ભાગઃ 2 | લાહોરથી મુંબઈઃ બેબી નૂરજહાંથી બેગમ નૂરજહાં

નામઃ અલ્લાહ રખ્ખી-અલ્લાહ વસાઈ (નૂરજહાં)
સ્થળઃ કરાંચી, પાકિસ્તાન
સમયઃ 21 ડિસેમ્બર, 2000
ઉંમરઃ 74 વર્ષ

1942માં ગુલામ હૈદર સાહેબે ‘ખાનદાન’ ફિલ્મમાં મારી પાસે ગવડાવ્યું, અને
અભિનય પણ કરાવ્યો, પરંતુ એ પહેલાં એક પંજાબી ફિલ્મ ‘ગુલે બકાવલી’માં પણ મેં ગાયું. એ ગીતો
ખૂબ લોકપ્રિય નીવડ્યાં. પંજાબી ફિલ્મમાં જે હીરો હતા એનું નામ પ્રાણકિશન. હું ફિલ્મો સાથે એટલી
બધી અભિભૂત હતી કે, મારું કામ પતી જાય એ પછી પણ પાછી ઘેર જવું મને ગમતું નહીં. ગુજરાતી
નિર્માતા દલસુખભાઈ પંચોલીએ મને ‘ગુલે બકાવલી’ વખતે જ વચન આપ્યું હતું કે, એ મારી સાથે
એક હિન્દી ફિલ્મ બનાવશે. એમણે એ વચન પાળ્યું અને ફિલ્મ બનાવી ‘ખાનદાન’. એ ફિલ્મમાં પણ
મારા હીરો પ્રાણકિશન હતા, જે પછીથી ‘પ્રાણ’ તરીકે હિન્દી ફિલ્મોમાં અત્યંત પ્રસિધ્ધ થયા.

‘ખાનદાન’ના શૂટિંગ દરમિયાન એ ફિલ્મના દિગ્દર્શક શૌકત હુસૈન રિઝવી સાથે મારી
ઓળખાણ થઈ. મૂળ એ દલસુખ પંચોલીની ફિલ્મોનું એડિટિંગ કરતા, પરંતુ જ્યારે પંચોલી સાહેબે
હિન્દીમાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે શૌકત સાહેબને દિગ્દર્શન સોંપ્યું. હું 14 વર્ષની હતી. મારું
શરીર ઉંમરના પ્રમાણમાં ભરેલું હતું અને હું મોટી દેખાતી એટલે મારા માતા-પિતાને મારા લગ્નની
ખૂબ ચિંતા હતી. શૌકત સાહેબ સાથે કામ કરતાં કરતાં હું એમના પરત્વે આકર્ષાઈ ગઈ. એમને પણ
મારી સાથે પ્રેમ થઈ ગયો.

શૌકતે મને કહ્યું કે, મારા વગર જીવી નહીં શકે, એ વખતે મને ખૂબ હસવું આવ્યું. સાચું
પૂછો તો મારી ઉંમર એવી નહોતી કે, હું શૌકતના પ્રેમને કે એના આકર્ષણને સારી રીતે સમજી શકું,
પરંતુ એ એવી ઉંમર હતી જ્યારે ‘પ્રેમ’ની અનુભૂતિના જ પ્રેમમાં હોવું ગમે. મેં શૌકત હુસૈનની સાથે
લગ્ન કરવાનું નક્કી કર્યું. અમને નિઝામીચાચા અને મારા માતા-પિતાએ ઘણા સમજાવ્યા, પરંતુ હું
અટલ હતી. લાહોરમાં ‘ખાનદાન’નું શૂટિંગ ચાલતું હતું. શૂટિંગ પછી પેક-અપ થયું એટલે મિનરવા
હોટેલના રૂમમાં જઈને અમે નિકાહ પઢ્યા. આ વાતની ખબર જ્યારે બહાર ફેલાઈ ત્યારે મારા ભાઈ-
બહેન મને પરાણે ઢસડી ગયા. લાહોરથી 40 માઈલ દૂર મારા પિતાના મિત્ર નિઝામીચાચાનું ઘર હતું
ત્યાં લઈ જઈને મને પૂરી દીધી. ‘ખાનદાન’નું શૂટિંગ હજી બાકી હતું. દલસુખ પંચોલીએ મારા માતા-
પિતા પાસે અને શૌકત પાસે કેફિયત માગી. શૌકતે અમારાં લગ્નનો સ્વીકાર કર્યો, પરંતુ મારા માતા-
પિતા સતત ઈનકાર કરતા રહ્યા. મારી બહેન ઈદ્દંન અને ભાઈ શફી ઉપર કેસ થયો. કારણ કે, હું
નાબાલિગ હતી. લગ્ન તો જાયઝ ન જ કહેવાય, અમારાં નિકાહ પઢાવનાર મૌલવી માટે પણ સમસ્યા
ઊભી થઈ ગઈ.

દલસુખ પંચોલીએ મારા માતા-પિતાને ફરજ પાડી કે, એ લોકો મને પાછી લાવે અને
‘ખાનદાન’નું શૂટિંગ પૂરું કરે. કોર્ટમાં કેસ ચાલુ હતો. મને અદાલતમાં લાવવામાં આવી ત્યારે શૌકતને
વિશ્વાસ હતો કે, હું એના તરફથી મારા પ્રેમનો એકરાર કરીશ… પરંતુ, મને માર મારીને પરાણે એવું
કહેવડાવવામાં આવ્યું કે, શૌકત હુસૈન સાથે મારે કોઈ નાજાયઝ સંબંધ નથી બલ્કે હું એમને ‘ભાઈ’
જેવા માનું છું! મેં કોર્ટમાં અમારા પ્રેમનો ઈનકાર કર્યો એટલું જ નહીં, સાથે એવું પણ કહ્યું કે, હું
આરામ કરવા માટે મારા પિતાના મિત્ર નિઝામીચાચાને ત્યાં કોસર ગઈ હતી. મારા પર કોઈ દબાણ
નહોતું. નવાઈની વાત એ છે કે, મારા આ સ્ટેટમેન્ટથી મારા ભાઈ-બહેન ઉપર અપહરણનો કેસ રફેદફે
થઈ ગયો, પરંતુ શૌકત હુસૈન રિઝવી પર એક નાબાલિગ છોકરી સાથે લગ્ન કરવાનો કેસ ચાલ્યો અને
એમને દંડ કરવામાં આવ્યો.

એ પછી મને ‘પ્રેમ’માં પડવાની મજા આવવા લાગી. મારા ઉપર લટ્ટુ થતા પુરુષો
ગમતા. એ પોતાનું કામધામ છોડીને મારી આગળ-પાછળ ફરે. ભેટો લાવે. કલાકો મારો ઈંતજાર કરે,
મારી એક ઝલક માટે આખો દિવસ બરબાદ કરે… આ બધાથી મને એક વિચિત્ર પ્રકારનો સંતોષ થતો.
એ દિવસોમાં એક ઝુલફીકાર નામનો વેપારી મારા જીવનમાં આવ્યો. લાહોરની પાસેના એક નાના
રજવાડાંને પણ મારી સાથે લગ્ન કરવા હતા, પરંતુ મારા માતા-પિતાએ સ્પષ્ટ ના પાડી કારણ કે,
એમને મારી કારકિર્દી બનાવવામાં, મને એક સફળ અભિનેત્રી બનાવવામાં અને એમાંથી પૈસા
કમાવામાં રસ હતો.

મારી ફિલ્મોની સફળતા પછી મારા માતા-પિતાને લાગ્યું કે, મારે મુંબઈ જઈને કામ
કરવું જોઈએ. એમણે અમારા પારિવારિક સભ્ય જેવા, મારા પિતાના મિત્ર નિઝામીચાચા પાસે મુંબઈ
રહેવા માટે મને મોકલી. નિઝામીચાચાની ઈચ્છા હતી કે, હું કમાલ અમરોહી સાથે કામ કરું, પરંતુ
અમરોહી સાહેબ મીનાકુમારીના પ્રેમમાં હતા.

એ વખતે મુંબઈ અને લાહોરનો ફિલ્મ ઉદ્યોગ લગભગ સાથે સાથે વિકસી રહ્યો હતો.
લાહોરમાં દલસુખ પંચોલી જેવા જ મોટા એક દિગ્દર્શક વી.એમ. વ્યાસ હતા. એમણે મને લાહોરથી
મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું. મારી જાણ બહાર જ એમણે શૌકતને પણ મુંબઈ બોલાવ્યા હતા.
નવાઈની વાત એ છે કે, લગભગ એક જ સમયગાળામાં હું અને શૌકત બંને સાથે મુંબઈ પહોંચ્યા.
જોકે, ત્યાં સુધીમાં મારી હિન્દી ફિલ્મ લોકપ્રિય હતી, એટલે લોકો મને ઓળખતા હતા. નવાઈની
વાત એ છે કે, શૌકતની પહેલાં મને કામ મળી ગયું. મુંબઈ આવીને મેં ‘દુહાઈ’, મારી પહેલી ફિલ્મ
સાઈન કરી. એ પણ એક ગુજરાતી દિગ્દર્શક વી.એમ. વ્યાસની ફિલ્મ હતી. ફિલ્મ ખૂબ સફળ થઈ.
વી.એમ. વ્યાસ મારી સાથે બીજી ફિલ્મ બનાવવા માગતા હતા. એમણે બીજી ફિલ્મની જાહેરાત કરી
ત્યારે મને કલ્પના પણ નહોતી કે, એ ફિલ્મના દિગ્દર્શક શૌકત હુસૈન રિઝવી હશે અને મારી એમની
સાથે ફરી મુલાકાત થશે.

એ દિવસોમાં સઆદતહસન મન્ટો સાથે મારી મિત્રતા હતી. મન્ટો શૌકત હુસૈનના પણ
સારા મિત્ર હતા. એ લોકો નિયમિત સાંજે શરાબ પીતા. એક દિવસ મન્ટોએ નૂરજહાંને કહ્યું, ‘તમે
બંને એકબીજાને પ્રેમ કરો છો અને શૌકત તારી સાથે લગ્ન કરવા માગે છે, પરંતુ તને કહેતાં ડરે છે’.
મન્ટોએ મને કહ્યું, જ્યારે પણ વાત નીકળે ત્યારે શૌકત કહે છે, ‘મારે એના વિશે વાત નથી કરવી,
પરંતુ એ પછી તારા જ વિશે વાતો કરે છે, રડે છે અને ખૂબ શરાબ પીએ છે. તારે કારણે એક સારો
દિગ્દર્શક પોતાની જિંદગી અને જવાની બરબાદ કરી રહ્યો છે.’ મને રડવું આવી ગયું. જ્યારે શૌકતે
મને કહ્યું હતું કે, એ મારા વગર નહીં જીવી શકે, ત્યારે મેં બહુ ગંભીરતાથી નહોતું લીધું, પરંતુ જ્યારે
મન્ટોએ મને આ વાત કરી ત્યારે મને સમજાયું કે, અમે એકબીજા વગર નહીં જીવી શકીએ. જોકે, મારા
ઉપર નિઝામીચાચાનો પહેરો હતો, પરંતુ એક દિવસ મેં નક્કી કરી લીધું કે, મારે મારા જીવનમાં શું
જોઈએ છે… મેં નિઝામીચાચાનું ઘર છોડી દીધું. એ વખતે લઝીર લુધિયાનવી અને શૌકત કેડલ રોડ
ઉપર એક મકાનમાં સાથે રહેતા હતા. મન્ટોના કહેવા મુજબ મારા ઘરથી સાવ નજીક આ ઘર એટલા
માટે ભાડે લેવામાં આવ્યું હતું કે, શૌકત મને આવતી-જતી જોઈ શકે! હું નિઝામીચાચાનું ઘર છોડીને
શૌકત પાસે આવી ગઈ. અમે ફરી એકવાર લગ્ન કરી લીધા. મારા ભાઈએ મને ખૂબ ધમકાવી. મારી
બહેને શૌકતનું ખૂન કરવાની પણ ધમકી આપી, પરંતુ આ વખતે અમે બંને જણાં એકબીજાની સાથે
ઊભા રહ્યા અને અમારા નિકાહ ટકી ગયા. મારા ઘરથી સાવ નજીક જ મારી બહેન રહેતી હતી, પરંતુ
એ લગ્ન પછી મને ક્યારેય મળી નહીં. એટલું જ નહીં, મારા પરિવારે પણ મારી સાથે સંબંધ તોડી
નાખ્યો.

શૌકત અને મારી જોડી સફળ રહી. વી.એમ. વ્યાસે શૌકત હુસૈન રિઝવીને ‘નૌકર’નું
દિગ્દર્શન આપ્યું. ફિલ્મ ખૂબ સફળ રહી. એ ફિલ્મના ગીતો પણ સફળ રહ્યા. રફીક ગઝનવી અને
શાંતિકુમારનું સંગીત લોકોને ગમ્યું. એ પછી 1943થી 1947 સુધીમાં 1943માં ‘નાદાન’, ‘દુહાઈ’,
1944માં ‘દોસ્ત’, ‘લાલ હવેલી’, 1945માં ‘ભાઈજાન’, ‘બડી માં’, ‘ગાંવકી ગોરી’, ‘ઝીનત’,
1946માં ‘હમજોલી’, ‘અનમોલ ઘડી’, ‘દિલ’, 1947માં ‘મિર્ઝા સાહિબા’, ‘જુગનુ’ જેવી ફિલ્મો
કરી. હું લાહોરની નાનકડી ‘બેબી નૂરજહાં’માંથી મુંબઈ આવીને ‘બેગમ નૂરજહાં’ બની. આ બધી
ફિલ્મોમાં જો સૌથી સફળ રહી હોય તો એ હતી ફિલ્મ ‘અનમોલ ઘડી’. એ ફિલ્મમાં નૌશાદ સાહેબનું
સંગીત-દિગ્દર્શન અને ગાયક સુરેન્દ્ર સાથે ગાયેલાં મારાં ગીતો આજે પણ અત્યંત લોકપ્રિય છે.
મહેબૂબખાનની આ ફિલ્મ એક ક્લાસિક કૃતિ હતી. એ ફિલ્મમાં હું અભિનેત્રી સુરૈયાને મળી.
‘અનમોલ ઘડી’માં ત્રણ ગીતો એણે પણ ગાયેલાં. એ જ સમયમાં એક અન્ય ગાયિકા, લતા મંગેશકર
પણ ધીમે ધીમે આગળ વધી રહી હતી. મારી એક ફિલ્મ ‘બડી માં’ના ગીતોમાં લતાનો અવાજ છે.
એણે એ ફિલ્મમાં મારી સાથે અભિનય પણ કર્યો. લતા, સુરૈયા અને હું છેક 1943થી મિત્રો છીએ,
1979માં મુંબઈ આવી ત્યારે લતા અને સુરૈયાને મળવાનો પ્રસંગ બન્યો… અમે ત્રણેય જણાં એકમેકને
ભેટીને રડી પડ્યાં. બંને મને ‘દીદી’ કહેતી. લતા મારાથી સાત જ દિવસ નાની છે, પરંતુ હું જીવનભર
એની ‘દીદી’ રહી!

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *