‘ભારતમાં લગ્ન સંબંધિત બળાત્કારની કોઈ વ્યાખ્યા કાયદાકીય રીતે મળતી નથી.’ એડવોકેટ
કરુણા નાન્દીએ કરેલી પબ્લિટ લિટિગેશનના જવાબમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, ‘સરકાર હજી આ
વિશે વિચારી રહી છે. અત્યારે આ કાયદા વિશે જે માહિતી અને સ્પષ્ટતામાં પહેલાં કહ્યું હતું કે,
‘કોઈપણ પુરૂષની પત્ની 15 વર્ષથી ઉપરની હોય તો એની સાથે પતિના શારીરિક સંબંધને રેપ અથવા
બળાત્કાર ગણી શકાય નહીં…’
2017માં સુપ્રીમ કોર્ટે આ ઉંમર 18 વર્ષની કરી, પરંતુ લગ્નસંબંધમાં શારીરિક સંબંધ બાબતે
સ્ત્રીની ઈચ્છા-અનિચ્છા વિશે આજે પણ કોઈ સ્પષ્ટતા મળતી નથી. સેક્શન 375 અને 376
બળાત્કાર વિરુધ્ધના કાયદા છે, પરંતુ એફઆઈઆર કરાવતી વખતે જો સ્ત્રી એવું લખાવે, ‘આ મારા
પતિ છે અને એમણે મારી ઈચ્છા વિરુધ્ધ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે’ તો એ ફરિયાદ 375 અને
376માં લાગુ પડતી નથી! આપણે સાદો અર્થ કાઢીએ તો એવું સમજાય કે, લગ્ન કરી લીધા પછી
કોઈપણ પુરૂષને પોતાની પત્ની સાથે એની ઈચ્છા-અનિચ્છા જાણ્યા વગર શારીરિક સંબંધ પ્રસ્થાપિત
કરવાની પરવાનગી મળી જાય છે. સ્ત્રી આ બાબતે પોલીસ કે કાયદાની મદદ લઈ શકતી નથી…
દિગ્દર્શક બાસુ ભટ્ટાચાર્યએ લગ્નજીવન અને એની સાથે જોડાયેલી સમસ્યાઓ વિશે
‘અનુભવ’, ‘આવિષ્કાર’, ‘ગૃહપ્રવેશ’, ‘આસ્થા’ અને ‘પંચવટી’ જેવી ફિલ્મો બનાવી. જાણીને નવાઈ
લાગે, પરંતુ એમની પત્ની રિન્કી ભટ્ટાચાર્ય (બિમલ રોયની પુત્રી)એ ‘બિહાઈન્ડ ક્લોઝ્ડ ડોર્સ’ નામનું
પુસ્તક લખ્યું છે. જેમાં પોતાની સાથે સાથે બીજી સ્ત્રીઓની આપવીતી રજૂ કરી છે. બંધ બારણા
પાછળ સ્ત્રી ઉપર થતા અત્યાચાર વિશે અનેક પુસ્તકો લખાયાં છે. જેમાં, ‘મેરિટલ રેપ’ નામનું પુસ્તક
ગેબ્રિયા ટોરેસ્ટ અને કેરસ્ટી લોનું લખેલું પુસ્તક ‘મેરિટલ રેપ: કન્સેટ, મેરેજ એન્ડ સોશિયલ ચેન્જ ઈન
ગ્લોબલ કોન્ટેક્સ્ટ’. ખરેખર વાંચવા જેવું છે, પરંતુ વિદેશી લેખક દ્વારા લખાયેલું આ પુસ્તક ભારતીય
જનસમાજની વાતને પૂરી રીતે આપણી સામે મૂકી શકતું નથી.
ભારતમાં મોટેભાગે નાના શહેરો અને ગામડાઓમાં સ્ત્રીઓ આર્થિક રીતે પગભર નથી. જે
સ્ત્રીઓ પતિના આધારે ગૃહિણી બનીને જીવે છે એને માટે પોતાનો અવાજ કે અભિપ્રાય જેવું ખાસ
કશું હોતું નથી. માતા-પિતા દીકરીને બાળપણથી જ એવું શીખવે છે કે એનું સાસરું જ એનું સાચું ઘર
છે. આપણે ગમે તેટલા આધુનિક થઈ જઈએ, પરંતુ એ આધુનિકતા ભોજન, વસ્ત્રો કે વાણીવિલાસ
પૂરતી મર્યાદિત છે. વિચાર અને વ્યવહારમાં આ આધુનિકતા હજી સુધી પ્રવેશી નથી. ગૂંચવણ એ છે
કે, જે સાચા અર્થમાં આધુનિકતા છે એને આપણે ‘સંસ્કૃતિનું અપમાન’ કહીને એનો વિરોધ કરીએ
છીએ ને બીજી તરફ, સ્ત્રીઓનું સિગરેટ પીવું, શરાબ પીવું, ઓછા વસ્ત્રો પહેરવા કે લગ્ન પહેલાંના
શારીરિક સંબંધોને ‘આધુનિકતા’ માનીને એક આખી પેઢી ખોટી દિશામાં ધસી રહી છે. વિદેશી
ઓટીટી પ્લેટફોર્મ્સ એલજીબીટીક્યૂને સરોગેટલી (છૂપી રીતે) પ્રમોટ કરી રહ્યા છે, આધુનિકતાના નામે
ખોટી બાબતોને પ્રોજેક્ટ કરવામાં આવે છે, પરંતુ જ્યાં સાચે જ વિચારો બદલાવવા જોઈએ,
વ્યવહારમાં મૂકાવા જોઈએ ત્યાં આપણે દંભ અને રૂઢિચુસ્તતામાં ફસાઈ જઈએ છીએ.
સ્ત્રીના શરીર પર સ્ત્રીનો અધિકાર હોય એ કંઈ બહુ મોટી માગણી નથી. પુરૂષના શરીરની
રચના એવી છે કે, જો એ ‘ઈચ્છા’ અથવા ‘ઉત્તેજના’ ન અનુભવે તો એનું શારીરિક શોષણ શક્ય નથી.
સ્ત્રીના શરીરની રચના જ એને નબળી બનાવે છે. એની ઈચ્છા કે અનિચ્છાએ સ્ત્રી સાથે શારીરિક
સંબંધ બાંધવો શક્ય છે… બીજી મહત્વની બાબત એ છે કે, મોટાભાગની સ્ત્રીઓ લગ્નને સલામતી
અને સેક્સને પોતાની જવાબદારી માને છે. ‘પતિને ‘ખુશ રાખવો’ એટલે એને પોતાનું શરીર સોંપી
દેવું’, આવી કોઈ વ્યાખ્યા ક્યાંય, શાસ્ત્રોમાં કે દામ્પત્ય જીવનના સૂત્રોમાં આપવામાં આવી નથી.
સમાજમાં સ્ત્રીને સદીઓથી ‘વસ્તુ’ બનાવીને એનો વિનિમય થતો રહ્યો છે.
માધવી અને ગાલવની કથા હોય કે ઈતિહાસમાં, રાજકારણમાં, બિઝનેસમાં થતા રહેલા
લગ્નો… પત્નીને બદલે પોલિટિકલ શેલ્ટર, બિઝનેસ એસોસિએશન કે રાજકીય સાંઠગાંઠ આપણા
દેશમાં જ નહીં, વિશ્વભરમાં થતી રહેલી એક અપમાનજનક બાબત છે. ‘ક્રાઉન’ નામની એક વેબ
સીરિઝ, જે બ્રિટિશ રાજપરિવારની અંગત જિંદગી પર બનાવવામાં આવી છે એમાં પ્રિન્સ ચાર્લ્સ
(જોશ ઓ’કોનોર) ફોન ઉપર એના મામા લોર્ડ માઉન્ટબેટન (ગ્રેગ વાઈસ)ને કહે છે, ‘હું ભારતના
રાજકારણનો હિસ્સો નથી કે મારે મારા લગ્નને દાવ પર લગાવીને કેટલાક રાજકીય નિર્ણયો કરવાની
ફરજ પડે.’
આપણી પાસે એવા કેટલાય કિસ્સા છે જેમાં અંજાઈને કે દબાઈને લગ્ન કર્યાં પછી સ્ત્રીને
વિદ્રોહ કરીને એ લગ્નને તોડવાની ફરજ પડી હોય. એલિઝાબેથ ટેલર, એન્જલીના જોલી, ડિમ્પલ
કાપડિયા, પ્રિન્સેસ ડાયના, રિના રોય, ઝિન્નત અમાન… લિસ્ટ ઘણું લાંબું થઈ શકે એમ છે અને આ
સફળ પ્રસિધ્ધ સ્ત્રીઓ સિવાય એમાં દેશની 35 ટકા સ્ત્રીઓનો સમાવેશ થાય છે એમ ઓલ ઈન્ડિયા
ડેમોક્રેટિક વિમેન્સ એસોસિએશનનો એક સર્વે કહે છે. એ જ સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે,
62 ટકા ભારતીય લગ્નો (અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ) માં પહેલાં પાંચ વર્ષમાં સ્ત્રીને સમજાઈ
જાય છે કે, એ આ લગ્નમાં રહેવા માગતી નથી, પરંતુ પરિવાર, સંતાનો, આર્થિક મજબૂરી કે
સામાજિક સમસ્યાઓને કારણે એ આવા લગ્નોમાંથી બહાર નીકળી શકતી નથી, જ્યારે આવી
માનસિક સ્થિતિમાં સ્ત્રી લગ્નમાં ટકવાનો પ્રયત્ન કરતી હોય ત્યારે એની શારીરિક અનિચ્છા
સ્વાભાવિક છે. એવા સમયમાં એના વાંધા વિરોધ કે પીડા અને સમસ્યા સમજ્યા વગર એની સાથે
બાંધવામાં આવતો શારીરિક સંબંધ બળાત્કાર સિવાય બીજું શું કહેવાય ?
જોકે, આ એક તરફની વાત છે. કેટલીક સ્ત્રીઓ શારીરિક સંબંધનો ઉપયોગ ચોકલેટ કે
લાલચની જેમ પણ કરતી હોય છે, જેને નકારી ન શકાય. પતિ પાસે ધાર્યું કરાવવા સ્ત્રી બેડરૂમનો પૂરો
લાભ ઉઠાવતી હોય એવા કિસ્સા પણ ઓછા નથી! કોર્ટની એ ટિપ્પણીને સ્વીકારવી પડે કે જો
મેરિટલ રેપને ગુનો ગણવામાં આવે તો એનો દુરુપયોગ થવાની સંભાવના પણ ઓછી નથી. જેમ
જાતીય શોષણ વિરૂધ્ધના કાયદા, 375/376 કે 498ના કાયદાનો ભરપૂર દુરુપયોગ જોવા મળે છે
એવી જ રીતે જો મેરિટલ રેપને ગુનો ગણીને એની વિરુધ્ધ કાયદા બનાવવામાં આવે તો એનો
દુરુપયોગ નહીં થાય એવું કોઈ વચન હજી આપણી પાસે નથી.