સમય, શક્તિ અને સંસાધનોથી મહેનત કરે છે. ફિલ્મ ગમે કે ન ગમે
એ તો પ્રેક્ષકની પસંદગી ઉપર આધારિત છે, પરંતુ સિનેમા થિયેટરમાં આવનારા કેટલાક લોકો સાચે જ થિયેટરનો
એક્સપિરિયન્સ લેવા અને ફિલ્મને માણવા આવે છે (જોકે આવા લોકોની સંખ્યા ઘટતી જાય છે). બીજા કેટલાક
ટોળાંમાં આવે છે… પહેલાં તો મોડા આવે, મોબાઈલની લાઈટો કરીને સૌને ડિસ્ટર્બ કરીને પોતાની સીટ શોધે એ
પછી કોણ ક્યાં બેસશે એ વિશે મોટા અવાજે ચર્ચા કરશે, ફિલ્મ શરૂ થઈ ગઈ એ વિશે એકબીજાને બ્લેઈમ કરે…
આ બધું પૂરું થાય ને માંડ ગોઠવાય એ પછી ઊભા થઈને પોપકોર્ન અને નાસ્તા લેવા બહાર જાય. પાછા ફરે ત્યારે
શું લાવ્યા છે અને શું નથી લાવ્યા એની ચર્ચા થાય અને જે લાવ્યા હોય એની વહેંચણી અંગે મોટા અવાજે
એકબીજાને કહેવું, મજાક કરવી, હસાહસ કરવી… એ પતે પછી અંદરોઅંદર વાતો શરૂ થાય. ફિલ્મમાં ચાલી રહેલા
દ્રશ્યો વિશે અણછાજતી કોમેન્ટ્સ અને એકબીજાને ફિલ્મના પાત્રો સાથે સરખાવીને મજાક ઉડાવવાની પ્રવૃત્તિ શરૂ
થાય. એમાં જો કોઈ ‘સાચો’ પ્રેક્ષક એ વિશે વાંધો ઉઠાવે તો એમને કહેવામાં આવે કે, ‘અમે પણ ટિકિટ લીધી છે!’
આ બધું ઓછું હોય એમ વચ્ચે વચ્ચે એમના ફોન આવે, ફિલ્મ જોઉ છું થી શરૂ કરીને કોણ કોણ આવ્યા
છે, કઈ ફિલ્મ છે અને કેવી છે એની ચર્ચા પણ ફિલ્મ ચાલતી હોય ત્યારે જ સેલફોન પર કરવામાં આવે. એની
સાથે સાથે ફિલ્મના દ્રશ્યોનું રેકોર્ડિંગ, મિત્રો સાથેની સેલ્ફી પણ ફ્લેશલાઈટ સાથે લેવામાં આવે. આ બધી પ્રવૃત્તિ
દરમિયાન ફિલ્મ જોઈ રહેલા બીજા પ્રેક્ષકોની પરવાહ ન કરવી એટલું જ નહીં, એમનું ધ્યાન ખેંચાય, એ ઈરિટેટ
થાય કે ચીડાય તો આવા ટોળાંને મજા પડે! વધુ જોરથી અવાજ કરવો, જેને ડિસ્ટર્બ થઈ રહ્યું છે એને વધુ ડિસ્ટર્બ
કરવા એ જ જાણે એમનું ધ્યેય હોય એમ આવું ટોળું વધુ તોફાને ચડે છે.
સિનેમા જોવું એક કળા છે. ‘ફિલ્મ એપ્રિસિએશન’ના કોર્સ ચાલે છે. જેમાં ફિલ્મ કેવી રીતે જોવી એ
શીખવવામાં આવે છે. ફિલ્મ જોવાના અનેક પાસાં છે, વાર્તા, દિગ્દર્શન, અભિનય, લાઈટ, સાઉન્ડ, બેકગ્રાઉન્ડ
મ્યુઝિક, ગીત, સંગીતની સાથે સાથે એવા કેટલાય પાસાં છે જેને ફિલ્મ જોતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ.
કેટલાક પ્રેક્ષકો માટે ફિલ્મ જોવી એ કોઈ શાસ્ત્રીય સંગીત સાંભળવા જેવો, કોઈ પુસ્તક વાંચવા જેવો ને ઘણી વાર
તો ધ્યાનમગ્ન થઈ જવા જેવો અનુભવ હોય છે. એવા પ્રેક્ષકો ખરેખર તો સિનેમાને સમજી શકે છે અથવા સાચું
પૂછો તો ફિલ્મમેકર્સ પણ આવા જ પ્રેક્ષકો માટે ફિલ્મ બનાવે છે.
કેટલાક લોકો સિનેમા થિયેટરને બગીચો સમજે છે… ખરેખર તો બગીચામાં પણ હવે ડિસિપ્લિનથી
બેસવું અને વર્તવું પડે છે! જેમની પાસે નવા નવા પૈસા આવ્યા છે, પરંતુ જેમને સમૂહમાં કેવી રીતે વર્તવું એની
સમજણ હજી આવી નથી કારણ કે, આ સમજણ પૈસા ખર્ચીને મેળવી શકાતી નથી. નવા નવા પૈસા આવ્યા
હોય, પરંતુ ઉછેરમાં સંસ્કાર કે સમજણ ન હોય, એવા લોકો આ સમાજ માટે ધીરે ધીરે દૂષણ બનતા જાય છે.
માત્ર થિયેટરમાં જ નહીં, અનેક જાહેરસ્થળોએ આવા લોકો મોટેમોટેથી બોલે છે. વિમાનમાં ચોથી સીટ ઉપરથી
નવમી સીટ ઉપર બેઠેલા એમના ‘ગ્રૂપ’ના લોકો સાથે વાતો કરે છે… બૂમો પાડે છે, હલકી ભાષામાં મજાક કરે છે
ને એ બધું ઓછું હોય એમ જ્યારે કોઈ ફરિયાદ કરે કે થોડી ડિસિપ્લિન રાખવા માટે વિનંતી કરે ત્યારે એ લોકો
તોછડાઈપૂર્વક જવાબ આપે છે, ‘એવું હોય તો થિયેટર બુક કરો’ અથવા ‘એવું હોય તો પ્રાઈવેટ જેટમાં કેમ નથી
જતા?’
સામાન્ય રીતે સજ્જન લોકો આવી મૂર્ખતાપૂર્ણ દલીલનો જવાબ નથી આપતા કારણ કે, એ સમજે છે
કે આવા અણઘડ, મૂર્ખ અને ફક્ત પૈસા સિવાય જેની પાસે કશું નથી એવા લોકો સાથે દલીલ કરવાથી પોતાના જ
સમય અને શાંતિ વેડફાશે!
પૈસા કમાઈ શક્યા હોય અને જીવન ધોરણ બદલાયું હોય એ બહુ જ સારી વાત છે. અભાવમાં જીવ્યા
પછી હવે, જો એક સારી જિંદગી મળી હોય, સુખ અને સગવડ ઉમેરાયાં હોય તો એનું પ્રદર્શન કરવાને બદલે,
તોછડાઈ કે અહંકાર કરવાને બદલે જેની પાસે ‘ખરેખર’ પૈસા છે એના એટિકેટ, સોફેસ્ટિકેટ અને એનું પબ્લિક
બિહેવિઅર જોઈને એમાંથી કંઈક શીખવાનો પ્રયાસ કરવો જોઈએ.
ધ્યાન ખેંચવાનો આવો પ્રયાસ કે જાહેરસ્થળોએ પ્રવાસમાં આવું વર્તન તમને લોકોની નજરમાં ‘જોકર’
અને ‘મૂરખ’ સાબિત કરે છે. પૈસા હોવા અને પૈસા વાપરતાં આવડવા આ બે જુદી બાબતો છે… જે આ સમજી
શકે છે એ સમાજમાં સન્માન પામે છે અને જે ‘આપણે તો ભઈ દેશી…’ કે પછી ‘આપણે કશું શીખવું નથી…’
કહીને નફ્ફટ થઈ જતા લોકો અંતે તો પોતાને જ હાસ્યાસ્પદ પૂરવાર કરે છે.