નામઃ ડૉ. આનંદી ગોપાળ જોશી
સ્થળઃ કોલ્હાપુર
સમયઃ 1886
ઉંમરઃ 21 વર્ષ
આજે મેં પહેલીવાર એલ્બર્ટ એડવર્ટ હોસ્પિટલના મહિલા વોર્ડમાં પગ મૂક્યો. કોલ્હાપુરની
આ હોસ્પિટલમાં હું પહેલી મહિલા ડૉક્ટર છું. કોલ્હાપુરમાં જ શું કામ, આખા ભારતમાં હજી સુધી
કોઈ મહિલા ડૉક્ટર બની નથી. આજે અહીં પગ મૂકતા મને ગૌરવની લાગણી થાય છે, પણ સાથે
સાથે એટલું સમજાય છે કે આપણા દેશમાં હજી સુધી એક સ્ત્રી માટે શિક્ષણ મેળવવું ખૂબ જ અઘરું
છે, એમાંય ઉચ્ચ શિક્ષણ તો જાણે કે સ્ત્રીનો અધિકાર જ ન હોય એવું વર્તન સ્ત્રી સાથે કરવામાં આવે
છે. આજથી 50 વર્ષ પહેલાં રાજા રામ મોહન રૉયે સ્ત્રીઓ માટે અવાજ ઉઠાવ્યો, પરંતુ ‘દીકરીને
ભણાવવાનો શાસ્ત્રમાં નિષેધ’ છે, એવું કહીને હજી સ્ત્રીને નિરક્ષર રાખવામાં આવે છે.
અમારા ઘરમાં વડીલો એવું જ માનતા હતા કે સ્ત્રીનું કામ સંસાર સાચવવાનું, રસોઈ
બનાવવાનું, પતિનું ધ્યાન રાખવાનું, સંતાનને જન્મ આપવાનો અને એનો ઉછેર કરવાનું છે. એ
સિવાય સ્ત્રીએ કશું કરવાનું નથી. બીજી તરફ અંગ્રેજ સ્ત્રીઓ ઘોડાગાડી ચલાવે છે, નૃત્ય કરે છે,
શરાબ પીએ છે, સિગરેટ પણ પીતી જોવા મળે છે… અંગ્રેજો આ દેશમાં હકુમત કરે છે. આ એ જ
ભારતીયો છે જે પોતાની દીકરીને ભણાવતા નથી, પત્નીને મારે છે, બહેન, દીકરી કે માને સતી થતી
જોઈ શકે છે, પરંતુ અંગ્રેજ મડમોને ઝૂકી ઝૂકીને સલામ કરે છે! ભારત હજી અંગ્રેજોનું ગુલામ છે. ઠેર
ઠેર આઝાદીના બ્યુગલ વાગે છે, પરંતુ આઝાદી હજી ઘણી દૂર છે. સૌને હવે સમજાયું છે કે, આપણા
દેશનો વહીવટ આપણા જ લોકો પાસે હોવો જોઈએ, પરંતુ આપણા જ લોકો ‘બ્લડી ઈન્ડિયન’
સાંભળવા ટેવાઈ ગયા છે. અંગ્રેજોની ફોજમાં ભરતી થઈને આપણા જ ક્રાંતિકારીઓને પકડનાર
આપણા જ લોકો છે… એ કેટલી દુઃખની વાત છે!
જેમ ભારતીયો જ ભારતીયોના દુશ્મન છે એમ હજી સુધી ઘરની વડીલ સ્ત્રીઓ જ દીકરીઓ
અને પુત્રવધૂઓની દુશ્મન છે. દીકરીનાં શિક્ષણનો વિરોધ પિતા કરતા વધુ તો માતા કરે છે! હું આજે
ડૉક્ટર બની શકી છું એ માટે મારે કોઈ સ્ત્રીને નહીં, પરંતુ એક પુરુષને ધન્યવાદ આપવા જોઈએ.
એણે કડક બનીને, જોહુકમી કરીને, મને ડરાવી-ધમકાવી-દબાવી જો શિક્ષિત કરવાનો આગ્રહ ન
રાખ્યો હોત તો હું પણ ભારતની અનેક સ્ત્રીઓની જેમ ફૂંકણી લઈને ચૂલો ફૂંકતી હોત, દર બે વર્ષે
એકાદ સંતાનને જનમ આપતી હોત અને અંધશ્રધ્ધામાં ડૂબીને દોરાધાગા કરતી હોત!
એ પુરુષ એટલે મારા પતિ. એમનું નામ ગોપાળરાવ જોશી. પોતે ખૂબ ભણેલા. અંગ્રેજી
વાંચી શકતા. અંગ્રેજ સરકારની પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા. સરકારી નોકરીની સાથે સાથે એમણે
પોતાનું જ્ઞાન સતત વધારવાનો પ્રયાસ છોડેલો નહીં. મૂળ બ્રાહ્મણ એટલે સંસ્કૃતનું જ્ઞાન પણ ઘણું
સારું. એકવાર ઘાટ પર બેસીને ચાર્લ્સ ડિકન્સની નવલકથા વાંચતા હતા ત્યારે બે બ્રાહ્મણોએ એમને
‘યાવની’ ભાષા નહીં વાંચવાનો આદેશ કરેલો, પરંતુ એમણે એટલી જ સહજતાથી શાસ્ત્રાર્થ કરીને
બંને બ્રાહ્મણોને હરાવેલા. એમની રમૂજવૃત્તિ પણ જબરજસ્ત. કુરિવાજો અને જુનવાણી
માન્યતાઓની હાંસી ઉડાવતા. એમને કદી ક્યારેય કોઈનાથી ડર લાગતો નહીં. જાતિ-જ્ઞાતિ અને ઉંચ-
નીચમાં માનતા નહીં. ગામના બાળકોને ભણાવવાનું એમને ખૂબ ગમતું. એમના પહેલાં પત્ની
નાનપણમાં જ ગુજરી ગયા. એ પછી ગોપાળરાવની લગ્ન કરવાની ઈચ્છા નહોતી, પરંતુ માતા-
પિતાના આગ્રહને વશ થઈને એમણે લગ્ન કરવાની સંમતિ આપી. જોકે, એમણે શરત મૂકેલી કે, એ
વિધવા સાથે જ લગ્ન કરશે. માતા-પિતાએ એમની આ જીદનો ઘણો વિરોધ કરેલો, પરંતુ
ગોપાળરાવની જીદ સામે એમનું કઈ ચાલ્યું નહીં.
મારા પિતા ગણપતરાવ અમૃતેશ્વર જોશીને ત્રણ સંતાન હતાં. હું સૌથી મોટી દીકરી. મારું
નામ યમુના… નવ વર્ષની થઈ ત્યારે અમારા એક પરિવારના વડીલ ગોપાળરાવનું માગું અમારે ત્યાં
લઈને આવ્યા. મારા પિતાની આર્થિક હાલત બહુ સારી નહીં, વળી બબ્બે દીકરીઓ હતી એટલે
લગ્નનો ખર્ચ, દહેજ વગેરે એમને પોષાય તેમ નહોતું. એ કોઈ એવા મૂરતિયાની શોધમાં હતા જે
દહેજ વગર લગ્ન કરવા તૈયાર હોય. એ જમાનાના કુરિવાજો પ્રમાણે ભણેલો અને સરકારી નોકરી
કરતો મૂરતિયો મળે એટલે છોકરાના માતા-પિતા ગમે તેવી માગણીઓ કરતા. ગરીબ, બ્રાહ્મણ કન્યા
તરીકે મારાં લગ્ન કરાવશે તો પુણ્ય મળશે એમ માનીને અમારા વડીલ માગું લઈને આવેલા. એમની
શરતો સાંભળીને મારા માતા-પિતા ડરી ગયા. એ વડીલે સૌથી પહેલો જ સવાલ પૂછ્યો, ‘છોકરી
લખી-વાંચી શકે છે?’ મારા પિતા બ્રાહ્મણ આચાર્ય એટલે એમણે મને પહેલી ચોપડી ‘બાળ બોધ’
ભણાવેલી. હું અક્ષરો ઓળખી શકતી અને નાના નાના શબ્દો વાંચી શકતી, એટલે પહેલી શરત તો
પૂરી થઈ. એ પછી ગોપાળરાવ મને જોવા આવ્યા! એ જમાનામાં છોકરી જોવાનો કોઈ રિવાજ જ
નહોતો. વડીલો અને માતા-પિતા અરસપરસ નક્કી કરે, લેવડદેવડની વાત થઈ જાય એટલે લગ્ન પાકા
જ સમજવાના… પરંતુ, ગોપાળરાવે મને મળવાનો-જોવાનો આગ્રહ રાખ્યો એટલું જ નહીં, એમણે
કહ્યું કે એ જાતે મારી સાથે વાત કરશે. કચવાતે મને મારા માતાપિતા તૈયાર થયા અને ગોપાળરાવ મને
જોવા આવ્યા.
હું નાનકડી, નવ વર્ષની ને ગોપાળરાવ 27ના. અત્યારે વિચારું છું તો લાગે છે કે, નવવારી
સાડીમાં હું કોઈ ઢીંગલી જેવી જ લાગી હોઈશ એમને. બહેનપણીઓ સાથે રમતી હતી ત્યાંથી ઊભી
કરીને મારી માએ મને તૈયાર કરી. સાડી, નાકમાં નથ અને અંબોડી વાળીને એમાં વેણી નાખી. હું
સાડી સંભાળતી માંડ ગોપાળરાવ સામે ઊભી રહી. પરિવારના વડીલો, અડોશી-પડોશી સહિત અડધું
ગામ અમારા નાનકડા ઓટલા ઉપર હકડેઠઠ ઊભું હતું. આ નવી જાતનો છોકરો જે છોકરીને જોવા
આવ્યો છે એને ‘જોવા’ ગામના લોકો એકઠાં થયાં હતાં. ગોપાળરાવ એકલા જ આવ્યા હતા. મારા
પિતાએ પૂછ્યું, ‘કોઈ વડીલ કે ઘરનું વ્યક્તિ નથી?’ ગોપાળરાવે ફટાક કરતો જવાબ આપ્યો, ‘લગ્ન મારે
કરવાના છે. નિર્ણય હું જ કરીશ, તો પછી બીજાનું શું કામ?’ મને અંદરથી થોડું હસવું આવી ગયેલું જોકે,
બધાની સામે હસાય તો નહીં કારણ કે મારી માએ કડક સૂચના આપી હતી, ‘હા કે નામાં જવાબ
આપજે. જરૂર પડે તો જ બોલજે.’
ગોપાળરાવે મને પહેલો પ્રશ્ન પૂછ્યો, ‘શું નામ?’ મેં કહ્યું, ‘યમુના.’ એમણે પૂછ્યું, ‘રસોઈ
બનાવતાં આવડે છે?’ મેં કહ્યું, ‘હા.’ એમણે બે-ચાર વાનગીના નામ પૂછ્યા, મેં બધી વાનગીઓમાં હા
પાડી. એ પછી એમણે પૂછ્યું, ‘ભણેલી છે?’ મને કંઈ સમજાયું નહીં એટલે હું એમની સામે જોઈ
રહી. ગોપાળરાવે મારા પિતા સામે જોયું. એમને લાગ્યું કે, મધ્યસ્થી વડીલે છેતરપિંડી કરી હતી. હું
ભણેલી નહોતી એવું ધારીને એ ઊભા થઈ ગયા. મારે બદલે મારા પિતાએ જવાબ આપ્યો, ‘ભણેલી
છે, ભણેલી છે. બાળ બોધ શીખી છે. અક્ષરો ઉકેલી શકે છે. શબ્દો પણ વાંચી શકે છે.’ ગોપાળરાવે
મારી સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું. મેં ઝડપથી ડોકું ધૂણાવીને હા પાડી એટલે એમણે આગળ કહ્યું,
‘લગ્ન પછી આગળ ભણવું પડશે, તૈયાર છો?’ હવે અહીં જવાબ મારે નહીં, મારા માતા-પિતાએ
આપવાનો હતો. મારી માએ કહ્યું, ‘કોઈ પ્રશ્ન જ નથી. ભણેલી છોકરીઓ સંસાર ચલાવી શકતી
નથી. અમારી જ્ઞાતિમાં જે મા-બાપે છોકરીઓને ભણાવી છે એ પસ્તાયા છે. તમને નિરક્ષર છોકરી
નહોતી જોઈતી તો મારી છોકરી નિરક્ષર નથી. બાકી આગળ ભણવાની વાત સાથે હું સહમત નથી.’
ગોપાળરાવ ફરી ઊભા થઈ ગયા. મારા પિતાએ એમને વિનંતીઓ કરીને બેસાડ્યા, પણ મારી
માએ પોતાની દલીલો ચાલુ રાખી. એનું માનવું હતું કે, ભણેલી છોકરીઓ નવલકથાઓ વાંચીને પત્રો
લખતાં શીખી જાય છે… નવલકથા જેવા સ્વપ્નાં જોવા લાગે છે અને પછી ગમે તે જ્ઞાતિના છોકરા
સાથે ભાગી જાય છે. માતા-પિતાનું નાક કપાવે છે. ભણેલી છોકરીઓ દલીલો કરતી હોય છે, પતિ
અને સાસુ-સસરાનું માન રાખતી નથી. માથે ઓઢતી નથી… વગેરે એના મુદ્દા હતા. મારા પતિએ
કહ્યું, ‘ભણવું તો પડશે જ. એ પછી ભાગી જાય તો મને વાંધો નહીં.’ સહુ આશ્ચર્યચકિત થઈ ગયા.
મારી માએ પોતાની વાત પકડી રાખી ને સામે ગોપાળરાવ પણ હઠીલા હતા. સહુને લાગ્યું કે,
આ લગ્ન નક્કી નહીં થાય… પરંતુ, મારા પિતાએ વિવેકબુધ્ધિ વાપરીને ઓટલા પરથી નીચે ઉતરી
ગયેલા ગોપાળરાવને રોક્યા, એમણે ગોપાળરાવને વચન આપ્યું કે, ‘એ મને પોતાની સાથે લઈ જાય એ
પહેલાં મારા પિતા મને બે ચોપડી ભણાવશે અને બાર સુધીના પલાખાં (પહાડા) મોઢે કરાવશે! આ
કેવી શરત!
જે જમાનામાં ભણેલા, સરકારી નોકરી કરતા મૂરતિયા કન્યાના મા-બાપને નીચોવી લેતા એ
જમાનામાં આ છોકરો એક પણ રૂપિયો ખર્ચ ન થાય એવી રીતે મંદિરમાં પરણ્યો. પોતાની સાથે ફક્ત
પાંચ જણાંને લાવેલો…
એ જ્યારે રવાના થયા ત્યારે એમણે મને ભેટસ્વરૂપે પહેલા અને બીજા ધોરણના પુસ્તકો
આપ્યા અને કહ્યું, ‘આપણે જ્યારે પાછા મળીએ ત્યારે તારે આમાંથી વાંચી બતાવવું પડશે.’
(ક્રમશઃ)