ભાગઃ 2 | હું આનંદી જોશીનાં પતિ તરીકે ઓળખાઈશ તો મને ગૌરવ થશેઃ ગોપાળરાવ જોશી (1875)ભાગઃ 2 |

નામઃ ડૉ. આનંદી ગોપાળ જોશી
સ્થળઃ કોલ્હાપુર
સમયઃ 1886
ઉંમરઃ 21 વર્ષ

આજે, જ્યારે સફેદ એપ્રન પહેરીને હું એલ્બર્ટ એડવર્ટ હોસ્પિટલમાં દાખલ થવું છું ત્યારે
મારા પતિ ગોપાળની આંખોમાં દેખાતો આનંદ અને ગૌરવથી મારી આંખોમાં પાણી આવી જાય છે.
કોઈ દિવસ કલ્પના નહોતી કરી કે, હું અમેરિકા જઈને મેડિકલનું જ્ઞાન મેળવીશ. પાછી ફરીને મારા
દેશમાં સ્ત્રીઓ અને બાળકોની ચિકિત્સા કરીશ… આજે જે કંઈ પણ કરી શકી છું અથવા કરું છું એને
માટે હું મારા પતિ ગોપાળરાવ જોશીની ઋણી છું. જો એણે આટલા કડક થઈને મારા શિક્ષણ માટેનો
આગ્રહ ન રાખ્યો હોત તો કદાચ હું કશું જ બની શકી ન હોત.

અમારા લગ્ન પછી મારા માતા-પિતા સાથે કરેલી શરત પ્રમાણે એમણે પહેલા અને બીજા
ધોરણના પુસ્તકો મારાં માતા-પિતાને આપ્યા, પણ મારી મા તો દીકરીને ભણાવવાની વિરુધ્ધ હતી,
એટલે એણે તો એ પુસ્તકને સીધા કોઠારમાં નાખી દીધા અને મને રસોઈના કામમાં લગાડી. એ
જમાનામાં છોકરીને રજોદર્શન (મેન્સ્ટ્રુએશન) પહેલાં પરણાવી દેવામાં આવતી, પરંતુ એની વિદાય
ત્યારે જ કરવામાં આવતી જ્યારે છોકરી ઋતુમતિ થાય. હું મારા સાસરે જાઉં તે પહેલાં રસોઈ અને
ઘરનું બધું જ કામ શીખી જાઉં એવી ઈચ્છા સાથે મારી માએ મારી કડક ટ્રેનિંગ કરવા માંડી, એમાં
ભણવાનું તો ભૂલાઈ જ ગયું. મારા પિતાને ગોપાળરાવના સ્ત્રી શિક્ષણના આગ્રહ વિશે જાણ હતી,
એટલે એમણે માથી છૂપાવીને મને નાના નાના વાક્યો વાંચતા અને 20 સુધીના પહાડો બોલતા
શીખવી દીધેલા.

મારા પતિ ગોપાળરાવની નોકરી ત્યારે કલ્યાણ (મુંબઈ)માં હતી. લગ્નના લગભગ છ મહિના
પછી મકરસંક્રાતિ આવતી હતી. એમને સંક્રાતિ નિમિત્તે મારા પિતાએ નિમંત્રિત કર્યા, એટલે એ
કલ્યાણથી પૂના આવ્યા. આવતાની સાથે પાણી પીધા વગર એમણે પહેલો જ સવાલ પૂછ્યો,
‘ભણવાનું કેવું ચાલે છે?’ હું કોઈ જવાબ ન આપી શકી. મારે બદલે મારી માએ જ જવાબ આપી દીધો,
‘મેં જ ના પાડી છે. એની ચોપડીઓ મેં ઉપર કોઠારમાં નાખી દીધી છે. છોકરીએ ઘરકામ શીખવાનું છે. એ હું
એને શીખવી રહી છું… તમને કોઈ દિવસ ખાવાપીવાની તકલીફ નહીં પડે. તમારા સંસારમાં કોઈ
ફરિયાદ ઊભી નહીં થાય એની હું તમને ખાતરી આપું છું.’ મારા પતિ આટલું સાંભળતા જ ચીડાઈ
ગયા. એમણે મારી માને કહ્યું, ‘હવે એ મારી પત્ની છે અને એણે મારી ઈચ્છા મુજબ જ રહેવું પડશે.
એટલે તમે જો એને તમારી ઈચ્છા મુજબ રાખવા માગતા હો તો તમારા ઘરમાં જ રાખો.’ મારા
માતા-પિતા સ્તબ્ધ થઈ ગયા. હજી તો જમવાનું બાકી હતું. મારા પિતાએ માંડ માંડ સમજાવીને
ગોપાળરાવને જમવા બેસાડ્યા. જમ્યા પછી હું એમને પાન આપવા ગઈ ત્યારે મેં એમને ધીમેથી કહ્યું,
‘મને બધા પહાડા મોઢે છે’ અને મેં ફટાફટ પલાખાં બોલી બતાવ્યા એટલું જ નહીં. ત્યાં પડેલું એક
મરાઠી પુસ્તક ઊંચકીને એમાંથી વાક્યો પણ વાંચી બતાવ્યા. જોકે, એમને સંતોષ ન થયો. એ રાત
રોકાયા વગર જ ચાલી ગયા એટલું જ નહીં, એમણે સાત મહિના સુધી મારા પિતાના એક પણ પત્રનો
ઉત્તર ન આપ્યો. મારા માતા-પિતાને ચિંતા થવા લાગી. લગ્ન કર્યા પછી જો ગોપાળરાવ મને લેવા ન
આવે, તો મારે ત્યક્તાનું જીવન વિતાવવું પડે. એ જીવતા હોય ત્યાં સુધી મારા બીજા લગ્ન પણ થઈ
શકે નહીં અને બ્રાહ્મણ સમાજમાં છૂટાછેડા જેવો શબ્દ તો ક્યારેય હતો જ નહીં. હવે મારી માતાને
પણ સમજાયું કે, ગોપાળરાવની જીદ સામે હથિયાર નાખવા જ પડશે. મારું શિક્ષણ શરૂ થયું. હું
ભણવામાં હોશિયાર હતી એટલે પહેલા અને બીજા ધોરણની પરીક્ષા મેં સાથે આપી. મારું પરિણામ
આવ્યું એ મારા પિતાએ ગોપાળરાવને પત્ર દ્વારા મોકલ્યું. અમે કોઈએ નહોતું ધાર્યું, પણ ગોપાળરાવ
ત્રીજે જ દિવસે પૂના આવી પહોંચ્યા અને એમણે મારા પિતાને જણાવ્યું કે હવે મારે ફાઈનલની
પરીક્ષા આપવાની છે. મારી માના તદ્દન અણગમા સાથે એક તરફ મેં ફાઈનલની પરીક્ષા આપી, અને
બીજી તરફ હું 14 વર્ષની ઉંમરે ઋતુમતિ થઈ. મારા ફાઈનલનું પરીક્ષાનું પરિણામ ગોપાળરાવને મળ્યું
અને એ મને લઈ જવા માટે આવી પહોંચ્યા. હવે ‘પતિ’ એટલે શું એ હું સમજી શકતી હતી. એમની
સાથેનું મારું જીવન કેવું હશે એ વિશે સપનાં જોવા લાગી હતી.

એમણે આવતાની સાથે સૌથી પહેલાં મને અભિનંદન આપ્યા અને કહ્યું, ‘હું તારી પ્રગતિથી
ખૂબ જ ખુશ છું. હવે તારે અંગ્રેજી ભણવાનું શરૂ કરવું જોઈએ.’ આટલું સાંભળતાં જ મારી માના
હોશકોશ ઊડી ગયા, ‘બ્રાહ્મણની દીકરી યાવની ભાષા ભણશે? શિવ! શિવ! શિવ!’ એનું ચાલ્યું હોત
તો એણે મને ગોપાળરાવ સાથે મોકલવાની ના જ પાડી દીધી હોત, પરંતુ પરણેલી દીકરીને કેટલા
દિવસ ઘરમાં રખાય? એટલે અંતે એણે મારા પાલવમાં લીલી બંગડી, ચોખા અને નારિયેળ મૂકીને,
શુભ-શુકન જોઈને મને મારા પતિને ઘેર રવાના કરી.

હવે મારા પતિની બદલી અલીબાગ થઈ હતી એટલે અલીબાગમાં અમે નાનકડું ઘર ભાડે લીધું
હતું. અમારો સંસાર શરૂ થયો, પરંતુ અમે પતિ-પત્ની કરતાં વધારે શિક્ષક અને વિદ્યાર્થિની હતા. સૂતા
પહેલા રોજ મારે ત્રણ પાનાં અંગ્રેજી વાંચવા પડતા. એમાં અઘરા શબ્દો નીચે લીટી કરીને, એના
મરાઠી અર્થ શોધીને ગોપાળરાવને જણાવવા પડતા. એ દરમિયાન ગોપાળરાવના પહેલાં પત્નીના
પિતાનું અવસાન થયું. ગોપાળરાવનો દીકરો અત્યાર સુધી એમની પાસે રહેતો હતો, હવે એના પહેલા
સાસુ અને દીકરો કૃષ્ણા અમારી સાથે રહેવા આવ્યો. સાત વર્ષનો કૃષ્ણા અને 15 વર્ષની હું… એની
મા! હવે કૃષ્ણા અને મારું શિક્ષણ સાથે સાથે ચાલવા લાગ્યું. હું ઘરકામ ન કરું કે વાંચવાનું ટાળું
અથવા બગીચામાં શાકભાજી ઉગાડવા પાછળ સમય બગાડું કે અથાણા નાખું, તો કૃષ્ણા મારી ફરિયાદ
કરી દેતો. અમે સાથે ભણવા બેસીએ ત્યારે એકબીજા સાથે લડતા-ઝઘડતા ને ક્યારેક કૃષ્ણા મારા પર
હાથ ઉપાડતો ત્યારે હું એને કહેતી, ‘મી તુઝી આઈ આહે.’ ને ત્યારે, ગોપાળરાવ અને કૃષ્ણાના નાની
હસી પડતાં. 15 વર્ષની મા ને સાત વર્ષનો દીકરો, જોકે અમે એકબીજાને બહુ પ્રેમ કરતાં.
ગોપાળરાવના કડક શિક્ષણ અને સજાથી ક્યારેક હું કૃષ્ણાને બચાવતી તો ક્યારેક કૃષ્ણા મને!

જોકે, ગોપાળરાવના પહેલાં સાસુને આ બધું મંજૂર નહોતું. એમને મારા શિક્ષણ સામે વાંધો
જ હતો, એટલે ગોપાળરાવ પોસ્ટ ઓફિસે જાય પછી એ ઘરનું ખૂબ કામ શોધી કાઢતા. પોતે યુવાન
અને સ્વસ્થ હોવા છતાં રસોડામાં હાથસુધ્ધા લગાડતા નહીં. આખા દિવસના કામ પછી રાત્રે ભણવા
બેસીએ ત્યારે મને ઝોકું આવી જતું. એક દિવસ હું ઝોકે ચડી ને ગોપાળરાવે મારો કાન એવો તો
આંબળ્યો કે મારાથી ચીસ પડાઈ ગઈ. એમણે નેતરની સોટી લઈને મારા હાથમાં બે સબાકા બોલાવ્યા
ત્યારે, મેં એમને કહ્યું, ‘આખા દિવસના ઘરકામ પછી મારાથી નથી ભણાતું. આઈ (હું એમને મા જ
કહેતી) મને એક ઘડીનો આરામ નથી આપતા.’ ગોપાળરાવે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો
ત્યારે એમના સાસુએ એમને કહ્યું, ‘હું ઘરનું કોઈ કામ નહીં કરું. તમારા બાળકનું ધ્યાન રાખવું એ મારું કામ
છે, પણ હું આ ઘરની નોકર નથી’ ગોપાળરાવ કશું જ બોલ્યા નહીં, પરંતુ સવારે પાંચ વાગ્યે રસોડામાં
વાસણનો ખખડાટ સાંભળીને હું ઊઠી ત્યારે મેં જોયું કે, ગોપાળરાવે ચાર વાગ્યે ઊઠીને કૂવામાંથી
પાણી ખેંચીને કપડાં ધોઈ નાખ્યા હતા, રસોઈ પણ બનાવી દીધી હતી. ફક્ત રોટલા કરવાના બાકી
હતા. હું અપરાધી જેવી એમની સામે ઊભી રહી, રડવા લાગી, ‘હું છું તો તમારે આ બધું શા માટે
કરવું પડે’ મેં એમને કહ્યું.

”સ્ત્રી અને પુરુષના કામ જુદા નથી. ઈશ્વરે બંનેને સરખી શક્તિ, સરખી બુધ્ધિ આપી છે.
સ્ત્રી ઘરકામ જ કરે અને પુરુષ બહારનું જ કામ કરે એવા વિભાગો સમાજે પાડ્યા છે, ઈશ્વરે નહીં. તું
આવી ત્યાં સુધી હું બધું જાતે જ કરતો હતો. મને કોઈ તકલીફ પડતી નહોતી, પણ તું જો નહીં ભણે
તો મને તકલીફ પડશે…” એમણે કહ્યું અને ડઘાઈને ઊભેલા એમના સાસુ અને કૃષ્ણાની સામે એમણે
મારા ખભે હાથ મૂકીને સ્નેહથી ઉમેર્યું, ‘હું તને દેશની પહેલી અંગ્રેજીમાં ભાષણ આપતી સ્ત્રી તરીકે જોવા
માગું છું. હું તારું બધું કામ કરી લઈશ, પણ તારે મારું એટલું કામ કરવું પડશે.’ એમના સાસુ શરમાઈ ગયા
હતા. એમણે ગોપાળરાવની સામે હાથ જોડીને કહ્યું, ‘મહેરબાની કરીને આ નાટક બંધ કરો. કાલથી હું
ઘરનું કામ કરીશ, બસ?’

ગોપાળરાવે જવાબમાં કહ્યું, ‘મારું સ્વપ્ન છે કે, લોકો મને આનંદી જોશીનાં પતિ તરીકે
ઓળખે…’ એમના સાસુ તો બેભાન થવાની તૈયારીમાં જ હતા. આવો તે કોઈ પુરુષ હોય! જે ઘરનું
કામ પોતે કરી લે અને પત્નીને ભણાવે… પોતે પત્નીના નામે ઓળખાવવાનું ગૌરવ અનુભવે! મારાથી
ન રહેવાયું. મેં વાંકા વળીને એમને પ્રણામ કર્યાં, ‘તમે માણસ નથી, દેવ છો.’ મારાથી કહેવાઈ ગયું.
(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *