બરબાદે ગુલિસ્તાં કરને કો, બસ એક હી ઉલ્લુ કાફી હૈ…

રવિવાર, 30 ઓક્ટોબરની સાંજે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યો. મૃત્યુ પામેલાનો આંકડો
150ની આસપાસ ફરે છે, સાથે ફરે છે વાઈરલ થયેલા અનેક વીડિયો! પુલ કેવી રીતે તૂટ્યો, એમાં
એન્જિનિયરિંગ ખામી હતી, દસનો પાસ બારમાં અને પંદરનો સત્તરમાં વેચાયો જેવી અનેક બાબતો
વિશેના વીડિયો ફરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ મોરબીની મુલાકાત લીધી અને ત્યારે ફાટેલા ગાદલા
બદલીને નવા મૂકવામાં આવ્યા. કુલર બદલી નાખવામાં આવ્યું. હોસ્પિટલ ચોખ્ખી કરી નાખવામાં
આવી એ અંગેના વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે… સ્મશાનમાં સ્વજનને અગ્નિને સોપવા માટે
પ્રતિક્ષા કરી રહેલા લોકોની સાથે સાથે અનાથ થયેલા બાળકો કે ખતમ થઈ ગયેલા આખા પરિવાર
વિશેની હૃદયદ્રાવક કથાઓ આપણે સાંભળી રહ્યા છીએ, પરંતુ ભારતીય માનસિકતા મુજબ આ કંઈ
બહુ લાંબા સમય સુધી આપણા ઉપર હાવિ રહેશે નહીં… કારણ કે આપણે દુર્ઘટનામાંથી કશું શીખીએ
એવી પ્રજા જ નથી.

ડૉ. યોગેશભાઈ વસાણીએ પોતાની ફેસબુક ઉપર મોરબીની કથા લખી છે. એક વ્યાપારી
(વણિકની દીકરી) મચ્છુ નદીમાં પાણી ભરતી હતી. મોરબીના કુંવરે ઘોડો આડો ઊભો રાખીને એ
દીકરીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કર્યું. આ દબાણથી ડરી ગયેલી દીકરીના મનમાં ભય પેસી
ગયો, “હવે મોરબીના રાજા મારું અપહરણ કરાવશે અને કુંવર સાથે બળજબરીથી પરણાવશે.
પરજ્ઞાતિમાં લગ્ન થશે તો મહાજન અને સમાજ વચ્ચે મારા પિતાની ઈજ્જત શું રહેશે?” આ વિચારે
એનો પીછો ન છોડ્યો અને 16 વર્ષની આ છોકરીએ (અત્યારે જ્યાં ત્રણ દરવાજા પાસે ગ્રીન ચોક છે
ત્યાં) ઝેર ખાઈને સતી થવાનો નિર્ણય કર્યો. એણે ‘ડૂલ’નો શ્રાપ આપ્યો (એક પ્રસિધ્ધ લોકગીત કહે છે,
જાવા દો મોરબીના રાજા, જાવા દો જીવાજી ઠાકોર નથી કરવાં મૂલ, તારી મોરબી થાશે ડૂલ…) ઈ.સ.
1957ની 30મી ઓક્ટોબરે મચ્છુના છીછરા પાણીમાં થઈને સામે કાંઠે રાજ મહેલમાં જઈ રહેલા
અનેક લોકો ઉપર ઘોડાપુરનું પાણી ફરી વળ્યું. 11.8.79 મચ્છુ ડેમ તૂટ્યો. 2001માં ભૂકંપ અને
2022માં ઝૂલતા પુલની દુર્ઘટના… (દર 21 વર્ષે મોરબીમાં દુર્ઘટના બને છે, એની પાછળ આ કુંવારી
સતીનો શ્રાપ છે એવું ડૉ. યોગેશભાઈના લેખમાંથી ફલિત થાય છે) ટૂંકમાં, મોરબીમાં જે કંઈ બન્યું
એને માટે ઓરેવા કંપની, પુલ રિપેર કરનાર એન્જિનિયર, વધુ પડતી ટિકિટ વેચનાર વ્યક્તિ સહિત સૌ
જવાબદાર હશે જ, પરંતુ સૌથી વધુ જવાબદાર એ લોકો છે જેમણે ઝુલતા પુલ ઉપર કૂદકા માર્યા,
પુલને જોરજોરથી હલાવ્યો અને એમની સાથે ઊભેલા સહપર્યટકોની ચિંતા કર્યા વગર મૂર્ખની જેમ
એક જૂના, ઐતિહાસિક સ્મારકને નુકસાન પહોંચાડ્યું. આવા લોકો દરેક જગ્યાએ હોય છે, જે
નુકસાન કરવામાં, અન્યનું ધ્યાન આકર્ષિત કરવામાં અને કાયદા તોડવામાં પોતાની બહાદુરીનું પ્રદર્શન
કરે છે. આ લોકો માત્ર મૂર્ખ જ નહીં, ગુનેગાર પણ છે.

જેણે ભારતની બહાર પ્રવાસ કર્યો છે એવા લોકો વિદેશમાં સચવાયેલા સ્મારકો, ઐતિહાસિક
સ્થળો, ચર્ચીસ કે એમના જાણીતા લેખક, કલાકારોના ઘરો જોઈને અહોભાવ અનુભવે છે. ‘એ લોકો
કેવું સાચવે છે!’ એવું કહેનારા ઘણા લોકો પોતે પણ આપણા ઈતિહાસના મહત્વના પાનાં ઉપર
અંકિત હોય એવા સ્મારકોને નુકસાન પહોંચાડતા પહેલાં એકવાર વિચારતા પણ નથી. પોરબંદરમાં
આવેલા ગાંધીજી અને કસ્તુરબાના ઘરો, લાલકિલ્લો, પૂનાનો શનવાર વાડો, માહેશ્વરનો ઘાટ,
બુધ્ધિસ્ટ મોનેસ્ટ્રી, હિમાલયના પહાડો કે અડાલજની-રાણકી વાવ જેવા કેટલાય સ્થળો છે જે
ભારતના ઈતિહાસની ઝળાહળા થતી તસવીરો છે. આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ અને સરકાર પોતાના
તરફથી ગમે તેટલા પ્રયાસ કરે, પરંતુ જ્યાં સુધી પર્યટકની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી આપણે
આ દેશના ઈતિહાસને સાચવવામાં અને પર્યટકોની સલામતીમાં સતત નિષ્ફળ જઈશું.

ભારતનો પ્રવાસી વિદેશમાં પ્રવાસ કરે છે ત્યારે અત્યંત અનુશાસન અને સન્માનપૂર્વક વર્તે છે.
એને ખબર છે કે બીજા દેશમાં જો એ મૂર્ખતાપૂર્વક વર્તીને સ્મારકને નુકસાન કરશે, કચરો ફેંકશે તો
એણે દંડ ચૂકવવો પડશે. આપણા દેશમાં હજી સુધી સરકાર વિનંતીઓ કરે છે-જાહેરાતો બનાવે છે,
પબ્લિક અવેરનેસનો પ્રયાસ કરે છે, પરંતુ કડક અનુશાસન માટે મજબૂત પગલાં લેવાતા નથી. ‘અહીં
કચરો ફેંકવો નહીં’ એવા પાટિયાની નીચે જ કચરાના ઢગલા જોવા મળે છે ત્યારે આપણા દેશ
બાંધવોની ‘દેશભક્તિ’ જોઈને પીડા પણ થાય છે ને ગુસ્સો પણ આવે છે.

એક તરફથી આપણે આપણી ‘સંસ્કૃતિ’ના ગુણગાન ગાઈએ છીએ. આર્યભટ્ટ, લીલાવતી કે
વૈદિક જ્ઞાન વિશે, રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો અને ઉપનિષદોના જ્ઞાન વિશે ‘ભારતીય’
હોવાનું ગૌરવ અનુભવ અનુભવીએ છીએ, પરંતુ એ જ વારસાને જાળવવા માટે આપણે શું કરીએ
છીએ? કેટલાં માતા-પિતા પોતાના સંતાનને નજીકમાં આવેલા ઐતિહાસિક સ્મારક જોવા લઈ
જવાનો સમય કાઢે છે? પંડિત વિષ્ણુ શર્મા રચિત પંચતંત્રની કથાઓનો બોધ કે ઉપનિષદોમાં આવેલી
નાની નાની કથાઓ કહીને કેટલાં માતા-પિતા સંસ્કારનું સિંચન કરે છે? જે આ નથી કરતાં એમના
સંતાનો અંતે ઐતિહાસિક સ્મારકોમાં પોતાના નામ લખીને એની દીવાલોને ગંદી કરે છે અથવા આવા
ઝૂલતા પુલ જેવા અદભૂત સ્મારકને નુકસાન પહોંચાડીને અનેકના જીવ લેવાનું પાપ કરે છે!

મંદિરો બાંધવાથી કે મોટામોટા ઉત્સવો ઉજવવાથી, જ્ઞાતિના મેળાવડા કરવાથી કે યજ્ઞો
કરવાથી સંસ્કૃતિની જાળવણી થઈ શકશે એવું ખરેખર લાગે છે? આપણે બાળકોને સંસ્કાર આપવા
મથી રહ્યા છીએ, પરંતુ ‘સંસ્કાર’ના નામે આપણે એમને ધર્મ શીખવી રહ્યા છીએ. સત્ય તો એ છે કે,
‘ધર્મ’ એ માણસની માનસિકતા સાથે જોડાયેલી બાબત છે, પરંતુ ‘સંસ્કૃતિ’ હજારો વર્ષોથી સચવાયેલો
માનવજીવનનો ભવ્ય વારસો અને ઈતિહાસ છે. એને ધર્મ સાથે સંબંધ નથી. વિધર્મી બાદશાહો કે
અંગ્રેજોએ બાંધેલા સ્મારકો પણ માનવ સંસ્કૃતિના મહત્વના પૂરાવા છે. સંસ્કૃતિ સચવાય છે
સંસ્કારથી, અને ‘સંસ્કાર’ બાળઉછેરનો એક સૌથી મહત્વનો હિસ્સો છે.

આજ પછી ક્યારેય પણ પર્યટક તરીકે ભારતના કોઈપણ ઐતિહાસિક સ્મારકમાં ઊભા હો-
ત્યારે આવા મૂર્ખ, બેજવાબદાર કે કાયદાને અવગણતા લોકોને જુઓ ત્યારે એક સાચા ભારતીય
નાગરિક તરીકે એમને અટકાવવાની આપણી જવાબદારી નહીં ભૂલીએ, તો આ મૃતકોના આત્માની
શાંતિ માટે સાચી પ્રાર્થના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *