ભાગઃ 1 | ફૂલન બાળપણથી જ બંડખોર અને હિંમતવાળી હતી

નામઃ ફૂલનદેવી
સ્થળઃ 44 અશોક રોડ, નવી દિલ્હી
સમયઃ બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001
ઉંમરઃ 37 વર્ષ

હું અત્યારે લોહિયા હોસ્પિટલના એક સ્ટ્રેચર ઉપર લાવારિસ લાસની જેમ પડી છું. ભારતની સાંસદ
છું તેમ છતાં મારા શરીરને જે રીતે સન્માન મળવું જોઈએ એ મળી રહ્યું નથી કારણ કે, હું નિષાદ જાતિની છું.
નિષાદ આમ તો નીચલી જાતિના લોકોમાં ગણાય છે… મલ્લાહ, નાવિક, કેવટ જેવાં ઘણા નામ અમારી જાતિ
માટે વપરાય છે. આ એ જ કેવટ છે જેણે રામને ગંગા પાર કરાવી હતી. આ એ જ નિષાદ છે જેનો ઉલ્લેખ
વાલ્મીકિ રામાયણના પહેલા શ્લોકમાં કરવામાં આવ્યો છે.

मां निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः ।
यत्क्रौंचमिथुनादेकम् अवधीः काममोहितम् ॥

આ બધા છતાં, અમારી જ્ઞાતિને જે સ્વીકાર મળવો જોઈએ તે મળતો નથી. સ્વયં તુલસીદાસ જેમણે
વાલ્મીકિ રામાયણને લોકભોગ્ય બનાવીને પ્રજા સુધી પહોંચાડવાનું કામ કર્યું એમણે લખ્યું છે, पूजिय विप्र
सील गुन हीना । शूद्र न पूजिए गुन ग्यान प्रवीना । અથવા મનુસ્મૃતિકારે તો નીચલી જાતિના
લોકોને ધન સંપત્તિ રાખવાનો પણ નિષેધ કર્યો છે… મારો જન્મ આવી જાતિમાં થયો, તેમ છતાં હું સાંસદ
બની… મારી જાતિના લોકો માટે કામ કરી રહી હતી. બપોરનું ભોજન પતાવીને મારા સાંસદ નિવાસમાંથી
બહાર નીકળી રહી હતી ત્યારે ઉત્તરાખંડના રુડકીમાં જન્મેલા શેર સિંહ રાણાએ પોતાના ત્રણ માણસોને
મોકલીને મારા ઉપર ગોળીબાર કરાવ્યો. મને નવ ગોળી વાગી. મારા બોડીગાર્ડને પણ બે ગોળી વાગી. મને
તરત જ અહીં લોહિયા હોસ્પિટલમાં લાવવામાં આવી, પરંતુ રસ્તામાં જ મારું મૃત્યુ થઈ ગયું હતું. હવે હું
અહીં પડી છું.

શેર સિંહ રાણા ઉપર કેસ ચાલે એ દરમિયાન એમને તિહાડ જેલમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ
ત્યાંથી એ ભાગી ગયા. 2005માં અફઘાનિસ્તાનથી પૃથ્વીરાજ ચૌહાણના અસ્થિ લાવીને એમણે પોતાની
જાતને હીરો સાબિત કરી! 2014માં (મારા મૃત્યુના 13 વર્ષ પછી) શેર સિંહ રાણાને સાંસદ ફૂલનદેવીના
દિલ્હી સ્થિત સરકારી નિવાસમાંથી નીકળતી વખતે ગોળી મારીને હત્યા કરવા બદલ આજીવન કારાવાસની
સજા મળી, પરંતુ એના ત્રણ દોસ્તો, જેમણે ગોળી ચલાવી એમને મુક્ત કરી દેવામાં આવ્યા. 2017માં એમની
બેલ થઈ ગઈ અને છતરપુરના પૂર્વ એમએલએ રાણાપ્રતાપ સિંહની દીકરી પ્રતિમા રાણા સાથે એમના લગ્ન
થયા એટલું જ નહીં, એમને દસ કરોડની ખાણ, 31 લાખ રૂપિયા રોકડા દહેજ આપવામાં આવ્યું. પ્રતિમા
રાણાની મા સંધ્યા કોર્પોરેટર હતી… અને આ બંને જણાંએ શેર સિંહ રાણાને 2012માં ઉત્તર પ્રદેશના જેવર
વિસ્તારમાંથી ચૂંટણી લડવાની સગવડ કરી આપી!

ટૂંકમાં, શેર સિંહ રાણાને મારી હત્યા કરવા બદલ કે આ દેશના લોકોને મારા મૃત્યુ બદલ ઝાઝો
અફસોસ થયો નહીં. ત્યારે કોઈ માનવ અધિકારવાળા ઝંડા લઈને આવ્યા નહીં. કોઈએ ફૂલનદેવીનાં મૃત્યુ પર
બે આંસુ પણ ટપકાવ્યાં નહીં.

હું એ જ ફૂલન છું જેણે પોતાના આત્મસન્માન માટે, મારા પર થયેલા બેરહેમ બળાત્કાર માટે જે
લોકો ગુનેગાર હતા એમને ગોળી મારી ત્યારે ઉહાપોહ મચી ગયો હતો. માનવ અધિકારની વાતો કરવામાં
આવતી હતી. એક સ્ત્રીએ બીજી 22 સ્ત્રીઓને વિધવા કરી, એમના સંતાનોને અનાથ કરી નાખ્યા એ વાતે
મને ગુનેગાર, રાક્ષસી, પત્થરહૃદયની સ્ત્રી જેવાં કેટલાંય ઉપનામો આપવામાં આવ્યાં હતાં. ઉત્તર પ્રદેશના
બેહમઈ ગામનો એ હત્યાકાંડ એટલો ચગ્યો કે તત્કાલિન મુખ્યપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંઘે રાજીનામું આપી
દેવું પડ્યું હતું. ત્યારે બધાએ મારા એ હત્યાકાંડને વખોડ્યો, પણ એ હત્યાકાંડની પાછળ જે બન્યું હતું એ વિશે
જ્યારે મેં ફરિયાદ કરી ત્યારે મને ન્યાય અપાવવા કોઈ તૈયાર નહોતું. આમ પણ ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે
જ્યાં સ્ત્રીને ન્યાય માગવાનો અધિકાર જ નથી, અને એમાંય હું તો મલ્લાહની દીકરી… અમારે વળી કેવો
ન્યાય? અમારે કેવું આત્મસન્માન?

ઉત્તર પ્રદેશના બુંદેલ ખંડમાં યમુનાના કિનારે વસેલા ગામ ગોરહાના પૂર્વ તટ ઉપર જાલૌન ગામમાં
મારો જન્મ થયો હતો. યમુનાને કિનારે આવેલું આ ગામ અનેક મલ્લાહ, નાવિક કે કેવટ લોકો માટે એમની
જન્મભૂમિ અને કર્મભૂમિ હતી. યમુનાને પેલે પાર આવેલા ગામોમાં જવા, શાકભાજી કે બીજો સામાન
લાવવા, લગ્નની બારાત લઈ જવા માટે પણ હોડીનો જ ઉપયોગ કરવામાં આવતો. મારા પિતા યમુનાના
કિનારે આવેલા ગામડાંઓના શ્રેષ્ઠ નાવિકોમાંના એક હતા. અમે યમુનાના કિનારે રમીને જ મોટાં થયાં. મારી
મા કહેતી કે, મલ્લાહના દીકરાને જમીન પર ચાલતા આવડે એ પહેલાં તરતાં આવડી જાય… નવાઈની વાત
એ છે કે, આમાં માત્ર દીકરાની વાત હતી, મલ્લાહની દીકરીનું શું? અત્યારે વિચારું છું ત્યારે સમજાય છે કે,
મલ્લાહની દીકરીઓ તો મુખી, ગુજ્જર અને ઠાકુર જાતિના છોકરાંઓના ભોગવટાની વસ્તુ! જેને જ્યારે મન
ફાવે ત્યારે ઉપાડી જાય, બળાત્કાર કરીને ફેંકી જાય… ગામમાં કોઈ કશું ન બોલે. કોઈને નવાઈ ય ન લાગે,
આઘાત કે દુઃખ પણ ન થાય. પહેલું પોલીસ સ્ટેશન આઠ કિલોમીટર દૂર, ને નજીક હોય તો ય ફરિયાદ
કરવાનો કે અવાજ ઉઠાવવાનો અમારા ગામમાં રિવાજ જ નહોતો.

હું જન્મી ત્યારે મારા પરિવારની બીજી દીકરી હતી. મારી મોટી બહેન રૂક્મણિ, પછી હું, પછી એક
દીકરી રામકલી, એના પછી મુન્નીદેવી અને છેલ્લે એમનું પાંચમું સંતાન અને મારો ભાઈ શિવનારાયણ
જન્મ્યો ત્યારે પરિવારમાં ખુશી આવી. મારા પિતા દેવીદીન અને મા મુલાબાઈ તદ્દન નિરક્ષર અને ગરીબ
હતા. મારા દાદા પાસે બે એકર જમીન હતી. એમાંથી એમણે બંને દીકરાઓ દેવીદીન અને બિહારીલાલને
એક એક એકર વહેંચી આપી. બિહારીલાલ (મારા કાકા) હોંશિયાર હતા. એમણે એમના દીકરા માયાદીન સાથે
મળીને દસ્તાવેજમાં હેરફેર કરાવી અને મારા પિતાની જમીન પણ પોતાના નામે કરાવી લીધી.

આ વાતની જાણ મારા પિતાને ત્યારે થઈ જ્યારે એ ખેતર ખેડવા ગયા. બિહારીલાલે એને દસ્તાવેજ
બતાવીને કહ્યું, કે ‘પિતાએ તારા નામે કશું કર્યું જ નથી. એમણે બંને એકર મને જ આપી દીધી છે.’ મારા પિતા
એક નિરક્ષર અને સાદા માણસ હતા. લડવું-ઝઘડવું એમની પ્રકૃત્તિમાં જ નહોતું વળી, ચાર દીકરીઓનો બાપ
એટલે ગામમાં કોઈની સાથે બગાડવાનું નહીં પોષાય એવું એ દ્રઢપણે માનતા હતા. એ તો ચૂપચાપ બેસી
ગયા, પણ મારાથી સહન ન થયું. હું દસ વર્ષની હતી, પણ જબરી હતી. મારા આખા પરિવારમાં બધા મને
દબંગ કહેતા. હું કોઈની ખોટી વાત ચલાવી લેતી નહીં, જ્યારે કોઈ પર અન્યાય થાય ત્યારે સૌથી પહેલાં હું
ઊભી થતી. મારામાં સખત હિંમત અને પરિસ્થિતિ સામે ઝઝૂમવાની તાકાત હતી.

મને યાદ છે, એકવાર હું મારા પિતાની સાથે નદી પર ગઈ હતી. સાતેક વર્ષની હોઈશ હું. મારા પિતા
ઘાટ પર કોઈની સાથે વાતો કરતા હતા ત્યારે મેં કિનારે બાંધેલી હોડી ખોલીને નદીમાં વહેતી કરી દીધી. વેંત
જેવડી હું ને આવડી મોટી હોડી… બધાને લાગ્યું કે, હું હોડી પાછી નહીં લાવી શકું, પરંતુ મેં ખૂબ શાંતિથી
મારા કરતાં ત્રણ ગણા મોટા હલેસાને સંભાળ્યા અને હોડીને ધીમે ધીમે કિનારે લઈ આવી. ત્યારથી ગામમાં
બધા મને ‘ફૂલનદેવી’ કહીને મારી મજાક કરતા. મલ્લાહની દીકરી માટે નદી તો એનું ઘર હોય. માતાનાં
ખોળામાં જેમ બાળક રમે એમ નદીના પ્રવાહમાં રમતાં મને આવડી ગયેલું. ઘાટ ઉપર આવેલા માણસો ક્યારેક
સિક્કો ફેંકે તો ડૂબકી મારીને અમે બાળકો કાઢી લાવતા. પછી પાંચ-દસ પૈસા મળે એમાંથી ખાટીમીઠી પીપર
ને ક્યારેક થોડાક વધારે પૈસા મળે તો ભુટ્ટો કે બિસ્કિટ ખાતાં. એ પછી એકવાર અમે નદીમાં નહાતા હતા
ત્યારે મારી એક બહેનપણી ઊંડા પાણીમાં લપસી પડી. બીજાં બાળકોએ ચીસાચીસ કરી મૂકી, પણ હું તરતી
તરતી નદીની બરોબર વચ્ચે ગઈ અને પ્રવાહમાં તણાતી એ મારી બહેનપણીને એના વાળથી પકડીને કિનારે
લઈ આવી. મેં બાબા (પિતા) પાસે સાંભળેલું કે, ડૂબતા માણસનો હાથ ન પકડવો, એના વાળ જો હાથમાં
આવે તો વાળ પકડી લેવા જેથી એ માણસ પોતાના હાથ પણ ચલાવી શકે.

ગામમાં બધા મારી હિંમત અને તાકાતથી ખુશ હતા. બધા એટલે… અમારી જ્ઞાતિના બધા લોકો.
ઠાકુર, જમીનદાર, મુખી કે ગુજ્જર જાતિના લોકોને હું નહોતી ગમતી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *