ભાગ – 1 । 1925માં નૃત્ય કરવું એ હલકો વ્યવસાય ગણાતો, મારા પિતાને બ્રાહ્મણોએ ન્યાત બહાર મૂક્યા

નામઃ (ધનલક્ષ્મી) સિતારા દેવી
સ્થળઃ મુંબઈ
સમયઃ ઓક્ટોબર, 2014
ઉંમરઃ 94 વર્ષ

2014ની સાલ ચાલે છે… મુંબઈ શહેર, આ દેશ, કલાકારોની જિંદગી, હિન્દી ફિલ્મ
ઈન્ડસ્ટ્રી અને પ્રેક્ષકો બધું જ બદલાઈ ગયું છે. હું વિચારું છું ત્યારે લાગે છે કે, હું બહુ સદભાગી છું.
ત્રણ પેઢીના પ્રેક્ષકોની સામે નૃત્ય કરી શકું, એમની દાદ અને આદર મેળવી શકું. માત્ર એક સારી
નૃત્યાંગના તરીકે જ નહીં, બલ્કે અભિનેત્રી તરીકે અને પોતાની ટર્મ્સ પર જીવેલી એક સ્વતંત્ર સ્વમાની
સ્ત્રી તરીકે પણ મેં મારા પછીની પેઢીને ઘણું બધું આપી શકી છું, હું.

મારા મનમાં આ દેશનો, કલાનો અને હિન્દી સિનેમાનો નવ દાયકાનો ઈતિહાસ
સચવાઈને પડ્યો છે. હું જ્યારે મુંબઈ શહેરમાં આવી ત્યારે આ શહેરમાં ભાગ્યે જ કોઈ મોટરગાડી
દેખાતી. આજે બહાર નીકળીએ તો ગાડીઓના હોર્નથી કાન બહેરા થઈ જાય એવી સ્થિતિ છે! મેં આ
શહેરને વધતું, વિકસતું જોયું છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટેકનોલોજી અને તકદીરને મુંબઈના
દરિયાની લહેરોની જેમ ઉઠતી-પછડાતી જોઈ છે. મધુબાલા, માલાસિંહા, રેખા, કાજોલ જેવી
અભિનેત્રીઓ અને કેટલાક અભિનેતાઓને પણ મેં નૃત્ય શીખવ્યું છે.

મુંબઈ શહેર મારે માટે મારી કારકિર્દીની જગ્યા છે. અહીં મને એ બધું જ મળ્યું જે
આજથી સો વર્ષ પહેલાં કોઈ સ્ત્રીની કલ્પનામાં ન હોય… ખૂબ સફળતા, ખૂબ સુખ, ખૂબ પ્રેમ અને
સાથે જ ધોખો, દુઃખ, એકલતા અને કારકિર્દીમાં ઉતાર-ચઢાવ. આજે એટલું કહી શકું કે, હું સંપૂર્ણપણે
મારી ટર્મ્સ પર જીવી છું, મારે જેવું જીવન જીવવું હતું એવું જ જીવી છું! પદ્મભૂષણ એવોર્ડની ‘ના’
પાડી શકું એટલી નિઃસ્પૃહ છું, અને છતાં જીવન પ્રત્યેની આસક્તિ, લગાવ જરાય ઓછા નથી થયાં!
આજે 94 વર્ષની છું છતાં રિયાઝ કરી શકું છું. કથકના વર્ગો ચલાવું છું, જોકે હવે ખાસ શિષ્યો નથી,
પણ હું નૃત્ય કરી શકું એ માટે વર્ગો બંધ નથી કરતી. આજે પણ સવારે છ વાગ્યે ઊઠું છું. દૂધ, લઈ ચા
બનાવી પીને, છાપાં વાંચું, સ્નાનાદિથી પરવારી મારા ઘર-મંદિરમાં બેસી દુર્ગાપાઠ, શિવપાઠ,
કાલિમંત્ર વગેરે વાંચું. એમ એક કલાક પૂજાપાઠમાં વિતાવી નૃત્યની રિયાઝ કરું. મારી સાથે પાંચ
સાથીદારો છે. એક વેદપ્રકાશ જે ગાય છે ને તબલાં વગાડે છે. તે મારી સાથે છેલ્લાં પંદર વર્ષથી છે.
એક મારા ભાઈ ચૌબે મહારાજ, એક પખવાજ વગાડનાર રામદાસ. તે લગભગ પચીસ વર્ષથી સાથે
છે. બીજા બે પેટી ને તબલાં વગાડનાર છે. રિયાઝ પૂરી કર્યા પછી કથકના વર્ગ ચલાવું છું. મારી પુત્રી
જયમાલા અને એક મધુરિકા બે શિષ્યાઓ આગળ જતાં સારું કામ કરશે એમ લાગે છે.

સંગીત નાટક અકાદમી, પદ્મશ્રી કાલિદાસ સન્માન સહિત બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડ્સ
પણ મને મળ્યા છે. નૃત્ય નિપુણનો પુરસ્કાર અને સંગીત નાટક અકાદમીનો એવોર્ડ પણ મને મળ્યો
છે… બનારસના એક સામાન્ય ઘર-પરિવારમાં જન્મેલી છોકરી આનાથી વધારે શું માગી શકે!

મારો દીકરો રણજીત બારોટ સંગીતકાર છે. એ મારા ચોથા લગ્નનું સંતાન છે. એ
લગ્નથી 1959માં રણજીતનો જન્મ થયો. એ.આર. રહેમાનની સાથે રણજીતે ઘણા વર્ષ કામ કર્યું. બાર
વર્ષની ઉંમરથી જ એ ડ્રમ વગાડતો. એણે લગભગ 20 જેટલી હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં સંગીત
આપ્યું છે. એ ઉપરાંત અનેક ફિલ્મોમાં ગાયું છે અને તમિલ, તેલુગુ, કનડા ફિલ્મોમાં પણ સંગીત
દિગ્દર્શક તરીકે એણે કામ કર્યું છે. આજે એની સાથે મુંબઈમાં રહું છું. એ મારો ખ્યાલ રાખે છે… પરંતુ,
આ શહેર હવે મને એટલું ગમતું નથી જેટલું આજથી 50 વર્ષ પહેલાં મને મારું પોતાનું લાગતું હતું
અને વહાલું લાગતું હતું. એ સમયે રાજ કપૂર, કે. આસિફ અને કમાલ અમરોહી જેવા દિગ્દર્શકો,
નૌશાદ, ખૈયામ અને શંકર જયકિશન જેવા સંગીતકારો હતા… એ સમયે કલાની કદર હતી અને
કલાકારનો ખૂબ આદર હતો. આજે બધું પૈસામાં તોળાય છે. મારા માતા-પિતાએ જો પૈસાનો વિચાર
કર્યો હોત તો અમને ત્રણેય બહેનોને નૃત્ય શીખવ્યું ન હોત!

પાછી ફરીને જોવું તો મને યાદ આવે છે એ દિવસો, જ્યારે અમારા ઘરમાં શ્લોકોથી
સવાર પડતી. ગંગાના ઘાટ પર વસેલું, નાની નાની ગલીઓનું વારાણસી એ વખતે નાનકડું શહેર હતું.
કાશી વિશ્વનાથના મંદિરના ઘંટ અમારા ઘસે સંભળાતા. સાંજ પડે ગંગાની આરતી જોવા અમે
ચાલીને જતા.

મારા પિતા સંસ્કૃત વિદ્વાન હતા અને નેપાળના શાહી દરબારમાં રાજાની સેવામાં
હતા. નેપાળના રાજ દરબારમાં જ એમને શાસ્ત્રીય નૃત્ય શીખવાની ઝંખના જાગી અને એમણે નૃત્ય
શીખવાનું શરૂ કર્યું ત્યારે એમના લગ્ન થઈ ચૂક્યા હતા. તમે વિચારો તો ખરા, એક પરિણિત પુરુષ-બે
બાળકોનો પિતા, આજથી સો-સવાસો વર્ષ પહેલાં નૃત્ય શીખવાનું શરૂ કરે તો સમાજ એને કઈ
દ્રષ્ટિએ જોતો હશે? એ સમયે નૃત્યકારોનો કોઈ આદર નહોતો… નૃત્યાંગનાઓ માત્ર રાજ દરબારમાં
રાજાના મનોરંજન માટે જ રહેતી અથવા તો મંદિરની દેવદાસીઓ હતી. જેમનો યથેચ્છ ઉપભોગ
કરવામાં આવતો.

મારા પિતા પંડિત સુખદેવ મહારાજની હું ત્રીજી દીકરી હતી. અમે એવા અમીર
નહોતા, પરંતુ સારી રીતે જીવી શકીએ એવી આવક મારા પિતાની હતી. એમણે નેપાળના દરબારી
નૃત્યકાર પાસેથી નૃત્ય શીખવાનું શરૂ કર્યું. એ પછી મારા પિતાએ નૃત્ય શીખવાનું શરૂ કર્યું એથી
સમાજમાં એમનો એટલો બહિષ્કાર થયો કે એમણે પોતાના બ્રાહ્મણ મહોલ્લાને છોડીને તવાયફોના
મહોલ્લા, કબીર ચૌરામાં રહેવા આવી જવું પડ્યું. બનારસનો એક કબીર ચૌરો ‘તવાયફનું સ્વર્ગ’
કહેવાય. અમે ત્રણેય બહેનો અત્યંત આનંદથી એવા ઘરોમાં જતી-આવતી કે જ્યાં સમાજના મોભી
કહેવાતા લોકો મોઢાં સંતાડીને પ્રવેશ કરતાં…

એ બધી અદભૂત નૃત્યાંગનાઓ હતી, અનોખી અભિનેત્રીઓ હતી. જીવનના દુઃખોને
એમણે જે સહજતાથી સ્વીકાર્યાં હતાં, એ ત્યારે સમજાતું નહોતું, પરંતુ આજે વિચારું છું તો સમજાય
છે કે, એ બધી ફિલોસોફર્સ હતી. શાસ્ત્રીય સંગીતની કલાવિદ હતી, નસીબે એમને તવાયફ બનાવી
હતી, પરંતુ એમનામાં ખૂબ માણસાઈ અને સરળતા હતી. અમને ત્રણેય બહેનોને એ બધી સ્ત્રીઓ
ખૂબ લાડ કરતી અને અમને પણ એમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. મારા પિતાને સમાજ બહાર
કરવામાં આવ્યા. જોકે એમને એનો કોઈ અફસોસ નહોતો. એમની કલાની અભિરૂચિ એટલી ઊંડી
અને દ્રઢ હતી કે એમણે પોતાના પાંચેય બાળકોને, મારી બહેનો અલકનંદા, તારા, હું અને મારા
ભાઈઓ ચૌબે અને પાંડેને નૃત્યની તાલીમ આપી. આ 1925નો સમય હતો જ્યારે કથક ભલે
શાસ્ત્રીય નૃત્ય હોય તેમ છતાં, ફક્ત તવાયફો કે રાજાના દરબારની નૃત્યાંગનાઓ જ જાહેરમાં નૃત્ય
કરતી. એમણે જ્યારે અમને, ત્રણેય બહેનોને નૃત્યની તાલીમ આપવાનું શરૂ કર્યું ત્યારે બ્રાહ્મણ સમાજ
એમની વિરુધ્ધ થઈ ગયો અને એમને ન્યાત બહાર મૂકવામાં આવ્યા.

મારા પિતા ડરે એવા કે હારી જાય એવા માણસ નહોતા. એ કબીર ચૌરામાં વસતી
અદભૂત નૃત્યાંગનાઓ પાસે કથક તો શીખતા જ, પરંતુ એમણે વિદ્વાનો પાસે ભરતનાટ્ય શાસ્ત્ર
શીખીને બ્રાહ્મણો સાથે શાસ્ત્રાર્થ કર્યો. નૃત્યમાં રહેલા ધાર્મિક પાસાંઓને ઉજાગર કરીને મારા પિતા
પંડિત સુખદેવજીએ એવા એવા દાખલા આપ્યા કે, બ્રાહ્મણો પાસે જવાબ ન રહ્યો. મારા પિતા કોઈ
ઋષિ જેવા હતા. મને આજે પણ યાદ છે, એ જ્યારે નૃત્ય શીખવતા ત્યારે સાક્ષાત ભગવાન શંકર
જેવા દેખાતા. મારી મા કોઈ રાજરાણી જેવી ગૌરવશીલ અને સુંદર હતી. નેપાળના રાજાના
રાજ્યગુરૂ મારા નાના. મારી માને ગાવાનો શોખ હતો, પણ મારા નાના બ્રાહ્મણોથી ડરતા. મારા
પિતાની વિદ્વત્તા અને એમના સ્વતંત્રત વિચારો જોઈને મારા નાનાએ સામેથી મારા પિતાને જમાઈ
બનવાની વિનંતી કરી. મારી માએ અમારો ઉછેર પણ અત્યંત સ્વતંત્રતા અને ખુલ્લા વિચારો સાથે
કર્યો. એણે જિંદગીના દરેક નિર્ણયમાં મારા પિતાનો સાથ આપ્યો. કોઈ દિવસ વિરોધ કર્યો હોય કે
એમને સામસામે દલીલ કરતા, મારી માને દુઃખી થતી કે રડતી મેં જોઈ નથી. એમની વચ્ચે ખૂબ
સ્નેહ હતો અને મારી માને મારા પિતાની કલા સાધના પરત્વે ગૌરવ હતું. કદાચ એટલે જ અમે પાંચેય
ભાઈ-બહેનો પિતાનો ખૂબ આદર કરતાં. એમણે અમને નૃત્યની તાલીમ આપી અને એનાથી
સમાજમાં ઉદાહરણ બેઠું. મારા પિતાએ નૃત્ય શીખવવા માટેની શાળા શરૂ કરી જેમાં ધીરે ધીરે સારા
ઘરની દીકરીઓ પણ આવવા લાગી…

એ વખતે મેમનસિંગના મહારાણી કલકત્તા રહેતા. મારા પિતા કલકત્તા સુધી એમની
દીકરીઓને સંગીત શીખવવા જતા. મારા પિતાએ શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ ઠાકુરને પણ પોતાનું
નૃત્ય બતાવ્યું હતું. મેમનસિંગના મહારાણીને જ્યારે મારા પિતાની તકલીફની જાણ થઈ ત્યારે એમણે
મારા પિતાને મેમનસિંગ રહેવા બોલાવી લીધા. એ તો વળી સાવ જુદા જ હતા. સવારે પાંચ વાગ્યે
અમને સૌને ઉઠાડતા અને હન્ટર લઈને બેસતા. એ હંમેશાં કહેતા, “અડધુંપડધું શીખીને કંઈ નહીં
વળે, ઉલ્ટાના તમારા જ્ઞાતિવાળા કહેશે કે, અમે બરાબર કહેતા હતા… એવું શીખો અને એવું નૃત્ય કરો
કે, તમારા જ્ઞાતિવાળાએ પણ તમારી કદર કરવી પડે.”

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *