ભાગઃ 1 | હું એવરેજ, એવરેજથી ય ઓછી-આત્મવિશ્વાસ વગરની છોકરી હતી

નામઃ જેઈન સેમોર ફોન્ડા
સ્થળઃ એટલાન્ટા, યુનાઈટેડ સ્ટેટ્સ
સમયઃ 2024
ઉંમરઃ 86 વર્ષ

એક છોકરી, જેને એના બાળપણથી જ એવું શીખવવામાં આવ્યું હોય કે, જો એ સુંદર નહીં
હોય, પુરુષોને આકર્ષી નહીં શકે, જો એના સૌંદર્ય અને પ્રતિભાથી કોઈ પુરુષ પ્રભાવિત નહીં થાય તો
એનું અસ્તિત્વ ડામાડોળ થઈ જશે… એ, છોકરી જીવનમાં કઈ રીતે આગળ વધી શકે? એનો
આત્મવિશ્વાસ કે કારકિર્દી વિશેના સ્વપ્નો ચૂરચૂર ન થઈ જાય? ખાસ કરીને, જ્યારે એક છોકરીની
માનું મૃત્યુ એની નાની ઉંમરે થઈ ગયું હોય અને એના પિતા-જેને એ હીરો માનતી હોય, એ જ એને
સતત સૌંદર્ય વિશે, બાહ્ય દેખાવ વિશે સભાન અને સજાગ રાખતા હોય ત્યારે એ છોકરી પાસે
‘જીવન’ અથવા ‘અધ્યાત્મ’ વિશેના વિચારો કેવી રીતે ઉછરી શકે?

હું મારી વાત કરું છું, મારું નામ જેઈન સેમોર ફોન્ડા છે. હું ગ્રેમી અને ઓસ્કાર વિજેતા
અભિનેત્રી છું, એક લેખક છું. સક્રિય કાર્યકર, યુધ્ધ વિરોધી માનવ અધિકારના કાર્યમાં ફાળો આપનાર
અને મારી એક ઓળખ એ પણ છે કે અમેરિકાના ટેબ્લોઈડ અખબારો-મીડિયાનો હું પ્રિય વિષય છું.
મેં જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. લગભગ છ દાયકા સુધી અમેરિકાની (હોલિવુડની) ફિલ્મો
અને ટેલિવિઝનમાં મારું કામ પ્રદર્શિત થતું રહ્યું છે અને વખણાતું રહ્યું છે. મારી મા ફ્રેન્ચ
સોશિયલાઈટ હતી. ફોર્ડ સેમોર, જેણે લોસ એન્જેલેસની દુનિયામાં પોતાની ફેશન અને દેખાવથી
પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી. મારા પિતા હેન્રી ફોન્ડા એક જાણીતા અભિનેતા અને
સાથે જ એક વિચારક-ફિલોસોફર હતા. મારો ઉછેર એક નાસ્તિક વ્યક્તિ તરીકે થયો કારણ કે, મારી
મા એવું માનતી કે આસ્થાની જરૂરિયાત એ લોકોને પડે છે જેમની પાસે પોતાનો આત્મવિશ્વાસ ન
હોય! જેને સ્વયંમાં વિશ્વાસ હોય એણે કોઈ સુપરપાવર પાસે કશું માગવાની જરૂર ન પડે… ડિસેમ્બર
21, 1937ના દિવસે ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા માતા-પિતા
સિવાય કોઈ નહોતું. એ બંને એકબીજાની સાથે સતત ઊભા રહ્યા અને એમનો પ્રેમ, પ્રણય એકબીજા
માટે એટલો બધો હતો કે, હું જીવનભર આવા એક સંબંધની શોધમાં રહી!

1950માં હું જ્યારે 12 વર્ષની હતી ત્યારે મારી માનું મૃત્યુ થયું. ક્રેઈગ હાઉસ સાયકિયાટ્રીક
હોસ્પિટલમાં એની ટ્રીટમેન્ટ ચાલતી હતી ત્યારે અચાનક એણે આત્મહત્યા કરી. સમાજમાં એ વિશે
ખૂબ વાતો થઈ, એ 1950નો સમય હતો. અમેરિકન સમાજ હજી ઈટાલિયન અને સીસીલીની
અસર હેઠળ પારિવારિક ગોસિપમાં અટવાયેલો હતો. મારા પિતા અભિનેતા હતા અને માની
આત્મહત્યાને કારણે એમના તરફ અનેક આંગળીઓ ચીંધાઈ, એમના પર અનેક આક્ષેપ કરવામાં
આવ્યા, પરંતુ હું જાણતી હતી કે મારા પિતા, મારી માને ખૂબ પ્રેમ કરતાં હતા અને એ ક્યારેય એની
આત્મહત્યાનું કારણ ન બની શકી, પરંતુ એ વાત હું લોકોને કહી શકું એટલી મારામાં હિંમત નહોતી.
બધા મારી દયા ખાતા, કેટલાક લોકો દયાને બહાને અંગત પ્રશ્નો પણ પૂછતા… પરંતુ, હું જવાબ
આપી શકતી નહીં. મારો ઉછેર થોડો શરમાળ અને એકાંત પ્રિય હતો. મારે માટે મારી મા જ મારી
દુનિયા હતી, એના ગયા પછી મારી દુનિયા વિખરાઈ ગઈ. પિતા એમના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા.
ક્યારેક શુટિંગમાં મહિનાઓ સુધી ઘરની બહાર રહેવું પડતું-ત્યારે હું નેનીને હવાલે રહેતી. મારી નેની,
એક આફ્રિકન મહિલા હતી. એનું નામ ઈલિના હતું. એ ખૂબ મોટા સ્તનો ધરાવતી, જાડી અને અત્યંત
પ્રેમાળ સ્ત્રી હતી, પરંતુ અભણ હતી અને ઈશ્વરમાં ખૂબ આસ્થા ધરાવતી. એને માટે જગતના
તમામ સુખ-દુઃખ, કે બનતી દરેક ઘટના ‘ઈશ્વરને આધિન’ હતી, જ્યારે મારે માટે ‘ઈશ્વરનું
અસ્તિત્વ’ જ નહોતું! અમારી વચ્ચે દલીલો થતી… એ હસતી, મને વહાલ કરતી અને કહેતી, ‘એક
દિવસ તને ઈશ્વરનો આભાસ થશે.’ જ્યારે હું એની મજાક ઉડાવતી, પરંતુ સાચું કહું તો એની વાત
સાચી પડી. લગભગ 40 વર્ષની ઉંમરે મારા જીવનમાં જબરજસ્ત ફેરફાર થયો જેને કારણે મારી
ઈશ્વર તરફની આસ્થા તદ્દન બદલાઈ ગઈ.

પરંતુ, એ પ્રવાસ અઘરો હતો, મુશ્કેલ અને મૂંઝવણભર્યો હતો. માએ આત્મહત્યા કરી ત્યારે હું
એટલી બધી નાની નહોતી, કે એટલી મોટી પણ નહોતી… ટીનએજમાં પ્રવેશી રહી હતી ત્યારે જ
બરાબર મેં એક એવી વ્યક્તિ ખોઈ જેની સાથે હું વાતો કરી શકું, મારી ટીનએજની મૂંઝવણો વહેંચી
શકું કે જેની પાસેથી હું કોઈ ગાઈડન્સની અપેક્ષા રાખી શકું. શાળામાં હું બહુ ચૂપ રહેતી. મારી
બહેનપણીઓ પિત્ઝા ખાવા કે એમના બોયફ્રેન્ડ્ઝને મળવા જતી, પરંતુ હું ઘરેથી શાળાએ અને
શાળાએથી ઘર સિવાય ભાગ્યે જ કોઈ અન્ય વાતમાં રસ લેતી. ભણવામાં હું બહુ હોંશિયાર નહોતી
એટલે મારે ખૂબ મહેનત કરવી પડતી. વળી, એવી દેખાવડી પણ નહોતી જેને કારણે છોકરાઓ મારા
તરફ આકર્ષાય કે મારામાં રસ લે! ટૂંકમાં એક એવરેજ, કદાચ એવરેજ કરતાં પણ થોડી ઓછી એવી
એક અતિ સામાન્ય છોકરી હતી, હું!

મારા પિતાને હું મારી હીરો માનતી અને સતત વિચારતી કે હું એમના જેવી બનવા માગું છું.
ત્યાં સુધી, કે મારે મારા પિતાના જ વ્યવસાયને સ્વીકારવો હતો. 1954માં હું મારા પિતા સાથે ફંડ
રેઝિંગ અને ચેરિટી માટે ભજવાતાં નાટકોમાં ભાગ લેતી થઈ. મને ત્યારે જ સમજાઈ ગયું કે, અભિનય
જ મારો વ્યવસાય બની શકે. એ જ વખતે મેં અભિનેત્રી બનવાનું નક્કી કરી લીધું. જોકે, એ કંઈ બહુ
સરળ કામ નહોતું. મેં મારા પિતાને જ્યારે મારા કારકિર્દીના નિર્ણય વિશે જણાવ્યું ત્યારે એમણે મને
કહ્યું, ‘તું બહુ સુંદર નથી. અમેરિકા-હોલિવુડમાં અભિનેત્રની સુંદરતા એની કારકિર્દી માટે બહુ મોટી
એસેટ-સંપત્તિ પૂરવાર થઈ શકે છે. તારે વિચારવું જોઈએ કે, જો તને કામ નહીં મળે તો તું શું કરીશ.’
મારે માટે મારા પિતાનો અભિપ્રાય હંમેશાં અંતિમ અભિપ્રાય રહેતો… એમણે જ્યારે આવું કહ્યું ત્યારે
હું વિચારમાં પડી! જો અભિનયમાં કામ ન મળે તો પણ કલા સાથે જોડાયેલા રહી શકાય એ વિચાર
કરીને મેં વસાર કોલેજમાંથી ગ્રેજ્યુએશન અધૂરું છોડીને પેરિસમાં આર્ટ શીખવા માટે જવાનો નિર્ણય
કર્યો. મારા પિતા બહુ વર્ચસ્વ ધરાવતા ટિપિકલ પુરુષ નહોતા, વળી મારી માની ગેરહાજરીમાં એમણે
મારી માનો રોલ પણ નિભાવ્યો હતો એટલે એમનામાં એ સ્વતંત્રતા આપવાની વૃત્તિ ખૂબ હતી.
એમણે મને ગ્રેજ્યુએશન છોડીને આર્ટ શીખવા જવાની પરવાનગી આપી. હું પેરિસ ગઈ. ત્યાં આર્ટ
કોલેજમાં એડમિશન લીધું, પરંતુ એ વખતે આર્ટ શીખતા કેટલાક વિદ્યાર્થીઓએ મને મોડેલ તરીકે
ઊભા રહેવાની વિનંતી કરી… પેઈન્ટરની મોડેલ બનવાના મારા અનુભવમાંથી હું મારા ચહેરાના
સારા એન્ગલ અને મારા શરીરના વળાંકો વિશે શીખવા લાગી એમાં, એક દિવસ ત્યાં ફોટોગ્રાફી
શીખવવા આવેલા જાણીતા ફોટાગ્રાફર આંદ્રે કેપનોવે મારી કેટલીક તસવીરો લીધી. એમણે મને કહ્યું કે,
હું ખૂબ સારી મોડેલ બની શકું એમ છું. એ મારું ફોટોશુટ કરવા તૈયાર થયા.

મેં મારું ફોટોશુટ કરાવીને એજન્સીઝમાં મારા ફોટા મોકલવાની શરૂઆત કરી. મને સૌથી
પહેલું મોડલિંગ અસાઈમેન્ટ મળ્યું ત્યારે મને લાગ્યું કે, મારી કારકિર્દીની શરૂઆત થઈ ચૂકી છે.
આજથી લગભગ 60 વર્ષ પહેલાં મારી કારકિર્દી શરૂ થઈ ત્યારે કલ્પના પણ નહોતી કે, આવાં એકેડેમી
એવોર્ડ્ઝ અને ગ્રેમી એવોર્ડ્ઝના સન્માનથી મને નવાજવામાં આવશે!

મેં મોડલિંગથી શરૂઆત કરી. એ વખતે મને અનેક મોટી બ્રાન્ડ્સનું કામ મળવા લાગ્યું. મેં
ક્યારેય નહોતું ધાર્યું કે, હું આટલી આસાનીથી મોડલિંગની દુનિયામાં પ્રવેશી શકીશ. મોડલિંગનું કામ
શરૂ કરતાં જ મને વોગ મેગેઝિનના કવર પેજ ઉપર મોડેલ બનવા માટેનું આમંત્રણ મળ્યું.

વોગ મેગેઝિનના કવર પેજ ઉપર છપાયેલી મારી તસવીરે અમેરિકાના કેટલાક દિગ્દર્શકોને
આકર્ષ્યા. સાથે જ, મને બ્રોડવે ઉપર નાટકો કરવાનું આમંત્રણ મળ્યું. 1950માં મને બ્રોડવેમાં કામ
કરવાનું આમંત્રણ મળ્યું. ‘લિટલ ગર્લ’ મારી કારકિર્દીનું પહેલું બ્રોડવે નાટક હતું જેને અદભૂત સફળતા
મળી. ત્યાંથી મને પહેલી ફિલ્મ મળી, ‘ટોલ સ્ટોરી.’ જે મારા જ બ્રોડવેના એક નાટક ઉપર આધારિત
હતી અને મારે નાટકમાં હું જે રોલ કરતી હતી તે જ કરવાનો હતો. ફિલ્મને સફળતા મળી, પરંતુ
કેટલાક ફિલ્મ વિવેચકોએ મારા અભિનય વિશે ખૂબ ઘસાતું લખ્યું…

મને લાગ્યું કે, હવે મારી ફિલ્મી કારકિર્દી અહીં જ પૂરી થઈ જશે, પરંતુ એવું થયું નહીં! આજે
60 વર્ષની કારકિર્દી પછી હું એક ટોચના કલાકાર તરીકે મારા પ્રેક્ષકોના હૃદય પર રાજ કરું છું એટલું
જ નહીં, મારી હોલિવુડની કારકિર્દીની યાત્રા હજુય વણથંભી છે.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *