નામઃ ડૉ. એની બેસેન્ટ
સમયઃ 20 સપ્ટેમ્બર, 1933
સ્થળઃ વારાણસી
ઉંમરઃ 86 વર્ષ
ભારતનો ઈતિહાસ અનેક દેશી-વિદેશી પ્રવાસીઓનો ઋણી છે. જેને કારણે આ દેશની
સંસ્કૃતિમાં વિવિધતા અને વિશ્વધર્મને સ્વીકારવાની સહિષ્ણુતા જાગૃત રહી શકી છે. આજે,
વારાણસીના ઘાટ પર બેઠી બેઠી જ્યારે હું વિચારું છું ત્યારે મને સમજાય છે કે, મારો જન્મ ભલે
ઈંગ્લેન્ડમાં થયો, પણ મારા વિચારો અને વ્યક્તિત્વના મૂળમાં ભારતીયતા હશે, જે આજ સુધી
અકબંધ રહી શકી છે. 1893માં હું પહેલીવાર ભારત સદેહે આવી, પરંતુ એ પહેલાં મેં અનેકવાર
મનોમન ભારતની યાત્રા કરી છે. સનાતન હિન્દુ ધર્મ વેદ અને ઉપનિષદોના વાંચન સાથે મારી ભારત
વિશેની માન્યતામાં આદર ઉમેરાયો… જ્યારે મને સમજાયું કે, મારા જ લોકો, અંગ્રેજો ભારતના
જનમાનસ સાથે અન્યાય અને એમના ઉપર અત્યાચાર કરી રહ્યા છે ત્યારે એક અંગ્રેજ તરીકે અવાજ
ઉઠાવવાની પહેલ કરનાર હું પ્રથમ સ્ત્રી હતી. મને હંમેશાં ન્યાય અને તર્કસંગત વાતોમાં રસ પડતો
રહ્યો છે. દબાયેલા, કચડાયેલા અને શોષિત વર્ગ માટે અવાજ ઉઠાવવો એ મને મારી ફરજનો ભાગ
લાગ્યો છે.
આ શિક્ષણ મને કદાચ, મારી મા પાસેથી મળ્યું છે. મારી મા એક અત્યંત દયાળુ અને હૃદયમાં
કરુણાનો સાગર ધરાવતી શ્રધ્ધાળુ વ્યક્તિ હતી. એને ચર્ચ અને ક્રિશ્ચિયાનિટીમાં પૂર્ણ વિશ્વાસ
હતો. એ મને ચર્ચ લઈ જતી. પાદરીઓ સાથે મુલાકાત કરાવતી અને વારંવાર કન્ફેશન અથવા
ક્ષમાપના માટે મોકલી આપતી, પરંતુ નાનપણમાં જે ક્રિશ્ચિયાનિટીના સંસ્કાર મળ્યા એ મારી સાથે
બહુ લાંબો સમય રહી શક્યા નહીં, કારણ કે મને ઈશ્વર અને એના અસ્તિત્વ વિશે પ્રશ્નો થવા
લાગ્યા. પાદરીઓની જીવનશૈલી અને એમના પ્રશિક્ષણમાં ફેર હતો. હું જ્યારે પાદરીઓને મળતી
ત્યારે મને લાગતું કે, એ જે સંદેશ આપી રહ્યા છે એમાં એમને પોતે જ વિશ્વાસ નથી. જોકે, આ બધું
તો હું સમજણી થઈ પછી મારા મનમાં પ્રવેશ્યું. નાનપણમાં હું સંપૂર્ણપણે શ્રધ્ધાળુ અને આસ્થાવાન
હતી, મારી માની જેમ જ! ભારત આવીને મને જાણ થઈ કે અહીં એક મીરાંબાઈ હતી જેણે
બાળપણથી જ ઈશ્વર સાથે લગ્ન કરી લીધાં હતાં, ત્યારે મને લાગ્યું કે, હું પણ નાનપણમાં મીરાંની
જેમ જ મારા પ્રભુમાં સમાઈ જવા માગતી હતી, પરંતુ સમય જતાં મારા વિચારોમાં ફેરફાર થયો. એ
પછી હું મારી માતા સાથે દલીલ કરતી, એની શ્રધ્ધા સામે પ્રશ્નો ઉઠાવતી, જે એને ગમતું નહીં. મારા
પિતા જીવિત હોત તો કદાચ, એમણે મારા તર્કસંગત પ્રશ્નોનો ઉત્તર આપવાનો પ્રયાસ કર્યો હોત,
પરંતુ મારી માતા એક પાક્કી આઈરિશ ક્રિશ્ચિયન હતી, ઈશ્વર અને ધર્મ વિશેના પ્રશ્નો પૂછવા એ
એને મન પાપ હતું.
જન્મ સમયે મારું નામ એની વુડ હતું. લંડન શહેરમાં 1847માં મારો જન્મ થયો. મારા પિતા
અંગ્રેજ ડૉક્ટર હતા. એમને ગણિત અને ફિલોસોફીમાં રસ હતો. એ વારંવાર અમને ફિલોસોફિકલ
વિચારોથી પ્રભાવિત કરતા. સાવ નાનપણમાં સાંભળેલી વાર્તાઓ અને એની સાથે જોડાયેલી
ફિલોસોફીએ જીવનભર મારો સાથ આપ્યો એમ હું કહી શકું. જોકે, મારા પિતા અમારી સાથે બહુ
લાંબો સમય ન રહી શક્યા. હું પાંચ વર્ષની હતી ત્યારે મારા પિતાનું મૃત્યુ થયું. પિતાના મૃત્યુ પછી
મારી મા મને લઈને હેરો આવી. એ એક સ્વમાની અને સાહસિક સ્ત્રી હતી. અમારા જૂના શહેરમાં
લોકો એમને સાંત્વના આપવા ધસી આવતા. પોતાના ઘરેથી ખાવાનું મોકલતા, જેને કારણે મારી
માના સ્વમાન પર આઘાત થતો હતો. એણે લંડન છોડી દેવાનું નક્કી કર્યું કારણ કે, એની ઈચ્છા મને
અને મારા ભાઈ બંનેને શિક્ષણ અપાવવાની હતી, પરંતુ અમારા બેમાંથી એકનું જ શિક્ષણ થઈ શકે
એમ હતું, એટલે મારા ભાઈને હેરોની સ્કૂલના પ્રિન્સિપાલની મદદથી એડમિશન મળી ગયું, પરંતુ
મારું શિક્ષણ શરૂ થઈ શક્યું નહીં. એ સમયે અમારી મુલાકાત કેપ્ટન મેરિયેટ સાથે થઈ. અંગ્રેજી
સેનામાં એ બહુ ઊંચા હોદ્દા પર હતા. એમની બહેન મિસ મેરિયેટ એક શિક્ષિકા હતી અને એમણે
પોતાની ભત્રીજીને ઘેર ભણાવવાનું નક્કી કર્યું હતું. ભત્રીજીના હોમ સ્કૂલિંગમાં એ કંટાળતી. કંપની
વગર એને એકલી રાખવી અશક્ય લાગી ત્યારે કેપ્ટન મેરિયેટની બહેન, જે મારી માની મિત્ર હતી
એણે પોતાની ભત્રીજી સાથે મારા શિક્ષણનો પ્રસ્તાવ મૂક્યો. મારી મા મને પોતાનાથી અલગ કરવા
માગતી નહોતી, જ્યારે મિસ મેરિયેટની શરત હતી કે, જો મારે હોમ સ્કૂલિંગમાં ભણવું હોય તો
એમની સાથે જ એમના ઘરે રહેવું પડે. એની પાછળ મિસ મેરિયેટનો ઈરાદો એ હતો કે, એ મને
માત્ર પુસ્તકનું શિક્ષણ નહીં, પરંતુ રીતરસમ અને સમાજમાં હળવાભળવાની રીત પણ શીખવાડે. એ
મારી અને એમની ભત્રીજીની સંપૂર્ણ કેળવણીની જવાબદારી ઉઠાવવા તૈયાર હતા. મારી મા સમજી
ગઈ હતી કે ધનના અભાવને કારણે એની સાથે રહીને મારું શિક્ષણ શક્ય નહીં બને. એણે કમને મને
મિસ મેરિયેટ સાથે જવાની રજા આપી, પરંતુ મારે માટે એ નિર્ણય ખૂબ જ સાચો પૂરવાર થયો. આજે
હું જે કંઈ છું એને માટે મારે મિસ મેરિયેટનો આભાર માનવો રહ્યો કારણ કે, એમણે મને જીવન જોતાં
શીખવ્યું. મારા વિચારોને ખુલ્લા મને આવકાર્યા અને મને પણ ખુલ્લા મને અન્ય વિચારોને
આવકારવાનું શિક્ષણ આપ્યું. માત્ર ક્રિશ્ચિયાનિટી જ નહીં, બલ્કે અંગ્રેજી સમાજ, રાજનીતિ અને
શિક્ષણ જગતની કેટલીક બાબતો હું એમની પાસેથી શીખી, જે મને જીવનભર કામ લાગી.
મિસ મેરિયેટના પ્રભાવ હેઠળ મારે પણ અવિવાહિત રહેવું હતું. શિક્ષણ અને સમાજ માટે
કામ કરવું હતું, પરંતુ મિસ મેરિયેટ લંડનના જૂજ ધનિકોમાંથી એક હતાં, એમને માટે એ શક્ય હતું,
જ્યારે મધ્યમવર્ગની એક સામાન્ય છોકરીના આવા વિચારની સમાજમાં હાંસી થશે એ બીકે મારી
માએ મારા લગ્ન એક પાદરી સાથે નક્કી કરી નાખ્યા. 20 વર્ષની ઉંમરે 1867માં ફ્રેન્ક બેસેન્ટ સાથે
મારાં લગ્ન થઈ ગયાં. ફ્રેન્ક એક જક્કી, ધૂની અને આપખુદ વ્યક્તિ હતા. એને દલીલો કે આગવા
વિચાર પસંદ નહોતા. એની પત્ની એટલે એને માટે એક સેવિકાથી વધુ કંઈ નહોતી. એણે ક્યારેય મને
પોતાના જીવનમાં સામેલ કરી નહીં. હું લગ્નનો ઈન્કાર ન કરી શકી માટે મેં લગ્ન કર્યાં, અમને બે
બાળકો પણ થયાં. બંને બાળકોનો જન્મ ખૂબ મુશ્કેલ હતો-મારે માટે જીવન-મરણનો પ્રશ્ન હતો
તેમ છતાં મારા પાદરી પતિએ કોઈ સહાનુભૂતિ કે સ્નેહ બતાવવાને બદલે બાળકોની જવાબદારી
મારા ઉપર નાખીને નોર્થ ઈંગ્લેન્ડના પ્રવાસે જવાનું પસંદ કર્યું.
બે બાળકોના જન્મ પછી જ્યારે મેં નક્કી કર્યું કે, મારે ત્રીજું બાળક નથી જોઈતું અને
સંતતિનિયમનનો પ્રસ્તાવ એની સમક્ષ મૂક્યો ત્યારે એણે મને અપશબ્દો કહ્યા અને હાથ ઉપાડ્યો.
સત્ય તો એ છે કે, એણે પહેલીવાર હાથ નહોતો ઉપાડ્યો!
મેં જ્યારે જ્યારે એને ધર્મ વિશેની મારી શંકાનું સમાધાન કરવા માટે પ્રશ્નો પૂછ્યા એ દરેક
વખતે એણે મને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો એટલું જ નહીં, દરેક વખતે એણે જોહુકમી અને
અનાદરથી મારી સાથે વાત કરી. મારું અપમાન કર્યું અને તેમ છતાં જ્યારે મેં દલીલ કરવાનો અને
અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે એણે પોતાના પૌરુષનો અને શક્તિનો ઉપયોગ કરીને મારા પર
હાથ ઉપાડ્યો. એ સમયમાં-1872માં મેં ચાર્લ્સ વોયસીનો ઉપદેશ સાંભળ્યો. એમણે બાઈબલના
અધિકાર અને ઈસુના મૂળ સંદેશના અર્થઘટન સામે પ્રશ્નો ઉઠાવ્યા. મને એમની વાતમાં રસ પડવા
લાગ્યો. હું એમને મળી એટલું જ નહીં, એમણે મને થોમસ સ્કોટ સાથે ઓળખાણ કરાવી. થોમસ એક
તર્કસંગત અને ન્યાયી વ્યક્તિ હતા. ચર્ચની સત્તા સામે એમણે સવાલો ઉઠાવ્યા હતા. સમાજનો એક
મોટો ભાગ એમનો આદર કરતો અને એમની વાત સાંભળવા લાગ્યો હતો. ચર્ચ અને પાદરીઓ એમને
ધિક્કારતા. થોમસ સ્કોટે મને એક પુસ્તક લખવા માટે પ્રેરિત કરી. મારા વિચારોને એ પુસ્તકમાં
સમાવીને મેં એ સમયના ચર્ચની સત્તા અને પાદરીઓની અંધશ્રધ્ધા ફેલાવવાની પ્રવૃત્તિ સામે પ્રશ્નો
ઉઠાવ્યા. પુસ્તકનું નામ હતું, ઓન ધ ડેઈટી ઓફ જીસસ ઓફ નાજરેથઃ એન ઈંક્વયારી ઈનટૂ ધ
નેચર ઓફ જીસસ.’
એ પુસ્તક પ્રકાશિત થતાં જ મારા ઘરમાં ભયાનક વિવાદ થયો. ફ્રેન્ક બેસેન્ટે મને ઘરમાંથી
કાઢી મૂકી અને ધમકી આપી કે, એ મને બરબાદ કરી નાખશે. હું બે બાળકોને લઈને ઘર છોડીને
નીકળી ગઈ કારણ કે, અંધશ્રધ્ધા તર્ક વગરના વિચારોનો વારસો હું મારા સંતાનોને આપવા માગતી
નહોતી.
(ક્રમશઃ)