નામઃ વૈજયન્તી માલા
સ્થળઃ ચેન્નાઈ
સમયઃ 2007
ઉંમરઃ 74 વર્ષ
જિંદગીના 75 વર્ષ પૂરાં થવાની તૈયારીમાં છે ત્યારે બોલિવુડમાં એક વિવાદ ઊભો થયો છે. હું
હવે બોલિવુડનો હિસ્સો છું જ નહીં. મુંબઈ છોડ્યાને 35 વર્ષથી વધુ થઈ ગયા, એથી વધુ વર્ષ મારા
લગ્નને થયા. મારે હવે મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ લેવાદેવા નથી તેમ છતાં, સમયસમયાંતરે
કોઈ પ્રોડ્યુસર આવી ચડે છે. મારે ફિલ્મોમાં કામ કરવું જોઈએ એવા આગ્રહ અને અનુરોધ સાથે મોં
માગી રકમની ઓફર કરવામાં આવે છે, પરંતુ હવે મારે ફિલ્મોમાં કામ નથી કરવું એ નક્કી છે.
1968માં ડૉ. ચમનલાલ બાલી સાથે લગ્ન કર્યાં પછી મેં ફિલ્મી કારકિર્દીને તિલાંજલિ આપવાનું
નક્કી કરી લીધું હતું. આમ પણ, મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહીને સતત વિવાદોમાં ઘેરાયેલા રહેવા
કરતાં અમે બંને જણાંએ મુંબઈ જ છોડી દેવાનો નિર્ણય કરી દીધો હતો. 1970, છેલ્લા ત્રણ દાયકા
કરતાં વધુ સમયથી હું ચેન્નાઈમાં રહું છું.
તમિલ અને તેલુગુ ફિલ્મો માટે પણ અનેક ઓફર્સ આવે છે, પરંતુ મેં તો નક્કી જ કર્યું હતું કે,
મારે હવે અભિનેત્રી તરીકે કામ નથી કરવું-બલ્કે સમાજસેવા, ઓર્ગેનિક ફાર્મિંગ અને નૃત્યકલાને મારા
જીવનમાં વધુ મહત્વ આપવું છે. એ વખતથી જ મેં ઓર્ગેનિક ફાર્મિંગ, ભરતનાટ્યમ્, નૃત્ય માટેનું
કલાકેન્દ્ર અને બીજા ઘણા કામોમાં મારી જાતને પરોવી છે. આજે 74 વર્ષની ઉંમરે હું દિવસના 12થી
14 કલાક કામ કરું છું.
મેં મારી આત્મકથા લખી, ત્યારથી બોલિવુડમાં આ વિવાદ ઊભો થયો છે. મારી આત્મકથાનું
નામ છે, ‘બોન્ડિંગ… એ મેમોએર’ જે મેં જ્યોતિ સબરવાલ સાથે મળીને લખી છે. જ્યારથી એ
આત્મકથા પ્રગટ થઈ. એ આત્મકથામાં મેં ફિલ્મી દુનિયાના કેટલાક મહાન અભિનેતાઓની સચ્ચાઈ
ખુલ્લી પાડી છે. હું જાણતી જ હતી કે, આ લખ્યા પછી વિવાદ ઊભો થશે, પરંતુ આત્મકથા તો
ક્યારેય કોઈનાથી ડરીને લખાય જ નહીં. મારે જો ખરેખર મારા જીવન વિશે કશું કહેવું હોય તો એમાં
ભારોભાર સત્ય હોવું જોઈએ એવી દ્રઢ માન્યતા સાથે મેં મારી આત્મકથામાં રાજ કપૂર સાથેના મારા
કથિત અફેર વિશે સત્ય જાહેર કર્યું. ‘સંગમ’ના થોડા સમય પહેલાંથી ફિલ્મને ગોસિપના ચકડોળે
ચડાવવા માટે પત્રકારો અને રાજ કપૂરની પી.આર. એજન્સી દ્વારા અમારા અફેરની વાત ઉડાવવામાં
આવી હતી. મને ક્યારેય રાજ કપૂર સાથે એવો અંગત સંબંધ હતો જ નહીં. સૌ જાણે છે કે આર.કે.ની
‘ઈનહાઉસ હીરોઈન’ નરગીસ હતી.
નરગીસે ‘મધર ઈન્ડિયા’ સાઈન કરી એ રાજ કપૂરને નહોતું ગમ્યું એટલે એમના સંબંધોમાં
ત્યારથી જ તિરાડ પડવા લાગી હતી. એ પછી ‘મધર ઈન્ડિયા’ના સેટ પર આગ લાગી, સુનીલ દત્તે
આગમાં કૂદીને નરગીસને બચાવી. 1957માં ફિલ્મ રિલીઝ થઈ અને 1958માં નરગીસે સુનીલ દત્ત
સાથે લગ્ન કરી લીધા, ત્યારે રાજ કપૂરનું દિલ તો તૂટ્યું જ, પરંતુ આર.કે.માં હિરોઈનની એક મોટી
ખોટ પડી. ત્યારે પહેલીવાર મને રાજ કપૂર સાથે ફિલ્મ મળી, જેનું નામ હતું, ‘નઝરાના’, પરંતુ એ
પહેલાં મારી ફિલ્મ ‘સાધના’ અને ‘ગંગા જમુના’ સુપરહીટ થઈ ચૂકી હતી. મારે માટે ગ્લેમર કોઈ નવી
વાત નહોતી. મારી મા વસુંધરાદેવી તમિલ ફિલ્મોની જાણીતી અભિનેત્રી હતી. મારા પિતા એમ.ડી.
રામાસ્વામી એક પ્રતિષ્ઠિત અને મોટા માણસ હતા. જેમને કારણે ફક્ત પાંચ વર્ષની ઉંમરે પહેલીવાર
એક નૃત્યાંગના તરીકે મને નામદાર પોપની હાજરીમાં નૃત્ય કરવાનો અવસર મળ્યો હતો. હું સ્કૂલના
છેલ્લા વર્ષમાં હતી ત્યારે 15 વર્ષની ઉંમરે એમ.વી. રમણ નામના અમારા પારિવારિક મિત્રએ એમની
તામિલ ફિલ્મ ‘વઝકાઈ’માં મને રોલ આપ્યો. ફિલ્મ સુપરહિટ થઈ અને હિન્દીમાં એની રિમેક થઈ
જેનું નામ ‘બાઝાર’ હતું. 1949માં મારી પહેલી ફિલ્મથી શરૂ કરીને મેં 62થી વધારે ફિલ્મો કરી છે.
ચાર ફિલ્મફેર એવોર્ડ્ઝ, બે નેશનલ એવોર્ડ્ઝ અને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ પણ મને મળ્યા
છે. મારે શા માટે કોઈ વિવાદ ઊભો કરવો જોઈએ? મેં જે લખ્યું છે એ સત્ય છે… નિર્વિવાદ સત્ય!
મારી બાયોગ્રાફીના જવાબમાં રિશી કપૂરે પહેલા ટ્વિટર પર અને પછી પોતાની બાયોગ્રાફી
‘ખુલ્લમ ખુલ્લા’માં મારા અને રાજ કપૂરના અફેર વિશે લખ્યું. એણે લખ્યું કે, એ બાર વર્ષનો હતો.
એને બધું યાદ છે, એવો દાવો કરતાં એણે આક્ષેપ કર્યો કે, કૃષ્ણા કપૂર, એમના માતા અને રાજ કપૂરના
પત્ની મારી સાથેના અફેરને કારણે પોતાનું ઘર છોડીને નટરાજ હોટેલમાં પોતાના પાંચ બાળકો સાથે
શિફ્ટ થઈ ગયા હતા. એમણે રાજ કપૂરને તાકીદ કરી હતી કે, જો એ મારી સાથેનો અફેર પૂરો નહીં
કરે અને જીવનભર મારી સાથે કામ નહીં કરવાનું વચન નહીં આપે તો કૃષ્ણા કપૂર ક્યારેય ઘરે પાછા
નહીં ફરે. એ પછી રાજ કપૂરે પોતાની પત્ની અને બાળકો માટે એક એપાર્ટમેન્ટ ખરીદ્યો જેમાં કૃષ્ણા
કપૂર સાત મહિના રહ્યાં. એ પછી રાજ કપૂરે વચન આપ્યું કે, ‘વૈયજન્તી માલા હવે આર.કે.
સ્ટુડિયોની કોઈ ફિલ્મમાં નહીં હોય.’ એ પછી જ કૃષ્ણા કપૂર પોતાને ઘેર પાછા ફર્યા. આ રિશી
કપૂરનો દાવો છે જે જરાય સાચો નથી, પરંતુ સત્ય શું હતું એ કહેવા માટે હવે રાજ કપૂર નથી… મારી
વાત કોઈ માને કે ન માને, મને કોઈ ફેર પડતો નથી.
મેં મારા જીવનના ઉત્તમ વર્ષો, ફિલ્મો અને કારકિર્દી જોયાં છે. 15 વર્ષની ઉંમરથી શરૂ કરીને
જિંદગીના બે દાયકા સુધી મેં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. છેલ્લે, 1975માં યશ ચોપરાએ મને
‘દીવાર’માં અમિતાભ બચ્ચનની માતાનો રોલ કરવા માટે ખૂબ સમજાવી હતી. અંતે, એ રોલ નિરૂપા
રોયે કર્યો. મારે માટે ફિલ્મો કે ફિલ્મ સાથે જોડાયેલા વિવાદથી મળતી પબ્લિસિટીનું કોઈ મહત્વ નથી.
મારે માટે મારી ફિલ્મો મારી કલાને પ્રદર્શિત કરવાનું માધ્યમ હતું. લગભગ ચાર વર્ષમાં 14 ફિલ્મો રજૂ
થયા પછી હું એક સફળ હિરોઈન હતી ત્યારે બિમલ રોય મારી પાસે ‘દેવદાસ’ની કથા લઈને આવ્યા.
‘દેવદાસ’ બનતી હતી ત્યારે દિલીપ કુમાર પણ પોતાની કારકિર્દીની ટોચ પર હતા. એ એવો સમય
હતો જ્યારે દિલીપ કુમાર અને રાજ કપૂર વચ્ચે જબરજસ્ત ઈગો પ્રોબ્લેમ ચાલતા હતા. દિલીપ
કુમાર સાથે કામ કરે એ કોઈ હિરોઈનને આર.કે.માં જલ્દી ચાન્સ મળતો નહીં, આમ પણ આર.કે.
પાસે એમની પોતાની હિરોઈન નરગીસ હતી.
નરગીસ અને દિલીપ કુમારનો અફેર ‘અંદાઝ’ ફિલ્મમાં લગભગ શરૂ થવાની તૈયારીમાં જ
હતો. એ પહેલાં રાજ કપૂરે નરગીસ સાથે એમની પહેલી ફિલ્મ ‘આગ’ બનાવી હતી. આર.કે.
સ્ટુડિયોની સ્થાપના થઈ હતી. રાજ કપૂર દિગ્દર્શક-અભિનેતા તરીકે પહેલીવાર સફળ થયા હતા.
‘અંદાઝ’માં રાજ-નરગીસ અને દિલીપ એક સાથે આવ્યાં, એ દરમિયાન રાજ કપૂરે નરગીસને પોતાના
પ્રેમમાં ગિરફતાર કરી લીધી. એ પછી રાજ કપૂર અને નરગીસની જોડી સુપરહિટ રહી અને અમે
પહેલી ફિલ્મ ‘દેવદાસ’ કરી. 1955માં જ્યારે ‘દેવદાસ’ રિલીઝ થઈ ત્યારે મને સર્વશ્રેષ્ઠ સહાયક
અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર આપવાની જાહેરાત થઈ. એ સમયે પહેલો વિવાદ મારા જીવનમાં
સર્જાયો. મેં સહાયક અભિનેત્રીનો પુરસ્કાર સ્વીકારવાની ના પાડી દીધી. હું ‘દેવદાસ’માં સહાયક
અભિનેત્રી નહોતી… ચંદ્રમુખીનું પાત્ર, પારોના પાત્ર કરતાં સહેજેય ઉતરતું કે ઓછું નથી, બલ્કે એક
રીતે જોવા જઈએ તો એ ફિલ્મમાં બે સમાંતર હિરોઈન હતી. જો શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો એવોર્ડ બે
જણાં વચ્ચે વહેંચાયો હોત, તો મેં ચોક્કસ સ્વીકાર્યો હોત, પરંતુ સહાયક અભિનેત્રીનો એવોર્ડ
સ્વીકારવાની મેં ના પાડી જે મારો પહેલો ફિલ્મફેર પુરસ્કાર હતો!
એ વખતે આખું બોલિવુડ હલી ગયું. જે એવોર્ડ મેળવવા માટે અભિનેત્રીઓ પડાપડી કરતી
હોય એ એવોર્ડ સ્વીકારવાની કોઈ ના કેવી રીતે પાડે! એ પછી રાજ અને નરગીસનો અફેર
બોલિવુડના ઈતિહાસની એક મહત્વની કથા બની ગઈ… અને દિલીપ કુમાર સાથે મેં એક પછી એક
સફળ ફિલ્મો આપી જેમાં ‘નયા દૌર’, ‘સંઘર્ષ’, ‘ગંગા જમુના, ‘મધુમતિ’ જેવી ઐતિહાસિક ફિલ્મોનો
સમાવેશ થાય છે. હું કંઈ હિન્દી ફિલ્મો પર આધારિત નહોતી, મેં એ દરમિયાન તેલુગુ અને તામિલમાં
પણ સુપરહિટ ફિલ્મો કરી. પબ્લિસિટી માટે મારે કોઈ ખોટા વિધાન કરવાની કે હવે, આ ઉંમરે કોઈ
ઈમેજ ઊભી કરવાની જરૂર નથી તેમ છતાં, રોજ કોઈને કોઈ અખબારની ઓફિસમાંથી મારે ત્યાં ફોન
આવે છે. રિશી કપૂરે કરેલા વિધાન ઉપર મારે કંઈ કહેવું છે કે નહીં, એવું મને રોજ પૂછવામાં આવે છે.
મારે શું કહેવાનું હોય?
(ક્રમશઃ)