આમ તો ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા, વ્હોટ્સએપ યુનિવર્સિટી અને
ઈન્સ્ટાગ્રામ, ફેસબુક માનસિક ત્રાસ ફેલાવવાનું જ કામ કરે છે. અત્યાર સુધી ગામના
ચોરા પર બેસીને લોકો જે કરતાં હતા એ હવે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં થાય છે.
બીજાની પંચાતને હવે પોસ્ટ અને નિંદા અને અપમાનને હવે ટ્રોલિંગ કહેવાય છે! આ
જ સોશિયલ મીડિયાએ કેટલાય ખોવાયેલા મિત્રોને ભેગાં કર્યા છે, તો કેટલાય બેસ્ટ
ફ્રેન્ડ્સને છૂટા પાડી નાખ્યા છે. આ જ સોશિયલ મીડિયાને કારણે છૂટાછેડા થયા છે
અને આ જ સોશિયલ મીડિયાને કારણે-મેટ્રીમોનિયલ વેબસાઈટને કારણે કેટલાંય
વ્યક્તિઓ દંપતિ બન્યા છે! જેમ દરેક બાબતમાં સારું અને ખરાબ બંને હોય જ, એવી
જ રીતે સોશિયલ મીડિયા પર કેટલીકવાર બહુ રસપ્રદ લખાણો પણ જડી જ આવે છે.
જોકે, ગુલઝાર સાહેબ, અહેમદ ફરાઝ, ફૈઝ અહેમદ ફૈઝ જેવા મહાન લેખકોના નામે
કેટલાક પોતાની પોસ્ટ પણ ફરતી કરે છે, પરંતુ ક્યારેક કોઈક અજાણ્યા કવિની
રચના પણ હાથમાં આવે છે… એ રચના આપણને ભીતરથી હચમચાવી મૂકે એવી
પણ હોય છે!
હિન્દી ભાષામાં સૌરભ ભાર્ગવ ચંદ્રા નામના એક જાણીતા અથવા અજાણ્યા
કવિની કવિતા હાથમાં આવી છે. ખરેખર એક પુરુષ આવી કવિતા લખી શકે, ત્યારે
સમજાય કે દરેક શરીરને યીન અને યાંગમાં કેમ વહેંચાયું છે! કેમ અર્ધનારિશ્વરની
કલ્પના કરવામાં આવી છે અથવા રાધાકૃષ્ણને એકમેકના અભિન્ન અસ્તિત્વ કહેવામાં
આવે છે. આ કવિએ આજના જમાનામાં જન્મેલી દીકરીની વેદનાને બહુ અદભૂત રીતે
મૂકી છે.
સુકુન સે પલી માં તેરી બલાઓ મેં,
પર ખતરે મેં રહી જમાને કી નિગાહોં મેં.
માના ઘરમાં પિતાના વહાલ સાથે સુરક્ષિત ઉછરતી દીકરીઓ જ્યારે ઘરની
બહાર પગ મૂકે છે ત્યારે એ સતત કેટલીક નજર, કેટલાક સ્પર્શ અને કેટલાક ભયનો
સામનો કરે છે. માત્ર યુવતિ જ નહીં, હવે તો નાનકડી બે-ત્રણ વર્ષની બાળકીઓ પણ
સુરક્ષિત નથી રહી.
કભી બસોં મેં તો કભી અસ્પતાલો મેં,
ફર્ક કરના મુશ્કિલ થા ઈન્સાન હૈવાનોં મેં.
સ્કૂલબસનો ડ્રાઈવર, સ્કૂલનો પ્યૂન, હોસ્પિટલનો વોર્ડબોય, શિક્ષક, ધર્મગુરૂ,
પિતાના મિત્ર કે બહેનપણીના પિતા, આ બધા એવા લોકો છે જેમના પર આંખ
મીંચીને વિશ્વાસ કરવામાં આવતો હતો, હવે એ શક્ય નથી. માણસ અને રાક્ષસ
વચ્ચેનો ફરક જાણે તદ્દન ખતમ થઈ ગયો છે. કોનામાં ક્યારે હવસ જાગશે એ કહેવું
જ અઘરું થઈ ગયું છે.
રાત કે અંધેરોં સે મેરી જિંદગી ડરતી રહી,
જબકી દિન મેં મુઝે પૂજા ગયા દેવી દેવતાઓં મેં.
એક તરફથી આપણે નવરાત્રિ ઊજવીએ છીએ, શક્તિની પૂજા કરીએ છીએ,
સ્ત્રીને દેવી કહીએ છીએ, મા કહીએ છીએ ને બીજી તરફ એકલી છોકરી પ્રવાસ કરી
શકતી નથી-રાતના અંધારામાં સૂમસામ રસ્તા પરથી પસાર થતા એણે ડરવું પડે છે.
એકલી જઈ રહેલી છોકરીને ઊભો રહેનાર માણસ મદદગાર હશે કે શિકારી એ કેમ
નક્કી થઈ શકે?
બેટી હોના ઈતના આસાન કહાં થા,
એક ધુંવા ઔર ચીખ કર કહ ગયા હવાઓ મેં.
દીકરીનો જન્મ લેવો ઘણી બધી રીતે અઘરો છે. કેટલીક માતાઓ જે પુત્રીના
ભ્રૂણની હત્યા કરે છે એ સાચું તો નથી જ કરતી-દીકરાની લાલચે કે દીકરાની
ખ્વાઈશમાં વણજન્મેલી દીકરીની હત્યા થાય ત્યારે આખું અસ્તિત્વ રડે છે એ સાચું,
પરંતુ જન્મેલી દીકરી પણ ક્યાં સાચી રીતે ઉછરે છે? આજે પણ ઘરોમાં દીકરા-દીકરી
વચ્ચે ફરક છે-આજે પણ દહેજ લેવામાં આવે છે-દહેજ માટે હત્યા થાય છે, ડોમેસ્ટિક
વાયોલેન્સ અને કન્યા વિક્રય થાય જ છે.
યે કિસકે છૂને સે સબ હાંથ ખંજર હો ગએ,
ક્યોં નહીં બચી ઈન્સાનિયત ઈન્સાનો મેં.
આ બદલાવ છેલ્લા દસેક વર્ષમાં આવ્યો છે, કદાચ! ગુજરાતમાં દરરોજ છ
બળાત્કાર થાય છે અને ભારતમાં દરરોજ 90 બળાત્કાર થાય છે. સ્કૂલમાં ‘ગુડ ટચ બેડ
ટચ’ ભણાવવા પડે અને ઘરમાં જ મામા, કાકા, ફૂઆથી ડરવું પડે એ સ્થિતિ આ
દેશમાં કદી હતી ખરી? બહેનપણીના પિતા કે પિતાના મિત્ર સાથે પણ સહેજ અંતર
જાળવીને વર્તતાં જ્યારે આપણી જ દીકરીને શીખવવું પડે ત્યારે માનું કાળજું કેવું
ચિરાતું હશે!
દેશ ચીખતા રહા બેટિયોં કી ચિતાઓં પે,
આવાજેં દબા દી ગઈ સિયાસી ગલિયારોં મેં.
નિર્ભયા, આરુષિ અને હવે કલકત્તાની જુનિયર ડૉક્ટર… લિસ્ટ તો બહુ લાંબુ છે
અને આ લિસ્ટ માત્ર થયેલી ફરિયાદો અને બહાર આવેલી હકીકતોનું છે. એવા
કેટલાય કિસ્સા છે જે આપણા સુધી પહોંચતા નથી. માતા-પિતા શશશ… કરીને
દબાવી દે છે. પ્રતિષ્ઠા અને સમાજ એમના અવાજને રૂંધી નાખે છે, ને કદાચ કોઈ
છોકરી કે એના માતા-પિતા ફરિયાદ સુધી પહોંચે ત્યારે પોલીસ તંત્ર, નેતાઓ, સરકાર
અને મીડિયા એના બળાત્કાર પર બીજા અનેક બળાત્કાર કરીને એની હિંમત અને
અસ્તિત્વને વેરવિખેર કરી નાખે છે. વોટ માટે કે નોટ માટે આવી દીકરીઓના
અપમાન અને અવાજને ભૂલી જવાનું આપણને સૌને અનુકૂળ પણ આવી ગયું છે,
હવે!
મોમબત્તિયોં સે કબ ભરે હૈં યે જખ્મ ચંદ્રા,
અબ દહશત ભરી જાએ શૈતાન કે કાનોં મેં.
મીણબત્તી લઈને સરઘસ કાઢતા લોકો અંતે શું મેળવે છે? જેસીકા લાલના
કિસ્સાને કેટલા વર્ષે ન્યાય મળ્યો? આરુષિનો કિસ્સો હજી હવામાં લટકે છે, નિર્ભયાના
આરોપી પર બનેલી ડોક્યુમેન્ટ્રીમાં એક આરોપી કહે છે, ‘એ છોકરીઓ એવા કપડાં
પહેરીને નીકળે જ છે શું કામ, જેનાથી અમને ઉશ્કેરાટ થાય!’ કેટલાક લોકો આની
સાથે સહમત પણ થાય છે-એ વળી વધુ આશ્ચર્યની અને આઘાતની વાત છે.
સ્વીમીંગ પુલમાં નાહતા દેખાવડા પુરુષને કદી સ્ત્રીઓ ઉપાડી જતી નથી, પરંતુ ટૂંકા
કપડાં પહેરેલી કે પૂરા કપડાં પહેરેલી ત્રણની, તેરની, ત્રીસની કે ત્રેસઠની મહિલા પણ
સુરક્ષિત નથી એ માટે કોણ જવાબદાર છે? આવી મીણબત્તીઓના સરઘસ કાઢવાને
બદલે આવા શૈતાનની મા, બહેન, પ્રેમિકા, પત્ની કે એની આસપાસ વસતી મહિલાએ
આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ. એને સજા મળે એ માટે આગળ આવવું જોઈએ.
ફાંસી કી ગોલી સે ઈન્હેં આરામ કહાં હૈ,
નઈ દવા લિખી જાએ કાનૂની કિતાબોં મેં.
આવા લોકોને ફાંસી આપવામાં આવે તો પણ એ સજા કદાચ પૂરતી નથી.
નિર્ભયાના ગુપ્તાંગમાં સળિયો ખોંસનાર કે જુનિયર ડૉક્ટરના શરીર પર મળેલા
અનેક ઘાવ ઉપરથી એની સાથે થયેલો અત્યાચાર જ્યારે સમજાય ત્યારે લાગે છે કે,
આવા લોકોને માત્ર ફાંસીની સજા કરવાથી પણ આવી-બળાત્કારનો, નિર્દયતાનો,
અત્યાચારનો ભોગ બનેલી દીકરીને ન્યાય નથી મળતો. બંધારણમાં કોઈ એવી સજા
શોધાવી જોઈએ જેનાથી ચીસો પાડીને, તરફડીને, રડીને, બચાવ માટે ભીખ માગીને,
કરગરીને મૃત્યુ પામેલી દરેક દીકરીને ન્યાય મળે.