ભાગઃ 1 | નૃત્યાંગના બનવા માગતી હતી, પણ પગ કપાઈ ગયો

નામઃ સુધા ચંદ્રન
સ્થળઃ વિલે પાર્લે (ઈસ્ટ) મુંબઈ
સમયઃ 2023
ઉંમરઃ 57 વર્ષ

હજી હમણાં જ શુટિંગમાંથી પાછી ફરી છું… મેક-અપ ઉતારતા અરીસામાં જોયું ત્યારે જાણે
વિતેલા દિવસોનો એક પ્રવાસ મારી નજર સામેથી પસાર થઈ ગયો. લગભગ રોજ આવું થાય છે,
મોડી રાત્રે નાયગાંવ કે ફિલ્મ સિટીના સ્ટુડિયોથી પાછી ફરતી હોઉં ત્યારે મુંબઈનો ટ્રાફિક અને રોજ
બદલાઈ જતું આ શહેર જોઈને મને મારા નાનપણના દિવસો યાદ આવી જાય છે. મારું મોસાળ
કેરાલામાં છે. મારો જન્મ પણ ત્યાં જ થયો છે. મારા પિતા કે.ડી. ચંદ્રન યુએસઆઈએસ કંપનીમાં
કામ કરતા હતા. એમને અભિનયનો શોખ હતો. ક્યારેક મલયાલમ ફિલ્મોમાં નાના-મોટા રોલ કરેલા.
અમારા જ્ઞાતિના પ્રસંગો હોય ત્યારે મારા પિતા કોમ્પેરિંગ (સંચાલન) કરતા. એમની ઈચ્છા હતી કે,
જીવનમાં હું પણ કંઈ કરું. હું ભણવામાં હોંશિયાર હતી, એટલે મારા માતા-પિતાને એવી અપેક્ષા હતી
કે, હું કદાચ ડૉક્ટર કે એન્જિનિયર બનીશ. બાળપણથી જ મને કલામાં વધુ રસ હતો. ચિત્ર અને નૃત્ય
મારી પ્રિય પ્રવૃત્તિ. અમે નાના હતા ત્યારે વેકેશનમાં મોસાળ જતાં. એ હરિયાળો પ્રદેશ નારિયેળના
અને ફળોના ઝાડ, ડાંગરના ખેતરો અને ભૂરું આકાશ મને હજીયે યાદ છે. ઘરના ચોકમાં મારા મામા-
મામી અને બધાં સગાંવહાલાં એકઠા થતા, અને હું ત્રણ-ચાર વર્ષની હોઈશ ત્યારે ફિલ્મી ગીતો પર
નૃત્ય કરતી. મારી માનું નામ થંગમ ચંદ્રન. ખૂબ પ્રેમાળ અને હિંમતવાળી સ્ત્રી તરીકે હું આજે પણ
એને પ્રણામ કરું છું. હું જે કંઈ છું એમાં મારા માતા-પિતાનો ફાળો બહુ મોટો છે. એમણે મને
જીવવાની અને જીવનમાં આગળ વધવાની હિંમત આપવા માટે પોતાની સમગ્ર શક્તિ અને બચત
ખર્ચી નાખી. ભારતમાં એવા બહુ ઓછા માતા-પિતા હશે જે આજથી લગભગ છ દાયકા પહેલાં
પોતાની દીકરીનું સ્વપ્ન પૂરું કરવા માટે એને નૃત્યની તાલીમ આપવાનો નિર્ણય કરે. એ એવો સમય
હતો જ્યારે નૃત્યાંગનાની કોઈ વિશેષ કારકિર્દી નહોતી, બલ્કે નૃત્ય કરતી સ્ત્રીઓ વિશે સમાજમાં બહુ
ઊંચો અભિપ્રાય પણ નહોતો. એમણે સમાજની કે દુનિયાની પરવાહ કર્યા વગર મારા સ્વપ્નને પૂરું
કરવા માટે મારો સાથ આપ્યો. મને યાદ છે, હું નાની હતી ત્યારે મારું નૃત્ય જોઈને બધા મારી માને
કહેતા કે, ‘તારી દીકરી પાસે કોઈ અદભૂત ભેટ છે.’ વાત સાચી જ હતી, નૃત્યમાં મારી રૂચિ કંઈ વિશેષ જ
હતી. હું જ્યારથી મારું બાળપણ યાદ કરી શકું છું ત્યારથી મેં મારી જાત વિશે એક ડાન્સર-નૃત્યાંગના
સિવાય બીજી કોઈ કલ્પના કરી જ નથી. જ્યારે મારા માતા-પિતાને સમજાયું કે, મારી એ વિશેષ
ભેટને યોગ્ય આકાર આપવો જરૂરી છે ત્યારે એમણે પાંચ વર્ષની ઉંમરે મને મુંબઈના એક પ્રખ્યાત
વિદ્યાલય ‘કલાસદન’માં પ્રવેશ અપાવ્યો. પાંચ વર્ષની કદાચ હું એકલી જ હતી. મારા શિક્ષકોને થોડો
અચકાટ પણ થયો. એમને લાગ્યું કે, મારા માતા-પિતા જબરજસ્તી મને દાખલ કરવા માગે છે, પરંતુ
એમણે જ્યારે મને નૃત્ય કરવાનું કહ્યું ત્યારે સૌ મને જોઈને ચકિત થઈ ગયા. ત્યાંના સુપ્રસિધ્ધ નૃત્ય
શિક્ષક શ્રી કે.એસ.રામાસ્વામી ભાગવતારે મને એમની શિષ્યા તરીકે સ્વીકારી. મારું નૃત્યનું પ્રશિક્ષણ
શરૂ થયું.

બે જ વર્ષમાં ફક્ત સાત વર્ષની ઉંમરે મારા કાર્યક્રમો આયોજિત થવા લાગ્યા. ‘કલાસદન’ના
કાર્યક્રમોમાં હું સૌથી નાની હતી તેમ છતાં મારા સોલો પ્રોગ્રામ્સ પણ આયોજિત થતા હતા. માત્ર
મુંબઈ જ નહીં, બલ્કે છેક દિલ્હી અને ચેન્નાઈ સુધી ‘કલાસદન’ના કાર્યક્રમોમાં મને આમંત્રણ મળવા
લાગ્યું. 16 વર્ષની થઈ ત્યાં સુધીમાં મારા 75થી વધારે પરફોર્મન્સ થયા હતા. ભરતનાટ્યમનું
આરંગનેત્રમ થવામાં બસ એક જ વર્ષની વાર હતી. એ પછી હું રૂક્મણિ દેવી અરૂણ્ડેલની શાળામાં
આગળ નૃત્યનું પ્રશિક્ષણ કરવા માગતી હતી. હું ભણવામાં પણ તેજસ્વી હતી. દસમા ધોરણમાં મારી
સ્કૂલના તમામ છાત્રોની સાથે મારો પહેલો નંબર આવ્યો. મારા માતા-પિતા ખૂબ ખુશ હતા. એમને
મારા વિશે જે કોઈ સ્વપ્ન હતા તે બધા જ ધીરે ધીરે પૂરાં થઈ રહ્યાં હતાં.

જ્યારે આપણને લાગે કે બધું જ બહુ ઝડપથી અને સરળતાથી મળી રહ્યું છે ત્યારે વિધાતાએ
એની પાછળ કોઈક ભયાનક પરિસ્થિતિ સંતાડી રાખી હોય છે, મારી સાથે એવું જ થયું. દસમા
ધોરણની પરીક્ષા પછી અમે મારા મોસાળ ગયા હતા ત્યારે તિરૂચિરાપલ્લીથી મદ્રાસ (ચેન્નાઈ) જતાં
અમારી બસને અકસ્માત થયો. મને હજી એ ક્ષણ યાદ છે. ખૂબ ઝડપથી જઈ રહેલી બસમાં અમે
બધા બેઠાં હતાં. તિરૂચિરાપલ્લીના મંદિરમાં દર્શન કરીને સૌ પાછા ફરી રહ્યા હતા. ગાતા અને મજા
કરતાં અમે બધા ઘરે પહોંચવાની રાહ જોતા હતા ત્યાં અમારી બસ સામેથી આવતી ટ્રક સાથે
અથડાઈ. એટલો ભયાનક ધડાકો થયો અને ટ્રક બસને ઘસાઈને છેક અંદર ધસી આવી. અંદર બેઠેલા
પ્રવાસીઓમાંથી લગભગ સૌ ઘાયલ થયા. મારી મમ્મીને હાથમાં ફ્રેક્ચર થયું, મારા પપ્પાને કપાળમાં
ટાંકા આવ્યા અને મારી પગની એડી તૂટી ગઈ. જમણા પગમાં બહુ જ ઊંડા અને ખરાબ ઘા પડ્યા.
પગની એડીમાં તો પ્લાસ્ટર લગાવ્યું, પણ જમણા પગમાં ગેંગરિન થઈ ગયું. હાડકું એટલી ખરાબ રીતે
તૂટ્યું હતું કે, પ્લાસ્ટર લગાવી શકાય એમ નહોતું. હાડકું સાંધવા જતા જે ટાંકા લીધા એ પાક્યા અને
એ પાકેલા ટાંકામાંથી ધીમે ધીમે સડો એટલો બધો વધી ગયો કે, મારો આખો પગ સડી જવાની
સંભાવના ઊભી થઈ. હું ફક્ત 16 વર્ષની હતી. ડૉક્ટરે મારા માતા-પિતાને સલાહ આપી કે, જો મારો
જીવ બચાવવો હોય તો મારો પગ કાપવો પડશે. મારા માતા-પિતા માટે આ નિર્ણય કેટલો કઠિન હશે
એ હું આજે સમજી શકું છું. એ વખતે તો આવો નિર્ણય કરવા બદલ હું એમનાથી ખૂબ નારાજ હતી.
મારા પિતાએ ખૂબ ધીરજ અને સ્નેહથી મને સમજાવી. અંતે, બીજો કોઈ રસ્તો ન રહ્યો એટલે
ઘૂંટણથી અડધો ફૂટ નીચેનો (સાડા સાત ઈંચ) પગ કાપી નાખવો પડ્યો.

લગભગ દોઢ વર્ષ હું પથારીમાં રહી. પગ કાપી નાખ્યા પછી પણ મારી મુસીબતોનો અંત
નહોતો આવ્યો. પગમાં થયેલો સડાને કારણે લગભગ એક વર્ષ સુધી મને રોજ તાવ આવતો. પગ કાપી
નાખ્યા પછી રૂઝ આવતા છ મહિના થયા. એ પછી ઊભી થઈને ચાલવાનું શરૂ કર્યું ત્યારે મારી
જિંદગી એક એવા વળાંક પર આવીને ઊભી હતી જ્યાંથી આગળ મને કશું જ દેખાતું નહોતું… ‘એક
પગ વગર હવે નૃત્યની કારકિર્દી કેવી રીતે બનાવીશ’ એવો સવાલ મને રોજ થતો. મારા પિતા અને
મારી મમ્મીએ મારું ખૂબ ધ્યાન રાખ્યું. માત્ર શારીરિક જ નહીં, હું માનસિક રીતે પણ ફરી એકવાર
ઊભી થવા સક્ષમ બની, એ માટે એમણે આખી જિંદગીની બચત અને પોતાની તમામ શક્તિ કામે
લગાડી દીધી.

આજે, હું 57 વર્ષની છું. અનેક ટીવી સીરિયલ્સ અને ફિલ્મોમાં મેં અભિનય કર્યો છે. તમે પણ
મને જોઈ જ હશે. મારી સીરિયલ્સ, ‘નાગિન’, ‘અદાલત’ (2011), ‘બહુરાનિયાં’ (1990),
‘ચંદ્રકાંતા’ (1994-96), ‘કભી ઈધર કભી ઉધર’ (1997), ‘ચશ્મે બદ્દુર’ (1998-99), ‘અંતરાલ’
(1999), ‘કૈસે કહૂં’ (2001), ‘કહીં કિસી રોજ’ (2001-04), ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’
(2004-08), ‘કસ્તૂરી’ (2007-09), ‘હમારી બહુ તુલસી’ (1990), ‘જાને ભી દો પારો’ (1997),
‘શાસ્ત્રી સિસ્ટર’ (2014) વગેરે સીરિયલ્સથી મને ખૂબ પ્રસિધ્ધિ મળી. આજે, હું ખૂબ કામ કરું છું,
બિઝી છું… સફળ પણ છું, પરંતુ એ વખતે 1982માં મને આપઘાત કરવાનો વિચાર પણ આવેલો!

નૃત્ય વગર મારી જિંદગી અધૂરી છે એવું મને સતત લાગતું હતું ત્યારે મારી માએ મને હિંમત
આપી. એણે મને કહ્યું કે, જગતમાં કશું જ અશક્ય નથી. એણે મને વિલ્મા રૂડોલ્ફનો ફોટો બતાવ્યો
અને એના જીવનની કથા કહી. ડૉક્ટર્સે કહ્યું હતું કે, એ ઊભી પણ નહીં થઈ શકે, પરંતુ એ ચાલી
એટલું જ નહીં… એ દોડી અને ઓલિમ્પિકમાં એ ત્રણ ગોલ્ડ મેડલ જીતનારી પહેલી સ્ત્રી બની. મેં
પણ નક્કી કરી લીધું! ઊભી થઈશ, એટલું જ નહીં… ફરી એકવાર નૃત્ય કરીશ. કાર્યક્રમો આપીશ અને
જગતને બતાવીશ કે એક પગ વગર પણ જીવનમાં કશું અટકતું નથી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *