બારબાર રોના ઔર ગાના યહાં પડતા હૈ; હીરો સે હીરો સે જોકર બન જાના પડતા હૈ…

34 વર્ષનો એક છોકરો અસંખ્ય સપનાં અને ઝળહળતી કારકિર્દી બનાવવાની ઝંખના લઈને
14મી જૂન, 2020ના દિવસે મૃતઅવસ્થામાં મળી આવ્યો. પટનામાં કૃષ્ણકુમાર સિંહ અને ઉષા
સિંહના પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનો આ છોકરો આઈઆઈટીનો ગ્રેજ્યુએટ હતો. રાષ્ટ્રીય
ઓલેમ્પિયાડનો વિજેતા હતો. 2008માં ટેલિવિઝનથી શરૂ થયેલી એની કારકિર્દી 2020માં પૂરી થઈ
ગઈ. એ દરમિયાન એણે 4 ટેલિવિઝન શો અને 12 ફિલ્મો આપી… મૃત્યુનું કારણ શ્વાસ રૂંધાવાથી
થયું એવું પ્રારંભિક રિપોર્ટમાં લખવામાં આવ્યું. પછી સ્યુસાઈડ અને ડિપ્રેશનના કારણો આપવામાં
આવ્યા. એ પછી સીબીઆઈ, ઈડી અને અંતે નાર્કોટિક્સ પણ એના મૃત્યુના કારણની તપાસમાં
જોડાયા. માર્ચ, 2021માં સ્પેશિયલ એનડીટીએસ કોર્ટમાં 12 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ
કરવામાં આવી, જેમાં 33 આરોપી અને 200 સાક્ષી હતા… તેમ છતાં, 2023ની 21મી
જાન્યુઆરીએ જ્યારે એ છોકરાને 38 વર્ષ પૂરાં થયા હોત ત્યારે પણ એના કેસની તપાસમાં કોઈ ઉકેલ
કે નિકાલ આવ્યો નથી! એ છોકરાનું નામ સુશાંત સિંહ રાજપૂત હતું. એક આશાસ્પદ કલાકાર અને
તેજસ્વી વ્યક્તિ હતો એ!

ફિલ્મી દુનિયામાં ‘સ્ટાર’ બનવા દર વર્ષે ભારતના 9.32 ટકા લોકો મુંબઈ આવે છે, એમાંથી
કેટલા લોકો સાચા અર્થમાં સ્ટાર બની શકે છે? ફિલ્મી દુનિયાની કથાઓ જેટલી રોમાંચક અને ‘ફિલ્મી’
લાગે છે એટલી ખરેખર છે નહીં એ વાતની સમજ આવા લોકોને વર્ષ-દોઢ વર્ષમાં પડી જતી હોય છે.
એમાંના કેટલાક ઘરેતી ભાગીને, ચોરી કરીને, માતા-પિતા સાથે ઝઘડીને આવ્યા હોય, એમની પાસે
પાછા જવાની હિંમત કે માફી માગીને પોતાની હાર અથવા ભૂલ સ્વીકારવાની પ્રામાણિકતા હોતી
નથી. ખાસ કરીને, છોકરીઓ ઘણીવાર દેહવિક્રયના વ્યાપારમાં ધકેલાઈ જાય છે. છોકરાઓ નાનામોટા
વ્યવસાય કે નોકરી શોધીને મુંબઈમાં જ સેટલ થઈ જવાનો પ્રયાસ કરે છે અને જ્યારે એમનો સંઘર્ષ
દમ તોડી દે, એ હારી જાય ત્યારે એમાંના કેટલાક આત્મહત્યા પણ કરે છે. સુશાંત સાથે આવો કોઈ
પ્રશ્ન જ નહોતો! એ સફળ હતો, એની પાસે એના મૃત્યુ પછી પણ રિલીઝ થનારી એક ફિલ્મ બાકી
હતી! અખબારોના રિપોર્ટ્સ મુજબ સુશાંતના જીવનમાં પહેલાં અંકિતા લોખંડે, પછી સારા અલી
ખાન, ક્રિતી સેનન અને પછી રિયા ચક્રવર્તી જેવી છોકરીઓ એક પછી એક આવતી-જતી રહી. એ
ડ્રગ્સ લેતો, કોઈ આયલેન્ડ પર બોટમાં જતો અને ત્યાં પાર્ટી થતી! જે દિવસે એનું મૃત્યુ થયું એવો
દાવો કરવામાં આવે છે એ દિવસે એના બાંદ્રાના ઘરમાં રૂમ અંદરથી લોક હતો, ચાવીવાળાને
બોલાવવામાં આવ્યો. દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે એ ‘મૃતઅવસ્થામાં મળ્યો’ એમ પ્રાથમિક
તપાસમાં લખવામાં આવ્યું છે…

એ પછીનો થોડો સમય નેપોટિઝમ, ડ્રગ્સ અને ફિલ્મી દુનિયામાં ચાલતા જાતભાતના ગોટાળા
વિશે ઘણું બધું લખાતું રહ્યું-વંચાતું રહ્યું. બહુ ઓછા લોકો જાણે છે કે, ફિલ્મસ્ટાર જ્યારે એક લેવલ
પર પહોંચી જાય ત્યારે એને ‘મેનેજ’ કરવા માટે એજન્સી શોધવી પડે છે. એ એજન્સી એને કહે છે, શું
પહેરવું, ક્યાં જવું, કોની પાર્ટીમાં હાજર રહેવું અને ક્યાં ગેરહાજર રહેવું. એણે કોની સાથે પોતાની
રિલેશનશિપની અફવાઓ ઉડાડવી અને જો સાચી રિલેશનશિપ હોય તો કેવી રીતે છુપાવવી.
પ્રોડ્યુસર સાથે પૈસાની લેવડદેવડ અને કોન્ટ્રાક્ટ આ એજન્સી મારફત થાય છે, જેનું તગડું કમિશન
ચૂકવવું પડે છે. આ એજન્સી ‘કાસ્ટિંગ કંપની’થી અલગ છે જે કલાકારનું પબ્લિક રિલેશન, સોશિયલ મીડિયા
અને એના એન્ડોર્સમેન્ટ વિશે કામ કરે છે. આપણને ક્યારેક નવાઈ લાગે, પણ આપણે જે ફિલ્મ કલાકારોને જોઈને
અભિભૂત થઈ જઈએ છીએ, એમના એરપોર્ટ લૂક, જિમ લૂક, પાર્ટી લૂક અને પ્રાઈવેટ મોમેન્ટ્સના ફોટા જોઈને
આપણે એમના જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ એ કલાકારો ખરેખર આવી કોઈક એજન્સીની આંગળીએ
નાચતા પપેટ (કઠપૂતળી) જેવા છે. સતત ચર્ચામાં રહેવા માટે-પ્રશંસકો અને પબ્લિકની નજરમાં પોતાનું માન
અને સ્થાન ટકી રહે એ માટે મોટાભાગના કલાકારો ‘કંઈ પણ’ કરવા તૈયાર હોય છે. કરોડોના એન્ડોર્સમેન્ટ
હાથમાંથી જાય નહીં એ માટે આ એજન્સીઓ કૂતરા-બિલાડાની જેમ લડે છે. એમના અંગત
જીવનમાં સતત દખલ કરે છે અને એમને ‘મેનેજ’ કરવાના બહાને એમને ‘કંટ્રોલ’ કરે છે. સુશાંતના
મૃત્યુ પછી પહેલીવાર જ્યારે આ વિવાદ ચગ્યો ત્યારે એવી પણ એક વાત બજારમાં આવેલી કે, સુશાંત
સિંહે એક જાણીતી કંપનીએ પોતાની ફિલ્મ માટે કરારબધ્ધ કરેલો જેને માટે એને ત્રણ મહત્વની
ફિલ્મો છોડવી પડેલી અને અંતે જે ફિલ્મ માટે કરારબધ્ધ કરેલો એ તો બની જ નહીં! આ એક બહુ
મોટી ગેમ છે. ઉગતા સિતારાને ડામી દેવાની આ રમત છેલ્લા થોડા વર્ષોમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના
બજારમાં આવી છે. કોઈ એક કલાકારને બે વર્ષ માટે બે-ચાર કરોડ આપીને કરારબધ્ધ કરી લેવો, આવી
200-500 કરોડની ફિલ્મો બનાવતી કંપનીઓ માટે બહુ મોટી વાત નથી. સામાન્ય રીતે કોન્ટ્રાક્ટ
એવા પ્રકારનો હોય છે કે, જ્યાં સુધી કઠિત ફિલ્મ પૂરી ન થાય ત્યાં સુધી એ બહાર ક્યાંય ફિલ્મ કે
એન્ડોર્સમેન્ટ કરી શકે નહીં. નાના ગામથી આવતા ભોળા અને ઈન્ડસ્ટ્રીની રમત નહીં જાણતા ‘ગોડ
ફાધર’ વિનાના કંઈ કેટલાય કલાકારો આવી રમતનો ભોગ બન્યા જ છે. શતરંજની રમતની જેમ
આખી બાજી ગોઠવાય અને એમાં કોઈ આશાસ્પદ કલાકારને આવી રીતે કરારબધ્ધ કરીને ઘરે બેસાડી
દેવાય તો જ મોટામોટા સ્ટાર મ્હોં માંગ્યા ભાવ અને એન્ડોર્સમેન્ટ મેળવી શકે.

ત્રીજી અને બહુ રસપ્રદ રમત છે, રોલ કપાવવાની. મોટામોટા સ્ટાર્સની સામે જ્યારે આવા
કોઈ બ્રિલિયન્ટ કલાકારને લેવામાં આવે અને એનું પરફોર્મન્સ બહુ સારું હોય ત્યારે એના સારા
મહત્વના સીન કપાઈ જાય અથવા એના ડાયલોગ પર સ્ટારના રિએક્શનનો ક્લોઝઅપ નાખી દઈને
જે-તે કલાકારની મહેનત પર પાણી ફેરવી દેવાની રીત ફિલ્મજગતમાં જૂની અને જાણીતી છે.

માનવામાં આવે છે કે, સુશાંત સિંહ આ ત્રણેય રમતનો ભોગ બન્યો હતો. કદાચ, આ
ત્રણેયમાંથી બચી ગયો હોય એવા કલાકારને ‘મોટા ગ્રૂપ’ અને ‘ઈન્ફ્લ્યુએન્શલ બેનર’માં ઘૂસવા માટે
પાર્ટીઓમાં અને ગેધરિંગ્સમાં બોલાવવામાં આવે. મોટામોટા કલાકારો એની મજાક ઉડાવે. એને શરાબ
પીવાની કે ડ્રગ્સ કરવાનો આગ્રહ કરે… નાનો અને નવો કલાકાર ત્યાં ટકી જવા માટે, ‘મોટા લોકો’ ને
ખુશ રાખવા એ બધું કરે પણ ખરો-એમ માનીને કે એમની સાથે રહેવાથી, એમની સાથે દોસ્તી
રાખવાથી એને ફિલ્મી દુનિયામાં કામ અને નામ મળશે! પરંતુ, આ સૌથી ગંદી અને ક્રૂર રમત છે. એને
કામ તો મળતું જ નથી, પરંતુ એ આવી પાર્ટીઓનો ‘જોકર’ બની જાય છે.

ફિલ્મી દુનિયામાં મહેનત અને નસીબ બંને પર સફળ થવાય છે. જે કલાકારો પોતાના
સંઘર્ષની કથા કહે છે, એમની પાસે ક્યાંક કોઈક એવી શક્તિ, ગ્રહો, કોઈના આશીર્વાદ કે દુઆ, એમના
કર્મો છે જે સફળ થયા છે અને આજે પણ ટક્યા છે. સુશાંત પાસે કદાચ એવી સમજણ કે
ગણતરીપૂર્વક ફૂંકી ફૂંકીને પગલાં મૂકવાની આવડત નહોતી… માટે આજે, એ આપણી વચ્ચે નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *